Posted by: readsetu | January 29, 2012

સંતાનના માર્ગદર્શક

 જાન્યુઆરી 2012 સુવિચારના શૈક્ષણિક વિકાસ અંકમાં પ્રકાશિત

 

 તમારા સંતાનના માર્ગદર્શક કેમ બનશો ? પ્રો. જગદીશ હિરાણી

 

 

કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘણી મૂંઝવણો હોય છે અને કેટલાક વિદ્યાર્થીઓ આ મૂંઝવણોના ઉકેલ શોધવા જેટલા પરિપક્વ હોતા નથી. તમારા સંતાન પણ આ પરિસ્થિતિમાં હોઇ શકે. તમે તેની કારકિર્દીના વિકાસ માટે માર્ગદર્શક બની શકો છો. માર્ગદર્શક બનવા માટે તમારે તમારી જાતને અસરકારક રીતે ઘડવી પડશે અને જરૂરી પાસાઓ સમજવા પડશે.

ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કારકિર્દીના વિકાસ માટેના મહત્વના પરિબળો સમજીએ.

1. વિદ્યાર્થીઓની પોતાની પરિપક્વતા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની તૈયારી.

2. માતા-પિતાની હૂંફ અને માર્ગદર્શન

3. મિત્રવર્તુળની પસંદગી

4. કૉલેજનું વાતાવરણ અને કૉલેજના પ્રાધ્યાપકોની વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેની દૃષ્ટિ નિષ્ઠા.

આ બધા પરિબળો અગત્યના છે અને દરેક પરિબળો પર જુદી જુદી વ્યક્તિઓનો પ્રભાવ છે. આપણે માતા-પિતા તરીકે શું કરી શકીએ એ બાબત પર વિચારીએ.

1. ઉચ્ચ શિક્ષણ પાયાની જરૂરિયાત છે.

કેટલાક માતા-પિતા આ હકીકત સ્વીકારતા નથી. તેઓ એવું માનતા હોય છે કે ભણ્યા વગર પણ પૈસા કમાવાય છે. કેટલાક એવું પણ માનતા હોય છે કે અમારા ધંધામાં કંઇ ભણવાની જરૂર નથી. સારી છોકરી કે છોકરો જીવનસાથી તરીકે મળે એ માટે સંતાનોને ભનાવવાની ઇચ્છા રાખનારા માતા-પિતા પણ છે. જો માતા-પિતાને ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત સમજાય નહીં તો તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે નહીં. શિક્ષણ જીવન વિશેનો દૃષ્ટિકોણ ઘડે છે એ વાત સ્વીકારીને માર્ગદર્શન આપો.

2. ઊંચી ટકાવારી પણ આવશ્યક છે.

કેટલાક માતા-પિતા એવું માનતા હોય છે કે ઓછા ટકા મેળવનારા વિદ્યાર્થી વધુ વ્યવહારુ હોય છે અને વાસ્તવિક જીવનમાં વધુ સફળ થાય છે. આ સનાતન સત્ય નથી એ સમજવા જેવું છે. કેટલાક વિદ્યાર્થીઓ મૂળભૂત શક્તિ ધરાવતા હોવા છતાં મહેનત કરવાની પરિપક્વતાને અભાવે ઓછા ટકા મેળવતા હોય છે. આવા વિદ્યાર્થીને ઊંચી ટકાવારી આવશ્યક છે એ વાત જો માતા-પિતા સમજાવી શકે તો વિદ્યાર્થી ધાર્યું પરિણામ મેળવી શકે છે. ઊંચી ટકાવારી લાવવા માટે મહેનત કરનાર વિદ્યાર્થી જિદગીભર જવાબદાર નાગરિક બનવાના ગુણ કેળવી શકે છે.

3. શિક્ષણનો ખર્ચ દિવસે દિવસે વધતો જાય છે.

શિક્ષણનો ખર્ચ અને માતા-પિતાની આર્થિક મર્યાદા વિશે સંતાનોને માહિતગાર બનાવવા ખૂબ જરૂરી છે. મધ્યમ અને નબળા વર્ગના માતા-પિતા ક્યારેક સંતાનો સાથે આ બાબત ચર્ચા કરવાનું ટાળતા હોય છે. આ બાબતની સાચી સમજ આપવાથી તમારા સંતાન શિક્ષણ સિવાયના બિનજરૂરી ખર્ચા ઘટાડવાનું વિચારી શકે. પૈસેટકે પોસાઇ શકે એવા માતા-પિતાએ પણ બિનજરૂરી ખર્ચા નહીં કરતા સંતાનોને સમજાવવું જોઇએ. પૈસા ખરચવા માટે સમયનો ભોગ આપવો પડે છે. ખોટા ખર્ચ કરવાની આદત અભ્યાસમાંથી ધ્યાન વિકેન્દ્રિત કરે છે. તમારા સંતાન ક્યાં કેટલા પૈસા ખર્ચે છે એનો હિસાબ માગવો એ કંઇ અજુગતું નથી એ વાત સ્વીકારો.

4. સરકારી કૉલેજમાં ઓછા ખર્ચે ભણવાની તક ઝડપવા જેવી છે.

વધતી જતી સ્વનિર્ભર કૉલેજોની સંખ્યા અને આવી કૉલેજ દ્વારા કરાતી જાહેરાતો અને ઊભી કરાયેલી ભવ્ય ઇમારતો ક્યારેક ઓછી આવકવાળા માતા-પિતાના સંતાનોને પણ લલચાવે છે. આવી લાલચ તમારા સંતાનોને ન થાય એ માટે સજાગ રહો અને તેમને વધુ મહેનત કરી ઊંચી ગુણવત્તા લાવી સરકારી કૉલેજમાં ઓછા ખર્ચે ભણવાની પ્રેરણા આપો. માતા-પિતા તરીકે સંતાનને ઉચ્ચ શિક્ષણ આપવા સિવાયની તમારી બીજી જવાબદારીઓ પણ છે એ હકીકત સમજાવો.

5. સ્વનિર્ભર કૉલેજ દ્વારા ઊંચી ગુણવત્તાવાળું શિક્ષણ મળી શકે છે.

સ્વનિર્ભર કૉલેજોની વધતી જતી સંખ્યા શિક્ષણમાં હરિફાઇનું વાતાવરણ ઘડી રહી છે. કેટલીક સ્વનિર્ભર કૉલેજો ઊંચી ગુણવત્તાવાળા શિક્ષણ માટે તૈયાર થઇ રહી છે. વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવું ઊંચી ગુણવત્તાવાળું શિક્ષણ મેળવી શકે એવું વાતાવરણ ગુજરાતમાં ઘડાઇ રહ્યું છે. આવી કૉલેજોના લાભ લેવાની ઇચ્છા ધરાવનારા માતા-પિતાએ પોતાની આર્થિક સદ્ધરતા માટે તૈયારી કરવી જરૂર્રી છે. આર્થિક સહાય માટે બેંક દ્વારા મળતી લોન વિશે માહિતી પણ મેળવી લેવી જરૂરી છે. ક્યારેક માતા-પિતાના આયોજનના અભાવે વિદ્યાર્થી  પોતાની ફી સમયસર ભરી શકતા નથી અને તેના કારણે તેના અભ્યાસને અસર થાય છે. નબળી આર્થિક સ્થિતિવાળા માતા-પિતાએ સ્વનિર્ભર કૉલેજની પસંદગી કરતાં પહેલાં આર્થિક આયોજન કરવું ખૂબ જરૂરી છે.

6. તરુણ અવસ્થાની માનસિક મૂંઝવણ પણ સમજવા જેવી છે.

તરુણ અવસ્થાના ઘણા પ્રશ્નો છે. દરેક માતા-પિતા આ પરિસ્થિતિમાંથી પસાર થયેલા હોય છે પણ સંતાનો સાથેના વહેવારમાં આ વાત ભૂલી જાય છે. માતા-પિતાના સુચનો ન સ્વીકારવા, ઊંચા અવાજે સાચી વાતનો પણ વિરોધ કરવો, અભ્યાસને પણ અવગણીને મિત્રો સાથે હરવું-ફરવું, મોડી રાતના ઉજાગરા, વહેલા ન ઊઠવું વગેરે બાબતો તરુણાવસ્થા સાથે જોડાયેલ છે. આ બધી નબળાઇ પર કાબુ લેવા તમારા સંતાનોને તૈયાર કરવા એ જ માતાપિતાની મોટી જવાબદારી છે.

જ્યારે સંતાનો તમારી વાત-સૂચન ન સ્વીકારે ત્યારે ગુસ્સો કે જોહુકમી ન કરતાં પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું કરો. કોઇપણ નિર્ણય લેતાં પહેલાં ચર્ચા કરો અને નિર્ણય લેવામાં તમારા સંતાનોને ભાગીદાર બનાવો. યુવાન સંતાનોને બાળક તરીકે જોવાનું છોડી તેમની સાથે માનપૂર્વકનો વ્યવહાર કરો. તરુણાવસ્થાની વિદ્રોહી મનોદશાથી ક્યારેક કૉલેજમાં પ્રાધ્યાપકો સાથે પણ મતભેદ થઇ શકે. આ પરિસ્થિતિમાં સંતાનોની ભૂલ-વ્યવહારને છાવરવાને બદલે સાચું માર્ગદર્શન આપી જીવન મૂલ્યો વિશે સમજ આપો.

7. ખરેખર પછાત સમાજના માતા-પિતાને સમજણ આપવાની તાતી જરૂર

ઘણા માતા-પિતા ખરેખર પછાત પરિસ્થિતિમાં જીવતા હોવા છતાં પોતાના સંતાનોને ભણાવવા ઝઝુમતા હોય છે. આવા માતા-પિતા ક્યારેક સંકોચથી જરૂરી માહિતી મેળવતા અચકાતા હોય છે. આવા માતા-પિતાએ ક્ષોભ સંકોચ છોડી સંતાનના ઉચ્ચ શિક્ષણને લગતી પાયાની બાબતોની માહિતી મેળવવી જરૂરી છે. કૉલેજોએ આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે. આવા માતા-પિતાના સંતાનોની પણ ફરજ બને છે કે માતા-પિતાના આ પ્રશંસનીય પ્રયાસને બિરદાવે અને તેમની ભાવનાને સમજી નિષ્ઠાપૂર્વક ધ્યાન આપે.

8. માતા-પિતાના યોગદાન વિશે જનજાગૃતિનો અભાવ

કેટલીક સારી શાળાઓમાં થતી વાલીઓની મિટીંગને બાદ કરતાં માતા-પિતા સંતાનોના ઉચ્ચ શિક્ષણમાં શું કરી શકે એ માટેની જનજાગૃતિનો અભાવ જોવા મળે છે. સમજદાર અને સક્ષમ માતા-પિતાએ આવી જવાબદારી સ્વીકારવા જેવી છે કે તમારા સંતાનો જે કૉલેજમાં ભણતા હોય તે કૉલેજના વિદ્યાર્થીઓના વાલીઓનું રચનાત્મક સંગઠન કરી કૉલેજના અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શું કરી શકાય તેનો વિચાર કરવો, જરૂરી પ્રવૃત્તિઓનું કૉલેજ સાથે મળી આયોજન કરવું અને તેના અમલ માટે પ્રયત્નશીલ રહેવું.

તમારા સંતાનોના અભ્યાસમાં અડચણ ઊભી કરનારા પ્રશ્નોની કૉલેજના સંચાલકો સમક્ષ રજૂ કરવાની હિંમત કેળવવાની જરૂર છે. આવી જાગૃતિ શિક્ષણમાં પાયાના સુધારા લાવી શકશે. વિદ્યાર્થીના કુટુંબીજનો શિક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકે એ માટે અમેરિકામાં હાર્વર્ડ ફેમિલી રીસર્ચ પ્રોજેક્ટ જેવા અનેક પ્રયાસો વર્ષોથી થઇ રહ્યા છે. આવી માહિતીનો અભ્યાસ કરી ગુજરાતના જાગૃત વાલીઓએ પહેલ કરવા જેવી છે.

9. કૉલેજના અભ્યાસ સિવાયના સમયમાં તમારા સંતાન શું કરે છે તે જાણવું જરૂરી છે

તમારા સંતાનોની કારકિર્દીનો આધાર કૉલેજના અભ્યાસ સિવાયના સમયમાં તમારું સંતાન શું કરે છે તેના પર આધાર રાખે છે. અમેરિકા જેવા દેશોમાં રાષ્ટ્રકક્ષાએ વિવિધ કાર્યક્રમો આયોજિત થતાં હોય છે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. આપણે ત્યાં અમદાવાદ મેનેજમેંટ એસોસિએશન જેવી સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટેના અભ્યાસક્રમો, વર્કશોપ, સેમિનાર, વ્યાખ્યાનોનું આયોજન કરે છે. આવા કાર્યક્રમમાં તમારા સંતાનો ભાગ લે તેવો આગ્રહ રાખો. કૉલેજોમાં પણ રમતગમત, સંગીત, નાટક, વક્તૃત્વ, સમાજસેવાની વિવિધ પ્રવૃતિઓનું આયોજ્ન થતું હોય છે. તેમાં તમારા સંતાનો ભાગ લે તે ખૂબ જરૂરી છે. અભ્યાસ સિવાયના સમયનો વ્યર્થ ઉપયોગ નથી થતો તેનું જરૂર ધ્યાન રાખો.

10. માતા-પિતાને અસર કરતા પરિબળો

માતા-પિતાની વિદ્યાર્થીઓના વિકાસ માટે નિષ્ઠા હોય તો પણ કેટલાક પરિબળોની અસર થતી હોય છે.

- ભૂજમાં રહેતા માતા-પિતા વિદ્યાનગર કે વડોદરામાં ભણતા સંતાનની કૉલેજની નિયમિત મુલાકાત લેવાનું ઇચ્છતા હોય તો પણ કોલેજનું અંતર, સમયનો અભાવ, આવકની મર્યાદા, નોકરી-ધંધાની સમસ્યા જેવી પરિસ્થિતિમાં અસરકારક રીતે ન પણ કરી શકે.

- ક્યારેક એવું પણ બને છે કે માતા-પિતા પોતાના સંતાનોની પ્રેમ અને હૂંફ જેવી જરૂરિયાત પ્રત્યે ઉદાસીન હોય છે.

- માતા-પિતાની માનસિક પરિપક્વતાનો અભાવ ક્યારેક નડે છે. આવા માતા-પિતા એવું જ માનતા હોય છે કે છોકરાંઓ તો આમ જ ઘડાય… પડતા જાય, ઠોકર ખાતા જાય અને શીખતા જાય..

11. કેટલાક સરળ ઉપાયો

- માતા-પિતાએ પોતાના સંતાનો જે કોઇ અભ્યાસ કરતા હોય તેના વિશે સામાન્ય સમજણ મેળવો. પોતાના સંતાનો અભ્યાસ સરસ રીતે પૂરો કરે તો તેનું ભવિષ્ય કેવું બની શકે તેનું સંપૂર્ણ ચિત્ર બનાવો.

- યુવાન સંતાનો સાથે માણી શકાય તેવી પ્રવૃત્તિઓ, જેમ કે ક્રિકેટ, અંતાક્ષરી, સંગીત, જિમ્નેશ્યમ વગેરેમાં ભાગીદાર બનો.

- નિયમિત રીતે ફોન કરી સંતાનોની પ્રવૃતિઓથી માહિતગાર રહો. શક્ય હોય તો પ્રેમાળ અને પ્રોત્સાહન આપતા પત્રો લખો.

- પ્રેરણાત્મક લખાણવાળા પુસ્તકો ભેટ તરીકે આપતા રહો.

- તમારા સંતાનોની દરેક સફળતાને દિલથી બિરદાવો.

- હકારાત્મક વલણથી નિષ્ફળતામાંથી બહાર નીકળી આગળ વધવા સંતાનને તૈયાર કરો.

- તમારું વર્તન તમારા સંતાનને રોલમોડેલ તરીકે સ્વીકારવું ગમે તેવું રાખો.

- તમારા સંતાનોના મિત્રોને મળતાં રહો અને તેમને પણ પ્રોત્સાહિત કરો.

- તમારા સંતાનોના મિત્રોના માતા-પિતાના સંપર્કમાં રહો જેથી તેમના મિત્રોના કૌટુંબિક વાતાવરણ અને સંસ્કાર વિશે માહિતી મળતી રહે.

- અભ્યાસમાં અડચણ ઊભી કરતા ભયસ્થાનો વિશે જરૂર લાગે ત્યારે ખુલ્લા દિલે મિત્રભાવે વાતચીત કરો.

- કૉલેજના કોઇપણ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળે તો એ તક ચૂકશો નહીં.

- કૉલેજ તરફથી તમારા સંતાન વિશેની ફરિયાદ મળે તો સંતાનને છાવરવાનું કે ઠપકો આપવાનું ટાળો. ફરિયાદ આવે ત્યારે એવા વર્તનના મૂળ કારણ સુધી જઇ યોગ્ય સમજ પૂરી પાડો.

- પરીક્ષાના નબળા પરિણામ આવ્યા પછી ઠપકો આપવાના બદલે એ નિયમિત રીતે વર્ગમાં હાજરી આપે તેવો આગ્રહ રાખતા રહો અને એને માનસિક રીતે તૈયાર કરો. 

Posted by: readsetu | January 28, 2012

તને ખબર છે ?

કવિલોક > મે-જુન 2004                                           

 

તને ખબર છે ?

હવે મને કોઇ ફરિયાદ નથી

ખાવા પીવાનાં, સુવા જાગવાનાં

અને માત્ર હસવાનાં

સમયપત્રકો મેં ગોઠવી દીધા છે.

 

વહેવાની મનાઇ ફરમાવીને

બધાં ઝરણાંઓને મેં

મુઠ્ઠીમાં સુકવી દીધાં છે.

સોળ ઉઠી આવે એવી સખ્તાઇથી

શાંતિના શબ્દોને હથેળીમાં ચીતરાવી દીધા છે

 

આંગળીઓ પર નખ વાગે નહીં

એટલે એને ઉતરડી લીધા છે

તો યે હાશકારો મારી સામે

કેમ ટગરટગર જોયા કરે છે ?

અને મારી મજાક ઉડાવે છે ?

 

એને પકડીને કેટલીયે વાર પૂર્યો

પણ છટકી જાય છે

અને પાછો

નજર સામેથી ખસતો યે નથી

 

કંઇ નહીં

એની પરવા કરે છે મારી બલારાત

બાકી કોઇ જ તકલીફ નથી…

ખુશ ?

ચાલ હવે હાથ મિલાવ…….. લતા હિરાણી

 

      

Posted by: readsetu | January 27, 2012

અવતરણો

શરીર વિચાર સિવાય બીજું કંઇ નથી.

જોનાથન લિવિંગ્સ્ટનના ‘સાગરપંખી’માંથી 

Posted by: readsetu | January 26, 2012

અવતરણો

”વિચારની ઝડપે ગમે ત્યાં પહોંચવા માટે તમારે ત્યાંથી આરંભ કરવો જોઇએ કે જ્યાં જવું છે ત્યાં જાણે કે તમે પહોંચી ગયા છો.” જોનાથન લિવિંગ્સ્ટનના ‘સાગરપંખી’માંથી 

Posted by: readsetu | January 24, 2012

જોબનને છૂટું ના મેલ

દિવ્ય ભાસ્કર > મધુરિમા > કાવ્યસેતુ કૉલમ > 17-01-2012

 

કાવ્યસેતુ 19   લતા હિરાણી

 

ઢાંક, જરી માથાને ઢાંક

જોબનને છૂટું ના મેલ, મૂઇ ! ધડો લેતી જા કાંક…

મેળામાં છેડીએ ગીત, પણ દઇએ કોઇને ન ચિત્ત

ઠોઠ ! જરી શીખ તું ગણિત. કેદી તને આવડશે આંક ?

રાખ ના ભરોસો તલભાર, સુંવાળું ટૌકી દિ ચાર

ઊડી એ જાશે ઓ પાર, કમખે પંખી ન ટાંક !

ડરતાં જે કરતાતા રાવ, આજ મોઢે કહે એ સાવ

કેટલાને કહું, હવે જાવ..! કૈંક હશે તારોય વાંક !

કાચું તે તોડ નહીં પાન, લીલાશો લઇ લેશે જાન

આગ છે વસંત: જરા માન ! કેમ નથી સાંભળતી હાંક !!… જગદીપ ઉપાધ્યાય

પતંગિયાની જેમ ઉડઉડ થતી ને મોરલાની જેમ ગહેકતી દીકરીને મા શિખામણ આપે છે.. જરી જોબનને ઝાલ્યું રાખ… ઓઢણીને છુટ્ટી ન મેલ… તારા માથાને ઢાંક ને તારા લહેરાતા મનનેય જરી લગામ દે મૂઇ… લીલાશ ગમે એટલું મન મોહે પણ અંતે એ વિષ જ !! વસંત ગમે એટલી સોહામણી લાગતી હોય પણ આખરે એ આગ છે એ ન ભૂલવું. છોગાળા છેલની માયાથી રુંવાડે રુંવાડું રંગાય પણ એનો રતિભારેય ભરોસો ન થાય !! મેળામાં ગીત છેડીએ પણ ચિત્તને છેટું રાખીને….સૂર વહેતો મેલીએ પણ પ્રાણ પરોવ્યા વગર…. ગામલોક હમણાં સુધી ડરતા ડરતાં તારી રાવ ખાતાતા ને આજ સાવ મોઢે ચડીને કેછે તે કંઇ એમ જ ? તારોય વાંક ઓછો નહીં હોય !!

 

આમ જુઓ તો કાવ્ય સરળ લાગે છે. ભાવ પામવો જરાય મુશ્કેલ નથી. તોયે કવિતાના શબ્દો લાગે છે એટલા સીધા નથી.

ઢાંક જરી માથાને ઢાંક

જોબનને છૂટું ના મેલ, મૂઇ

કહેતી મા બરાબર જાણે છે કે માથાને ઢાંકવાની વાત છે પણ એમાં દીકરીએ પોતાની, કુટુંબની આબરુને ઢાંકવાની છે. જોબનના ઘોડાપૂર કાલે ઓસરી જાશે ત્યારે ખૂણે બેસીને પસ્તાવાનો વારો ન આવે એ માટે દીકરીને પોતે નહીં તો બીજું કોણ ચેતવશે ? સ્ત્રીના લાંબા કાળા કેશથી પુરુષનું મન મોહિત થાય છે. છેડો માથે રાખવાનો છે ને છેડાથી છાતીય ઢાંકવાની છે. કાળા ભમ્મર કેશ ને ભરાવદાર સ્તન, આ બે વાનાંએ ભલભલા સંન્યાસીઓના તપનેય ચળાવ્યા છે. એટલે મા સાનમાં સમજાવવા પ્રયત્ન કરે છે કે કમખે પંખી ન ટાંક ! મેળામાં તો જાતજાતના ને ભાતભાતના લોક ભેગા થાય. એમાં કોણ કોને રોકે ? દીકરી પોતે જ ઢબુરાઇને રહે તો માના જીવને જંપ વળે.

કાચું પાન ન તોડવાની અને લીલાશો લઇ લેશે જાન જેવા પ્રયોગો બહુ  સાંકેતિક રીતે ઉછાળા મારતી અલ્લડ જવાની ને જો એ ન જળવાય તો એના કરુણ અંજામની આખી દાસ્તાન રજૂ કરી દે છે. અલબત્ત ગંભીર વાતને કાવ્યાત્મકતાનો એવો મજાનો સ્પર્શ છે કે વહ્યે જતી ગીતની મસ્તી ક્યાંય ભંગ થતી નથી.

મા જાણે છે કે જોબન ઝાલ્યું ઝલાય નહીં. એ ઉંમર જ એવી છે. વાસંતી વાયરાને આડા હાથ દેવા કેવા વસમા છે !! સાત પહેરા તોડીનેય પોતાનો રસ્તો કરી લે. આખરે એ કુદરતની કમાલ છે. કુદરતે યૌવનમાં એટલો તલસાટ ન મૂક્યો હોત તો આ સૃષ્ટિ કેમ કરીને ચાલત ? પણ મા બધા અનુભવો પચાવીને બેઠી છે એટલે એને ખબર છે કે ખાલી આડા હાથ દીધે કંઇ નહીં વળે. રૂપના રખોપાં એમ થાય નહીં. એટલે પહેલાં જરી રસ્તોય બતાવે છે, કહો કે સમજાવે છે,

મેળામાં છેડીએ ગીત, પણ દઇએ કોઇને ન ચિત્ત

ઠોઠ ! જરી શીખ તું ગણિત. કેદી તને આવડશે આંક ?

દીકરી મેળામાં ગયા વગર રહેવાની નથી. જશે તો જુવાનિયાઓની નજરે ચડ્યા વિનાય રહેવાની નથી. આટલે સુધીની વાત પોતાના હાથમાં નથી. એટલે કહે છે કે બેટા ભલેને ગાઇએ ગીત પણ કોઇને દઇએ ના ચિત્ત. જાણે છે કે દીકરી ઠોઠ છે એટલે કે ભોળી છે. ઘડીવારમાં ક્યાંક છેતરાઇ જાશે ને દિલ દઇ બેસશે. એટલે એને જરા ગણિત ગણવાનું સમજાવે છે. પોતાનો સ્વાર્થ સમજાવે છે. બે ઘડી મેઘધનુષના રંગોથી ભલે મન મલકાય, પછી આંખ ધરતી પર ઠેરવીએ. વહેતી હવામાં મન જરી મોકળું મેલીએ પણ એ વાયરાને અંગે વીંટીને ન આવીએ.. કારણ એક જ, એનો અંજામ કાં તો માએ આંખે દેખ્યો છે કે પછી પંડે અનુભવેલો છે ને એટલે જ એ પહેલાં સાનમાં સમજાવે છે પછી સીધેસીધી હાક દે છે. કાચું પાન તોડવાની મનાઇ ફરમાવે છે… સુંવાળા ટૌકા દઇ પંખી ચાર દિમાં ઊડી જાશે એની સ્પષ્ટ ચેતવણી આપે છે. સુંવાળા ટૌકા શબ્દો મૂકી કવિ અહીં તન અને મન બંનેને રજૂ કરે છે. સ્પર્શ અને સાદનો નાદ જુવાન હૈયાને કેવું ડોલાવે એવું કંઇક અહીં અભિપ્રેત છે.

ગીતની શરૂઆતમાં ઢાંક જરી માથાને ઢાંક દ્વારા અપાતી શીખામણ એટલી સ્વાભાવિક બાની બની છે કે આવું કહેતી માના હાથનો નિર્દેશ (છણકો) પણ ભાવકની આંખ સામે તરવરવા લાગે છે. આમ ગીતનો ઉપાડ બરાબર ઠપકાની રીતે ઉપસ્યો છે. ઢાંક જેવા વજનદાર શબ્દનો પ્રયોગ, વળી એનો પુનરુચ્ચાર હુકમના પાલનનું ફરજિયાતપણું બતાવે છે.

કાવ્યબાની ગીતમાં રજૂ થતા ગ્રામ્યસમાજને અનુરૂપ છે. ગીતના શબ્દો વાચાળ છે. સીધીસાદી બોલચાલની ભાષા ને મૂઇ, ઠોઠ, જોબન, ધડો, કમખો.. જેવા થોડાક તળપદી શબ્દોથી આખું ગીત જાનદાર ને લચીલું બને છે. પ્રાસ મેળવવા શબ્દો શોધવા જ પડે પણ એ ભાવપ્રવાહમાં સહજરીતે ગોઠવાઇ જવા જોઇએ. સાંધા લાગે કે પ્રાસ મેળવવા માટે જ એ પંક્તિઓ ગોઠવી હોય એવો આયાસ અહીં વર્તાતો નથી. ઢાંક, કાંક, આંક, ટાંક, વાંક, હાંકની પ્રાસરચના મજાની લાગે છે. અને ગીતનો લય પણ પૂરેપૂરો જળવાય છે. ગીતનું સાર્થકપણું ગાનમાં છે. આ ગીત સરસરીતે સૂરબદ્ધ થાય એવું છે. વિષય એ જ ચિરપરીચિત છે પણ રજૂઆત ડોલાવે એવી છે.

 

 

Posted by: readsetu | January 22, 2012

કાજલ

કાજલ  

દિવ્ય ભાસ્કર > કળશ પૂર્તિ > સેતુ કૉલમ > 24-10-2008

 

જલ્દી કર, શું બાઘાની જેમ જોઇ રહી છે ??

ખુલ્લી આંખે ક્યાંક ખોવાયેલી કાજલ હોશમાં આવી. બળ કરીને એ ઊભી થઇ. રસોઇ થઇ ગઇ હતી. એણે જલ્દી જલ્દી ટિફિન ભર્યું

મને બહુ કળતર થાય છે. ડોકટર પાસે જવું પડશે.

ઢોંગ છોડ. મારી પાસે પૈસા નથી બગાડવાના. માંદુ રહેવું હોય તો બાપના ઘરે ટળ. કમલેશ ટિફિન લઇ બારણું પછાડતો ગયો.

હવે ઝટ કપડાં ધોવા બેસ !!

બા, મારા પગ બહુ તૂટે છે. આજનો દિવસ ભલે પડ્યા. કાલે ધોઇ નાખીશ.

શું બોલી ? જોર આવે છે કામ કરતાં ? કોણ જાણે આવી કાળી, નમાલી ને માંયકાંગલી છોકરી મારા કલ્પેશને કેમ ગમી ??

કાજલ સમસમીને બેસી રહી. હવે એની સહનશક્તિની હદ આવતી જતી હતી. જે થવાનું હશે એ થશે કરીને એ પોતાના રુમમાં જતી રહી.. આ બધાંનો જુલમ હવે હદ વળોટતો હતો. ખુરશીમાં બેસતાં જ એની ઝલઝલતી આંખ સામે પપ્પા તરવર્યા.

છાતીના પાટિયા બેસી જાય એવો ગુસ્સો કર્યા પછી પપ્પા બાળકની જેમ રડ્યા હતા.

તને ભાન છે, તેં શું કર્યું ? આવા રખડેલ છોકરા સાથે કૉર્ટ મેરેજ કરતાં પહેલાં એક્વાર તો કોઇની સલાહ લેવીતી. શું જોઇને તું એના પર મોહી ? નથી ડાચાના ઠેકાણા, નથી ઘરના ઠેકાણા, નથી ભણતર..

પપ્પા, હું યે ક્યાં દેખાવડી છું ? શ્યામ ને દુબળીપાતળી !! બાકી ગરીબ ઘર છે પણ કલ્પેશ મને પ્રેમ કરે છે પપ્પા. થોડામાં સુખી રહીશ.

એ બધું કહેવું સહેલું છે. કેટલાં સુખમાં ઉછરેલી તું !! એ મિલમજુરનો દીકરો !! એણે કૉલેજના બે વર્ષ રખડી ખાધું ને પછી ઉઠી ગયો.. તું એમ.એ. પાસ !!

પપ્પા, હું નોકરી કરી શકીશ અને અમે મળીને સુખેથી ઘર ચલાવશું.

સંસ્કાર… સંસ્કાર ક્યાંથી આવે એ લબાડના ઘરમાં ?

પપ્પા, એ હવે તમારા જમાઇ છે ને મારા પતિ. આવા શબ્દો ન બોલો..

પપ્પાનો અવાજ ફરી ઊંચો થઇ ગયો…

ચાર દિવસમાં એ તારો સગલો થઇ ગયો ને હું તારો બાપ મટી ગયો ?

કાજલ ઘર છોડીને ચાલતી થઇ ગઇતી. કાજલને નહોતું લાગતું કે પોતે કોઇ ભુલ કરી. આમે ય ઘરમાં એનું સ્થાન શું હતું ? કોઇ એને ગણતું જ નહોતું. પપ્પાને એ વહાલી હતી પણ એ તો એમના કામમાં રચ્યાપચ્યા હોય !! મોટી દીદી બહુ રુપાળી હતી. એની બહેનપણીઓ સાથે મજાકમસ્તી કરતી હોય ને પોતે ત્યાં પાંચ મિનિટ ઊભી રહે તો યે ચિડાતી. કાજલને લાગતું કે પોતાની આવી બહેન હોવા બદલ દીદીને શરમ આવતી હતી.

કૌશલ પણ એની બીજી બહેન. ભગવાને એને બહુ બુધ્ધિ આપી હતી. એને મેડીકલમાં એડમિશન મળ્યું હતું એમાં ધરતી પર એના પગ જ નહોતા પડતા. જ્યારે બોલાવો ત્યારે મને ડિસ્ટર્બ ન કર !! ક્યાંય સાથે આવે નહીં. મમ્મી પણ એના પક્ષમાં. કૌશલને બિચારીને હેરાન ન કર.

ઘરમાં કોઇ સારી ચીજ આવે તો મોટી દીદીની દાદાગીરી અને કૌશલના માનપાન !! પોતે એક જાણે વધારાની હતી. ભગવાને રુપરંગ તો ન આપ્યા, નસીબે ય નબળું આપ્યું. તો યે મેં મહેનત કરવામાં પાછી પાની નથી કરી. ભલે બારમામાં હું બીજી ટ્રાયલે પાસ થઇ, અંતે એમ.એ. તો થઇ ગઇ !! પણ હું બધાને આવડત વગરની લાગું છું !! કલ્પેશને મારા એમ.એ. હોવા બદલ કેટલું ગૌરવ છે !! એના દોસ્તોને કહ્યા જ કરતો હોય છે !! હું જેવી છું એવી, એ મને પ્રેમ કરે છે બસ આ જીવનમાં મારે બીજું શું જોઇએ ??

વિચારધારા તૂટી. કાજલ આંખ લુછીને ઊભી થઇ. કાલે રાત્રે થયેલા ઝગડામાં કલ્પેશે વરસાવેલી ગાળો હજી એના અંગમાં આગ લગાડતી હતી. દિવસે દિવસે એ ડિપ્રેશનમાં ડૂબતી જતી હતી. શું આ પુરુષ માટે મારે મારી જિંદગી હોમી દેવી ?? શું એ એટલી બધી લાચાર બનીને જીવશે ?? એણે મક્કમ થઇને એક નિર્ણય કર્યો, લાચારી ઉપાડીને એણે ફેંકી દીધી અને એના પગમાં  તાકાત આવી ગઇ…..

 

 

 


Posted by: readsetu | January 21, 2012

ક્ષણિકાઓ

કવિલોક > જાન્યુ.-ફેબ્રુ. 2004

ક્ષણિકાઓ > લતા હિરાણી

1. સ્પર્શ વિસ્તરે

 

  પછી એમાં

  બધી જ ક્ષણો

  ડૂબે કે તરે…….

 

2. ધૂમાયા કરે

   દરિયો અવિરત

   એક ક્ષણ

   આભ સળગાવ્યા કરે સતત

 

3. કેટલું તારું માન

   ને કેટલી તારી રીસ

   તેં રોપેલી ક્ષણોની

   ફાટી નીકળી ચીસ…..

  

4. હૂંફાળો નહીં

   આ તો તાપ જ

   એક એક ક્ષણ

   બળે ઝળે

   ટીપે ટીપે

 

5. એક એક ઇચ્છા ઊતરડું

   હૈયે જડેલી

   તારી તમામ ક્ષણોને

   બાળું, કાપું, તરછોડું

 

6. ક્ષણમાં પ્રકટે સઘળા દીવા

   ક્ષણમાં રણકે સ્વર

   ક્ષણમાં ઊઘડે, ક્ષણમાં પ્રસરે

   સુગંધ લઇ અક્ષર              

 

                          

 

Posted by: readsetu | January 20, 2012

વિચારો

24 કલાકમાં લગભગ 50 થી 60 હજાર વિચારોની આવનજાવન થાય છે અને પ્રત્યેક વિચાર શક્તિ ખર્ચે છે.

 

Posted by: readsetu | January 19, 2012

ગાય

વેદમાં ગૌ ગાયની એટલી બધી સ્તુતિ છે કે કદાચ બીજી કોઇ ચીજની એટલી નહીં હોય. ઋગ્વેદમાં ગાયના 21 નામ આવે છે. વેદમાં ગો-વાચક શબ્દ કુલ 742 વખત આવ્યો છે અને દરેક જગ્યાએ અત્યંત આદરપૂર્વક. ગાયને માટે જે ગો શબ્દ છે, તેની પરથી જ અંગ્રેજીમાં કાઉ શબ્દ બન્યો છે. તે ગોનું જ રૂપાંતર છે. જાપાનમાંયે ગાયને ગ્યુ કહે છે….. આચાર્ય વિનોબા ભાવે

 

Posted by: readsetu | January 18, 2012

અમૃતા પ્રીતમ

પંજાબી ભાષાના મહાન લેખક કવિ અમૃતા પ્રીતમે અવસાન અગાઉ ઇચ્છા વ્યક્ત કરી હતી કે દિલ્હી ખાતેના એમના ઘરને સ્મારકમાં ફેરવવામાં આવે. આ ઘર એમણે ખુદ બંધાવ્યું હતું અને પોતાના આત્મસાથી ઇમરોઝ સાથે દાયકાઓ સુધી એમાં રહ્યા હતાં. પરંતુ એમના દીકરાએ આ ઘર એક બિલ્ડરને વેચી માર્યું અને કોઇ કશુ કરે એ પહેલાં તો બિલ્ડરે એ ઘર તોડી પણ પાડ્યું.

 

 

Older Posts »

Categories

Follow

Get every new post delivered to your Inbox.