Posted by: readsetu | November 23, 2007

ઇચ્છાની પાંખે

ઇચ્છા, અગણિત, અડાબીડ, ઘનઘોર ઇચ્છાઓ… આખી માનવજાત ઇચ્છાઓના જંગલમાં અટવાય છે. ઇચ્છાની પાંખે ગગનવિહાર ન કર્યો હોય એવી વ્યક્તિ કોણ હશે ? ગરીબમાં ગરીબ માનવીએ ય ઇચ્છાઓની આંખે અને કલ્પનાની પાંખે સ્વર્ગનાં સુખો ભોગવી લીધા હોય !! આ વિભાવના માટે શબ્દોની યે રેલમછેલ છે - ઇચ્છા, મહેચ્છા, આકાંક્ષા, મરજી, મન, મનોરથ, ખ્વાબ, સપના… હા, ખુલ્લી આંખે જોવાતાં સપનાં.  

બાળપણમાં ચોકલેટની દુકાન કે રમકડાના સ્ટોરનો માલિક બનવા મન થનગનતું હોય તો કિશોરાવસ્થામાં કંઇક અવનવા આકાંક્ષાઓ આંબવાની આકાંક્ષાઓ ઉછળતી હોય અને યુવાની તો છે જ મનની મહેલાતો સર્જવાની મોસમ. શમણાંઓની રંગીન સફર કે કલ્પનાની હસીન દુનિયા આ જ વયે ઉઘડતી હોય !!

સપનાંનો રાજકુમાર કે રાજકુમારી ખયાલોમાં પ્રવેશે એટલે છાતીમાં કલકલ ઝરણાં વહેવા માંડે, આંખોમાં વાદળની ભીનાશ અંજાઇ જાય અને મનમાં મેઘધનુષી રંગોળી રચાય. વાતોવાતોમાં ગીતો સ્ફૂરે, બોલે તો ફૂલો ઝરે અને ચુપકીમાં આખું આકાશ મહોરે… આવા સમયે સૃષ્ટિનું તમામ સૌંદર્ય આંખમાં આવીને વસે.

પડદાની જેમ જીવનમાં યે દૃશ્યો બદલાતાં જ રહે છે. કશું જ નહીં સ્થાયી કે નહીં સ્થિર ! પ્રિયપાત્રને પામવાના શમણાં સફર પૂરી થાય કે કારકિર્દીની ટોચ આંબવાનું આહવાહન આદમીને જંપવા ન દે. કુટુંબ, સુખ, શાંતિ, માન, યશ, પદ, પ્રતિષ્ઠા કેટકેટલા ક્ષેત્રો !! વયના વાર્ધક્યની સાથે સ્વાસ્થ્ય, સલામતી, સ્થિરતા અને શાંતિની યે ઝંખના. આમ જુઓ તો જન્મથી મૃત્યુ સુધી ઇચ્છા જ ઇચ્છા અને સૌ એમાં જ રમમાણ.

માનવીની અઢળક ઇચ્છાઓ, સેવેલા મનોરથો કે કલ્પેલા કોડ હંમેશા વાસ્તવિક રુપ નથી ધારણ કરતાં. ક્યારેક એવું યે બને કે સપનાંએ કલ્પનામાં જે સુખ આપ્યું હોય એ ખરેખર આવીને મળે ત્યારે એટલું સુંદર ન પણ હોય !! 

ઇચ્છા જ્યારે નરી ઇચ્છાના સ્વરુપમાં જ જીવે ત્યારે એ કંઇ પરિણામ નથી લાવી શકતી. આવી વાંઝણી ઇચ્છાઓ દુખ જ નોતરે છે. જ્યારે સપનાંઓની શતરંગી દુનિયામાં વાસ્તવિકતાની સચ્ચાઇનો સાથ મળે, મંઝિલ સુધી પહોંચવાની ઊંડી સમજણ સચવાઇ રહે અને મનોરથને આંબવાના સામર્થ્યથી દિલ દિમાગ તરબતર રહે ત્યારે આ સપનું સાચો અને પાકો રંગ પકડે. સપનાંની સાથે સચ્ચાઇ, સમજણ અને સામર્થ્યનો સુયોગ સૌને સુલભ નથી હોતો એટલે જ મોટાભાગના માનવીઓનું ઇચ્છાઓના અરણ્યમાં આથડતાં આથડતાં આયખું આથમી જાય છે.

ઇચ્છાઓ વ્યક્તિની પોતાની સાખ, સમાજ અને સૃષ્ટિને વધુ સુંદર ને કલ્યાણકારી બનાવે એવી હોય એ જરુરી છે પણ આંખ અને આયખાને અભડાવે એવી ઇચ્છાઓ ધરાવનારાઓનો સમાજમાં તૂટો નથી હોતો એટલે જ સંતોએ અને શાસ્ત્રોએ ઇચ્છાને વખોડી છે. માનવીને ઇચ્છાથી મુક્તિ મેળવવાનો ઉપદેશ આપ્યો છે.

ઇચ્છામુક્તિના આધ્યાત્મિક પાસાને એકબાજુ રાખીએ અને એને આ વાસ્તવિક દુનિયાના સંદર્ભમાં વિચારીએ તો જરુર એમ કહી શકાય કે પ્રબળ ઇચ્છાઓ જ માનવીને વિકાસને માર્ગે લઇ જાય છે. માનવી મોક્ષ માટે ઝંખે કે ઇચ્છારહિત થવા મથે એ ઇચ્છવાયોગ્ય હોવા છતાં જરુરી કે હંમેશા સંભવ પણ નથી. એ કક્ષાએ કોઇક જ પહોંચી શકે. બાકીના લોકો ભલે ભૌતિક ધ્યેયોને આંબવા મથે. એના પરિણામો આ સૃષ્ટિને વધુ સુંદર અને સમૃધ્ધ કરે છે. જગતને વધુ જીવવા જેવું બનાવે છે. બધી શોધખોળો અને સુખ સમૃધ્ધિ માનવીની ઊંચી અને પ્રબળ ઇચ્છાઓના જ પરિણામો છે.

બાકી ઇચ્છારહિત થવાની યે ઇચ્છા તો ખરી જ ને !! એટલે સાચી વાત એ કે ઇચ્છાઓ માનવીને ઝાંખરાની જેમ બાંધે છે તો અખિલાઇ સાથે સાંધે ય છે. અને ત્યારે ઇચ્છાનું ઉર્ધ્વીકરણ થાય છે. સ્વકલ્યાણથી પરકલ્યાણ અને પરમતા તરફનું પ્રયાણ છે. ઇચ્છાઓ છોડવાના અને અહમને તોડવાના કામમાં માનવી સફળ થાય તો એને માટે મુક્તિનો રાજમાર્ગ ખુલે.

જીવનમાં અલ્લાઉદીનના જીનની જેમ વ્યાપેલી ઇચ્છાઓ સામેના તમામ રસ્તાઓ ખુલ્લા છે. કદમ આપણા છે, પસંદગી પણ આપણી છે અને કંઇપણ પસંદ કરવાની ઇચ્છા યે આપણી જ છે. સૌને શુભ અને કલ્યાણમય ઇચ્છાઓથી ઉભરાતું પ્રભાત મુબારક !

લતા હિરાણી

અમૃતધારાઆકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત તા. 09-10-2007     

Responses

પુનઃ સ્વાગત…

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત માત્ર કવયિત્રીઓના દળદાર પુસ્તકમાં આપના થોડા મજાના કાવ્યો વાંચ્યા… ખૂબ ખૂબ અભિનંદન…

ચાલ, ઇચ્છાની પાંખે ઊડવું છે ?અનંત આકાશે ?

Leave a response

Your response:

Categories