Posted by: readsetu | January 12, 2008

નેહા પ્રભાકર ખારોડ

                                      

નામ એનું નેહા પ્રભાકર ખારોડ. ઉંચાઇ ઇંડિયન અને રંગ અમેરિકન. પૂરો લુક ભારતીય લાગે. એ પહેલી વાર મારે ત્યાં આવવાની હતી. વોશિંગ્ટનમાં જન્મેલી અને ત્યાં જ ઉછરેલી છોકરી. ત્યાંના યે શ્રીમંત વર્ગમાં આવે એવું કુટુંબ !! એને મારે ત્યાં  ફાવશે ? શું ભાવશે, ગમશે કે નહીં કોણ જાણે કેટલાય પ્રશ્નો મારી સામે ખડકાયા હતા. હું ઘરનો ખુણેખુણો જોઇ વળી હતી. બધું બરાબર તો હતું ને !!

એ આવી. ઓ… કેમ છો આંટી ?? કહેતાં ભેટી. પતિના મિત્રની દીકરી, એનો ઉમળકો સ્પર્શ્યો પણ એનું ગુજરાતી મારા કાનમાં જ અટકી પડ્યું. ઉચ્ચાર અને લહેકો પૂરો દેશી હતો તો યે !! કદાચ અંદરનો રસ્તો બંધ હતો. મને લાગ્યું કે આટલું તો એની મમ્મીએ ગોખાવી દીધું હશે !! પતિના એ મિત્રનો સંપર્ક પચીસેક વર્ષો પછી થયો હતો એટલે અમારી વચ્ચે ભુગોળ જેટલું જ ઇતિહાસનું પણ અંતર હતું. 

અરે વાહ હિંચકો !! મને બહુ ગમે.. કહેતાં એણે હિંચકા ખાવાના શરુ કરી દીધા. બિસ્લેરી ?? ના રે ના, આંટી તમારા માટલાનું પાણી જ આપો ને !! અને શરુ થઇ એની ધાણીફૂટ ગુજરાતી વાણી. આંટી, તમારી સાડી બહુ સરસ છે…. તમારો ફેવરીટ રંગ કયો ?? મને અખંડ આનંદમાં ગૃહગંગાને તીરેની વાર્તાઓ વાંચવી ગમે..આપણે પાણીપુરી ખાવા જઇશું ને ?? 

એ છોકરી બોલ્યે જ જતી હતી, બોલ્યે જ જતી હતી અને એના એકેય રુંવાડા પર અમેરિકાની ગંધ સુધ્ધાં નહોતી…. કબુલ કરું છું, હું અવાચક થઇ ગઇ હતી, સ્તબ્ધ થઇ ગઇ હતી. પુરું અમેરિકા મારા ઘરના રસોડામાં જાણે પલાંઠી વાળીને બેસી ગયું હતું. મારી તમામ તૈયારીઓને એણે બોંબથી ઉડાડી દીધી હતી.. આશ્ચર્યના સુખદ આંચકા એ આપ્યે જ જતી હતી.

નેહા દર વર્ષે ભારત આવે છે. અમદાવાદ જ નહીં, સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાં જઇને રહે છે. એની મમ્મીને એની ઓફિસના પાણીવાળા બહેને બહુ પ્રેમથી સાચવ્યા હતા એટલે નેહાએ એમના ઘરે જઇને એકાદ બે દિવસ રહેવાનું જ. અમેરિકાના નેહાના ઘરમાં ભારતથી ગુજરાતી મેગેઝીન નિયમિત રીતે આવે. ઘરમાં બધાએ એ ફરજીયાત વાંચવાના. દેશમાં બધાને ગુજરાતીમાં પત્રો લખવાના. ઘરમાં ભગવદ્ગોમંડળના વોલ્યુમ્સ મમ્મીએ પ્રેમથી વસાવેલા. અને હા ઘરમાં અંગ્રેજી નહીં જ બોલવાનું.  

નેહાનું વતન સૌરાષ્ટ્રનું  માંગરોળ.  પિતા ડૉકટર અને મા દક્ષાબહેન શિક્ષક. દાદા હાઇસ્કૂલમાં આચાર્ય અને વિદ્યાર્થીપ્રિય શિક્ષક. કેટકેટલા સમૃધ્ધ પરિબળો નેહાના વ્યક્તિત્વમાં ઝલકતા હતા !! પૂર્વ અને પશ્ચિમ બંને સંસ્કૃતિનું સુંદર તત્વ આંખ અને અસ્તિત્વ સામે ખીલતું જતું હતું. હા એમ તો અમેરિકન છાંટ પણ સાવ નહોતી એવું યે નહીં. ડેડી કહેતો હતો કે તને જગદીશઅંકલને ત્યાં મજા આવશે.  ડેડીને તુંકારો મારા ભારતીય કાન માટે જુદી વાત હતી.  

ગુજરાતમાં આવેલા ભુકંપ પછી નેહા ભારત આવી. ગુજરાતમાં થયેલી તબાહી જોઇ રાહતકાર્યોમાં જોડાઇ ગઇ હતી. ગુજરાતનું શરીર એના માટે જાણીતું હતું. આ એના ધબકતા હૃદય અને નસોમાં વહેતા લોહીનો પરિચય હતો. અમેરિકા જઇને એણે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો, હું ડૉકટર બનીશ અને એ ય ગુજરાતમાં જ. કરમસદની મેડીકલ કૉલેજ મેં પસંદ કરી લીધી છે. ફોર્મ લઇને જ આવી છું.

બ્લડ ગ્રુપ તો એક જ  હતું અને મમ્મી પપ્પાએ હિમોગ્લોબીનનો આંક પણ ચેક કરી લીધો  બહુ સરસ,પણ કારણ ?

ડેડી તારો દેશ ગરીબ છે પણ લોકો સોનાના છે !! 

11-04-07 > દિવ્ય ભાસ્કર > કળશ > સેતુ 

Responses

vaah…….. adbhut !!

daddy, taro desh garib chhe pan loko sonana chhe. ……. !!!

Leave a response

Your response:

Categories