Posted by: readsetu | January 13, 2008

હું પાઠક

 સાહેબ, હું પાઠક, ઓળખ્યો મને ?ત્રિવેદી સરની આંખોમાં હજી કોઇ પણ પ્રકારની ઓળખાણ પ્રવેશી નહોતી. લગભગ માથું ખંજવાળવાની પોઝીશનમાં એ ઉભા રહ્યા. આમ તો આદતસે મજબુર એટલું જ બાકી બંને કાનની ઉપરના ભાગમાં સમ ખાવા પુરતા થોડાક વાળને બાદ કરતાં, ખંજવાળવાની એકશનમાં આખી ટાલ ઝંખવાતી હતી.

સાહેબ, હું પાઠક, પેલો પાઠક….હાથ ટાલ પરથી હટીને ગાલ પર ગયો અને અચાનક એમની આંખોમાં ચમક પ્રસરી ગઇ. વચ્ચે વીતેલા વરસોના પડળ હટી ગયા. અરે હા.. કહેતાં એ કૉલેજના કેમ્પસમાં પહોંચી ગયા. 

તાજી જ માસ્ટર ડિગ્રી મેળવીને એંજિનીયરીંગ કૉલેજમાં નવા નવા જોઇન થયેલા ત્રિવેદી સાહેબ પોતે હજી સ્ટુડન્ટ જેવા લાગતા હતા. પોતાની આવડત અને વિષયની જાણકારી પર એમને પૂરો ભરોસો હતો એટલે ક્લાસમાં જતાં ડર તો નહોતો લાગ્યો. ક્લાસમાં એક નજર ફેરવી એમણે મસ્ટર ખોલ્યું. હાજરી પુરવાની ચાલુ કરી અને ક્લાસરુમના બારણા પાસે કોઇને ઉભેલું જોયું.

આવનાર કંઇ કહે એ પહેલાં જ બોલો કંઇ કામ હતું મારું ? ત્રિવેદી સર પૂછી બેઠા.

જવાબમાં અંદર આવું સર ? સાંભળતાં ત્રિવેદી સરને નવાઇ લાગી કેમ કે હા કહેતાં જ આવનાર સામે વિદ્યાર્થીઓમાં ગોઠવાઇ ગયો. 

પાટલી પર ગોઠવાઇ જનાર મહાશય, એક વિદ્યાર્થી જ હતો એ પછી વાત પરથી એમને ખબર પડી.  ઉપરાઉપરી ફેઇલ થવાને કારણે પાઠક વિદ્યાર્થીને બદલે લેક્ચરર લાગતો હતો. ત્રિવેદી સાહેબને વિદ્યાર્થીઓ માટે ખુબ પ્રેમ, ભણાવવાના કામ માટે પૂરો આદર અને ધગશ તથા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ મનમાં હજી તાજી જ. એમણે પાઠક વિશે થોડી જાણકારી મેળવી. 

પાઠક, મને નિરાંતે મળને !!ક્યારે આવું સર ?કાલે બપોર પછી મારે ફ્રી પિરિયડ છે.

પાઠક એમને મળવા ગયો. પોતે લગભગ એની ઉંમરના જ હતા એટલે વિશ્વાસ મેળવતાં વાર ન લાગી.  લવફેઇલ્યોરની કહાણી હતી. છોકરીએ દગો દઇને બીજો પ્રેમી શોધી લીધો હતો. થોડુંક ત્રિવેદી સાહેબ જાણી ચુક્યા હતા. બાકીનું પાઠકે દિલ ખોલીને કહી દીધું. એકવાર બિચારો આપઘાતનો પ્રયત્ન પણ કરી ચુક્યો હતો. ભણવામાં ક્યાંય દિલ નહોતું લાગતું પણ જાલિમ પિતા માનતા નહોતા. કંઇ નહીં, વરસો બગાડી બાપ સાથે બદલો લેતો હતો.

મોટેભાગે એના જર્નલ સબમિટ નહોતા થતા અને એની ગાડી પાટા પરથી ઉતરેલી જ રહેતી. ત્રિવેદી સાહેબે એના બેચાર દોસ્તોને બોલાવ્યા. તમે એના દોસ્ત છો તો મંડી પડોને !! બધા એની એક એક જર્નલ તૈયાર ન કરી આપો ?

અમે તો કરીએ સર, પણ એ ચલાવે કોણ ? અક્ષર ન ઓળખાઇ જાય ?

અરે, હું કંઇ પોલિસ ઇન્સ્પેક્ટર થોડો છું તે મને ખબર પડે ? કામ શરુ કરી દો. એની સાઇન લઇ લેજો. બાકીનું બધું મારી પર છોડો.

સ્ટાફરૂમમાં ચર્ચા ચાલી. આમ કેમ ચાલે ? ત્રિવેદી સાહેબ પોતાની વાતમાં મક્કમ રહ્યા. હું તો ચલાવીશ જ. એક છોકરાની જિંદગીની ગાડી પાટા પર લાવવાનું કામ છે. એના જર્નલ્સ કોઇ લખી દેશે એનાથી આભ નથી તૂટી પડવાનું. એકવાર એ ખાડામાંથી બહાર નીકળવો જોઇએ. એમ કરતાં એ ભણતો થશે તો આવતા વર્ષે એ જાતે લખવાનો જ છે. દલીલ બધાને ગળે ઉતરી ગઇ અને ગાડી એની મંઝિલ પર પહોંચી ગઇ.    

ત્રિવેદી સાહેબની તંદ્રા તુટી.

આ મારી પત્ની મુદ્રા, અને આ મારા પ્રિય સર !! એ ન હોત તો હું તને ન મળ્યો હોત. બાજુમાં ઉભેલી પત્નીની ઓળખાણ કરાવતાં પાઠકે કહ્યું.

એના કરતાં એમ કહો કે તમને મુદ્રા જેવી સુંદર પત્ની ન મળી હોત !! મુદ્રા હસી પડી.

ક્યાં છો આજકાલ ? ધનંજય મશીન ટુલ્સમાં સિનિયર એન્જિનિયર તરીકે કામ કરું છું. અમે હમણાં જ લગ્ન કર્યા.

બહુ સરસ. કૉંગ્રેચ્યુલેશન્સ… હળવેથી ત્રિવેદી સાહેબે પૂછ્યું, લવમેરેજ ? સારું થયું મુદ્રાની પાંપણો શરમથી ઢળી ગઇ હતી નહીંતર પાઠકના હોઠો પર વેરાયેલા રહસ્યમય સ્મિત અને છુપા ઇશારા બદલ એણે ઘરે જઇને પતિનો કૉલર પકડ્યો હોત…..  

દિવ્ય ભાસ્કર કળશમાં પ્રકાશિત તા. 29-08-07

Responses

ઓહો ! ફરી વાંચતા જ સ્મરણ થઈ આવ્યું… સરસ સંવેદનાસભર કૃતિ…

saras …….. kruti …..!!
trivedi saheb jeva saheb maLe to
badha pathak sudhari jaay…..!!

Pinki Pathak.

Leave a response

Your response:

Categories