Posted by: readsetu | January 21, 2008

વિનુ વડેસરી

વિન્યા, હવે તું હું કરવાનો ? તારું ભણવાનું હવે તો પુરું થ્યું ને ?

બાપાએ ટ્રેક્ટર નીચે રહ્યે રહ્યે જ વાત માંડી.

તે ઇ રીપેરીંગનું કામ પછી કરો તો નો હાલે ? મારી હારે વાત કરવા બારા તો નીકળો.

તી વાત તો થાય છે ડોબા જેવા ! તારું ડાચું જોઇને મારે હું કરવું છ ?

કામ તો મારે ય છે બાપા

હા, છોડિયું પાછળ આંટા મારવાનું, ગધાડાની જ્યમ !

વિનુ ફુંફાડા નાખતો ડેલી બહાર નીકળી ગયો. આમ જુઓ તો બાપ બેટો બેય સરખા હતા. મિજાજનો પાર નહીં. પોતાને મોટા ભુપ સમજે ! એમાં આ વછેરા જેવા વિનુમાં વાયડાઇ ભારોભાર! મોરબીમાં બી. કૉમ થઇને ગામડે આવ્યો હતો પણ રુઆબ પરદેશમાં પી.એચ.ડી કર્યું હોય એવો.     

બાપાએ વિન્યા માટે છોકરીઓ જોવા માંડી હતી ને વિન્યો કહેતો, મારે ભણેલી ને સુધરેલી છોકરી જોઇએ. ગામડાની ગમાર નંઇ હાલે! હું ઇંટરવ્યુ લઉં ને એને પાસ કરું પછે જ વાત આગળ હાલે.ગામડાગામમાં લોકોને ઇંટરવ્યુની વાતથી જરા કૌતુક થાય. આ ભણેલા છોકરાંવના ફેન ફતુર ઝાઝાં!’

વિનુએ એક પછી એક છોકરીઓ જોવા માંડી ને દેકારો બોલાવી દીધો. ધડાધડ બધી ય નાપાસ !! નાતમાં વિનુ વગોવાઇ ગયો.   

વિનુના ગામથી થોડુંક દુર સરદણ ગામ. એના પશા પટેલની છોડી કલા. ભારે ડાહી. વિવેકી યે એટલી જ. વિનુ સાથે એનો ઇન્ટરવ્યુ ગોઠવાયો. વિનુની ખ્યાતિ ત્યાં પહોંચી ગઇ હતી પણ પશા પટેલે વિચાર્યું, ખોરડું તો આબરુદાર છે. છોકરો જરા ચડી વાગેલ છે પણ એ તો હોય! ગધાપચીસી ઉતરશે ને માથે ધુંસરી પડશે એટલે ઠેકાણે આવી જશે ! આપણી કલા ય સમજદાર છે. બધું ય સમુંસુતરું પાર ઉતારશે. 

એ દિવસ આવી પહોંચ્યો. વિનુના દોસ્તાર એના ભેગા આવ્યા હતા. બાએ એમને આવકાર આપ્યો. ઓસરીમાં ઢોલિયે બેસાડી ચા પાણી પાયાં. સોનકી, મેમાનને અંદર લઇ જા.  હાલો કહેતી સોનકી હાજર થઇ. કૉલર સરખા કરતો વિનુ ઉભો થયો ને રુઆબથી ડગલાં માંડ્યા.  

જરા, જોડા બાર કાઢજો ને મેમાન ! વેંતએકની સોનકીના વેણથી વિનુ વઢાઇ ગયો પણ છુટકો નહોતો. પોતાના ઘરમાં ય મા જોડા સાથે અંદર આવવા નહોતી દેતી ! મોં કટાણું કરતો વિનુ અંદર જવા ગયો એમાં ઉંચુ જોતાં ભુલી ગયો ને લમણું બારસાખે ભટકાણું. આ બધાનું પરિણામ એ આવ્યું કે વિનુ ભુરાયો થયો.

ઓરડામાં એક ખુરશી ને એક ટિપાઇ રાખ્યા હતા. વિનુ ખુરશીમાં ખડકાયો. કલાને ય સોનકી મુકવા આવી. ઘડીક વિનુ સામે તો ઘડીક કલા સામે જોતી સોનકી મુંઝાઇ, હવે શું કરવું ? કલાએ આંખથી બહાર જવાનો ઇશારો કર્યો. બહાર તો એ નીકળી પણ એનો દબાવેલો ખિખિયાટો બેયને સંભળાઇ ગયો. એમ તો કલાએ જાળિયામાંથી કાકીને ય ડોકું તાણતાં જોયાં ને એનો જીવ ઉંચો થઇ ગયો પણ સારું થયું વિનુની એ તરફ પીઠ હતી.

વિનુએ ખોંખારો ખાધો.બીજી ખુરશી નથી ઘરમાં ?કલાને આ ન ગમ્યું પણ ગળી ગઇ. ટિપાઇ પર બેસી ગઇ. વળી સોનકી આવી ને ચેવડો પેંડા મુકી ગઇ. વિનુનો ચહેરો જોઇ કલાને લાગ્યું કે હવે જો સોનકી આવશે તો આ જણ પરબારો હાલતો થઇ જશે. આમે ય વિનુ વિશે થોડી ઉડતી વાતો એના કાનમાં આવી હતી.

શું ભણ્યા છો ?

બાપુજીએ નથી વાત કરી ? બી.એડનું હાલ જ પુરું કર્યું.

ઠીક છે, ઠીક છે. એ ભણવાનું તો બરોબર પણ ટાંકો ટેભો આવડે ને ? રાંધવાનું બધુંય આવડવું જોઇએ. વાનગીઓ બનાવવામાં કેવોક રસ ?

આમ તો સારું આવડે. બાકી શીખી લઇશ.

તો બોલો, ચણાના લોટની કઇ કઇ વાનગી બને ? વિનુએ પ્રશ્નપત્ર ઉઘાડ્યું.

મોહનથાળ, ખાંડવી, ઢોકળાં… કલા ઉત્સાહમાં આવી ગઇ.

બીજું બોલો.ગાંઠિયા, ભજીયા…..

આટલું જ ? ન ચાલે

મગસ, બુંદી…  અકળાયેલી કલા જવાબ દેતી ગઇ પણ વિનુએ વાનગીનો કેડો ન છોડ્યો.

હજી બોલો. માએ શું શીખવાડ્યું છે ?

પુડલા કલા જરા જોરથી બોલી.

વિનુ હજી તોરમાં જ હતો.પછી ?

પછી ? એલા, તારો બાપ મરે ત્યારે ચણાના લોટની કઢી ય બને પણ તું અબઘડી અહીંથી હાલતો થા. કલા ગરજી.

કલાની રાડ સાંભળી જાળિયામાંથી માથું ખેંચી કાકી, સોનકી ને નાનકો યે દોડતા આવી પહોંચ્યા.  બધા બહારથી કાન માંડીને કલાનો ઇંટરવ્યુ સાંભળતા હતા..

તમારો એક જોડો કુતરું તાણી ગ્યું છ મેમાન ! કહેતાં સોનકીએ ખુલ્લો ખિખિયાટો કર્યો.

હશે ભાઇ, જાવ તમારા બાપા વાટ જોતા હશે. કહેતાં બાએ વાત વાળી ને વિન્યાને શેરીમાંથી પાધરો વળાવ્યો….


Responses

  1. સવાર સવારના આવી સરસ વાત વાંચવાની મજા આવી ગઈ.

    હવે એક વાર્તા મોડર્ન જમાનાના ઈંટરવ્યુની પણ લખો.

  2. Tamaro Jodo Kutru khenchi Gayu–Good punch line—Made me laugh.

  3. what a funny story…. let it continue

  4. really funny one…..
    very good indeed

    pan pachi chelle shu thayu

    vinu ne kevik mali ae to kaho??

  5. Vah Vah saras

  6. vah maja aavi ……….

  7. મજા આવી.
    પણ આ વાત બહુ જુની થઈ ગઈ. હવે તો આધુનીક છોડીઓ આવા સવાલો પુછે છે !


Leave a response

Your response:

Categories