Posted by: readsetu | February 11, 2008

રૂપલી દરજણ

 દેખાય છે તમને ? એ રહી રૂપલી. આ ભરપુર ટ્રાફિકવાળા મોટા રોડની ફૂટપાથ પર ઝાડને છાંયે જુઓ, સંચો લઇને એ સીવે જાય… બાજુમાં જુના કપડાંનો ઢગલો પડ્યો છે. એક બાજુથી કપડું ઉપાડે છે, ઉંધુચતું કરીને તપાસી લે છે ને ઝીણી આંખે મેચીંગ દોરો શોધી સોય નીચે ગોઠવતી, પગને જીવન આપે છે.  

કોણ જાણે એની ફોઇને એનામાં શું યે દેખાણું હશે કે એનું નામ રૂપલી પાડ્યું !! ડાચાના ઠેકાણા નહીં ને રંગ જાય તો પૈસા પાછા !! સાવરણી જેવા ઉડાઉડ વાળમાં તેલ પચપચાવી રંગીન રીબીન બાંધે ત્યારે બિચારો અરીસો ય શરમાતો હશે.. હશે પણ એથી નામ થોડું બદલાય છે ?? એને રૂપલી જ કહેવી પડે !!

લુગડાં આવતાં થયાં ને ભાઇએ એને ઠેકાણે પાડી દીધી. મા બાપ તો ક્યારના સિધાવી ગયાતા ને ભાભી આ નણંદનો પથરો ક્યાં સુધી ગળે બાંધી રાખે ? બિચારી એક ઘરેથી બીજે ઘરે વેઠ કરતી થઇ. વરસ ઉપર વરસ ઉકલતાં ગયાં પણ રૂપલીની કુખ ન ઉકલી. એની સાથે ઉઘલેલી બેનપણીઓના ખોળા છૈયાઓના મુતરથી લથબથ થઇ ગયા પણ રુપલી કોરીધાકોર રહી અને ધણી જેનું નામ !! વારસદાર માટે કેટલી વાટ જુએ ? રૂપલી રખડી પડી.

રૂપલી માટે આ કંઇ દુખ નહોતું. આમે ય દિવસના ઘરના સૌની વેઠ ને રાતના ધણીની વેઠ… સવાદે ય શું હતો જિંદગીમાં !! હા એક આશરો હતો, માથે છાપરું હતું એટલું જ. હવે ભાભી આમેય નહીં સંઘરે એના કરતાં રૂપલીએ લોકોના વાસણ કપડાં કરીને પોતાના માટે ભાડાની એક ઓરડીમાં ચપટીક સુખ શોધ્યું.

એને મળ્યું યે ખરું. લોકોનો એંઠવાડ સાફ કરીને શેઠાણીઓની મેરબાનીથી એ રોટલા ભેગી થઇ જતી. થોડાંક વાસણ વસાવ્યા ને ચાંદીના દાગીના ય ઘડાવ્યા. પોતાની ઓરડીમાં પહોંચીને રુપલીને થતું, હાશ… હવે કોઇની સાડીબાર નહીં. સાડલો માથે વીંટી નિરાંતે ઉંઘી જતી.હમણાં કંઇક એની નિરાંત નંદવાઇ હતી.

આવતાંજતાં ઓલો નટિયો દરજી એની સામે ધારીધારીને જોયા કરતો. રૂપલીને દેહ ધરીને આજ લગી કોઇ નજર નાખવાવાળો યે નહોતો મળ્યો એટલે એને એ મીઠું લાગતું. રાતમાં હવે એ પડખાં ઘસ્યા કરતી. ઝાઝી લપ્પનછપ્પન કર્યા વગર એણે એક દિ નટિયાનું ઘર માંડી દીધું. એને પ્રેમપદારથ મળી ગયો ને નટિયાને જે જોઇતુંતું એ… બહુ જલ્દી રૂપલીના બેંકના ખાતામાંથી બધી રકમ ચાંઉ કરી, ઘરની ઘરવખરી ને રૂપલીએ હોંશે ઘડાવેલા દાગીના લઇ નટિયો છૂ થઇ ગયો..

રૂપલી રાતા પાણીએ રોઇ… પણ હવે નટિયો હાથમાં આવે ? રૂપલીમાં ભગવાને કંઇક રૂપ ભર્યુંતું. એ હવે ઉઘડ્યું. ઠોકરો ખાઇખાઇને એણે હવે ધાર્યું કરવાના પાઠ શીખ્યા હતા. કાળજું કઠણ થયુંતું. એણે જીભ કચરી, એ દરજીડો એના મનમાં સમજે છે શું ? એલા વાતવાતમાં મને મેણાં મારતોતો, કામવાળી કહીને, જાણે પોતે મોટો નગરશેઠ હોય !! હવે તને દરજણ થઇને ન બતાવું તો મારું નામ રૂપલી નહીં.. આ લોકોના એંઠવાડા બંધ ને હવે સિલાઇકામ શીખી જ જઉં.

કળ વળતાં જ કેડ ફરતે છેડો કસીને વીંટાળીને એણે સીવણક્લાસ ચલાવતા બેનને ત્યાં ફીના બદલામાં સિલાઇ શીખવાનું નક્કી કરી લીધું. એના મનની ખરાઇ જ તો વળી નહીંતર આટલો જલ્દી રસ્તો શેનો મળે !! કદાચ ઉપરવાળો ય એના ઉપર દુખ નાખી થાક્યો હશે. જો કે રૂપલીએ કદી ઉપરવાળાને ગુનેગાર નહોતો ઠરાવ્યો એ જુદી વાત !! એને પોતાના આગલા જનમના કરમ જ નડતા લાગતા.  

રૂપલી શીખી ગઇ. હાડકા ઉપર ચોંટેલા ચામડા જેવી કાયા પાસે એણે કાળી મજુરી કરાવી. દયાળુ શેઠાણી પાસે માગીને ઉછીના રુપિયા લીધા. અડધા આંટાનો સંચો ખરીદી તુટેલું મન આખું કરી લીધું. ના મારી ઓરડીમાં નહીં, નટિયો બેસતો ઇ જ જગાએ મારો ગલ્લો ખોલીશ. ખોખલી લાગતી બાઇનો નિરધાર નકોર પાણા જેવો થઇ ગયોતો. એલી, ફૂટપાથ પર પોલીસ રંજાડશે ત્યારે શું કરીશ ? બોલો જ મા, ઇ તો પડશે એવા દેવાશે. પોલિસે ય માણસ તો ખરીને !! મારે તો હેવાનના પનારા પડ્યાતા !! જે થાય એ, પણ હું એની જ જ્ગ્યાએ બેસીને દરજીકામ કરીશ એટલું નક્કી. 

તે દિવસની રૂપલી એ જ જગ્યાએ બેસીને સંચો ચલાવે છે. લોકોના ફાટેલા તુટેલા કપડાં સાથે પોતાનું ફાટેલું જીવન પણ સાંધતી રહે છે. હવે એની સિલાઇ સફાઇદાર થઇ ગઇ છે. નજર રસ્તા પર હોય તો યે એના પગ મશીનને બરાબર ફેરવે છે. રસ્તા પર એ શોધ્યા કરે છે કે એકવાર ઓલો નટિયો આવીને જોઇ જાય કે હવે હું કામવાળી નથી રહી. પાકી દરજણ થઇ એની જેમ ગલ્લો ખોલીને બેઠી છું, પછી શાંતિ થાય…

રૂપલી, જીવને ધરપત રાખ. સમાચાર મળ્યા એ ભેગો નટિયો ક્યારનો સંતાઇને તને જોઇને ગયો છે ને લજવાઇને નીચી મુંડીએ પાછો ભાગી ગયો છે !!! રૂપલી, એની આંખો અંજાઇ ગઇતી, તારા આતમના અજવાળાથી !!   

Leave a response

Your response:

Categories