“શું કરીશું ફીમેલ વોઇસ માટે ?” હેમલે પુછ્યું
“અરે યાર બહુ મુશ્કેલી છે..એક તો ગાયિકાઓ ઓછી અને સીઝનમાં બધી બીઝી……”
“બીજા પ્રોગ્રામમાં આપણે સંભાળી લઇએ પણ આ લગ્નગીતોના પ્રોગ્રામમાં લેડી સીંગર વગર ન ચાલે…”
“પોરબંદરમાં છે એક…. નિશા….. મેં સાંભળી છે એને.. સારું ગાય છે.. બોલાવશું ?”
”એ ફ્રી હશે ? જુનાગઢ આવશે ?” મોટાભાઇએ શંકા વ્યક્ત કરી..
“ટ્રાય કરીએ.. આવી શકે તો અત્યારનું સંકટ તો ટળે..” અને હેમલે નિશાનો ફોન નંબર મેળવ્યો..
નિશા માટે આ અવસર હતો. હેમલનું સંગીતની દુનિયામાં મોટું નામ હતું. આવા સારા કલાકારનું કહેણ આવે ત્યારે વિચારવાનું હોય જ નહીં. મુશ્કેલી મમ્મી પપ્પાને મનાવવાની હતી. એમને પોતાની જુવાન દીકરી આમ પ્રોગ્રામ આપવા બહારગામ એકલી જાય એ બહુ ગમે નહીં પણ નાની બહેન સાથે આવશે એ શરતે હા પાડી.
ગાવાનો નિશાનો શોખ અને વ્યવસાય. નાની હતી ત્યારથી એણે માઇક સંભાળી લીધું હતું. એ સારું ગાતી અને સંચાલન પણ સરસ કરતી. કવિતાનો શોખ એટલે કાર્યક્રમના સંચાલનમાં શાયરીઓ સાથે એ ખીલી ઉઠતી. નિશા બસમાં જુનાગઢ આવી.
હેમલ લેવા આવ્યો હતો. “રહેવાનું…. હોટલમાં રૂમ બુક કરાવું કે અમારા બધાની સાથે ઘરે ફાવશે ?”
“હોટલની જરુર નથી. તમારા ઘરે ફાવશે….” પહેલી મુલાકાત છતાં નજર મળતાં જ બંને વચ્ચે કોઇ અદીઠ તાર જાણે શબ્દોની યે પહેલાં સ્થપાઇ ચુક્યો….
હેમલની બહેનના રૂમમાંથી ફ્રેશ થઇને નિશા બહાર આવી. બધા જમવા બેઠા. હેમલે ઓળખાણ કરાવી. “બા, મોટાભાઇ, ભાભી, બાળકો…….” એ ચમકી !!.. ઓહ, તો હેમલ હજી સીંગલ છે !!
બા કહે, “જો ને આ હેમલને કોઇ છોકરી પસંદ જ નથી પડતી. એના સુરમાં સુર પુરાવે એવી કન્યા કોણ જાણે ક્યારે મળશે ?”
નિશા ખળખળ વહેતું ઝરણું બની ગઇ… નિશાને માટે, પોતાના સંગીતના શોખને વિકસવા દે એવો છોકરો જ્ઞાતિમાં મળવો મુશ્કેલ હતો…ઉંમર વધતી જતી હતી અને મા-બાપની ચિંતા પણ..
હેમલ બીજી જ્ઞાતિનો હતો અને બંનેના કુટુંબો રુઢિચુસ્ત હતા. સમી સાંજ હતી. નહોતું પુરું અજવાળું કે નહોતું પુરું અંધારું.. પ્રોગ્રામમાં જતાં નિકળતી વખતે બાએ મંદિરમાં દીવો કર્યો. અજવાળું રેલાઇ રહ્યું. હેમલ બાને પગે લાગ્યો, નિશા પણ….. “ઇશ્વર તમારા અરમાન પૂરાં કરે….” બાના આશિર્વાદ નિશાના મનમાં પડઘાતા રહ્યા. લગ્નમાં મંગલાષ્ટક ગાતાં ગળાના ટહુકા સાથે એના મનના માળામાં બેઠેલું પંખી યે ટહુકવા લાગ્યું. બે ત્રણ કાર્યક્રમો થયાં અને શ્રોતાઓને આ જોડી જચી ગઇ.
એકવાર આમ જ, પ્રોગ્રામ પૂરો કરી મોડી રાત્રે કાફલો ગાડીમાં ગોઠવાયો. નિશાને આગલી રાતનો યે ઉજાગરો હતો. એના ડોલતા માથાને હેમલે હળવેથી પોતાના ખભાનો ટેકો આપી દીધો. નિશા લીલાછમ્મ વૃક્ષની તલાશમાં હતી અને હેમલની આંખમાં છલકાતી હતી વસંત.. બીજે દિવસે નિશાએ ડાયરીમાં લખ્યું, “હે ઇશ્વર, સ્વર્ગને અને મારે માત્ર બે આંગળનું છેટું છે. એ પાર કરવાનું હવે તને સોંપ્યું.”
ફરી એક વાર કાર્યક્રમનું કહેણ આવ્યું.. ઢળતી રાત સુધી સંગીતની મહેફિલ ચાલી. વહેલી સવારે હેમલ નિશાને બસમાં મુકવા ગયો..બસ આવવાને હજી વાર હતી. નિશા બહુ થાકી હતી. ટેબલ પર માથું ઢાળી બેઠી હતી…. હેમલના મનમાં ક્યાંય સુધી ગડમથલ ચાલતી રહી.
”આટલા થાક્યા છો તો રોકાઇ જાવને !” એ શબ્દોના જંગલમાં ફાંફા મારતો હતો
.“ક્યાં સુધી રોકાવાનું ?” નિશા જાતને ન સંભાળી શકી.
”તને કબુલ હોય તો જીવનભર…..” હેમલને અચાનક કેડી લાધી ગઇ.
નિશા ધરતી પરથી ઉંચકાઇ ગઇ..પરોઢનું કુણું અજવાળું એના અસ્તિત્વમાં પથરાઇ ગયું.”મારા માથા પર હાથ મુકીને કહો…”
”આ તારા માથા પર હાથ મુક્યો અને કહે તો કોરા કાગળ પર લખીને સહી કરી દઉં.” પંખીઓનું આખું ઝૂંડ કલરવ કરતું માથા પરથી પસાર થઇ ગયું. કાગળ પર નહીં હૈયા પર કોતરાયેલા શબ્દો લઇ નિશાએ ડગલાં માંડ્યા….
હેમલે નિશાના હાથમાંથી બેગ ઉંચકી લીધી. બસસ્ટેંડ પર નિશાને જોઇતી બસ મુકાઇ ગઇ હતી…..
21 માર્ચ 2007 > દિવ્ય ભાસ્કર > કળશ
very nice story.
By: Hiral Thaker "Vasantiful" on February 17, 2008
at 9:17 am