Posted by: readsetu | February 28, 2008

ઇઆન

 નિસર્ગનું આ નવું ઘર હતું. બંને બહુ ખુશ હતા. થોડું દૂર હતું પણ ડાલ્કેથ ગામ એડિનબરોને અડીને જ આવ્યું કહેવાય.. કારમાં થોડાક માઇલ આમ કે તેમ પણ આ ઘર હતું એસ્ક નદીને કાંઠે, કહોને કે નદીને અડીને જ… સવારમાં આંખ ખુલતાં જ નદીના સામા કાંઠે ઉભેલી વૃક્ષોથી ભરચક પહાડી હાથ લંબાવી બોલાવતી દેખાય.. પ્રકૃતિપ્રેમીને પાગલ કરી મુકે એવું લોકેશન હતું. 

આ સોસાયટીમાં લગભગ રીટાયર્ડ લોકો જ રહેતા હતા. કોઇ જોડીમાં તો કોઇ એકલા. સામે મળે તો સ્મિત આપે. સવારનો પહોર હોય તો ખુશખુશાલ થઇને હાય ડિયર….મો….ર્નિંગ કહેતા હાથ હલાવતા પસાર થઇ જાય.. આમ તો ઘરની બહાર કોઇ ભાગ્યે જ જોવા મળે પણ જે દિવસે સરસ તડકો હોય ત્યારે ફાઇન વેદર ફાઇન વેદર કહેતાં તડકાની જેમ જ ફેલાઇ જાય.. આવા દિવસે નિસર્ગ હિનાને આમ લોકોને બહાર ફરતા જોવાનું સુખ મળે.

બંને ભર્યા ભર્યા કુટુંબમાંથી આવેલા એટલે એમને એકલતા બહુ સાલતી.  રવિવારે મોડે સુધી ઊંઘ ખેંચીને, બ્રેકફાસ્ટ પતાવીને નિસર્ગ ઘરની બહાર નીકળ્યો.

બાજુના ઘર તરફ નજર ગઇ. બહારના પેસેજમાં એક નાના ટેબલ પર એક દાદા ચડવા જતા હતા. બે વખત પ્રયત્ન કર્યો પણ ન ચડી શક્યા. એકવાર તો પડતાં પડતાં રહી ગયા. એમના હાથમાં બલ્બ હતો. લાગતું હતું કે એમને ઉપર હોલ્ડરમાં બલ્બ લગાવવો છે. નિસર્ગને થયું, એમને મદદ કરું. બિચારા ક્યાંક પડશે તો હાથ પગ ભાંગશે. જો કે એને ખબર હતી કે આ ઇંડિયા નથી, આમ પુછવા જઇએ તો કોઇને ગમે નહીં. નો ઇંટરફીઅરંસ !! પણ એનાથી રહેવાયું નહીં. 

નિસર્ગની ધારણા ખોટી પડી. દાદાને એ ઇંટરફિઅરંસ ગમ્યું. નિસર્ગે પ્રેમથી ટેબલ ઉપાડીને ઘરમાં પણ મુકી દીધું. દાદા બહુ ખુશ થયા. વાતો થઇ. એમનું નામ ઇયાન હતું. પત્ની નહોતી. એક દીકરો હતો જે ક્યારેક આવતો. 76 વર્ષના ઇયાનની સાથે રહેતો એનો ડોગ ટોની. ઇયાનના જીવનની લગભગ બધી જરુરિયાતો એ પૂરી કરે.

એકલા રહેતા ઇયાનને  સરકાર તરફથી ટ્રેઇન્ડ ડોગ મળ્યો હતો. ઘરમાં ચશ્મા, લાકડી કે કોઇ પણ ચીજવસ્તુ ટોની લાવી આપે. બહાર જાય ત્યારે ટોની ઇયાનને રસ્તો ક્રોસ કરાવે.. એને બસમાં ચઢવામાં અને ઉતરવામાં યે ટોની મદદ કરે. 

રવિવારે ગાર્ડનિંગ કરતાં કરતાં ઇયાન અને નિસર્ગની વાતોમાં હિના પણ જોડાતી. એને યાદ આવતાં એના નાનાજી, જેમની એ બહુ લાડકી હતી અને એ સરસ મજાની કોફી બનાવીને ઇયાન માટે લઇ આવતી. ક્યારેક એ ખમણઢોકળા યે ખવડાવતી અને ઓ….. ઇંડિયન ડિશ, વેરી ટેસ્ટી કહેતાં ઇયાન આફ્રિન થઇ જાય. નિસર્ગ કહે, ધીસ ઇસ ગુજરાતી ડિશ ! ઇયાન કહે મારે આવતા જન્મે ઇંડિયન થવું છે. હિના ઉમેરો કરે, ઇંડિયન અને ગુજરાતી… પછી ગુજરાતી શબ્દ ઉચ્ચારવા માટે ઇયાનની કસરત ચાલે.. 

એવો જ એક રવિવાર હતો. ઇંડિયા બધા સાથે લાંબી વાતો ચાલી. માને તાવ આવતો હતો એટલે કિર્તીમામી ટિફિન આપી જતા હતા. ઘરના બીજા કામો માટે ગીતામામી પહોંચી જતા. નિસર્ગને હાશ તો થઇ પણ તો યે એણે પપ્પાજીને કહ્યું, તમે એકાદ બે દિવસ રજા રાખો ને ! માને સારું રહે અને તમારે ય થોડો આરામ થઇ જાય.

રાજકોટ ફોન કર્યો તો ખબર પડી કે નેહાના લગ્નની તૈયારી પૂરજોશમાં ચાલે છે. જ્યોત્સનાફોઇ કાકીની મદદમાં લગભગ ત્યાં જ હોય છે.. અમીની પરીક્ષ આવે છે એટલે જાગૃતિ રોકાવા માટે આવી ગઇ છે. બિચારી અમી, રાત્રે ઉજાગરા નથી કરી શકતી એથી જાગૃતિ એની સાથે જ બેસે છે. આ બોર્ડનું વરસ સચવાઇ જાય એટલે ભયોભયો.  એક તો ખૂબ વાતો કરી, વળી રજાનો દિવસ એટલે ઘરની પૂરી સફાઇ કરી…થાકીને ઠુસ..

રવિવારે સુતી વખતે નિસર્ગનો આ જ તકિયાકલામ ઓ ભગવાન યે મન્ડેકો જરા રોકકર રખના ન…પ્લીઝ… કહેતાં રજાઇમાં એ એવો ઘુસે કે જાણે આખું અઠવાડિયું સન્ડે જ રહેવાનો હોય !!  પણ સન્ડે લંબાવવાનું ભગવાનને પસંદ નથી.. વો હી રફતાર….

સોમવારે રાત્રે સુતી વખતે,

હિના, આપણે સાત વાગે આવ્યા અને અત્યારે રાતના દસ થયા. ટોમીએ આજે મૌનવ્રત લીધું લાગે છે.

વચ્ચેના દિવસોમાં ઇયાનને મળવાનું ખાસ ન થાય પણ રોજ સવારસાંજ એના ટોમીનો અવાજ તો સંભળાય..

તું મૌનવ્રત લઇ લે નિસર્ગ, મારે સુઇ જવું છે. 

બસ આ જ તકલીફ છે. આપણી વાત સીરીયસલી લેવાની જ નહીં ને !

તું અને સીરીયસ !! આવતા જન્મે થા તો યે સારું છે !! હિના પડખું ફરી ગઇ.

 ચાલ, તું મને થોડી તારી સીરીયસનેસ આપ.નિસર્ગ પલાંઠી વાળીને આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ બેસી ગયો.

મારે માને પૂછવું છે, તને શું ખવડાવ્યું છે ? હવે જલ્દી સુઇ જા. મારે કાલે નવા પ્રોજેક્ટની ડિઝાઇન આપવાની છે. સવારે ઓફિસે જતાં સુધી ટોમીનો અવાજ સંભળાયો નહીં. બંનેએ જોયું કે ઇયાનની કચરાપેટી બહાર નહોતી મુકાઇ. દર મંગળવારે વેન આવીને કચરો લઇ જાય. જો ચુકી ગયા તો આવતા મંગળવાર સુધી કચરો સાચવવો પડે.

હિનાને ચિંતા થઇ. ઇયાન બિમાર હશે ! સાંજે નિસર્ગથી રહેવાયું નહીં. એણે ઇયાનના ઘરની ડોરબેલ બે વાર વગાડી તો યે બારણું ન ખુલ્યું. હવે બેલ મારવી એ સભ્યતાનો ભંગ હતો. નિસર્ગ નક્કી નહોતો કરી શકતો કે શું કરવું.

સામેના ઘરમાંથી પીટર અને સેરા વૉક માટે બહાર નિકળ્યા, હાય …નિસર્ગે પણ હાથ ઉંચો કર્યો. હાયઇયાનના બારણા પાસે બંનેને ઉભેલા જોઇને એ સમજી ગયા. ઓ….યુ ડોંન્ટ નો !!

સ્સોમવારે સરકારી મકાનનો કબજો લઇ લોક કરતા ઓફિસરને જોઇને પડોશીઓને જાણ થઇ હતી. 

રવિવારે રાત્રે ટોમી ખાસ્સું ભસ્યો હતો. ઇયાનના નાક પાસે એણે ક્યાંય સુધી પોતાનું નાક રગડ્યું હશે. ઇયાનનું ઠંડુ પડતું જતું શરીર અને વિલિન થતાં જતા શ્વાસો એ નહીં જ ખમી શક્યો હોય !! તાલીમ પામેલા ટોમીએ જ પોલિસનો નંબર લગાવ્યો હતો.  

ઇયાન માટે ભગવાન ગુજરાતની વ્યવસ્થા કરતા હશે ?? કોણ જાણે ?? એસ્ક તો વહ્યા જ કરે છે.

લતા હિરાણી        

(દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત 28 માર્ચ 2007)      


Responses

  1. saras vaarta..ahi amerikaamaa vrudhdhoni aa ja dasha chhe ane te sarva svikarya paNa chhe.
    jo ke independance ne jeo mahatva aape Che te sau aMte to ekalaa ja rahevaanaa

  2. હું સિડની ગયેલો ત્યારે પણ આ જ રીતે વૃદ્ધોને એકલા રહેતા અને ટ્રેઈન-બસમાં ફરતા જોઈને એ જ વિચાર આવેલો પણ “અહિંનું તો આ જ કલ્ચર” એમ વિચારીને મનમાં ચાલતી વિચારોની વણઝારને અટકાવી દીધેલી… બાળકો વૃદ્ધ મા-બાપને એકલા રાખે એ આપણી સંસ્કૃતિમાં થોડું દયાજનક લાગે… દલીલ એવી થઈ શકે કે આ બધા દેશોમાં સરકારની ઘણી મદદ મળે છે… પણ દરેક વખતે એ કામ નથી આવતી હોતી…

    અને હું ઈન્ડિયા આવવા નીકળવાનો હતો એના એકાદ અઠવાડીયા પહેલાં જ સિડનીના એક સબર્બમાં એકદમ આ જ રીતનો કિસ્સો બનેલો .. પણ એ કાકા પાસે કોઇ “ટોમી” ન હતો એટલે એક વર્ષ સુધી મૃતદેહ ઘરમાં પડી રહ્યો અને કોઇને ખબર જ નહિ .. !!!! પડોશી સુદ્ધા અજાણ રહ્યા .. અને તે પણ એક વર્ષ સુધી …

    સુંદર હ્રદયસ્પર્શી વાર્તા લતાબેન …

  3. સરસ રચના….

    લતાબેન,

    ક્યારેક સાવ નવીનક્કોર રચના પણ આપો તો કેવું?

  4. તમે ખૂબ સરસ લખો જ છો… શું કોમેન્ટ કરવાની રહી?

  5. Make someone else happy. When you’re feeling powerless to create happiness in your life, do something to make someone else–anyone–happy, and you’ll remember how easy it really can be. Isn’t it true the happiest people we know are typically the ones who for some foolish reason are always ready to give you the clothes off their back? And frequently it is true that the most discontented people are the ones who are selfish, demanding, and inconsiderate of others. The happiest days of our lives, when we really dig down deep, is when we see the smile on the face of a person who we care about. Even helping a stranger can remind you of how much you really have, because of how much you can give. Serve at a rescue mission and you will learn the meaning of “I cried because I had no shoes and then I met a man who had no feet.”


Leave a response

Your response:

Categories