Posted by: readsetu | September 9, 2008

ઝટપટનો ન્યાય

એક મોટું નગર. એનો રાજા ઝટપટસિંહ. રાજા બહુ ભલો. એને એની પ્રજા માટે ખૂબ પ્રેમ. આખો દિવસ પ્રજાના કાર્યો  કર્યા કરે. સરસ રીતે વહીવટ કરે.

 

રાજાએ દરબારમાં એક મોટો ઘંટ રાખેલો. કોઇને કંઇ મુશ્કેલી હોય, ક્યારેક કંઇક ઝઘડા થયા  હોય તો દરબારમાં જઇને ઘંટ વગાડે. રાજા તરત બહાર આવે, ફરિયાદ સાંભળે અને નિકાલ કરે. ઝટ ન્યાય અને પટ અમલ.

 

પ્રજા સુખી એટલે બધું સરસ.. મકાનો સરસ.. બાગબગીચાઓ સરસ. રસ્તાઓ સરસ. લોકો સુખી. બધા સંપીને રહે. હળી મળીને રહે. સહુ આનંદ કિલ્લોલ કરે. ગરીબ માણસને પણ પેટ પુરતું ભોજન મળી જાય. કોઇ ભૂખ્યું સુએ નહીં.

 

ગામમાં એક અલકરામ રહે. એની બાજુમાં મલકરામ રહે.. બંને પાકા દોસ્ત બંનેના કુટુંબો પણ  એકબીજાને ચાહે. અલકરામ અને મલકરામના ઘર અને દુકાનો બાજુબાજુમાં. નીચે દુકાન અને ઉપર ઘર.બંને વેપાર થોડો કરે વાતો ઝાઝી. ગામ ગપાટા માર્યા કરે. એમની વાતોમાં કોઇની પંચાત નહીં, બસ હંસી મજાક ને ગમ્મત. આખો દિવસ લોકોને એમનું ખડખડાટ હાસ્ય સંભળાતું હોય.

બધા લોકો આ બંનેની દોસ્તી કરવા પ્રયત્ન કરે. જે પોતાના કામથી થાક્યું હોય એ અલકરામ કે મલકરામની દુકાને જઇને બેસે એટલે ફ્રેશ થઇ જાય..

 

અલકરામના પાડોશી ગડબડરામ. એમને  ત્યાં એમના સાળા મહેમાન થઇને આવ્યાં. સાળાનું નામ ટકટકરામ. સાળાસાહેબના ઘણાં માનપાન. બેન બનેવીને ત્યાં ઠાઠથી રહે. એમનો મિજાજ ભારે ને એમનો સ્વભાવ વાંકો. વાતવાતમાં વાંધા પાડે. પણ મહેમાનને કોણ કહે ? સહુ ચલાવી લે.

ટકટકરામને તો ફાવતું જડી ગયું. બનેવીને કહે, હું હવે અહીં જ રહીશ. મને તમારી દુકાનમાં સાથે રાખી લો.’’  બનેવી મુંઝાણા. શું કરવું ? બેન કહે, મારો  એકનો એક ભાઇ છે. એનું દિલ ન દુભાવું જોઇએ..’’ ટકટકરામ  તો રહી પડ્યા. બનેવીને થયું  સાળાસાહેબ કેમ સચવાશે ?માથે પડ્યા મહેમાન ! પણ હવે શું થાય ? બલા ગળે વળગી.

ટકટકરામ દુકાને આવવા લાગયો. ટકટકરામ ભણેલો હતો પણ એની બુદ્ધિનો અવળો ઉપયોગ કરતો. કામકાજ કંઇ કરતો નહીં. નોકર ચાકરને ધમકાવ્યા રાખતો.

મન ફાવે એમ કરતો. બેન કે બનેવી કોઇનું માનતો નહીં. હવે તો બેન પણ પસ્તાણી પણ અબ પછતાયે હોત ક્યા જબ ચિડિય ચુગ ગઇ ખેત ! ટકટકરામને પાછો કાઢવો મુશ્કેલ હતું.

 

ટકટકરામે નોકરોને ધમકાવતો અને એના પગારમાંથી પૈસા કાપી લેતો. . એ પૈસા પોતે વાપરી નાખતો. નોકરો એનાથી ફફડતા હતા હવે એ પાડોશી સાથે ઝઘડો કરવાનું કારણ શોધવા લાગ્યો. એને આમ પણ આ હસમુખા લોકોની અદેખાઇ આવતી હતી

કેમ કે આનંદી પાડોશીઓને ત્યાં ગ્રાહક વધારે આવતા.  એક દિવસ…

 

આ આખો દિવસ તમે શોરબકોર કર્યા રાખો છો મને ડિસ્ટર્બ થાય છે.

 

અલકરામ મલકરામે સાંભળી લીધું.  એ દિવસે તેઓ ધીમે ધીમે બોલ્યા.

બીજા દિવસે ટકટકરામે આ લોકોના હસવા માટે ઝગડો કર્યો.

 

અલકરામ મલકરામથી આ સહન થયું નહીં પણ એમણે સંયમ રાખ્યો.

ટકટકરામને તો બબાલ  જ જોઇતી હતી. એણે એમના નોકરો પર ચોરીનો આરોપ મુક્યો. બહાર રસ્તા પર આવીને જેમતેમ બોલવા લાગ્યો. એના બનેવીએ એને ખૂબ વાર્યો પણ એનાથી તો એને વધુ શુરાતન ચડ્યું. એ ગાળાગાળી પર આવી ગયો. ને એમાંથી મારામારી પણ શરુ કરી દીધી.

 

હવે તો આવું રોજ થવા લાગ્યું. શેરીમાં રહેતા બધા કંટાળ્યા. ટકટકરામ ન જોઇએ. એને પાછો કાઢવો કેમ ?

 

અલકરામ મલકરામ અને બીજા ગયા રાજા ઝટપટસિંહ પાસે. માંડીને વાત કરી. ઝટપટસિંહ તરત સમજી ગયા. એમણે ફટાફટ ન્યાય આપ્યો.

ટકટકરામને ટકોમુંડો કરો. દસમાથાવાળા રાક્ષસનો માસ્ક બનાવો. ટકટકરામને એ માસ્ક      પહેરાવો. ઉંધે ગધેડે બેસાડી એને આખા ગામમાં ફેરવો. કાલે જ એ ગામ છોડી નાસી જશે. બધા રાજાના આ ન્યાયથી ખુશ થઇ ગયા.

બધા કામે લાગી ગયા. મુખ્ય  ચહેરો દાંતિયા કાઢતા વાંદરા જેવો બનાવ્યો. આજુબાજુના ચહેરા સૌએ પોતાની મરજી મુજબ બનાવ્યા. લબકારા લેતી જીભવાળો, આગ ઝરતો ગુસ્સાવાળો,  ઘુવડ જેવો, લુચ્ચા શિયાળ જેવો, તરાપ મારતા વાઘ જેવો…. માસ્ક બનતા ગયા.

 

રાજાજી જોવા આવ્યા. રાજાજી કહે એક માસ્ક પોપટ જેવો બનાવો. ભણ્યો છે પણ ગણ્યો નથી. એની વિદ્યા બધી નકામી છે.

 

શેરીના લોકો  એકઠાં થયાં. ટકટકરામને  મોટું માસ્ક પહેરાવ્યું. એના ગળામાં પાટિયું લટકાવ્યું. એના પર લખ્યું આજનો રાવણ . એને ગધેડા પર અવળો બેસાડ્યો.

અને એનું ફુલેકું ગામમાં ફેરવ્યું.

 

જેવો એને ગધેડા પરથી ઉતાર્યો કે એ તો મુઠઠીઓ વાળી ભાગ્યો.

 

બધા કહે, હાશ ટકટકથી જાન છુટી.

 

                              

 

લતા હિરાણી


Responses

  1. nice one….

  2. શ્રેય અને પ્રેય બતાવનારી સરળ બાળવાર્તા
    ધન્યવાદ્

  3. well said

  4. simple way to make u understand the difficult things


Leave a response

Your response:

Categories