Posted by: readsetu | November 13, 2009

અદભુત બચાવ

હાવર્ડ શહેરના શેરીફ જેરી માર્ર પર એક શનિવારની સાંજે ફોન આવ્યો. એમનો છ વરસનો પૌત્ર મિકી એના પિતા સાથે કોકોમો તળાવના કાંઠે બેસીને માછલી પકડતો હતો ત્યારે એક કાર એની સાથે ટકરાઇ હતી. કલાકના એંશી કિલોમીટરની ઝડપે જતી એ કાર સાથે મિકી લગભગ 500 ફૂટ જેટલું ઘસડાયો હતો. પછી કાદવથી ભરેલા એક ખાડામાં મિકી અને કાર બંને જઇને પડ્યા હતા. બસ ફોન કરનાર પાસે આટલી જ માહિતી હતી.

 આવા ભયંકર અકસ્માતનું પરિણામ શું હોઇ શકે, એની કલ્પના પણ શેરીફને ધ્રુજાવી દેતી હતી. દોડાદોડ એ સેઇંટ જોસેફ હોસ્પિટલમાં પહોંચી ગયા. જઇને જુએ છે તો મિકી પૂરેપૂરો ભાનમાં હતો. અને પોતાના ફિશિંગ પોલ (માછલી પકડવાનો કાંટો) વિશે વાત કરતો હતો.

 શેરીફે એની સાથે વાત શરુ કરી. એના માથે પ્રેમથી હાથ ફેરવતાં પૂછ્યું, “મિકી બેટા, શું થયું હતું ?”

 મિકી જાણે એના દાદાની જ વાટ જોતો હતો, “દાદા, હું એટલી સરસ રીતે માછલી પકડતો હતો ને કે જાણે માછલી પકડાઇ જ જવાની હતી પણ ત્યાં જ એક બહેન છે ને હં, તે રોડને બદલે જમીન પર ગાડી દોડાવવા માંડ્યા. એણે મને ગાડી સાથે ભટકાડી દૂર કાદવમાં પછાડી દીધો. અને દાદા, એ બધું તો ઠીક છે પણ એણે મારો ફિશિંગ પોલ તોડી નાખ્યો. હું હવે કેવી રીતે માછલી પકડી શકીશ ?

 “પણ મારા વહાલા દીકરા, તને ક્યાંય વાગ્યું તો નથી ને ? તને કંઇ થાય છે ?”

 “ના દાદા, બહુ નથી દુખતું. હા, અહીં પગમાં થોડુંક દુખે છે પણ એ બહેને મારો ફિશિંગ પોલ તોડી નાખ્યો છે તો હવે હું હવે કેવી રીતે માછલી પકડી શકીશ ?”

 “બેટા, ચિંતા ન કર હું તને આજે જ નવો ફિશિંગ પોલ લાવી આપીશ.” મિકીના પગનું હાડકું તુટી ગયું હતું એના કરતાં એને ફિશિંગ પોલ તુટવાનું દુખ વધારે હતું. દાદાને એના કરતાં વધારે નવાઇ એ લાગતી હતી કે  80 કિ.મી. ની ઝડપે દોડતી કાર સાથે અથડાઇને 500 ફૂટ સુધી ઘસડાયા છતાં એને આટલું ઓછું શી રીતે વાગે ?

 બીજા દિવસે મિકીને હાડકાના ઓપરેશન માટે લઇ ગયા. સાંજે મિકીએ દાદાને પોતાની સાવ નજીક બોલાવ્યા. કાનની નજીક મોંઢું લઇ જઇ મીકી બોલ્યો. “દાદા, ભગવાન ખરેખર હોય છે, તમને ખબર છે ?”

“બેટા, ભગવાન આપણા હૃદયમાં હોય જ છે. મનની આંખોથી એને જોઇ શકાય છે. એનામાં જે શ્રધ્ધા રાખે એને એ દેખાય છે.”

“એમ નહીં, સાચેસાચા ભગવાનની વાત કરું છું. તમે એમને જોયા છે ?”

“ના બેટા, સાચા ભગવાનને તો મેં ક્યારેય જોયા નથી !! પણ અલ્યા છોકરા, તું કેમ આવી વાતો કરે છે ? તેં ભગવાનને જોયા છે ?”

“હા દાદા !! મેં જોયા છે. સાવ સાચા ભગવાનને જોયા છે.” કંઇક અનોખા અવાજ સાથે મિકી બોલ્યો.

દાદાથી પૂછાઇ ગયું, “એમ દીકરા ? ક્યારે ?”

”હા દાદા, પેલી બાઇ જ્યારે એની મોટર સાથે મારી ઉપર આવી ચડીને ત્યારે ભગવાને અચાનક આવીને મને પોતાના બંને હાથમાં ઉઠાવી લીધો. પછી મને કાદવમાં મુકી પોતે મારી ઉપર સુઇ ગયા. કાર એમની ઉપરથી પસાર થઇ ગઇ અને મને કંઇ ન થયું, બોલો !”

 દાદા શું બોલે ? આંખમાં આંસુ સાથે મિકીનો હાથ પકડીને ક્યાંય સુધી એના માથા પર હાથ ફેરવતા રહ્યા. મિકીને કેમ આટલું ઓછું વાગ્યું હતું એનું કારણ હવે એમને થોડું થોડું સમજાયું હતું..

 ડૉ. આઇ. કે. વીજળીવાળાના પુસ્તક ‘મનનો માળો’માંથી સાભાર

 


Responses

  1. Very nice story

  2. ખુબ સુન્દર પ્રસંગ ..ભગવાન આપણને બધાને જ આવો સહકાર આપે છે જો તેની નોંધ રખાય તો …

  3. Bhagvan apne andar hi hai

  4. સુવાંચન પ્રસ્તુત કરવા બદલ દિલી અબિનંદન અને આભાર

  5. ભગવાન હોય જ છે દિલમા શ્રધા જોઇએ..
    સપના

  6. રામ રાખે એને ભલા કોણ ચાખી શકે ? અને વળી અતૂટ શ્રધ્ધાના બળ પર જેની જબરદસ્ત બુનિયાદ હોય એ ઈમારતને ઝંઝાનિલ ક્યાં હલાવી શકે ?


Leave a response

Your response:

Categories