પ્રિય શુભદા,
રવીન્દ્રનાથ ટાગોર કહે છે, ‘મા’નો અર્થ દુનિયાની બધી ભાષાઓમાં ‘મા’ થાય છે.” આ કેટલી રોમાંચક વાત છે !! એમ પણ કહી શકાય કે મા એ ઇશ્વરની જેમ સર્વવ્યાપી શબ્દ છે !! એટલે જ આ શબ્દોયે બહુ મોટો માતૃમહિમા ગાય છે કે ‘ઇશ્વર આવડી મોટી દુનિયામાં બધે જ ન પહોંચી શકે એટલે એણે ‘મા’નું સર્જન કર્યું.’
બાળકનો જન્મ, એક નવા જીવનું, નવી ચેતનાનું ધરતી પર આગમન, એ પૃથ્વીની સૌથી પવિત્ર ઘટના છે. બાળકનું અવતરણ એ ઇશ્વરીય વરદાન છે. ઇશ્વરને માનવજાતમાં હજી શ્રદ્ધા રહી છે એટલે જ એ નવા જીવને પૃથ્વી પર મોકલે છે. અને ઇશ્વરની આ શ્રદ્ધાનું વાહન બને છે ‘મા’ કારણ કે માતાની કુખે જન્મતું દરેક બાળક માનવજાતના અસ્તિત્વનું એક આગળનું પગલું છે. મા એક બાળકને જ જન્મ નથી આપતી, એક પેઢીને જન્મ આપે છે, એક બાળકના જન્મથી એક આખા વંશવેલાનું, માનવજાતનું વિસ્તરણ થતું જાય છે.
બાળકનો જન્મ એ માતાના રોમેરોમમાં છવાતો ઉત્સવ છે. નહિતર પ્રસુતિની પીડા કેટલી ભયંકર હોય છે !! એ વેઠીનેય સ્ત્રીને મા બનવું હોય છે. પ્રસુતિ પછી માત્ર બાળકનો નહિ, એક માનોયે જન્મ થતો હોય છે. બાળ જન્મ પછી સ્ત્રી માટે એક નવું જીવન શરૂ થાય છે. અત્યાર સુધી એના જીવનમાં પતિ અને પરિવાર કેન્દ્રમાં હતાં, હવે કેન્દ્રમાં રહે છે પોતાનું બાળક !! જે કંઇ થાય એ એને અનુલક્ષીને થાય, એને ધ્યાનમાં રાખીને થાય, પહેલાં બાળકની જરુરિયાત પૂરી થાય પછી બીજું બધું, પોતાની જાત પણ પછી જ. સવારથી રાત સુધી, ઉઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, ઊંઘતા, જાગતા માના મનમાં માત્ર બાળકનું જ ચિંતન !
થોડાં વર્ષો પહેલાં, સ્કોટલેન્ડમાં મારી પુત્રવધુની પ્રસુતિ માટે હું ગઇ હતી ત્યારનો મારો અનુભવ. આપણે અહીં લોકો અને ડૉકટરો પણ પશ્ચિમનું અનુકરણ કરવામાં ગૌરવ અનુભવે છે ત્યારે ત્યાં મેં જુદી વાત જોઇ. આપણે ત્યાં નવજાત શિશુને ગળથુથી આપવાની પ્રથા છે. મને ચિંતા હતી કે ત્યાં હોસ્પિટલમાં આવું કરવા દેશે કે નહિ !! પણ દીકરાએ કહ્યું,
“અહીં એ પણ કરી શકાશે. માત્ર પહેલેથી ફોર્મમાં ભરવું પડે. અર્થાત લખીને આપી દેવું પડે. દરેકને પોતાની પરંપરા, સંસ્કૃતિ, રિવાજ જાળવવાનો હક છે.”
મને આનંદ થયો. એ વિગત ફોર્મમાં ભરાઇ ગઇ અને હું બીજી તૈયારીઓમાં લાગી ગઇ.
હૃદયને સ્પર્શી જાય એવી બીજી બાબત મેં જોઇ. પ્રસુતિ પછી આપણે ત્યાં બાળકને તરત નવડાવવા લઇ જાય છે. બાળકને સાફ કરવું જરૂરી હોય જ અને આ ઉપરાંત પણ એની પાછળ બીજી સમજણ ચોક્કસ હોય પણ ત્યાં જુદી પ્રથા હતી. જન્મ પછી બાળકને તરત નવડાવવાનું નહિ પરંતુ કપડાંથી સાધારણ લૂછીને માતાની ખુલ્લી છાતી પર ઊંધુ સુવડાવી દે, સ્કીન ટુ સ્કીન ટચ, અને માતા તથા બાળકને રજાઇમાં ઢબુરી ઊંઘાડી દે. બાળકને અને માતાને સંપૂર્ણ આરામ. પ્રસુતિ પછી ત્રણ ચાર કલાક કોઇને મળવાની મનાઇ. માત્ર એનો પતિ કે પાર્ટનર એની બાજુમાં બેસી શકે. એના માટે પણ વાતચીત કરવાની મનાઇ ખરી. અલબત્ત મારા માટે ત્યાં ખાસ પરમીશન લેવામાં આવી હતી કે ‘બાળકના દાદીમા ખાસ છેક ભારતથી આવ્યાં છે એટલે બાળકને જોઇ લે પછી બહાર જતાં રહેશે.’ અને મેં એમ મારા પૌત્રનું મુખ જોયું.
આ પ્રથા પાછળની સમજણ એ હતી કે બાળક અને માતાને સખત થાક તો હોય જ. એટલે આરામની જરુર પણ હોય. નવડાવવામાં બાળકને માતાથી દૂર લઇ જવું પડે. ગર્ભના સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાંથી નીકળી એકદમ માતાથી છૂટું પડવાનો અને સ્નાનનો અનુભવ બાળકમાં અસુરક્ષિતતા જન્માવી શકે. જ્યારે બાળકને તરત માતાની છાતી પર સુવડાવવાથી, એ જાણે પોતાની જગ્યાએ હોય એવી હૂંફ અનુભવે. થાક બાળકને પણ હોય એટલે ત્રણ ચાર કલાકની ઊંઘ બંનેને પૂરતો આરામ આપી દે. પછી ધીમે ધીમે બાળક નવી હવામાં ટેવાતું જાય. દરેક પ્રથા અને પરંપરા પાછળ એ સમાજની સંસ્કૃતિ, વાતાવરણ, આબોહવા વગેરે રહેલાં હોય છે અને એને અનુસાર જે તે પ્રથાનો જન્મ થયો હોય છે. મને ત્યાંની આ પ્રથા ખૂબ ગમી.
બાળકને જન્મ પછી સૌથી પહેલો અનુભવ થાય છે સ્પર્શનો.. માતાના હાથનો સ્પર્શ, માતાના હોઠનો સ્પર્શ, માતાના સ્તનનો સ્પર્શ, માતાના ધાવણનો-દૂધનો સ્પર્શ. એ સ્પર્શથી એને પ્રેમનો અનુભવ થાય છે, હૂંફનો અનુભવ થાય છે, સલામતીનો અનુભવ થાય છે.
બાળકને માતાનો સ્પર્શ અને માતાને બાળકનો સ્પર્શ આ અનુભવથી સુખદ બીજું કંઇ હોઇ શકે ખરું ? રોમેરોમ દીવા પ્રગટાવતી આ ઘટના છે જેને માટે ઇશ્વરે માત્ર સ્ત્રીને જ પસંદ કરી છે. આવો અદભુત અનુભવ મેળવવાનો અધિકાર માત્ર સ્ત્રીને જ આપ્યો છે.
સ્ત્રી શબ્દ ‘સ્તૃ’ ધાતુ પરથી બન્યો છે. ‘સ્તૃ’ એટલે વિસ્તાર, ફેલાવો કરવો. દુનિયા આખીમાં પ્રેમ ફેલાવવો એ સ્ત્રીનું કામ છે. એક જીવનું જતન કરીને એને એક ઉમદા માનવ બનાવવાની જવાબદારી માટે ઇશ્વરે સ્ત્રીને જ લાયક ગણી છે. માતા બનવું એ સ્ત્રીનો વિશેષાધિકાર છે અને ઇશ્વરની પરમ કૃપા.
Published in ‘Manav’ August 2010
માતૃત્વનો લહાવો લેવા તો ઈશ્વર ખુદ ઝંખે છે !
By: 'ચાંદસૂરજ' on September 27, 2010
at 3:31 pm
really heart touching
By: ankita on February 23, 2012
at 1:43 pm