Posted by: readsetu | February 19, 2012

ઢોકળાં

દિવ્ય ભાસ્કર > કળશ > સેતુ કૉલમ > 10 ઓક્ટોબર 2007

 

આર્જવ પ્લેનમાંથી ઉતર્યો. દિલ્હી એરપોર્ટ પર હાથમાં સરસ મજાનો ગુલદસ્તો લઇને પપ્પા સામે ઉભા હતા. પાછળ એમની કંપનીના ચાર અધિકારીઓ પણ આવ્યા હતા. વેલકમ સર કહેતાં સૌએ  હાથ મિલાવ્યા.

કેમ છો બેટા ? પપ્પાએ વહાલથી આર્જવને બાથ ભરી.

ફાઇન ડેડી. હાઉ ઇઝ લાઇફ ? આર્જવે ટાઇ ઠીક કરી.

મીરાંની તબિયત કેમ છે ?

એવરીથીંગ ઇઝ ફાઇન. બસ કાલે સાંજે તો પાછો નીકળી જઇશ.

હા, અત્યારે તું મીરાં પાસે રહે તો એને સારું રહે..પણ તને જોઇને મને મારો ભુતકાળ યાદ આવી જાય છે. ત્યારે પરદેશ જવાનું ઓછું રહેતું પણ ઘડીવારની યે ફુરસદ નહોતી રહેતી. બધા કારમાં ગોઠવાયા.

મહેતા કન્સલ્ટન્સી લિમિટેડનો વિશાળ કારોબાર હવે આર્જવના તાબામાં હતો. આમ તો આર્જવને અમેરિકામાં ભણી રહ્યા પછી ઇન્ડિયા પાછા ફરવાની જરાય ઇચ્છા નહોતી પણ ધીમે ધીમે સમજાયું કે  પોતે અમેરિકામાં તૂટી મરશે તો યે પિતાએ જમાવેલા સામ્રાજ્યની તોલે કાંઇ નહીં આવે. મહેતા કન્સલ્ટન્સીની મુખ્ય ઓફિસ મુંબઇમાં હતી બાકી દેશમાં અને પરદેશમાં એની કેટલીયે શાખાઓ હતી.

નિરવ મહેતાએ આમ તો હવે બિઝનેસમાં રસ લેવાનું લગભગ બંધ કરી દીધું હતું. ક્યારેક આર્જવને જરુર લાગે ત્યાં સુચના આપતા એટલું જ.  આર્જવને મુંબઇમાં બધું સોંપીને નિરવ મહેતા પત્ની સાથે અમદાવાદમાં સગાં સ્નેહીઓ વચ્ચે રહીને જિંદગીમાં નિરાંતની મજા લેતા હતા. જો કે અમદાવાદની બ્રાંચ પર રોજ બેત્રણ કલાક જતા ખરા.

પત્નીને અમેરિકામાં હતી. એને પૂરા દિવસો જતા હતા પણ બહુ તાકીદનું કામ હતું એટલે એક દિવસ માટે આર્જવ દિલ્હી આવ્યો હતો. એણે સ્વિત્ઝર્લેન્ડમાં એક મોટી ડિલ સફળતાથી પતાવી હતી. એટલે નિરવ મહેતા પુત્ર પર બહુ ખુશ હતા અને તબિયત નરમ હોવા છતાં દીકરાને મળવા દોડી આવ્યા હતા. એકનો એક દીકરો હતો !! દીકરી પપ્પાની બરાબર ખબર લેતી રહેતી હતી તો યે આર્જવ માટે બંનેનું મન ખેંચાયેલું રહેતું.

ગાડીઓ હોટલ પર પહોંચી. ફ્રેશ થઇ સૌ રેસ્ટોરન્ટમાં પહોંચ્યા. સફાઇદાર વેઇટરો અદબથી ડીશ પીરસી રહ્યા હતા. આર્જવને ભાવતી વાનગીઓનો ઑર્ડર અપાયો હતો. જમવાનું શરુ થયું અને નિરવ મહેતાને યાદ આવ્યું, અરે, ગાડીમાંથી પેલું ટિફિન કોઇ લાવ્યું કે નહીં !! આર્જવ, તારી મમ્મીને આવવાનું મન હતું પણ.. એના હાથના તને ભાવતા ઢોકળા ખાઇ લે એટલે એના જીવને શાંતિ..!! આર્જવનો ચહેરો બદલાઇ ગયો. મમ્મી હદ કરે છે. મુંબઇના બંગલે મોકલ્યા કરે ત્યાં સુધી ઠીક છે પણ આ ફાઇવસ્ટાર હૉટલમાં ઢોકળાં !!

મીરાંએ ચોકલેટ ઓછી કરી કે નહીં ? લાગે છે કે મારો પોતરો ચ્યુંઇગમ સાથે જ અવતરશે.” થોડું કૃત્રિમ હાસ્ય કરતાં નિરવ મહેતા બોલ્યા. સાથે બેઠેલા અધિકારીઓ પરિસ્થિતિ પામી ગયા અને બૉસનો મુડ બદલવા તત્પર થઇ ગયા. વાતાવરણ બદલાતા વાર ન લાગી. બિઝનેસ જોક્સ ચાલ્યા અને સૌ હળવા બની ગયા. ત્યાં જ આર્જવનો મોબાઇલ રણક્યો. આર્જવ દીકરાનો બાપ બની ગયો હતો. ડોકટરે આપેલી તારીખ કરતાં થોડું વહેલું થઇ ગયું હતું. નિરવ મહેતા લગભગ દોડીને દીકરાને બાઝી પડ્યા, તેં મારું ઘડપણ સુધારી દીધું બેટા.. અમદાવાદ પત્ની સાથે વાત કરતાં એમની આંખમાં ઝળઝળિયાં ચમકી ગયા.

મિ. જોષી, કાલે સવારની ફ્લાઇટ્નું બુકિંગ કરાવી દો, બિઝનેસ તો થશે !! આર્જવ બોલ્યો..

આજે અમારી સાથે આ સમાચાર સાંભળનાર તમને ચારેય ઓફિસરને એક એક ઇન્ક્રીમેંટ જાહેર કરું છું કહેતાં કહેતાં નીરવ મહેતાએ વૉલેટ ખોલી ત્યાં હાજર રહેલા તમામ વેઇટરોને સો સોની નોટો બક્ષિસમાં આપવા માંડી.

હળવેથી આર્જવ બોલ્યો, પપ્પા મમ્મીએ મોકલેલું પેલું ઢોકળાનું ટિફિન મંગાવી લો ને !! અત્યારે તાજાં જ સારા લાગશે !!!


 



 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers