Posted by: readsetu | February 26, 2012

શાબાશ ઉમા

દિવ્ય ભાસ્કર > કળશ > સેતુ કૉલમ > 04-07-2007

તમે સમજો છો શું તમારા મનમાં ? હું નહીં માનું, હરગીઝ નહીં માનું…. ઉમા લગભગ બરાડવાની ફ્રીકવન્સીએ બોલી. પરેશનો હાથ હલ્યો પણ ઉમાનું રૌદ્ર રુપ જોઇને ઉંચો ન થયો.

ન કેમ માને ? માંકડને મોં આવ્યું છે !! સાસુમાને પુત્રના બાયલાપણા પર ગુસ્સો આવતો હતો. આજ સુધી તો પોતાના એક બોલે પરેશ હાકોટા પાડતો ને આજે એને શું થઇ ગયું છે ?

ના, નહીં જ માનું. તમારાથી થાય તે કરી લો. હવે આખી દુનિયા મારા પક્ષમાં છે, કાયદો મારા પક્ષમાં છે. તમે કોઇ મારું કંઇ નહીં બગાડી શકો. હવે હું વિફરી તો તમારા ભવાડા થશે ને ઘર બદનામ થઇ જશે એ ન ભુલો.

એટલે તું અમારી આબરુના ધજાગરા ઉડાડીશ એમ ? પરેશ… આ કોના જોર પર બોલે છે !! સાસુજીનો અવાજ ફાટી ગયો.

ના મારે તમારી આબરુના ધજાગરા નથી કરવા. તમારી આબરુ એ મારી આબરુ છે. અને મેં જે કહ્યું એ તો આખરી ઉપાય છે, તમે ન જ માનો તો !! જો તમે સાચી વાત સ્વીકારવા તૈયાર હો તો મારે કંઇ નથી કરવું. ઉમાનો અવાજ જરા ધીમો અને વધુ મક્કમ થયો.

હા, હવે તું ડહાપણનો ભંડાર અને અમે બધા મુરખ ! આ ધોળા થયા એ તો તડકે તપાવીને જ !સાસુજીએ ઉમાને તમાચો ચોડવાનું જ બાકી રાખ્યું હતું.

હવે કોઇ નહીં બોલે. માત્ર હું બોલીશ અને તમે બધા સાંભળશો. તમારો ગુસ્સો આજે કંઇ કામ નહીં લાગે. આજ સુધી મેં લગભગ ગુલામની જેમ જ તમારી વાત માની. બસ હવે બહુ થયું. મારું ભણતર લાજે છે. ઉમાનો અવાજ એવો થઇ ગયો હતો કે હંમેશા એના પર રોફ મારતા બધાની બોલતી બંધ થઇ ગઇ. કદાચ તેઓ ડરી ગયા હતા કે ખરેખર ઉમા બધાને ઉઘાડા પાડી દેશે !!

મને ય નવાઇ લાગે છે હું સાવ આવી કેમ થઇ ગઇ હતી ? પરેશ, કેટલા ભરોસે મારા માબાપે મારી જિંદગી તમારી સાથે જોડી અને તમે મને ક્યાંયની ન રાખી ! મારી ફૂલ જેવી દીકરી, આ ઘરમાં જન્મીને શું પામી ? કેટલી હોંશ હતી મને મારા પહેલા બાળક માટે ? અને કેવો આવકાર મળ્યો એને આ ઘરમાં ? મને હોસ્પિટલમાં જોવા આવ્યા ત્યારે મમ્મી તમે મારી પુરવાના માથે હાથ સુધ્ધાં નહોતો ફેરવ્યો એ હું કેમ ભુલું ? તમને એ મારા પેટે અવતરેલો પથરો જ લાગતોતો. પરેશ, એ તમારું લોહી પણ તમને બાપ બનવાનો આનંદ વ્યક્ત કરતાં ડર લાગતોતો. ધીમે ધીમે તમે ય મમ્મીના મતના જ થઇ ગયા. મારી ઢીંગલી જાણે વધારાની હોય એમ તમે બધા વર્તતા હતા. ઘરમાં આપણે ત્રણ અને મમ્મીનો બોલ તમારાથી ઉથાપાય નહીં.

પરેશ, તમે કદી વિચાર્યું કે વિધવા મા કરતાં તો દયનીય હાલત મારી હતી !!

મારી મા !! એણે ય મને હંમેશા એ જ કહ્યે રાખ્યું કે મા-દીકરાને રાજી રાખ. મને હિંમત ન આપી. દીકરીના માબાપ એટલે ઓશિયાળા જ એવું એમણે ય સાબિત કર્યે રાખ્યું. કદાચ પોતે મારી પીડા સમજતી હતી પણ કદી મારો પક્ષ લઇ મારી પડખે ન ઉભી રહી. આ તે કેવી પરંપરા ! આ તે કેવી સંસ્કૃતિ ! હવે મારી આંખ ખુલી ગઇ છે. મને કોઇ મદદ નહીં કરે. મારે જ મારી જાતને મદદ કરવાની છે.

 

ના, પરેશ હું નહીં કરાવું મારી બીજી પુત્રીની હત્યા !! મારે સોનોગ્રાફી નહોતી કરાવવી પણ તમે મારું ન સાંભળ્યું. કાયદામાં મનાઇ હોવા છતાં ડૉકટર પાસે બાળકની જાતિ જણાવવાના રસ્તા હતા અને તમે એનો લાભ લીધો. હું મારી દીકરીને જન્મ આપીશ જ. અત્યારે આ ઘડીએ હું પૂરેપૂરી સ્વસ્થતાથી તમને મારો નિર્ણય જણાવું છું કે તમે મને સાથ આપશો તો સારી વાત છે અને જો તમે બળજબરી કરીને મારી દીકરીને મારી નંખાવશો તો હું તમને ઉઘાડા પાડીશ. આ મારી પ્રતિજ્ઞા છે. ઉમા હાંફતી હતી અને પરેશે ડૉકટરને ફોન જોડી આવતીકાલની એપોઇંટ્મેંટ કેન્સલ કરાવી.

શાબાશ ઉમા !! મારે તને જાહેરમાં થાબડવી છે. આ એનો જ પ્રયત્ન છે પણ મારે તારું નામ એટલે બદલવું પડશે કે તારી આવી હિંમતને બિરદાવવા જતાં વળી તારા પર મુસીબતનું પોટલું ન આવી જાય !! આખરે તારે જીવવાનું છે એ લોકો સાથે જ ને !! જેની સામે તેં એક સચ્ચાઇ ખાતર માથું ઉંચક્યું છે અને તું જીતી ગઇ છો.. તું અને તને જાણનારા સમજી જ જશે આ તારી વાત છે…..

 

 

 


Responses

  1. શાબાશ લતાબેન!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers