Posted by: readsetu | મે 25, 2017

Kavyasetu 283 Manthan Disakar

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 23 મે 2017

કાવ્યસેતુ 283  લતા હિરાણી

મઘમઘતા શ્વાસોમાં ગુંજે છે ભમરાનો નાદ સખી

આજ મને સાજ સજી લેવા દે ….

ગાંઠ મારીને પાલવને છેડલે મેં એને બાંધેલો, સખી બાંધેલો.

જમણેરા હાથે કંસાર મારી માએ પછી રાંધેલો, સખી રાંધેલો.

સાત સાત ફેરામાં સાત સાત જન્મોનો સાધ્યો સંગાથ,

સખી આજ મને સાજ સજી લેવા દે….

વ્હાલપના તાંતણા છૂટ્યા રે તાતનાં ફળીયામાં, સખી ફળીયામાં

જાણીબુઝીને મારી ડૂબકી મેં તોફાની દરિયામાં, સખી દરિયામાં

ઘેલી તું ગણ ભલે, રાખું છું પળપળનો રોજ્જે હિસાબ

સખી આજ મને સાજ સજી લેવા દે

રાત રાત જાગીને છાતીમાં સપનાઓ વાવ્યા છે, સખી વાવ્યા છે.

છમછમતી છોકરીને નારી થવાના કોડ જાગ્યાં છે, સખી જાગ્યાં છે.

વહેલી પરોઢનાં આંગણામાં વાવ્યો છે છોડવો ગુલાબ

સખી આજ મને સાજ સજી લેવા દે   == મંથન ડીસાકર

પ્રિય પાત્રને પામવાની ઝંખના, મિલનની આતુરતા નવા નવા રૂપે કાવ્યોમાં વ્યક્ત થતી જ રહે છે.  સ્ત્રીઓ ઊર્મિશીલ હોય છે એટલે આ વાતો એની ઉક્તિ સ્વરૂપે વધારે વ્યક્ત થાય છે. શણગાર સજવા એ સ્ત્રીના અસ્તિત્વનો ભાગ છે. એક નાની છોકરી હોય તોયે એને એની રીતે કેટલાય સાજ સાજવા હોય છે ! છ વરસની છોકરીના શોપિંગ લીસ્ટમાં લીપસ્ટીક ને નેઇલ પોલિશ આવે જ આવે. એનેય મમ્મીની જેમ રૂપકડું પર્સ લટકાવી ફરવું હોય. હાથમાં મહેંદી કે પગમાં રૂમઝૂમ કરતી પાયલ ને વાળમાં જાતજાતની હેરપીનો, એવા તો કેટલાય એના અભરખાઓ હોય છે. મૂળે તો સ્ત્રી અને સૌંદર્ય આ એક સિક્કાની બે બાજુઓ છે એમ કહેવામા જરાય અતિશયોક્તિ નથી. અપવાદો બધે હોય તોયે આ વાતનું સામાન્યીકરણ થઈ જ શકે. સુંદર લાગવાની ઇચ્છા એ સ્ત્રીના લોહીમાં વહેતી ઘટના છે. વલ્કલ પહેરતી સ્ત્રીયે પાંદડાના અને ફૂલોના શણગાર સજતી એવું આપણા શાસ્ત્રો કહે છે.

અહીંયા કવિ પરણવા જતી કન્યાના મનોભાવો આલેખે છે. આ ઉમર છે જ્યારે પ્રિય પાત્રના સ્મરણ માત્રથી શ્વાસ ઊછળતા હોય ને આ તો પરણવા જવાની વાત છે. પાલવના છેડાની ગાંઠ જેની સાથે ભવભવ માટે બંધાવાની છે એવા પ્રિયતમના મિલનની કલ્પનાની સુગંધ શ્વાસમાં ભળી છે. કંસારના શુકન કરીને એની સાથે સાત સાત ફેરા ફરવાના છે. એક એક ફેરે એક એક વચન, એક એક મીઠું બંધન. ફેરા ધરતી પર ફરવાના છે ને મન ગગનમાં વિહરવાનું છે એ સમયની પ્રતીક્ષા છે. સંગાથ એવો મળવાનો છે કે આ ભવની તરસને એનો મુકામ મળે.

ફળિયામાં બાંધેલા માંડવા હેઠળ આ છેડા સંધાશે ને સાથે સાથે માબાપ દાદા-દાદી, ભાઈ-બહેન અને સખીઓ સાથેના તાંતણા છૂટવાના છે. એક હાથે નવા સંબંધને ઝાલવાનો છે ને બીજા હાથે જૂના સંબંધને છોડવાના છે. નજર સામે છે એ તો અજાણ્યો ને તોફાની દરિયો છે. તોફાની દરિયો શબ્દ ઠીક જ વાપર્યો છે. અહીં ગીતમાં ભલે એ મનના તોફાન હોય બાકી જીવન તોફાનોથી જ ભર્યું છે એ જેવો નવા સંસારનો રોમાંચ ખતમ થાય એટલે સમજાય છે. જવા દો, અહીંયા તો વાત ઉમંગની છે એટલે આપણે એને જ પકડીએ. અને જીવનમાં બધા તબક્કા જરૂરી હોય છે. ખુશી, ઉમંગ, દુખ, વિપતિઓ બધું એક પછી એક આવતું રહે છે એટલે એનીય મજા છે.

એક છોકરીને છલકાવાની વેળા હોય ત્યારે બીજાને એ ઘેલી જ લાગે પણ એ તો કહેશે હું પળેપળનો હિસાબ રાખું છું. આ ઘડીઓનો હિસાબ મળવાની ક્ષણ સાથે જ જોડાયેલો હોય પણ એની એને ખબર નથી… એય એક ઘેલછા જ છે અને આ ઘેલછા જીવનમાં કેટલી ઘડીઓને છલકાવી દે છે ! ચાલો ત્યારે આ છમછમતી છોકરીના હૈયામાં ગુલાબ ઉગવા દઈએ…..    

 

 

 

 

 

 

Posted by: readsetu | મે 16, 2017

Kavyasetu 282 Aarundhati Desai

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 16 મે 2017

કાવ્યસેતુ 282   લતા હિરાણી

શ્રદ્ધાની પતવાર ગ્રહીને સામા પ્રવાહે તરવું

છો ને ઝંઝાવાત ઝળુંબે, શાને કાજે ડરવું ? 

મધદરિયે જો નૈયા ડોલે જરાય ના ડગમગવું

મરજીવાની માફક મોતી લઈને પાછા ફરવું

નિષ્ફળતાનું ઝેર પી જઈ ખુદને શંકર કરવું

મર્યાદાઓ અતિક્રમીને સાહસ કરતાં રહેવું ……. શ્રદ્ધાની પતવાર

તેજ ઉછીનું કદી માંગુ, ભલે ને મારગ ભટકું

તેજપુંજનો તેજદીપ હું, અંધારે ક્યાં ડરવું ?

કોલસાની કાળાશ ખંખેરી, જાતે જાતને જડવું

આતમહીરો ખોળી લઈને, પરમ તેજને વરવું શ્રદ્ધાની પતવાર  – અરુંધતી દેસાઇ

 

આ કવિતા વાંચતાં મને મારું શાળાજીવન યાદ આવી ગયું. એ વયે આવા સાહસ જગાવતા, ખુમારી પ્રગટાવતા ગીતો બહુ ગમતા હોય છે. અલબત્ત, મને ગમતા અને તમને પણ ગમતા જ હશે એમ માનીને આગળ ચાલુ છું. એકદમ સરળ શબ્દો, સરળ રજૂઆત. પ્રાસ અને લયના વહેણમાં એક જુસ્સો લઈને ગાતા જવું. ક્યાંક લય તૂટે તો ઝડપથી ઉચ્ચારી ગીતને પકડી રાખવું ! અહીંયા જેમ છે એમ એક અંતરામાં તેજ શબ્દ ચારવાર આવે તોય કશું નડે નહીં કેમ કે ગીત ગમવા પાછળ મનને આશા અને ઉત્સાહથી ભરી દેતો જુસ્સો જ પાયાનું તત્વ હોય. આ કાવ્યનું એવું જ છે. થોડા ખૂણા ખાંચા સુધારી લેવાય તો શાળાના વિદ્યાર્થીઓએ માટે કામનું. જો કે બીજી વાત એ પણ છે કે આજના વિદ્યાર્થી ઉપર માર્ક્સ મેળવવા, ટકા લાવવાનો એટલો બધો બોજો છે, મા-બાપ અને શિક્ષકો લાઠી લઈને સંતાનોને દોડાવવા એટલા પાછળ પડ્યા છે કે એને આવા ગીતો કે આવા આનંદની કદાચ કોઈ સમજ જ નથી રહી.

આ પ્રકારના ગીતો ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકોમાં રહેતા. હવે ગુજરાતી વિષય ભણવાનો છે એવુંય ક્યાં કોઈ જાણે છે ! આ વાક્ય લખતા મન વિષાદથી ભરાઈ ગયું. ક્યારે આપણા રાજયકર્તાઓ જાગશે અને ક્યારે એ ગુજરાતી ભાષા, પોતાની માતૃભાષાનું ઋણ અદા કરશે ! અત્યારે માતૃભાષાને જીવતી રાખવાનું કામ સામા પ્રવાહે તરવા જેવું છે. અંગ્રેજી મીડિયમના ઝંઝાવાતની સામે ટકી શકાય કેમ કે અંગ્રેજી શીખવા સામે કોઈ વિરોધ ન હોય શકે. આજના સમયની એ તાતી જરૂરિયાત છે પણ પોતાની માતૃભાષા અવગણાશે નહીં એટલો સધિયારો તો જોઈએ ને ! અહી મૂળને જ ઊધઈ લાગવા માંડી છે અને એ બચાવવા કોઇની ઊંઘ ઊડતી નથી. મારા મનમાં આ કાવ્ય ભાષા સાથે જોડાઈ ગયું. સારું છે અહીં કવિને માત્ર આત્મવિશ્વાસ બુલંદ કરવાની જ હોંશ છે.

માનવીને રોજબરોજના કામોમાં, ડગલે ને પગલે ઝંઝાવાતોનો સામનો કરવો પડે છે. હવે સીમા પરના યુદ્ધોની જરૂર રહી નથી. સામાન્ય માનવીને પળે પળે યુદ્ધો લડવા પડતાં હોય છે ને એની પાસે કોઈ શસ્ત્ર-સરંજામ કે સૈન્ય હોતું નથી. પોતાનું દિમાગ અને પોતાના હાથ-પગ, જે ગણો તે આટલું. જો હૈયે હામ ન હોય તો જીવનની લડાઈમાં જીવી જવુંય મુશ્કેલ !

થોડાક લોકો હોય છે કે જે આમાંથી રસ્તો કાઢીને મંઝીલે પહોંચે. અલબત્ત મંઝિલ શબ્દ રસ્તો ભૂલાવે એવો હોય છે એ વિચારવું રહ્યું. ક્યાં પહોંચવું છે એની કોને ખબર છે ? બહુ ઓછા લોકોને ! દુનિયામાં સફળ થનારા, ડંકો વગાડનારા, કઈક કરી બતાવનારા લોકો બહુ ઓછા હોય છે કેમ કે મોટાભાગનાને પોતે શું કરવું છે કે પોતે શું કરી  શકે એમ છે એની જાણ જ નથી હોતી. જાણ થાય છે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. સમય કોઇની રાહ જોતો નથી અને વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી. એક બાળક માટે, એક વિદ્યાર્થી માટે ખૂબ જરૂરી છે કે તે પોતાની શક્તિઓ, ખૂબીઓ ઓળખે. પોતાની મર્યાદાઓને પણ જાણે જેથી ખોટી દિશામાં સમય વેડફાઇ ન જાય. સંપૂર્ણપણે કલાકાર જીવને મેડીકલમાં મોકલવાના ઉધામા કેટલા અહિતકર બને ! સારા ગાયક કે સંગીતકાર કે કવિલેખક થવા સર્જાયેલા જીવને માત્ર મોકળાશ આપો, એને ગમે છે એ કરવાની. એને ઇતિહાસ-ભૂગોળથી અવરોધો નહીં, ગણીત-વિજ્ઞાનથી બાંધો નહી, એની સામે અજાણ્યા ઝંઝાવાતો સરજો નહી તો એ ખીલશે. એની મંઝિલે પહોંચશે.     

 

 

Posted by: readsetu | મે 9, 2017

Kavyasetu 281 Radheshyam Sharma

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 2 મે 2017

કાવ્યસેતુ 281  લતા હિરાણી

લીંપણની પાંપણ પર એક ઓકળી

સ્ત્રીની હથેળીના જાદુથી મઘમઘતી નીકળી

અર્ધચંદ્રની આકૃતિ સરજતી

ગરજતી ઝળકાવે ત્યાં ગ્રામજગતની સંસ્કૃતિ  

લીંપણની એક ઓકળીમાં ચંપાયેલો દાણો

બાવળના ઉદરમાંથી પ્રગટેલો પાણો

અહલ્યા નથી

રામ આવવાની રાહ તે જોતો નથી

તેથી તો તે રોતો નથી કે મોહતો નથી

માત્ર દાણાના પોતને

માણસ દબાવી જુએ

એટલું પૂરતું છે. … રાધેશ્યામ શર્મા

   

વિખ્યાત કવિ અને વિવેચક શ્રી રાધેશ્યામ શર્માની આ અછાંદસ રચના. એમનો સંગ્રહ, એકાંતમાં ઊડેલાં નક્ષત્રોમાંથી પસંદ કરી. કવિતાને પામવી હંમેશા સહેલું કામ નથી. સર્જનક્ષણ કેમ અવતરી હશે, કવિને ક્યાંથી ક્યાં લઈ ગઈ હશે, કેવી રીતે લઈ ગઈ હશે આ બધું ભાવકે માત્ર કલ્પવાનું રહે છે. એ સાચું હોય, અંશત: સાચું હોય અને બની શકે કે એમાંથી કશુંક જુદું પણ નીપજયું હોય એટલે જ એ કવિતા છે જે એક ખુલ્લા આકાશમાં લઈ જાય છે અને એના શબ્દો-શબ્દસંયોજનોની પાંખો પહેરાવી નકશો આપ્યા વગર ઉડવા મૂકી દે છે.  

 

ગામડામાં હજુ ક્યાંક જમીન પર ગાર-માટીના લીંપણ થતા હશે ને લીંપણ ઉપર આંગળીઓથી ડિઝાઇન બનતી હશે જેને ઓકળી પાડી એમ કહે છે. આટલી સ્પષ્ટતા કરી કેમ કે હવે શહેરોમાં ઓકળી શબ્દ અજાણ્યો પણ લાગે.

હું સ્ત્રી ખરી ને ! શરૂઆતના શબ્દો બહુ ગમી ગયા. લીંપણની પાંપણ. પ્રાસની વાત તો ખરી જ પણ લીંપણની ધાર કે કિનારી કહેવાને બદલે પાંપણ શબ્દ વાપરીને કેટલી નજાકત ભરી દીધી ! વાત સ્ત્રીની અને સ્ત્રીની હથેળીથી થતાં જાદુની હોય ત્યારે આવા નમણા સંવેદનો સ્પર્શે જ … જો કે અહીં સ્ત્રીના હાથે બનતી ઓકળીઓ અને એમાં સર્જાતી અર્ધ ચંદ્રાકાર આકૃતિથી પ્રગટતી ગ્રામ સંસ્કૃતિ, આટલું જ કવિને કહેવું છે. આથી વધારે આ વિષયમાં કશું જ નહીં.

 

કવિ આ નાજુક સંવેદનોમાંથી નીકળી તરત એને જે સાધવું છે એ તરફ, નક્કર ધરાતલ પર આવી જાય છે.   

કવિતાનો પ્રવાહ ફંટાય છે અને પ્રગટ થાય છે પેલો ચંપાઈ ગયેલો દાણો.. દાણો લીંપાયેલી ઓકળીમાં છે. સ્વાભાવિક છે કે એ સુકાઈને પત્થર જેવો બની ગયો હોય. અહીં દાણો સ્વાભાવિક છે કે અનાજનો જ હોય નહીંતર કવિએ કાંકરી કહ્યું હોત. પત્થર જેવો થઈ ચૂકેલો દાણો નજરે નથી ચડતો. આંખો સામે છે એ તો સુંદર અર્ધચંદ્રાકાર આકૃતિઓ. એની અંદર આ દાણો છુપાયેલો છે. કદાચ એ ઉંબરમાં જ છે એટલે એને અહલ્યાના પત્થર સાથે સરખાવ્યો અને આ એવો પત્થર છે કે જેને રામની પ્રતિક્ષા નથી. એ કોઈના શાપથી નહીં, અનાયાસ એ સ્થિતિમાં દટાયેલો છે. કદાચ એને ત્યાં પહોંચાડનાર સ્ત્રી પણ નથી જાણતી કે લીંપણમાં અનાજનો દાણો ભળી ગયો છે. આ દાણો પોતાના ઉદ્ધાર માટે કે કશાય માટે ત્યાં નથી એટલે એને આંસુ કે હાસ્ય જેવા માનવીય ભાવો સાથે કોઈ નિસબત નથી. આ સુકાયેલા દાણા માટે પાણો શબ્દ એથી ઉચિત જ વપરાયો છે. એની જડતાના પ્રતીક તરીકે જ કવિએ બાવળ શબ્દ પ્રયોજ્યો હોય એવું લાગે છે. કેમ કે આવો દાણો ચાલતા પગ નીચે વાગે તો બાવળની શૂળ ભોંકાયા જેવી જ વેદના થાય.

 

અંત ફરી એકવાર ભાવપ્રદેશમાં લઈ જાય છે. આખરે આ એક કવિતા છે, કોઈ ભૂગોળ કે રસાયણની વાત નથી… અંતમાં કવિ કહે છે કે  માત્ર દાણાના પોતને માણસ દબાવી જુએ એટલું પૂરતું છે પાણો થયેલા દાણાને ત્યાં જ રહેવું છે. કશે જવું નથી પણ કોઈ આવે ને ઉંબરે પગલાં પાડે, આવનજાવન શરૂ થાય તો એ દબાઈને સમથળ બને અને ઘર જીવનથી ભરાય.

 

યાદ કરો શરૂઆતમાં વપરાયેલા શબ્દો ! ગ્રામ્ય સંસ્કૃતિ હવે ભૂંસાતી ચાલી છે. પર્યાવરણને જીવન સાથે સમરસ કરીને જીવાતી જીવનવ્યવસ્થા ખતમ થતી જાય છે કેમ કે એમાં થોડી અગવડ છે. શહેરની સુંવાળી સગવડ એમાં નથી. પણ પ્રકૃતિ સાથે જીવવાના જુદા જ સંવેદનો છે.

 

કવિતા વાંચતાં મનમાં ઉઠતાં સંવેદનો આલેખવાને બદલે આ વખતે કવિતાના શબ્દોને હાથમાં લઈ માત્ર એના અજવાળે ચાલવાનો આ પ્રયત્ન છે. કવિએ ધારેલી સૃષ્ટિમાં પહોંચી કે નહીં પણ મને જરૂર કશુક લાધ્યું છે અને ત્યાં પહોંચવાનો અને એ વહેંચવાનો આનંદ તે આ જ….  

 

Posted by: readsetu | મે 9, 2017

Kavyasetu 280 Aarti Sheth

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 1 મે 2017                                                         

કાવ્યસેતુ  280 –  લતા હિરાણી 

કિરણોના આવ્યાં પૂર

સૂરજ જાગ્યો છે સફાળો

આળસ મરડી બેઠી થાતી, ફૂલોની પાંખડીઓ

કલા સંકેલી ધુમ્મસ બાંધેરૂની એ ગાંસડીઓ

વાદળ દરિયા પાસે, ઉઘરાવવા નીકળે ફાળો

સૂરજ જાગ્યો છે સફાળો

ખેતર જાગ્યા સીમ જાગી, જાગી શેરી શેરી

ખૂણે ખાંચરે પહોંચી વળવા, કિરણો કરતાં ફેરી

જરા પંપાળ્યું કિરણોએ તો ચહેકી ઉઠ્યો માળો

સૂરજ જાગ્યો છે સફાળો.  –  આરતી શેઠ

પ્રભાતના કિરણો જેવી રમતિયાળ વાત અને હરખીલી વધામણી લઈને આવતું આ સીધુસાદું ગીત ગમે એવું છે કેમ કે મનને કૂણો તડકો ગમે છે. આપણે નાના બાળકને રોજ ઊઠીને શીખવીએ છીએ કે બેટા સૂરજદાદાને વંદન કરો !  એવું ન કરતાં હોય તો આજથી જ શરૂ કરી દેજો. આજનું બાળક ‘સન’ અને ‘મૂન’ ગોખવામાં ક્યાંક ‘સૂરજદાદા’ અને ‘ચાંદામામા’ જેવા મધુરા ને પ્રકૃતિ સાથે પોતાપણું જોડી દેનારા શબ્દો ભૂલી ન જાય ! સવારમાં સૂર્યદર્શન/વંદન કરવું એ આપણી સંસ્કૃતિ છે. રોજ સવારે ઝાડને થડે થડે કીડિયારું પૂરવા લઈ જનાર કે પક્ષીઓને ચણ નાખનાર માબાપ કેટલું મોટું કામ કરે છે ! એવા બાળકોથી બનતા સમાજમાં પર્યાવરણની ચિંતા ક્યારેય નહીં કરવી પડે !

અંધકારથી અજવાળા તરફ જવાની, નિંદ્રાથી જાગૃતિ તરફ જવાની આ દૈનિક ઘટના કેટલી રમણીય અને પ્રસન્નતાપ્રેરક છે ! વૃક્ષો એને પહેલાં અને જુદી રીતે વધાવે છે. પાંદડે પાંદડું સૂર્યના આગમનથી ચળકી ઊઠે. ડાળીઓ પર સૂતેલા પંખીઓને એ હળવેથી જગાડે અને વાતાવરણને ચહેકાટથી ભરી દે. અલબત્ત કવિએ અહી સૂરજને સફાળો જગાડયો છે…. કલ્પના સરસ છે. બાકી સૂરજને તો આ જ ઉદ્યમ છે. એને ક્યાં ઊંઘવું પોષાય છે ! પૃથ્વીના આ ભાગેથી પેલા ભાગે ! પણ ના, આ કવિતાનો સૂરજ છે. એ સફાળો જાગી શકે ને અચાનક ઊંઘીય શકે ! એ માત્ર આકાશમાં નહીં, હૈયામાં ય ઊગે છે. હૈયાનો સૂરજ કોઈપણ સમયે ઊગી શકે ને કોઇપણ સમયે આથમી શકે !

એટલે જ આ સૂરજ વાદળોને દરિયા પાસે પાણીનો ફાળો ઉઘરાવવા મોકલે છે ને જાણે આપણે નળિયાની ધારેથી વરસતા પાણીને બે હાથમાં ઝીલવા ઊભા રહી ગયા હોઈએ એવી ખુશી થાય છે. આખાય જગને ઉજાળવા, ક્યાંય ખૂણો ખાંચરો પણ બાકી ન રહી જાય એની ફિકરમાં જુઓ આ કિરણોની રેલ ફેરી કરવા લાગી છે. વલોણાના રવકારે કે બળદોની ઘૂઘરીઓના ઘમકારે સવાર પડતી અને હજુયે ઘણી જગ્યાએ પડતી જ હશે. શહેરોમાં વાતાવરણ બદલાયું પણ સવારના ગીતો સુકાયા નથી. હજી અજવાળું થયું ન થયું ત્યાં બારી પાસે ચણ ચણતા કબૂતરોનું ઘુ ઘુ મને રોજ જગાડે છે. વહેલી સવારે શરૂ થઈ જતો ટ્રાફિક ઊંઘ ઉડાડવામાં પાવરધો છે. એ પછીયે બારીના પડદા બંધ કરીને ઊંઘનારાઓને ફાંટમાંથી સૂરજ અજવાળાના તીર છોડે છે, ‘ભઈ જાગો….’

મૂળે સવાર શબ્દ જ મનને ખીલવી દેવા પૂરતો છે. કોઈ વર્ણન ન કરીએ અને માત્ર હળવાશથી ને હરખથી ‘સવાર…..’ એવું ઉચ્ચારીએ તોય મનનો સૂરજ સફાળો જાગી જાય. ફૂલો દિલ ખોલીને બેઠા હોય પતંગિયાઓને વધાવવા અને રંગરંગી પતંગિયા નીકળી પડ્યા હોય ફૂલોનો રસ ચૂસવા ; પંખીઓ કલશોર કરતા હોય ત્યારે ખીલતી કળીઓ અને હસતાં ફૂલો સાથે આંખ મિલાવવાની ખુશકિસ્મતી મોડા ઉઠનારા ગુમાવે છે. જો કે સવારે વહેલા કે મોડા પણ ઊઠીને કુદરત સાથે ગોઠડી કરવાને બદલે હાથમાં મોબાઈલ લઈ વોટ્સ એપને વળગનારા જીવોની માત્ર દયા જ ખાઈ શકાય !  જવા દો, એમને માટે આ કવિતા નથી !     

Posted by: readsetu | એપ્રિલ 25, 2017

Kavyasetu 279 Solid Maheta

દિવ્ય ભાસ્કર > 25 એપ્રિલ 2017

કાવ્યસેતુ  279   લતા હિરાણી

કજિયાનું મોં કાળું ….

ભરચોમાસે ફળિયા વચ્ચે કેમ ખાટલો ઢાળું ?

જાત વગરની ભાત વગરની હૈયે સળગે હોળી ;

થાકી હું તો એક સામટી ઇચ્છાઓને તોળી,

ઘરની ભીંતે કરોળિયાએ અઘાટ ગુથ્યું જાળું….

કજિયાનું મોં કાળું ….

અધ્ધરજીવે ક્યાં સંતાડુ રાત બાવરી સાવ;

ખાલીપાની માલીપાની પડઘા પાડે વાવ,

સૈકાઓથી જાડાં ઝીણાં જ્ન્મારાને ચાળું…. 

કજિયાનું મોં કાળું ….     સોલિડ મહેતા

 

‘સૈકાઓથી જાડા ઝીણાં જ્ન્મારાને ચાળું….’ ગમી ગયા આ શબ્દો.  સાવ સાદા રૂઢિપ્રયોગ ‘કજિયાનું મો કાળું’ થી શરૂઆત કરીને આખરે આતમની તાવણી સુધી પહોંચતી આ પંક્તિઓ ભાવકના અંતરમનને સ્પર્શે તેવી છે. વાત ક્યાં એક જનમની છે ! શરીરો બદલાયા કરે છે ને સદીઓથી અંદર કંઈક મંજાતું રહે છે, ચળાતું રહે છે. ‘જાડા ઝીણાં’ શબ્દપ્રયોગ પણ આ ક્રિયાના સંદર્ભે ઉચિત જ પ્રયોજાયો છે. અંતની આ ફિલોસોફી શરૂઆતની તદ્દન ભૌતિક લાગતી બાબતને એક નવું જ પરિમાણ બક્ષે છે.  

કજિયો, ઝગડો અહીં જાત સાથે છે. હળવાશ નથી અને આ ભારઝલ્લી અવસ્થાનો કોઇ ઉપાય પણ નથી. મૂંઝવણો અનરાધાર વરસ્યા જ કરે છે ને એની વચ્ચે કાળજે તો નકરી બળતરા જ છે કેમ કે ઇચ્છાઓનો અંત નથી. ઇચ્છાઓ શરૂઆતમાં રમણીય રૂપ ધરીને આવે છે. સુખના વાદળ આભે છવાઈ જાય છે. પણ એ પૂરી કરવામાં એની અનંતતાનો ખ્યાલ આવે છે. કરોળિયો પોતાની જ જાળમાં ફસાઈ જાય એવું આ ઇચ્છાઓનું છે. નથી તો ઓછી થતી કે નથી પૂરી થતી. આખરે એ પીડયા કરે છે.

માલીપા ભરેલો ખાલીપો રાતની નીંદર હરામ કરી દે છે. ‘પાસપાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ’ આ યુગનો પ્રાણપ્રશ્ન છે. આટલી ભીડ વચ્ચે માનવી એકલતાથી ભીંસાય છે. વસ્તી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ અંદર અનુભવાતી એકલતાનો અજગર માનવીને વધુ ને વધુ ભરડો લેતો જાય છે. આ ખાલીપો દ્વંદ્વનો છે અને દ્વિધાનો પણ છે. પ્રશ્નોનો છે અને પીડાનોય છે. વેરાન રણનો છે તો કાળી ઊંડી ખાઈનો પણ છે. દિવસની ક્ષણોનેય કાળી કરી મૂકે એવો છે. એમાંથી વેદના સિવાય કશું નીપજે એમ નથી. મથી મથીનેય હાથમાં તો આંસુઓ જ આવવાના પણ જીવન આંસુ સારવા માટે નથી. જીવન જીવવા માટે છે એ સત્ય આંખ સામે પ્રશ્નાર્થ બનીને ખડું છે. હવે આ ખાલીપા સાથે જીવવું તો કેમ કરીને જીવવું ? વોટ્સ એપ વિકાસ કે ફેસબુકનો ફેલાવ આવા કારણોસર થયો હશે એમ ચોક્ક્સ્પણે માની શકાય. 

જાત સાથેની લડાઈનો અંત આવતો નથી. સદીઓથી આ ચાલ્યું આવે છે. એક પછી એક જન્મ અને જીવતર જીવવાની જેમ નથી જીવાતા. ચહેરા ઉપર પ્લાસ્ટિકના સ્મિત પહેરીને અંદર સૂની વાવના પડઘા ઝીલ્યા કરવા પડે છે. સમજણથી ભરેલા પણ ઘસાઈને તદ્દન ચપ્પટ થયેલા રૂઢિપ્રયોગથી આદરીને કવિ કવિતાને ચિંતનની મંઝીલે  પહોંચાડી શક્યા છે એ નોંધપાત્ર ગણાય.

અહીંયા સૈફ પાલનપુરીનો શેર યાદ આવે.

અમારી જિંદગીનો સરળ સીધો પરિચય છે

રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.     

 

Posted by: readsetu | એપ્રિલ 18, 2017

Kavyasetu 278 Aruna Choksi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 18 એપ્રિલ 2017

કાવ્યસેતુ 278  લતા હિરાણી

હાથમાં ગાંડીવ લઈ ટંકાર કર

બાણશય્યા ભીષ્મની તૈયાર કર.

એકલે હાથે ઝુકાવી દે પછી

કૃષ્ણ વાસુદેવને પોકાર કર.

શ્વાસમાં ભડકાવ ઊની આગને

સૂઈ ગયેલી રાખને અંગાર કર.

કોઈ ખૂણોભીંત ખાલી ના રહે.

છો મરે માણસ : છબી સાકાર કર.

લાશ ખડકી ચાંપ અંગુઠે અગન

ભસ્મના ઢગલા તણો વેપાર કર.

માનવીના શબ ભરેલી ભૂમિમાં

લોહી ખોબામાં ભરી ચિત્કાર કર.

પીઠ પાછળ ખોસી દે ખંજર પછી

ભીડને બોલાવવા દેકાર કર.……  અરુણા ચોક્સી

એક હાકલ, પડકારના ભાવથી છવાયેલી ગઝલ. ગાંડીવ, ભીષ્મ, પોકાર, આગ, અંગાર, શબ, ચિત્કાર…… ભાવને અનુરૂપ જ શબ્દોની પસંદગી. પ્રથમ બે શેર જિંદગીના સ્થાયી ભાવ – યુદ્ધને વ્યક્ત કરે છે. બાળકને જન્મતાં જ શ્વાસ લેવા એક નાનું શું પણ યુદ્ધ આદરવું પડે છે ત્યાંથી શરૂઆત થાય છે. એ કદાચ સંકેત છે. યુદ્ધ ગરીબોએ જ લડવું પડે એવું નથી. દરેક માનવીના દરેક પરિસ્થિતિમાં યુદ્ધ અલગ અલગ હોય છે. અમીરોના અલગ, ગરીબોના અલગ. બાળપણના અલગ, મોટપણના અલગ. અભાવનું યુદ્ધ અલગ તો ભરપૂરતાનું યુદ્ધ અલગ. દેખાતી શાંતિ પાછળ પણ ભીષણ યુદ્ધ સંતાયેલું હોઈ શકે.

બાળકને માબાપ સતત યુદ્ધ માટે તૈયાર કરતાં રહે છે. આંખમાંથી ઊંઘ ઊડે એ પહેલા શાળાની બસમાંગોઠવાઈ જવા માટે, ઊંચકી ન શકાય ને બેવડું વળી જવાય એવી સ્કૂલબેગ ઉપાડવા માટે, એના રમવાનો બધો જ ટાઈમ માઈલો દૂર આવેલી શાળામાં જવા આવવામાં ને પછી ટ્યૂશનો પાછળ ખર્ચી દેવા માટે ને સૂતા પહેલા ઢગલો એક હોમવર્ક પતાવવા માટે. બાળક જેવા બાળકને ય સતત લડ્યા જ કરવાનું છે ! બાણશય્યા પર ચડે છે તેનું બાળપણ ! સૌ તેના મૂક સાક્ષી બનીને જોયા કરે છે. જોકે દરેક નેગેટીવ બાબત એની હદ સુધી આવે પછી સમાજની ઊંઘ ઊડે છે એ નક્કી. પરિણામ આવતા વાર લાગશે પણ આ બાબતમાં હવે લોકોની ઊંઘ ઉડવી શરૂ થઈ ગઈ છે એય ખરું.  

અર્જુન સામે તો લડવા માટે કૌરવ સૈન્ય હતું. એ દરેકના ચહેરા જોઈ શકતો હતો. અહી દરેક માણસ એક અદૃશ્ય ગાંડીવથી સતત લડ્યા જ કરે છે. એણે કોની સામે લડવાનું છે એય મોટાભાગે સ્પષ્ટ નથી હોતું. એક પર માંડ અનુસંધાન થાય ત્યાં સામેનું પાત્ર-પરિસ્થિતિ બદલાઈ જાય એવું બને. હા, એકલે હાથે ઝુકાવી દેવામાં હિમ્મત જોઈએ. જરૂર પડે તો વાસુદેવને પોકારી શકાય જો ભાવથી આરાધ્યા હોય તો એ આવે પણ ખરા. માણસ પાસે જ્યારે કોઈ ઉપાય બચતો નથી ત્યારે તે અંતે તો ભગવાનનું શરણું જ લે છે. તેની પાત્રતા, કહો કે કર્મ પ્રમાણે મદદ મળે છે.

પ્રથમ બે શેર પછીના બધા શેર માણસની દુર્વૃત્તિ પર કટાક્ષ છે. શાંતિક્ષમાનો છેદ ઉડાડી વેરવૃત્તિ જગાડવાનું આહવાહન છે. પોતાના અહમને પોષવા જે જરૂરી હોય બધુ કરવાનું છે, ભલે જેનું જે થવાનું હોય થાય. કવિ માણસના અંતિમ શ્વાસોનાય વેપાર કરવાની વિદારક વાત લાવે છે. પોતાનો સ્વાર્થ જોવામાં એને ચિતાની આગ કે વેરાયેલા અસ્થિનોય કોઈ વિવેક નથી. અમાનવીયતાની સીમા માનવીને હાથવગી છે. છળ છેવટની કક્ષાએ પહોંચે તોયે એની લાલસા ખૂટે એમ નથી. અને પોતે આચરેલા કાળા કરતૂતોને છુપાવવા હદ વગરનો ઢોંગ પણ આદરી શકે એમ છે.

અંધારાની વાત કરવી જોઈએ તો અજવાળાનો મહિમા રહે. ખોટા સામે આંગળી ચીંધવી જોઈએ તો સાચાની દિશા પકડાયેલી રહે. બાકી દુનિયામાં સારા તત્વોની જરાય ખોટ નથી. અમી-ઝરણા ચારેકોર વહ્યા જ કરે છે. સદવૃત્તિની વીણા વાગ્યા જ કરે છે અને દુનિયા જીવવા જેવી લાગ્યા કરે છે.

 

 

 

 

Posted by: readsetu | એપ્રિલ 17, 2017

નરસૈયાનું નામ જ લેતાં ….

નરસૈયાનું નામ જ લેતાં ……

 

આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો

તું ગોપી મહીં, તું કાના મહીં, વાંસળીસૂરમાં વાસ તારો.

હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતો

શામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો સમાતો !

નીરખે આભમાં કાનને હરઘડી, બાથમાં હરપળે ભાસે

સળવળે રોમમાં, નેણમાં ઝળહળે, પંડમાં હે પ્રગટ પરમ હાસે.

શ્હેર જૂનાગઢે શ્રી હરિને સ્મરી, કુંડ દામોદરે કેલિ કરતો

નાગરી નાતનો વંશવેલો રૂડો, કૃષ્ણના ગાનમાં લીન થાતો.

ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે

નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.  …….. લતા હિરાણી

 

(શબ્દ સૃષ્ટિ એપ્રિલ 2017માં પ્રકાશિત)

Posted by: readsetu | એપ્રિલ 13, 2017

Kavyasetu 277 Chandrakant Sheth

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 11 એપ્રિલ 2017 

કાવ્યસેતુ 277  લતા હિરાણી

ઉછાળ દરિયા, ઉછાળ પ્હાડો, ઉછાળ માટી-પંડ;
ઉછાળ મનવા, મુઠ્ઠી ખોલી સકળ બ્રહ્મનું અંડ !
હોય હવે નહીં બંધન-બાધા, ધોધે ધસમસ ધસવું;
એકીશ્વાસે ચડી હવે તો મેરુ-માથે વસવું !
.                       
હૈયે બારે મેઘ ઊમટ્યા, વરસે વ્હાલ પ્રચંડ !
નાવે નાવે પાંખ ઊઘડે, ગગન ઊઘડે દરિયે !
ગ્રહ-તારાની ભીડ મચી શી ! ચાંદ-સૂરજ આ ફળિયે !
.                       
વાટઘાટ-ઘર-ગામ ડૂબતાં પામું બધું અખંડ !
વામનજીના કીમિયા કેવા ! કણ કણ વિરાટ ખૂલે,
શેષનાગની શય્યા છોડે અનંત અંદર ઝૂલે,
.                       
છોળે છોળે છંદ છલકતા જલ જલ ચેટીચંડ !    – ચંદ્રકાન્ત શેઠ

ઉછાળ શબ્દથી કવિતા શરૂ થાય છે. કેવો થનગન થતો શબ્દ ! શું ઉછાળવાનું છે ? દરિયા, પહાડો અને સકળ બ્રહ્મ ! અને ઓવારી જવાય આ શબ્દો પર…… બધા જ ક્રિયાપદો જુઓ ઉછાળવું, ધસમસ ધસવું, ઊમટવું, ઊઘડવું…… હરખના આવેગનું એવરેસ્ટ છલકાય છે અહી…  હૃદયમાં કેવી ભરતી આવી હશે કે જ્યારે દરિયા, પહાડ ઉછાળી ધસમસ ધસી જવાનું મન થાય ! હૈયે કેવા બારે મેઘ ખાંગાં થયા છે કે એકી શ્વાસે મેરુ પર્વત ચડી જવાનું મન થાય ! એ તો કવિની કલ્પનાઓ છે. ભાવક શું અનુભવે છે ?

ભાવભર્યા શબ્દો જાણે ઉછળી ઉછળીને આપણી પર વરસે છે. અનંતમાંથી પ્રચંડ વ્હાલ વરસે છે. ગ્રહતારાની ભીડ જે ભાળી જાય અને ચાંદ-સૂરજનો વસવાટ પોતાને ફળીયે અનુભવાય એની એ સુખદ અનુભૂતિ કેટલી વિરાટ અને પ્રચંડ હશે ! પ્રેમને ખૂલતાં વાર લાગે છે પણ એકવાર આ ઘડીઓ જીવનમાં રેલમછેલ થઈ વળે એની ધન્યતા કદી ન ભૂલી શકાય. પ્રેમની અનુભૂતિનો આ પ્રતાપ છે. સ્વને સમષ્ટિ સાથે જોડતા એને જરાય વાર નથી લાગતી. પળમાં એ ખલકમાં પથરાઈ જાય છે. લોકને આ અમીરી નયે સમજાય પણ એ તો ઝીણી આંખે વામન સ્વરૂપને જોનારા ! કણ કણની ગણતરી કરનારા ! વામનમાંથી વિરાટને ઓળખવાનું એમનું ગજું નહી.  

ઈશ્વરે આ પૃથ્વી સર્જી અને માનવ સર્જ્યો. માનવનું સર્જન મૂળે આનંદ માટે થયું એટલે કે માનવજીવનનો ઉદ્દેશ આનંદની પ્રાપ્તિ છે એમ કહી શકાય. દિશા જુદી જુદી છે પણ દરેક માનવ આનંદ મેળવવા દોડે છે. એની તમામ ક્રિયાઓનું મૂળ આનંદપ્રાપ્તિ છે. અલબત્ત સમજણ પ્રમાણે દરેકનો રસ્તો હોય એ સ્વાભાવિક છે. સત્વ, રજસ અને તમસ એ માનવીની પ્રકૃતિ છે. દરેક માનવી સુખપ્રાપ્તિનો એ પ્રમાણે જ રસ્તો પકડશે. એમાં જ વિકૃતિથી સંસ્કૃતિનો વ્યાપ છે. ક્ષણિક, ક્ષુલ્લ્ક, ભૌતિક ઐહિક સુખોથી માંડીને પરમાનંદ સુધીનો વિસ્તાર છે.   

આટઆટલું કરવા છતાંય માનવી સુખી નથી કેમ કે પોતે ઊંચકેલા દુખણાં પોટલાં છૂટતા નથી અને અંતે એ હાંફી જાય છે. આનંદ તો વરસ્યે જ જાય છે પણ માનવીની હથેળીઓ કે આંગળીઓ કશું નવું ઝીલવા કે પકડવા ક્યાં ખાલી હોય છે ? પોતે જ ઊભા કરેલા કે શોધી કાઢેલા દુખો એની પાસે ઓછા નથી. કર્મફળે મળેલા દુખોને સ્વીકારી નિજાનંદમાં વસવાની એની આવડત નથી કેમ કે સામાન્ય માનવીનો આનંદ પરાવલંબી હોય છે. આમ થાય તો આનંદ અને તેમ થાય તો આનંદ. કશું સ્થાયી ન હોય અને આનંદ હાથમાંથી સરકતી રેત જેવો બની રહે.

અહી તો શબ્દોમાં આનંદનો મહાસાગર ઉછળે છે. જેને પરમ ચેતનાનો સ્પર્શ થયો હોય તે જ આવું અનુભવી શકે.  ભલે થોડી ક્ષણો પણ પરમનો એક સહવાસ અનુભવ્યો હોય, શબ્દો અને અર્થોના સાગર મધ્યે પણ મૌનનો ટાપુ સેવ્યો હોય ત્યારે આ જાહોજલાલી પ્રાપ્ત થાય. અખૂટ ધીરજ અને ભાગ્યે જ સાંપડતી સમજણનો દોર ક્યાંક પકડાયો હોય ત્યારે આવી અનુભૂતિ પ્રસવે. આનંદ પછી પરાવલંબી નહીં રહેતા સ્વયંભૂ બની જાય. નાવને હલેસાની જરૂર ના રહે, એને પાંખ મળી જાય.

આખાયે ગીતના અવતરેલા શબ્દોમાં લયનો દરિયો હિલ્લોળે છે, નાદનું સંગીત છલકાવે છે. આ ગીત ગાવા માટે મન તલપાપડ થઈ જાય.   

આ જ કવિ આવું લખી શકે.

તું છે મારી અંદર તેથી ભર્યો-ભર્યો હું લાગું !
તું લીલોછમ અંદર તેથી હર્યોભર્યો હું લાગું !

તારું છે પાતાળ, એથી તો ખરા ઉનાળે પાણી;
તારી એવી ફૂંક વાંસમાં ફૂંટે મીઠી વાણી;
તારો છાંયો મળ્યો એટલે ઠર્યોઠર્યો હું લાગું !

  

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted by: readsetu | એપ્રિલ 4, 2017

Kavyasetu 276 Ayana Trivedi

દિવ્ય ભાસ્કર > 4 એપ્રિલ 2017

કાવ્યસેતુ 276  લતા હિરાણી

આભ પર સૂરજ છતાં અંધાર લાગે.. 
તું ન ઝાલે હાથ તો સુનકાર લાગે.

રોજ વાવેતર કરું જો લાગણીનાં 
સ્નેહ મોતી ઊગતા ક્યાં વાર લાગે!

નાવને હાંક્યા કરું તારે ભરોસે 
શું કિનારો, શું પછી મઝધાર લાગે.

એક સો ને આઠ મણકામાં વસે તું 
એ જ મારી ઝીંદગીનો સાર લાગે…

તું ભલે કરતો કસોટી રોજ મારી 
પાંપણોનો આંખને ક્યાં ભાર લાગે.  ….. ડૉ.અયના ત્રિવેદી…અયુ

શ્રદ્ધા સઘળી બાજીઓને સવળી કરી દે છે.  વિશ્વાસથી જંગ જીતાય કે ન જીતાય, પોતાના હૃદયને તો જરૂર જીતાય છે. શંકા સૂરજને પણ ઓલવી શકે અને ભરોસાનો નાનકડો દીવો ઘર આખાને અજવાળી શકે. પ્રેમમાં એક પળને કે એક જણને જગત સુધી વિસ્તારી શકાય છે. આ પ્રેમની તાકાત છે. એક વ્યક્તિ પ્રત્યે લંબાયેલો હાથ વિશ્વનિયંતા સુધી પહોંચી શકે અને ઈશ્વર એને ઝાલીયે શકે. અનહદ પ્રેમના ભાગલા પાડવા મુશ્કેલ છે. એની સરહદો આંકવી બહુ અઘરી છે.

પ્રિયતમનો સાથ નથી તો સાવ સૂનકાર. એ હાથ ન ઝાલે તો અમાસનો જ વિસ્તાર. કવિતાનો નાયક માનવી તો છે જ, ઈશ્વર પણ ગણી શકાય. બસ આ એક પંક્તિ ઉદાસીની અને પછી આખી વાત આશાના, વિશ્વાસના ઝરણાની જેમ દોટ માંડે છે, વહેવા લાગે છે. લાગણી વાવીએ અને સ્નેહની ફસલ ન મળે એવું કેમ બને ! એકવાર પ્રિયતમાનો હાથ પકડ્યો પછી શું કિનારો કે શું મઝધાર ! જીવનનૈયા તો તરતી જ રહેવાની. હાથનો સાથ, સ્પર્શનો વિશ્વાસ ખુદ હલેસા બની જાય છે.   

એકસો આઠ મણકા કહીને કવિએ અહી પરમ સાથે દોર સાંધી દીધો છે. માળાના મણકા જાણે શ્વાસને સાંધીને બેઠા છે. એમાં વણાતા રહેતા મંત્રજાપના શબ્દો ગમે તે હોય, વાત આસ્થાની છે અને એ જ પહોંચે છે, એ જ પરિણામ લાવે છે. કસોટી તો ડગલે ને પગલે થયા જ કરે છે, કસોટી વગરની જિંદગી શક્ય જ નથી પણ એ આંખની પાંપણો જેવી છે. સદા સાથે ને સાથે.

લાગણીના વાવેતર કરતી આંગળીઓ હૈયાના ખેતરને ક્ષણમાં લીલુંછમ બનાવી દે છે. નાવના હલેસાને વીંટળાયેલી આંગળીઓ દ્વારા હૈયાનું બળ સંચરતું હોય છે અને નાવ પાણી પર સરસરાટ મુકામ તરફ આગળ વધી જાય છે. માળાના મણકા ફેરવતી આંગળીઓ સમગ્ર સૃષ્ટિની ચેતનાને ઝીલી રોમેરોમ વહાવી દેતી હોય છે કેમ કે આ આંગળીઓ વાહક છે હૃદયની, હૃદયેશ્વરની, અંદર બેઠેલા અગમની..

શ્રદ્ધાની પોતાની એક ભાષા છે ને પોતીકું મૌન. એ શબ્દો સાથે કે શબ્દો વગર મૌનથી કે સ્પર્શથીયે મહોરી શકે. પોતીકાને સાથની જરૂર હોય ત્યારે તમામ વળગણો છોડી માત્ર હાથ દેવાની જરૂર હોય. હથેળીનો ગરમાવો એની જિંદગીને કાળા હિમથી ઉગારી શકે. જરા શો સ્પર્શથી એની સૂની જિંદગીમાં પતંગિયાના રંગ ખીલવી શકે. બે હાથ પકડીને ચાલતું યુગલ કે મિત્રો મેઘધનુષ જેટલા જ દર્શનીય હોય છે ને એના જેટલા જ કવચિત. દોસ્તની આંખમાં પોતા પ્રત્યેની શ્રદ્ધાનો ચમકતો તારો જોવો ખુશનસીબી છે. પ્રેમીની આંખમાં શ્રદ્ધા અને સ્પર્શમાં હૂંફ જીવનનૈયાને હંમેશા ખરાબાથી દૂર રાખે છે. ઈશ્વર એના પર સદૈવ વરસતો રહે છે.      

 

 

Posted by: readsetu | એપ્રિલ 4, 2017

Kavyasetu 275 Purvi Brahmabhatt

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 29 માર્ચ 2017

કાવ્યસેતુ 275   લતા હિરાણી

બાળક છે હજુ , થોડો શ્વાસ એને લેવા દો 
અધૂરાં સૌ સપના એને આપો 
થોડું બાળપણ એને જીવવા દો.

અપેક્ષાઓના પીંજરામાં કેદ કરો,
જરા ખૂલ્લી હવામાં ઉડવા દો 
પ્રવાહમાં વહેવું જરૂરી નથી 
સામે પ્રવાહે પણ થોડું તરવા દો.

એના જીવનનો સમય થોડો

એને જાતે પણ જીવવા દો 
તમે માન્યતાઓ સૌ આપો 

તેની સમજથી દુનિયા સમજવા દો.

માલિક નહિ, માર્ગદર્શક બનો એના 
સ્વીકારો, સપનાઓ હોઈ શકે છે જુદા એના 
એક ઘરેડમાં જીવન ખરચાઈ જવા દો 
જન્મદાતા છો તમે, તમારા ફુલને કરમાઈ જવા દો

બાળક છે હજુ …..  પૂર્વી બ્રહ્મભટ્ટ

વાત સીધી સાદી છે પણ આજે બહુ જ જરૂરી બની ગઈ છે. વાતમાં સચ્ચાઈની તાકાત છે એટલે સ્વીકાર્ય છે. રોળાઇ જતા બાળપણની વાત અહીં કરવામાં આવી છે. બીજા તો ઠીક, ખુદ માબાપ જ બાળકનું બાળપણ છિનવવા બેઠા છે. અરે, માતા-પિતાઓ વચ્ચે બાળકના બાળપણને ખતમ કરી નાખવાની હરીફાઈ ચાલી રહી છે. વાલી ફરિયાદ કરે કે ફલાણી સ્કૂલમાં તો હોમવર્ક આપે છે, એ સ્કૂલમાં ભણતા અમારા પડોશીના દીકરાને આખી એબીસીડી આવડી ગઈ. તમે કેમ શીખવાડતા નથી ? ફરિયાદીનો દીકરો બિચારો હજી તો માંડ ત્રણ વરસનો થયો હોય. હજુ તો ધૂળમાં રમવાની એની ઉમર !

બાળક માટે સૌથી સુરક્ષિત સ્થાન એના માતાપિતા હોવા જોઈએ. માતા સામે ચાલીને બે વરસના બાળકનેપ્લે ગ્રૂપમાં દાખલ કરી આવે, એટલું જ નહીં, જઈને શિક્ષકોને કહે પણ ખરી કે “એ મારું માનતી નથી, એને વઢજો !” નાનકડી ઢીંગલી જેવી દીકરીને બીકના માર્યા બીજે દિવસે તાવ ચડી જાય, એ હમણાનો આંખે જોયેલો તાજો દાખલો છે. જીવ કકળી ઊઠે કે આ શું ? આ બે માત્ર ઉદાહરણ છે. આખું વાલીજગત આનાથી ખદબદે છે. હજી તો બાળક ખૂલીને હસતાં શીખ્યું હોય ત્યાં એને મૂરઝાવી દેવાના સહિયારા સહેતૂક, સઘન પ્રયાસો માબાપ અને શિક્ષક દ્વારા આચરવામાં આવે, બાળપણની આનાથી ભૂંડી દશા શી હોઈ શકે ? કોઈ સમજતું નથી. બાળક મૂંઝાયા કરે છે, ફૂલ બોલવું કે ફ્લાવર ? દાદીમા સૂરજદાદા બોલતાં શીખવે છે અને શાળામાં એમ બોલું તો શિક્ષા થાય છે, ત્યાં ‘સન’ જ બોલવાનું. બાળકનો સહજ, સ્વાભાવિક વિકાસ રૂંધાઈ જાય છે, ઓશિયાળું બની જાય છે ને માબાપ બીજા સામે પ્રદર્શન કર્યા કરે છે ‘બોલ તો બેટા પેલી રાઇમ !”

બહુ કરૂણ અને ભયંકર પરિસ્થિતી છે આ ! જરાક બાળક મોટું થાય ત્યાં તો ટકાની દોડ શરૂ થઈ જાય માબાપ પોતાના અધૂરા સપના પૂરાં કરવા માટે જાણે હંટર લઈને બાળકની પાછળ પડ્યા ન હોય ! બાળકની શું ઈચ્છા છે, એને શું ગમે છે, એના રસ-રુચિ શું છે એ જાણવાની કોઈ તૈયારી નહીં ! દબાણ એટલું કે ખુદ બાળક સમજી ન શકે કે એને શું પસંદ છે ! મેડીકલ કે એંજિનિયરીંગમા એડમિશન ન મળે તો આકાશ તૂટી પડે, જાણે એ સિવાય જીવી જ ન શકાય ! વિદ્યાર્થીએ આપઘાત કર્યાના કેટલા કિસ્સા બન્યા કરે છે, અખબારોના પાને છપાયા કરે છે ને કોઈ જાગતું નથી, સૌ વાંચીને ભૂલી જાય છે. લાગે છે ફરી એ જ રેસમાં દોડવા ને દોડાવવા !

હવે આ બંધ થવું જોઈએ. બગીચામાં ધૂળમાં રમતા બાળકોની કિકિયારીઓ સોસાયટીમાં ગૂંજવી જોઈએ. બાળકમાંથી પરીક્ષાનો હાઉ નીકળી જવો જોઈએ. પરીક્ષા એ જ સર્વસ્વ નથી એ માબાપોને સમજાઈ જવું જોઈએ. સફળ થવા માટે એનો આત્મવિશ્વાસ સૌથી અગત્યની બાબત છે અને બાળપણથી જ એની કાળજી લેવી પડશે એ વાત માબાપોએ સમજવી પડશે. માબાપ બનતાં પહેલાં બાળઉછેરની સાચી રીત શીખવી પડશે અને એ સમજ્યા શીખ્યા વગર માત્ર બાયોલોજિકલ રીતે માબાપ બની જવું એને ગુનો ગણવો પડશે. એના વગર આ ભયંકર પરિસ્થિતી નહીં બદલાય. બાળકને આપો પ્રેમ, પ્રેમ અને માત્ર પ્રેમ. હૂંફ અને હૈયાધારણ. બાકીનું બધુ એની મેળે આવીને એના ખોળામાં પડશે એટલું માબાપ ક્યારે સમજશે ?                

Older Posts »

શ્રેણીઓ