Posted by: readsetu | ડિસેમ્બર 4, 2007

આતમને અજવાળે

અનુભૂતિનું વિશ્વ નિરાળું છે… એ અંદરથી પ્રગટે છે અને રોમેરોમને ખીલવે છે… અનુભૂતિનો સ્રોત ક્યારેક બહાર તો ક્યારેક અંદર હોય !!! બહારના સ્રોત બહારની દુનિયાથી અવગત કરાવે…. ક્યારેક દુનિયાની સચ્ચાઇ સ્પર્શે તો ક્યારેક એના કાંટા. બધા જ અનુભવોમાંથી પસાર થતા રહીએ – એ જ જિંદગી.દરેક ઉંમર, દરેક અવસ્થામાં જુદા જુદા અનુભવ અને જુદી જુદી અનુભૂતિઓ.. અંધારે અટવાવે અને અજવાળાં ય ઉઘાડે.. ધૂપછાંવ ચાલ્યા જ કરે…

અનુભૂતિઓનું જગત ક્યાંય ઠરે છે ? જવાબ એક શબ્દમાં આપી શકાય એવો નથી… મોટાભાગના માનવીઓ આ ધૂપછાંવની રમતમાં આયુષ્ય પૂરું કરી નાખે છે… બધાંને ક્યારેક ને ક્યારેક આતમને જગાડનારી અનુભૂતિનો સ્પર્શ થતો જ હોય છે પણ એનાથી જાગનારાં ઓછા હોય છે… ક્ષણિક કે ટૂંકા સમયની જાગૃતિ અનુભવનારા લોકો ખરા – પણ એ ભાવને અંતરમાં જડી – સાચોસાચ અને પૂરેપુરું જાગી જનારા વિરલાઓ આંગળીને વેઢે ગણી શકાય એટલા ઓછા !!! 

કોઇક ભાગ્યશાળીની અંદર કશુંક નવું ઉઘડે ને અંદરની જ્યોત જાગે. ક્યારેક બહારથી સ્પાર્ક મળ્યો હોય, ક્યારેક આગલા ભવના પૂણ્ય પ્રકાશતાં હોય… એવાં ભક્ત જનને સીધો જ અંદરથી પ્રકાશ લાધે. સંત તુલસીદાસને પત્નીએ જગાડ્યા, વાલિયા લુંટારાને વાલ્મિકિ ઋષિ બનાવનાર પરિબળ બહારનું હતું. મીરાંને સીધું અંદરથી જ અજવાળું પ્રાપ્ત થયું. માએ તો કૃષ્ણની મૂર્તિ જ આપી હતી.. નાનકડી મીરાં હરિને વરી ગઇ અને તરી ગઇ. 

આ આતમ ક્યાં વસે છે ?? વૈજ્ઞાનિકો શરીરના કણેકણમાં ખોજ કરે તો યે ન મળે….. એ પદારથ જુદો છે –  અનોખો છે….. કોઇ રાસાયણિક, ભૌતિક પ્રક્રિયાથી પામી ન શકાય….. અરે જેને એનાં અજવાળાં પ્રાપ્ત થયાં છે એને ય જઇને પૂછો તો આંખ બંધ કરીને સમાધિ લગાવી દેશે….. કહેશે પ્રાપ્ત થાય તો આમ થાય……. આંખ બંધ કરો, દૃષ્ટિ પણ બંધ કરો, બહારથી અંદર જાવ. આખું વિશ્વ તમારી અંદર જ છે. સૃષ્ટિની તમામ શક્તિઓ, તમામ રહસ્યો તમારી અંદર જ ભંડાર્યા છે, આંતરચક્ષુઓ ખુલવા લાગશે તો આ બધું ઉઘડશે.. પછી બહાર જોવાની જરુર જ નહીં રહે..

ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા. મહિમા પ્રથમ અંધકારનો છે. અંધકારથી પ્રકાશ તરફ જવાય. આંખ બંધ કરતાં પ્રથમ તો અંધારું જ ભાસે.. પછી એમાં જે ઉઘડે એ લાધે. બહારની દુનિયા કે અંદરનું અજવાળું.  

ભાષા ભરચક છે. શબ્દો વાચાળ છે. એ ભરચકતામાંથી, વાચાળતામાંથી સંકેતો પ્રાપ્ત કરવાના છે. એમાંથી પસાર થઇ ગળતું જવાનું છે, અને ધીમે ધીમે મૌનમાં પ્રવેશવાનું છે. શબ્દથી શબદ સુધીની યાત્રા છે આ….મહિમા પ્રથમ મૌનનો છે. મૌનથી ગતિ થાય અનહદના નાદ ભણી. નિશબ્દ થયા પછી શબદ પમાય. પ્રથમ ખાલી થાય એ જ અંદરની અનુપમ અનુભૂતિથી ભરાય. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇ જા..    

પથ્થર શૂન્ય છે પણ એમાં પ્રતિમા થવાની શકયતા ભરપૂર ભરી છે. પૂજાવાનું ભાગ્ય એની પ્રતિક્ષા કરી રહ્યું છે. જોઇએ એને શિલ્પીના ટાંકણાનું અજવાળું. ક્યારેક જો સદગુરુનો મેળાપ થઇ જાય અને એની સાથે જોડાઇ રહેવા જેટલી ક્ષમતા પ્રગટે તો જીવન મંદિર બની જાય અને આતમદીપથી મનમંદિર ઝળહળી ઉઠે. 

કુદરત સાથે એકાકાર થઇ શકાય તો યે અંદર અજવાળું અજવાળું ફેલાઇ જાય. પારેવાના ઘુ ઘુમાં ઇશ્વરનો અવાજ સાંભળી શકાય. ઝરણાંના કલકલમાં મોરલીના સૂર અનુભવી શકાય. વૃક્ષના ડોલનમાં રાધાના નૃત્યના તાલ પામી શકાય. પક્ષીની પાંખના ફફડાટમાં, કીડીની દાણાની શોધમાં કે ગાયના જન્મતા વાછરડામાં સર્જનહારના અદભુત સર્જન પ્રત્યે અહોભાવ અનુભવી શકાય. 

અજવાળું દસે દિશાએથી ઉભરાય છે, અંદરથી છલકાય છે, ક્ષિતિજ સુધી રેલમછેલ છે અજવાળાંની !! એ ઝીલવાની, એની સાથે પલોટાવાની ને એમાં ડૂબી જવાની ઝંખના અને પાત્રતા જોઇએ…. આપ સૌની આજની ઝળહળતી સવાર આતમને ઉઘાડનારી બની રહો….   

લતા હિરાણી 

અમૃતધારાઆકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત તા. 23-10-2007

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: