Posted by: readsetu | ઓગસ્ટ 23, 2008

કુદરતને ખોળે

સવાર ઉઘડે, હવાનું રણઝણ અને પંખીઓનું કલકલ કાનમાંથી હૃદય સુધી પહોંચે અને મન કુદરત સાથે એકરુપ થતું જાય. પ્રભાતના પ્રેમીઓનો આ રોજનો અનુભવ. કુદરતનો ખોળો બોલતાં મોં અને મન ભરાઇ જાય એવો સમૃધ્ધ શબ્દ અને એવી જ અનરાધાર અનુભુતિ. કુદરતના ખોળે જ રમવાનું અને રમતાં રમતાં જીવન અને જાગૃતિને પામી જવાનું મન થાય એવી ઝંખના પ્રકૃતિપ્રેમીના રોમેરોમમાં વણાયેલી હોય.

 

બાળક માના ખોળે જાય પછી એના માટે મા સિવાય બીજી કોઇ દુનિયા નથી હોતી. એનું સમગ્ર અસ્તિત્વ માને વિંટળાઇ વળે છે. માનવી આમ જ કુદરતના ખોળે જઇ શકે તો એને કોઇ શાસ્ત્રોની, ધર્મની કે ધર્મગુરુની જરુર ન પડે. કેટલા મોટા ગુરુ છે પર્વતો !! પૃથ્વી પર પથરાયેલાં નદી નાળાં ને વહેતી હવાનું મર્મર કોઇ ધર્મોપદેશ કરતાં ક્યાંય ચડિયાતા છે !! જોઇએ બસ એમાં ડૂબી જવાની તત્પરતા. તો કુદરતનો ખોળો હૃદયને હર્યુંભર્યું કરી દે !!

 

ભૌતિકતાની દોડમાં માનવી ક્યારેક કુદરતને વિસારે પાડી દે છે પરંતુ જ્યારે એનાથી થાકે છે ત્યારે ફરીને એને કુદરતનું શરણ જ શાંતિ આપે છે. કુદરત સહુના માટે સંપૂર્ણ છે. જંગલોમાં વૃક્ષો ઉગી જાય છે આપોઆપ. એના માટે જરુરી આકાશતત્વ અને પૃથ્વીપદારથ  એને સહજ પ્રાપ્ય છે. પાંદડુ હળવે હળવે ઝુલ્યા કરે છે. કુદરત એને ડાળીનો હિંચકો અને લહેરની દોરી પૂરાં પાડે જ છે. પક્ષીની ચાંચમાં એકઠા થતાં તણખલાં અને દાણા એને જોઇતી સૃષ્ટિ અને સલામતી બક્ષી જ દે છે. નદી કે ઝરણના જળને વહેવાની, વળવાની અને ભળવાની દિશા કે સાગરના મોજાંને ઉછળવાનું અને એ રીતે જીવવાનું ધ્યેય આપવાનું કુદરત કદી નથી ચુકતી. આ બધાં તત્વો કુદરતને સમર્પિત છે કહો કે ખુદ કુદરત છે અને માનવીને સાદ પાડ્યા જ કરે છે.

 

વૃક્ષને અબોલ કહી શકાય ખરાં ? ફળોના સ્વાદથી, ફૂલોની સુગંધ અને રંગોથી, પર્ણોની મર્મરથી અને પોતાની ઘટાની ઠંડકથી એ માનવીને સતત બોલાવતું જ રહે છે. પક્ષી ભલે નિજાનંદે ચહેકે પણ એનું કલબલ માનવીને જીવવાનું બળ પુરું પાડી શકે એટલું સભર હોય છે. આલબેલ પોકારી નિમંત્રણ આપતી કુદરતથી દૂર રહી ભીડમાં, યાંત્રિકતામાં કે નકામી પળોજણમાં ફસાયેલા રહેતા માનવીનું દુર્ભાગ્ય જ ગણવું રહ્યું.

 

વૃક્ષની ડાળી પર પાંદડાનું પ્રગટ થવું એ કશા જ પ્રયત્ન વિનાનું, નર્યું સહજ સર્જન છે. એને સાક્ષીભાવે નિરખવાનો અને માણવાનો વૈભવ જેને પ્રાપ્ત થાય એ એના જીવનનું ઉત્તમ સૌભાગ્ય છે. વૃક્ષની સાથે ઓગળી કે જળની સાથે વહી એ રીતે પ્રકૃતિનો, એ પરમ તત્વની ચેતનાનો અંશ બનવાનો લ્હાવો લેનાર કેટલો નસીબદાર ગણાય !!

 

બગીચામાં ફરવા નીકળો અને વાહનોના હોર્ન કે માનવીઓનો ઘોંઘાટ જો તમને ક્ષુબ્ધ કરે તો માનજો કે તમે કુદરતની સમીપ છો. પણ જો બાગમાં ચાલતાં ચાલતાં શેરબજારના ભાવોની ચર્ચા કરવાનું કે ક્રિકેટ રાજકારણના દાવપેચને મુલવવાનું સુઝે તો સમજી લેજો કે તમને કુદરતના વૈભવની સમજ કે મુલ્ય નથી.

 

આકાશ તરફ આંખ મંડાય અને આંખમાં વાદળ ભરાય તો સમજજો કે પ્રકૃતિના લય સાથે તમારા પ્રાણ જરુર તાલ મિલાવે છે. નભમાં મેઘધનુષ પથરાય ને એના રંગો તમારી આંખ અને હૃદયમાં ચમક ભરી દે તો જાણજો કે કુદરતને ખોળે જીવવાની ભરપુર પાત્રતા તમારામાં છે. વાદળની ગડેડાટી તમારા રોમમાં સુખની ધ્રુજારી પ્રસરાવે તો ચોક્કસ તમે સૃષ્ટિનાઅ મૂળ રાગ સાથે સુસંગત છો. મેઘના જલબિંદુથી અંગને ભીંજવવાના ઓરતા જાગે તો એનો એક જ અર્થ કે તમારું અને પૃકૃતિનું જોડાણ હજી અકબંધ છે.

 

કુદરતના ખોળે જ માનવી જનમ્યો હતો. માનવ જાતની સાથી, સંગાથી, પોષક ને પ્રેરક કુદરત જ છે. પ્રેમનું સર્જન અને અહમનું વિસર્જન કુદરતના ખોળે સહજ છે. કંઇક પામવા કંઇક ખોવું પડે એ કુદરતનો કાનુન રહ્યો છે. ભૌતિકતાની દોડ માનવીના જીવનનો ભાગ જ બની ગઇ છે ત્યારે શિખર પર પહોંચવાની પ્રવૃતિમાં પગ ભલે છોલાય પણ ખીણની સમૃધ્ધિ નજરઅંદાજ ન થાય. સૃષ્ટિનું સૌંદર્ય આંખને ભરતું જ રહે વહેલી સવારની એ જ શુભેચ્છાઓ….

 

આકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત તા.16-10-2007

Advertisements

Responses

 1. પ્રેમનું સર્જન અને અહમનું વિસર્જન કુદરતના ખોળે સહજ છે.
  સહજ
  સુંદર
  અનુભવ વાણી

 2. Very nice. In the lap of nature we become natural!

 3. nice one..

  શિખર પર પહોંચવાની પ્રવૃતિમાં પગ ભલે છોલાય પણ ખીણની સમૃધ્ધિ નજરઅંદાજ ન થાય

  khub gamyu.

 4. કુદરત નાં ખોળામાં જો મહાલવુ હોય તો એકલા જાવું.. કુદરતી વાતાવરણને એકલામાં આઆલીંંગન માં લેવાની જે મજા છે એ ભીડ માં નથી આવતી..એકલામાં એની હુંફ જ અલગ મલે છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: