Posted by: readsetu | ઓક્ટોબર 12, 2009

ઇંફોર્મેશન પ્લીઝ

ઇંફોર્મેશન પ્લીઝઉત્તર અમેરિકાનું એક રાજ્ય. એમાં એક નાનકડા શહેરમાં પૉલ નામનો છ વરસનો બાળક પોતાના ઘરમાં એકલો લાકડાંના રમકડાં બનાવવાના ઓજારોથી રમતો હતો. અચાનક એનાથી ખીલીના બદલે પોતાના જ અંગુઠા પર હથોડી વાગી ગઇ. એની રાડ ફાટી ગઇ. ઘરમાં કોઇ હતું નહીં. મમ્મી ખરીદી કરવા અને પપ્પા નોકરી પર ગયા હતા. અચાનક એને યાદ આવ્યું, કોઇ પણ માહિતી માટે પપ્પા ફોન ઉપાડીને ‘ઇંફોર્મેશન પ્લીઝ’ એમ કહી પૂછી લેતા. એણે રીસીવર ઉઠાવ્યું અને કહ્યું, ઇંફોર્મેશન પ્લીઝ’

સામે છેડેથી જવાબ આવ્યો, “ઇંફોર્મેશન બોલે છે. બોલો, આપની હું શું સેવા કરી શકું ?” અવાજ સ્ત્રીનો હતો.

”મારા અંગુઠા પર મારાથી જ હથોડી વાગી ગઇ છે. મને સખત દુખે છે. ઘરમાં કોઇ નથી.” પોલે રડતાં રડતાં કહ્યું.

”તારા ઘરે કોઇ હાજર નથી ?”

”ના, હું એકલો જ છું.” હીબકાં ભરતાં પોલે કહ્યું.

”તારી ઉંમર શી છે દીકરા ? તારું નામ શું છે ?”

”છ વરસ. મારું નામ પોલ.”

”અંગુઠામાંથી લોહી નીકળે છે ?”

”ના લોહી તો નથી નીકળતું પણ બહુ દુખે છે. સબાકા મારે છે.”

”તું ફ્રીઝમાંથી બરફ કાઢી શકીશ ?

”હા”

”તો એક કામ કર. બેચાર ટુકડા બરફના કાઢીને એક વાડકીમાં નાખીને એમાં પાણી ભરી દે. એમાં તારો અંગુઠો ડુબાડી રાખજે. તને જરુર રાહત થશે. પછી એ ઠંડા પાણીમાં રુમાલ ભીનો કરીને તારા અંગુઠા પર પાટો બાંધી દેજે. તને મટી જશે અને હવે રડીશ નહીં દીકરા, બહાદૂર બનજે હોં !!”

 અદભુત રાહતની લાગણી સાથે બાળકે આભાર માની રિસીવર મુકી દીધું. આ પ્રસંગ પછી એ કોઇ પણ કામ હોય, એ ઇંફોર્મેશનને જ પૂછ્તો. લેસન કરતી વખતે એને ખાસ પૂછીને જ લેસન કરતો. મજાની વાત તો એ હતી કે હંમેશા એના લેસન કરવાના સમયે ઇંફોર્મેશનની ડ્યુટી હોય જ. એ સ્ત્રીની નોકરીનો સમય અને પોલનો લેસન કરવાનો સમય એક જ હતો એટલે પોલ કંઇ પણ મુશ્કેલી પડે તો પેલી સ્ત્રીને જ પૂછતો.

 એક વખત ભૂગોળનું લેસન કરતી વખતે ફિલાડેલ્ફિઆ ક્યાં આવ્યું એ એને ઇંફોર્મેશને જ બતાવ્યું હતું. ગણિતના અઘરા દાખલા ગણતી વખતે એની જ મદદ લેતો. એણે નાનકડું વાંદરુ પાળ્યું ત્યારે એને શું ખાવા આપી શકાય એની માહિતી એને ઇંફોર્મેશન પાસેથી જ મળી હતી. એક દિવસ પોલનું પાળેલું નાનું બુલબુલ પાંજરામાં જ મૃત્યુ પામ્યું અને એ ખૂબ જ દુખી થઇ ગયો. એને વારંવાર રડવું જ આવતું હતું. ઇંફોર્મેશનનો કોંટેક્ટ કરીને એણે આ વાત કરી, “દીદી ! પોતાનાં અદભુત ગીતોથી મારા ઘરમાં જે આટલો બધો આનંદ પાથરતું એ પંખી અચાનક પીંછાનો ઢગલો થઇને મને આમ કેમ છોડી ગયું ?”

પેલી સ્ત્રી બે ચાર ક્ષણ મૌન રહી. પછી ખૂબ સહાનુભુતિભર્યા સ્વરે બોલી, “બેટા, એ બુલબુલને આપણી દુનિયા સિવાયની બીજી દુનિયામાં પણગીતો ગાવાનાં હશે એટલે ભગવાને એને બોલાવી લીધું.”

આ વાક્યમાં એવું શું હશે પણ પોલના દુખી મનને એનાથી ખૂબ સાંત્વના મળી. થોડા દિવસ પછી એણે ‘ફિક્સ’નો સ્પેલિંગ કઇ રીતે લખાય પૂછ્યું. આટલો નાનો સ્પેલિંગ એની મમ્મી પણ એને સમજાવી શકત પણ પોલને દરેક પ્રશ્ન માટે ઇંફોર્મેશનનો સંપર્ક કરવાની ટેવ પડી ગઇ હતી. પેલી સ્ત્રી પણ જરાય કંટાળો લાવ્યા એને બધું સમજાવતી.

 આ ઘટના ક્રમ આમ જ લગભગ ત્રણ વરસ ચાલ્યો. ત્રણ વરસ પછી પોલના પિતાની બદલી બોસ્ટન શહેરમાં થઇ. પોલ અમેરિકાના બીજે છેડે રહેવા ચાલ્યો ગયો. વરસો વીતી ગયાં

 પોલે કૉલેજ પૂરી કરીને પોતાનો ધંધો ચાલુ કર્યો હતો. ધંધાના કામ અંગે એ એક વખત બહારગામ જતો હતો ત્યારે એના વિમાને એણે જ્યાં બાળપણ ગુજારેલું એ જ શહેરમાં લગભગ અર્ધો કલાક જેટલું રોકાણ કર્યું. દિવાલમાંથી ફૂટી નિકળતા પિપળાની જેમ એને ઇંફોર્મેશનની યાદ આવી ગઇ. આટલા વરસો પછી ઇંફોર્મેશનને સીધો ફોન થઇ શકે એમ નહોતો. એણે ડિરેકટરીમાંથી નંબર મેળવ્યો. પછી ધડકતા હ્ર્દયે બોલ્યો, ઇંફોર્મેશન પ્લીઝ !!

 યુવાન થવાને કારણે પોલનો અવાજ બિલકુલ બદલાઇ ગયો હતો પણ સામે છેડેથી એનો એ જ મીઠો અને પ્રેમાળ અવાજ સંભળાયો, “ઇંફોર્મેશન બોલે છે. બોલો, આપની હું શું સેવા કરી શકું ?”

એનો એ જ મમતાભર્યો અવાજ ફરી સાંભળવા મળશે એની પોલને કલ્પના નહોતી એટલે શું વાત કરવી એ કંઇ એને સુઝ્યું નહીં. એના મનમાં એનું બાળપણ ઘુમરાતું હતું એટલે એણે પૂછી નાખ્યું, “તમે મને ‘ફિક્સ’નો સ્પેલિંગ સમજાવશો ?”

 સામે છેડે થોડી વાર શાંતિ છવાઇ ગઇ. પછી એ જ લાગણીભર્યો અવાજ સંભળાયો, “પોલ !! હથોડી વાગેલી એ અંગુઠો રુઝાઇ ગયો કે ? કે હજુ દુખે છે ?”

 પોલના આનંદનો પાર ન રહ્યો. એની આંખમાં આંસુ આવી ગયા. એ બોલ્યો, “દીદી, તમે આજે આમ મળી જશો એવી કલ્પના નહોતી. હું હવે મોટો બિઝનેસમેન બની ગયો છું. પણ મારે તમને આજે એક વાત કરવી છે.” એ બે ક્ષણ અટકયો. છાતીમાં ભરાયેલ ડૂમાને જેમતેમ ખસેડી બોલ્યો, “દીદી !! તમે મારે માટે એ વખતે શું હતાં એ તમને ખબર છે ? તમે એક બાળકના સુખદુખના સાથી હતાં. મારાં મા-બાપ ત્પ હતાં પણ પોતાના કામમાં જ વ્યસ્ત. એમને મારા માટે સમય હતો જ નહીં. તમે મને ક્યારેય વાત કરવાની ના પાડી જ નથી. તમે મારું સર્વસ્વ હતાં. !!” ડૂમો ફરીથી ભરાઇ આવ્યો. પોલ આગળ બોલી જ નશક્યો.

 બે ક્ષણ બંને છેડે શાંતિ છવાઇ ગઇ. લાગતું હતું કે  બંને છેડે આંસુ રોકવાનો જ પ્રયાસ થતો હતો. ત્યાર બાદ એ સ્ત્રીએ કહ્યું, “પોલ, મારે પણ તને એક વાત કહેવાની છે. તું મારા માટે શું હતો તને ખબર નથી. હું સાવ જ એકાકી જીવન ગાળતી હતી. મારું કોઇ જ નહોતું. તારો ફોન આવે અને હું જ તારી સાથે વાત કરી શકું એટલા માટે હું હંમેશા સાંજની ડ્યુટી પસંદ કરતી. તને અભ્યાસમાં મદદરુપ થઇ શકું એટલા માટે તારા ધોરણના પાઠ્યપુસ્તકો ખરીદીને હું રોજ રાત્રે એનો અભ્યાસ કરતી. તારી સ્કૂલમાં જે ચાલવાનું હોય એ હું અગાઉથી જ તૈયાર કરીને રાખતી. તારો અવાજ રોજ મને એક વધારે દિવસ જીવતા રહેવાની પ્રેરણા આપતો.. પોલ બેટા, સમય હોય તો મને મળીશ ? તને મલવા હું વરસોથી ઝંખુ છું. તું કોઇ દિવસ મળીશ જ એ આશાએ જીવું છું.”

 “દીદી !!” પોલ માંડ બોલી શક્યો, “મારું પ્લેન હવે પાંચ મિનિટમાં જ ઉપડશે. દોઢેક મહિના પછી હું પાછો આવીશ. તમે જે અનુભવી રહ્યાં છો એહું પણ અનુભવું છું. મારે  પણ તમને મળવું છે. હું ખાતરી આપું છું કે ફરી આવીશ ત્યારે એવી રીતે ટિકિટ લઇશ કે તમારી સાથે એક દિવસ ગાળી શકાય.” રડતાં રડતાં જ બંનેએ એકબીજાને બાય બાય કર્યું. ફોન મુકતાં પહેલાં એ સ્ત્રીએ જણાવ્યું કે પોતાનું નામ સેલી છે.

 દોઢને બદલે પૂરા ત્રણ મહિના પછી પોલ આવી શક્યો. વિમાનમાંથી ઉતરીને એણે ફોન કર્યો. , “ઇંફોર્મેશન પ્લીઝ !!” ધડકતા હૈયે એ ઊભો રહ્યો. , “ઇંફોર્મેશન બોલે છે. બોલો, આપની હું શું સેવા કરી શકું ?” સામે છેડેથી આવતો મૃદુ અવાજ સ્ત્રીનો હતો પણ સેલીનો નહીં.

”સેલીને આપશો પ્લીઝ ?”

”તમે એના મિત્ર છો ?”

”હા, ખૂબ જૂનો મિત્ર !!”

”તમને જણાવતાં ખૂબ દુખ થાય છે કે કેંન્સરના કારણે સેલીનું ગયા અઠવાડિયે જ મૃત્યુ થયું છે !!”

પોલને માથે જાણે વીજળી પડી, “ઓહ, નો” કહેતાં એનાથી ધ્રુસ્કું મુકાઇ ગયું. જે સ્ત્રી બાળપણમાં એનું સર્વસ્વ હતી એને એક્વાર પણ ન મળી શકાયું એની એને સખત પીડા હતી.

”અરે સાંભળો,” પેલી સ્ત્રીએ કદાચ પોલના રડવાનો અવાજ સાંભળી લીધો હતો. સેલી માટે રડવાવાળું આ દુનિયામાં તો કોઇ હતું નહીં. અને પોલ વિશે એણે સેલી પાસેથી ઘણી વાતો સાંભળી હતી> એટલે એણે પૂછી જ લીધું, “તમે જ ક્યાંક મિ. પોલ નથી ને !”

”હા, હું પોલ જ બોલું છું. સેલીએ તમને મારા વિશે કંઇ કહ્યું હતું ?”

”સેલીએ તમારા માટે એક સંદેશો મૂક્યો છે. સેલીએ કહેલું કે તમે આવો ત્યાં સુધી એ જીવતી ન પણ રહે તો મારે તમને આ સંદેશો આપવો. તમને રડતાં સાંભળ્યા એટલે હું જાણી ગઇ કે તમે જ પોલ છો. સેલી કહેતી હતી કે એના મૃત્યુથી તમને ખૂબ દુખ થશે.

 સેલીએ લખ્યું છે કે – પોલને કહેજો કે એ રડે નહીં. જરાય દુખી ન થાય. આ એક જ દુનિયા નથી. બીજી દુનિયામાં પણ ગીતો ગાવાના હોય તો ભગવાન બોલાવી લેતા હોય છે. અને આ સંદેશો પોલ જરુર સમજી જશે.” એનો આભાર માની પોલે ફોન મુકી દીધો. એના મોં પર શાંતિના ભાવો પથરાયેલા હતા. ઘણા વરસો પછી એના બુલબુલનો મીઠો અવાજ એના કાન અને હૃદયમાં જાણે કે ગુંજી રહ્યો હતો..

 

ડો. આઇ. કે વીજળીવાળાના પુસ્તક ‘મનનો માળો’માંથી સાભાર

( ઇંટરનેટ પરથી વીણેલા હૃદયસ્પર્શી પ્રસંગોનું આલેખન )

Advertisements

Responses

 1. very very good and immotional story.
  thanks for sharing it with us.
  Is “manno malo” book available everywhere?
  I m from baroda.
  sima

 2. બહુ જ મજાની, વેદના–સંવેદના જગાડી દેનારી રચના.

  વીજળીવાળાનાં લખાણો જાણે સીધાં હૈયેથી જ ઝરણાની જેમ ફૂટી નીકળનારાં હોય છે.

  તમે સ્વરચનાઓ જ મૂકવાના નિયમને કોરે મૂકીનેય આ મૂક્યું એનો લાભ સૌને મળશે.

  શ્રી ઉત્તમભાઈ ગજજરે પોતાની ‘સન્ડે મહેફીલ’માં આમનો પરિચય આપ્યો છે. સાભાર…

 3. very touchy story …

  i think on ZeeTV, there used to air a series called “Rishtey”. One of the episode was based on this story only… but it was totally in Indian context but everything else was just the same… 🙂

  i liked this the same as I liked it when I watched that episode… I was in my early teen ages at that time but i still remember it…

  Thanks for sharing it … 🙂

 4. very nice

 5. Happy Deepawali and best wishes for the New Year!
  Very nice collection Lataben.

 6. yes…nice book..i have read this..and i have this book.

  all stories r very touchy.

  got my mail ?

 7. har kisiko
  koi n koi
  sunne vala
  sarahnevala
  andhereme rah dikhanevalaa
  jab jab jarurat ho
  tab tab bina bole sath dene vala
  CHAHIYE

 8. aunty,

  I read stories one by one & now ….
  just tears in my eyes !
  one can stop after one story but 2,3..

  thanks a lot both of you, … feelings, emotions still remain atleast in stories !

 9. ખૂબ જ સરસ વાર્તા જેમા એકલતા ને કેવી રીતે ભાંગી શકાય તે બહાર આવે. આંખ મા આંસુ, દિલ મા ડૂમો ભરાઇ આવે

 10. માણસની મૂળભૂત જરૂરત છે કે તેને સમજવા વાળું, સાંભળવાવાળુ કોઇક જોઇએ, કદાચ જીવનની આ એક જ એવી જરૂરત છે જેને પૂરી કરવી આપણા વશની વાત નથી, પુસ્તક વાંચ્યુ છે, ખૂબ સુંદર વાર્તા છે.

  ફરી યાદ કરાવવા બદલ આભાર.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: