Posted by: readsetu | મે 29, 2010

ક્ષણો, ભીની ને સુક્કી….

લખવાની છે જીવનની યાદગાર ક્ષણો.. સુખદ કે દુખદ… શું લખાશે ?? સવાલ સાથે જ વાત માંડી છે. સવાલ જાત સામે જ છે જાત સાથે જ છે…

લાગે છે કે આ નાની અંશત: આત્મકથા લખવા જેવી વાત છે… ત્યાં સુધી ખુલવા જેટલી હું હજી સજ્જ નથી પણ જો ક્યારેક થઇ શકીશ તો આ નાનકડા લેખને એનું પ્રારંભબિંદુ બનવાનો યશ જરુર મળશે.

અત્યારે તો એ દિશા તરફ લઇ જતી ક્ષણોને સચ્ચાઇથી સ્પર્શવા મથું છું.

ભગવાન મારા માટે માણસનો જ્ન્મ લખીને પછી બીજું બધું વહેંચવા બેઠો હશે ત્યારે એણે ચોક્કસ દિલ ખોલીને, મુઠ્ઠા ભરીને સુખ મારા ભાગ્યમાં વેરી દીધું હશે, કોઇ જ અતિશયોક્તિ વગર અને નમ્ર થયા વગર આમ કહી શકું.  જે ઇચ્છ્યું એ ભરપટ્ટે મળ્યું. ક્યારેક સમયસર તો ક્યારેક ઉપરવાળાની યોજના પ્રમાણે… (કેમ કે મને મોડું લાગ્યું હોય !!) મળ્યું ખરું – એ મહત્વની બાબત છે. સ્નેહાળ, સરસ કમાતો પતિ. પ્રેમાળ, દિલદાર, જવાબદાર સંતાનો, કલરવતું કુટુંબ અને રહી રહીને ય મળેલું ગમતું કામ.

એક સામાન્ય ઘરેલુ સ્ત્રીથી માંડીને આ લેખક બનવા સુધીની યાત્રામાં મનને ઝળાંહળાં કરી દેતી ક્ષણો…

દીકરાને નવડાવી ઘોડિયામાં સુવડાવી હિંચકો નાખતી હોઉં ત્યારે એના રુપાળા સુંદર ચહેરાને જોઇને ભગવાનને કહેતી, ‘હે ભગવાન મને આવા સો દીકરા દે’ને !!’ આવું વિચારતી વખતે હું ચોક્કસ આ ધરતી પર જ હતી. મને ખબર હતી કે આ મારા મનની ગાંડી ઘેલી વાત છે. કોઇ સાંભળે તો મને પાગલ જ ગણે !! પણ આવી સાવ પાગલ જેવી ઇચ્છાઓ કરવાનું સુખ અદભુત હતું. ને એવું જ અદભુત સુખ હતું મારાં બચ્ચાંને છાતીએ ચાંપવાનું… મારા રોમેરોમમાં દીવા પ્રગટાવી દેતું સુખ…… એ સુખની તોલે જિંદગીમાં હજી બીજું કોઇ સુખ નથી આવ્યું…

ફિલ્મોમાં જોયું હતું, હિરો કે હિરોઇન વૃક્ષ નીચે ઊભા હોય અને વૃક્ષની ડાળીઓ પરથી ફૂલોનો વરસાદ વરસતો હોય !! એવાં કયા વૃક્ષો હશે, ક્યાં હશે, કંઇ ખબર નહોતી. પડદા પરના એવા દૃશ્યે  મને હંમેશા રોમાંચિત કરી હતી. હું દીકરાના ઘરે સ્કૉટલેન્ડ ગઇ ત્યારે ત્યાં સમર ચાલતો હતો. ચારે બાજુ આંખ અને હ્રદયને ભરી દેતાં, પાગલ કરી મુકે એટલાં રંગરંગીન ફૂલો જ ફૂલો.

એકવાર ચાલવા નીકળી અને એક વૃક્ષ જોયું. એમાંથી સફેદ પાંદડી જેવાં ફૂલોની સતત વર્ષા થતી હતી આંખને વિશ્વાસ ન આવ્યો. એની નીચે જઇને ઊભી રહી…. અવાચક… આગળ ચાલી ત્યાં એવું બીજું વૃક્ષ આવ્યું જેમાંથી ગુલાબી પાંદડીઓ ઝરતી હતી….. યાદ કરું ને આજે ય મારા શરીર પર એ ગુલાબી પાંદડીઓનો વરસાદ અનુભવી શકું…. આખા વૃક્ષ પર એ સફેદ કે ગુલાબી પાંદડીઓ સિવાય એકે ય બીજું પાન ન મળે અને એ સતત ખર્યા જ કરે…. એ વૃક્ષનં નામ ત્યારે પૂછ્યું હતું, અત્યારે તો સ્મૃતિમાં સચવાઇ રહી છે એ ઝણઝણાવી મુકતા સુખની અનુભુતિ…..

એડિનબરા શહેરમાં આવેલી હૉલીરુડ હિલ.. નાની નાની લીલીછમ પહાડીઓ…. પહાડી પરથી એકબાજુ આખું એડિનબરા શહેર દેખાય, બીજી બાજુ ઉછળતો દરિયો અને એ સિવાય પહાડીઓની હારમાળા અને  પથરાતું આકાશ ……..મારે ત્યાં એકલાં એક આખો દિવસ પસાર કરવો હતો….. એ દિવસ આવી ગયો.

‘મા, થાકી જા એટલે ફોન કરજે આવીને લઇ જઇશ.’

સવારના દસ વાગ્યાથી છલકાતા મને મેં ત્યાં ફરવાનું શરુ કર્યું… બપોર પછી દીકરાના ફોન આવવા લાગ્યા…

’મા, આવી જઉં ?’

‘ના હજી વાર છે. હમણાં ન આવીશ.’

એ ફરવામાં જે સુખ મળ્યું છે !!! લીલા રંગનો ડ્રેસ. મારી લીલી ઓઢણીનો છેડો ઘાસ પર પાથરું ને હું ઘાસના તણખલાંઓમાં વેરાઇ જતી. એક એક ઝાડ, એક એક ડાળ, ફેલાયેલા ઘાસ અને પથરાયેલા પથ્થરોને ઝળઝળતી આંખે કહ્યા કર્યું છે, આઇ લવ યુ…. આઇ લવ યુ… આઇ લવ યુ…… સાંજના સાત વાગ્યા સુધી આ સ્વર્ગમાં રહી. સ્કૉટિશ હાઇલેન્ડને સ્વર્ગનું યે સ્વર્ગ કહી શકાય. આવા સ્થળોએ જોઇએ મનગમતો સાથ અથવા મૌન એકાંત. અંદરના અને બહારના તારો એકસુર થાય, સંગીત ત્યારે જ પ્રગટે. સ્કૉટલેન્ડનો ચાર મહિનાનો મારો વસવાટ એ સદેહે સ્વર્ગનો જ વસવાટ…..

લખવા માંડ્યું અને આવી ક્ષણો ઉભરાવા માંડી છે. મારી પ્રથમ વાર્તા, પ્રથમ પુસ્તક અને પ્રથમ એવાર્ડે પણ મને રણઝણાવી છે. પણ જેની સ્મૃતિ યે ફરીને રોમાંચથી ભરી દે એવી તો આ નાની નાની ક્ષણો. આવાં ઝીણાં ઝીણાં સુખે હૃદયને ભર્યા કર્યું છે…. સ્ત્રી છું એટલે ??

ઝળઝળિયાં સુખના અને પીડાના યે…

મારા પપ્પાને બાયપાસ સર્જરી માટે મદ્રાસ લઇ ગયા હતા. એ દિવસે બપોરે બે વાગે થાળી પીરસાઇ અને મને થયું કે પપ્પાને કેટલી પીડા થતી હશે !! બસ પછી ડૂમો ભરાઇ આવ્યો. ગળે કોળિયો નહોતો ઉતરતો. હું સ્વસ્થ થઇ જઉં એટલા માટે બાજુમાં બેઠેલી ભાભી સમજાવતી હતી કે આ બધું એટલું એડવાન્સ થઇ ગયું છે !! પીડા હોતી નથી. પણ ગળે બાઝેલી ખખરી હટવાનું નામ નહોતી લેતી.

હું હજી ડાઇનીંગ ટેબલ પર જ હતી અને ફોન આવ્યો કે એંજીયોગ્રાફીમાં કૉમ્પ્લીકેશન થઇ ગયું છે.. પપ્પા સીરીયસ છે, પહેલી ફ્લાઇટમાં આવી જાવ.. ભાઇએ કહ્યું પપ્પાને બહુ પીડા થતી હતી !! હા, એક જ સમય હતો મારા ડૂમાઓનો અને પપ્પાની પીડાનો.. એમણે મારા પહોંચતા પહેલાં છેલ્લા શ્વાસ લઇ લીધા. વળતા પ્લેનમાં એમના અચેતન દેહને લઇને અમે આવ્યા. કૉફિન પ્લેનના ભંડકિયામાં લગેજ સાથે આવે… સહન જ નહોતું થતું કે અમે પ્લેનમાં ને પપ્પા સામાનમાં !!!! સમજણ સાવ બુઠ્ઠી થઇ ગઇ હતી. એ હવે પપ્પા નથી માત્ર એમનું મૃત શરીર છે, એ કોઇ ગમે એટલું સમજાવે તો યે કેમ સમજાય ??

લખવું છે ક્યારેક…. લખી શકી તો… અકારણ જ જેમણે પરાયાપણાનો અહેસાસ આપ્યો…. હૃદયને પીડાથી ભરી દીધું… શા માટે ?? ખબર નથી.. જેમ નાની નાની વાતોએ મનને ખુશીના ઝુલે ઝુલાવ્યું છે એમ જ નાની નાની વાતોએ મનને સાવ નંદવી યે નાખ્યું છે…(એને નાની તો કેમ કહેવાય !!) પછી ચુપ થઇ જાઉં હું વર્ષો સુધી… ભગવાનને પૂછું છું કે ઢગલો એક સુખ ભાગ્યમાં ભરી દીધા પછી આવું આળું મન શીદને આપ્યું ?? ક્યારેક થાય કે ધોધમાર રડ્યા વગર ચેન નહીં જ પડે એવું હૈયું શા માટે આપ્યું ?? જવાબ આપે ત્યારે ખરો !!

જે મને કદી નથી દુભવતી, કોઇ પીડા નથી આપતી, કયારેય નથી ઉવેખતી અને હંમેશા મારી રાહ જ જોયા કરતી હોય છે એવી ક્ષણો, સ્થિર અને એકધારું સુખ આપતી ક્ષણો મને મળે છે શબ્દોમાં વહેવામાં… ઠલવાઇ જાઉં છું ને સુખથી છલકાઇ જાઉં છું.. એમાં ઉભરાતાં ને ઓસરતા પૂર નથી, ઊંડી રાહત પ્રસરાવતી અનુભુતિ છે.. વળી સાવ હાથવગી….ને હૈયાવગી… બીજું કાંઇ ભલે છૂટે, આ કદી ન છૂટજો..

published in Navchetan Dipotsavi 2009

Advertisements

Responses

 1. very touchy..I like it

 2. […] Author: WordPress.com Top Posts […]

 3. ek part ati sukh ane ek aprt ati dukh…aa j kadach life che….

  એ ફરવામાં જે સુખ મળ્યું છે !!! લીલા રંગનો ડ્રેસ. મારી લીલી ઓઢણીનો છેડો ઘાસ પર પાથરું ને હું ઘાસના તણખલાંઓમાં વેરાઇ જતી. એક એક ઝાડ, એક એક ડાળ, ફેલાયેલા ઘાસ અને પથરાયેલા પથ્થરોને ઝળઝળતી આંખે કહ્યા કર્યું છે, આઇ લવ યુ…. આઇ લવ યુ… આઇ લવ યુ…… સાંજના સાત વાગ્યા સુધી આ સ્વર્ગમાં રહી. સ્કૉટિશ હાઇલેન્ડને સ્વર્ગનું યે સ્વર્ગ કહી શકાય. આવા સ્થળોએ જોઇએ મનગમતો સાથ અથવા મૌન એકાંત. અંદરના અને બહારના તારો એકસુર થાય, સંગીત ત્યારે જ પ્રગટે. સ્કૉટલેન્ડનો ચાર મહિનાનો મારો વસવાટ એ સદેહે સ્વર્ગનો જ વસવાટ…..

  khub hradaysparshi..e lili odhni no sparsh mane anubhavay che hamna…gr8888

  સહન જ નહોતું થતું કે અમે પ્લેનમાં ને પપ્પા સામાનમાં !!!!
  vachine marathi hamna pan sahan nathi thatu..to tyarni aapni halat hu samji saku chu…

 4. Lataji, Vanchi ne anand thayo. Pan haju man ma nirasha dhag felayela chhe.
  Haju adadhi manjile pahonchyo chhu, tya j man ne thak lage chhe. Kasu j gamatu nathi.

  Triku C. Makwana


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: