Posted by: readsetu | જુલાઇ 5, 2010

આઇ લવ યુ 2

…………………..“મારે પાયલોટ બનવું છે પપ્પાજી” સી.એન.વિદ્યાલયમાં ચોથા ધોરણમાં ભણતા નિસર્ગે તમને કહેલું. તમે એને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર લઇ ગયા, ત્યાં એને વિમાન વિશે બધું બતાવ્યું અને બહુ થોડા દિવસોમાં એક પછી એક સંપર્કો દ્વારા તપાસ કરી, એક એરફોર્સ પાયલોટની સાથે એનો મેળાપ કરાવી દીધો, “તારે પાયલોટ બનવું છે ને !! મળ આમને અને જે પૂછવું હોય એ પૂછ !!”

નિસર્ગ અને પાર્થને લઇને દર રવિવારે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર જવાના તમારા ક્રમના અનુસંધાનમાં એકવાર રસ્તામાં એક બંગલાની ઉપર સોલર સિસ્ટમ ગોઠવેલી જોઇને નિસર્ગે પૂછેલું, “આ શું છે પપ્પાજી ?”
“એ સોલર સિસ્ટમ છે પણ ચાલ આપણે એ જોઇને જ સમજીએ.” કહીને તમે એ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. બાળકની જિજ્ઞાસાને સંતોષવાનો આવો પ્રયાસ મકાનમાલિકને પણ ગમ્યો હતો અને એનો નાનકડો સવાલ મોટા સંતોષ સાથે વિરમ્યો હતો.
………….કાલે જ પાર્થ સાથે મારે બાળઉછેરની વાત થતી હતી.. એ કહે, “અમારો વિશ્વાસ જળવાઇ રહ્યો અને વિકસ્યો એની પાછળનું મુખ્ય કારણ હતું, આપણા ઘરમાં સવાલો પૂછવાની આઝાદી. પોતાની મરજી બતાવવાની છૂટ હતી. પપ્પાજી કદી અકળાયા નથી. ક્યારેક, ખોટું જ કહી શકાય એવું અમારૂં વર્તન પણ એમણે શાંતિથી સ્વીકારી લીધું છે અને પછી ‘આ ખોટું છે’ એમ અમે જાતે સમજીએ એવું વર્તન કર્યું છે.”

મનના બંધિયાર બારણાં ખોલી આપી એને ખુલ્લામાં વિહરતા મુકી દેવાનું, એની પોતાની સમજણ વિકસવા દેવાનું, એ તમારા સ્વભાવનું જબ્બર પાસું હતું. પ્રોફેસર તરીકેના વ્યવસાયમાં તમારી ત્રણ કોલેજ, મોરબીની એલ.ઇ.એન્જિનિયરીંગ કોલેજ, રાજકોટની વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન એટલે કે ‘વીવીપી’ એંજિનિયરીંગ કોલેજ અને વિદ્યાનગરની એ.ડી.પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, આ ત્રણે કૉલેજના તમારા સમયના વિદ્યાર્થીઓને અનેક તબક્કે એમના પ્રો. જગદીશ હિરાણીએ આપેલું આ ભાથું કામ લાગતું હશે. બહુ પાયાની વાતો તમે એમના જીવનમાં રેડી છે. વિદ્યાર્થીઓ સાથેની તમારી નિસ્બત મેં જોઇ છે અને અનુભવી છે. એટલે, વિદ્યાર્થીઓ જ નહિ, એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકેના રોલમાં, તમારા ક્લાયન્ટનેય તમારા ચરણસ્પર્શ કરવાનો ભાવ થયો હોય, એવાં અનેક દૃશ્યો મારી આંખ સામે આજેય તરવર્યા કરે છે, મારા આકાશમાં ઉઘડતી તમારી ઊંડી સમજણ અને એની હળુ હળુ સુગંધ ફોર્યા કરે છે, જેને મારે માત્ર અનુભવવાની જ છે, એના સુધી પહોંચવાના મારા બધા જ પ્રયત્નો હવાતિયાં સાબિત થઇ જાય એ હદે..

જીવનની ઉછળતી ચેતનાને અને પાંગરતી સર્જનાત્મકતાને તમે હંમેશા પ્રથમ સ્થાન આપ્યું, નિયમો, કાયદા-કાનૂન..અને શિસ્ત આ બધું પછી…. સ્ટાફ તો ઠીક પણ પ્રિન્સીપાલનેય તમારી વાત સાથે સહમત થતાં આખરે સંતોષ થતો. તમારી આ સૂઝને પોતપોતાના અનેક અનુભવોની મહોર મારનાર કેટલાય લોકો મળશે. પણ સૌને સવાલો કરતાં શીખવી તમે પોતે આમ અચાનક મૌન થઇ જાઓ એ મારે કેમ સ્વીકારવું ?……….

“મને આ નથી સમજાતું પપ્પા” પાર્થ કહેતો.
”શું નથી સમજાતું ? લાવ તારી ચોપડી અને મારી સામે બેસી મોટેથી મને સંભળાય એમ આખુંય વાંચ.”
પાર્થ કહે છે, “પપ્પાજીની સામે બેસી મોટેથી વાંચુ એટલે એ સમજાઇ જાય કેમ કે ઘણીવાર મેં એ ધ્યાનથી વાંચ્યુ જ ન હોય. કેટલીક વાર એવું બને કે એમ વાંચ્યા પછીય ન સમજાય તો પપ્પાજી કહેશે, ‘બીજી ચોપડી લાવ’ પછી એમાંથી કે પોતે લાયબ્રેરીમાંથી એકાદ ચોપડી લાવીને કહેશે, ‘લે, હવે આ મોટેથી વાંચ’. બસ આ પ્રોસેસમાં બધું સમજાઇ જાય. હું મોટો થયો પછી પપ્પાજી કહેતા હતા કે તું વાંચતો ત્યારે હું મોટેભાગે સાંભળતો પણ નહોતો કેમ કે મને ખબર હતી કે એકવાર જાતે ધ્યાનથી વાંચીશ એટલે તને આવડવાનું જ છે !!

………………મને ખબર છે, તમે કહેશો, “ખોલ, આપણાં સ્મરણોની પોથી ખોલ ને મોટેથી હું સાંભળું એમ વાંચ.” …….
“તમે સાંભળો છો ને ?”

…………..ગયા વરસે આપણે મુંબઇ ગયા હતાં અને સાંજે ગોદરેજ કંપનીના ગેસ્ટ હાઉસની બાલ્કનીમાં શાંતિથી બેઠાં બેઠાં આપણે ઘેઘૂર વૃક્ષો પર પોતાના માળામાં પાછાં ફરી રહેલાં અસંખ્ય પક્ષીઓનો ચહચહાટ ચુપચાપ માણતા હતા અને અચાનક મૌન તોડી તમે કહ્યું’તું,
“જીવનની સાંજ પણ આવી રળિયામણી હોય તો કેવું સરસ !!”
ઢળતી, પણ હજી પૂરેપૂરી પ્રવૃત્ત બપોરે ‘સાંજ’ની વાત ભલે સાવ અપ્રસ્તુત નહોતી તોયે જીવનના અંતનો નિર્દેશ કરતી હતી એટલે મનને ધ્રુજાવી ગઇ હતી !!

એ જ ટ્રીપમાં આપણે મુંબઇથી પાછા વિદ્યાનગર આવતા હતા અને વહેલી સવારે સાડા ચારે આપણો સામાન એકઠો કરી, ઉતરવાની તૈયારી કરતા હતા, કેમ કે આણંદ સ્ટેશન સવારમાં પાંચ વાગે આવવાનું હતું. ઊંઘમાંથી ઊઠ્યા પછી તરત અને કોઇ સંદર્ભ વિનાય તમે કહેલું ”આટલી નાની સફરમાંયે ઉતરવાનો સમય આવે એટલે આપણે કેવા બધું સમેટવાની તૈયારી કરવા લાગીએ છીએ અને જિંદગીની ટ્રેનમાંથી ઉતરવાની કોઇ તૈયારી નહિ કરવાની ?”
હું આખેઆખી પ્રશ્નાર્થ બની ગઇ હતી….

એમ તો અનેક પ્રોજેક્ટ-પ્લાનીંગથી ભરચક વીંટળાયેલા અને કેટલાયે નવા આઇડિયાને અમલમાં મૂકવા માટે એકશન પ્લાન કરતાં કરતાંયે બેએક વારના તમારા ઉચ્ચારણો.. ‘હવે મારે કેટલું જીવવાનું છે ?’ અને મને ધ્રાસ્કો સરખો પડે ત્યાર પહેલાં તો નવા કામની ચર્ચામાં તમે ડૂબી જતા. પછીથી આવા શબ્દો કાંટા બનીને અંદર વાગ્યા કરતા પણ વળી ‘એ તો ખાલી અમસ્તું જ’ મારું મન એમ જવાબ આપી દેતું…

સ્મરણોની પોથી ફરી ફરીને વાંચ્યા પછીયે તમારી આ ઠોઠ વિદ્યાર્થિની–પત્નીને કંઇ નથી સમજાતું. એ આ એકના એક સવાલનો પહાડ નથી ઓળંગી શકતી,
“કોઇ અગમચેતી નહિ, કોઇ અણસાર નહિ, છેલ્લે સુધી કોઇ બિમારી નહિ, કોઇ સારવાર નહિ, બસ થોડો દુખાવો અને તમે સુઇ ગયા…. એમ જ સુઇ ગયા……ન કોઇ વાત-ચીત, ન કોઇ ભલામણ, ન કોઇ સુચના, ન જરા સરખું વ્હાલ…… અરે, છત્રીસ વર્ષના સહજીવન પછી એક નાનકડું ‘ચાલ આવજે અંજુ’ પણ નહિ !!”

થોડીક, માત્ર આપણી જ ક્ષણો…

ફૂલો બધાં જ મને ગમે પણ મોટાં લીલાં પાંદડાઓ વચ્ચે આછાં પીળાશ પડતાં ચંપાના ફૂલોનાં ગુચ્છાદાર ઝૂમખાં મને કેવાં પ્રિય !! આપણા પૌત્ર આર્યનના જન્મને વધાવી સ્કોટલેન્ડથી હું પાછી આવી અને ઘરમાં પગ મૂકતાં જ આંખ સુગંધી થઇ ગઇ હતી…. બાલ્કનીના કૂંડામાં હળું હળું હસતો, પીળચટ્ટા પ્રકાશને ઝીલતો, ટટ્ટાર ઊભેલો ચંપો ફૂલો સાથે ફોર્યો’તો !!

તમારા અનેક પ્રવાસો દરમિયાન હોટલની રૂમમાં બેગમાંથી શર્ટ-પેન્ટ કે રૂમાલ–મોજાં કાઢતાં અંદરથી જુદી જુદી રીતે ‘આઇ લવ યુ’ કહેતાં હસીને સરી પડતી નાની નાની ચિઠ્ઠીઓ તમને હજીય નજરે તરવરતી હશે……..અને એય યાદ છે ને, મારો વાંક આવે એટલે હું ગીત ગાવા માંડતી જેથી તમને ગુસ્સો કરવાનો મોકો ન મળે !!

નેશનલ બુક ટ્ર્સ્ટના વર્કશોપમાં મને છેલ્લી ઘડીએ, એ જ દિવસે સવારે સૂચના મળી. મારે એકલાં જ નીકળવું પડે, બસમાં સમયસર પહોંચાય નહિ અને તમે કેટલી સહજતાથી કહી દીધું, “એમાં શું ? ગાડી લઇને પહોંચી જા !!” વાત વલ્લભવિદ્યાનગરથી અમદાવાદ પહોંચવાની હતી. મારા રસના ક્ષેત્રે હું ચુકું નહિ, એ તમારી હોંશ અને મારા ડ્રાઇવિંગ પરનો ભરોસો. એમ તો કન્સલ્ટન્ટ તરીકેની તમારી કારકિર્દીમાં શરૂઆતનો કેટલો સમય હું વઢકણા બોસના મારા હંમેશના રોલ ઉપરાંત કલાર્ક, કેશિયર, એકાઉન્ટટ, પિયુન અને ડ્રાઇવર થઇને તમારી પડખે રહી’તી એ તમે થોડા ભૂલો !!

અને આવું તો કેટલુંયે….તોયે……….

છેલ્લા થોડાક વરસોમાં કયો અભાવ આપણને પીડતો હતો !! જીવનમાં યાંત્રિકતા પેસી ગઇ હતી !! એમાંથી છૂટવાનો પ્રયત્ન એ જ આપણા બંનેનું કામગરાપણું ? આપણી વચ્ચેનો સેતુ નિશબ્દ કેમ બનતો જતો હતો ? વાણી શાંત પડતી ગઇ અને મૌન મુખર થતું ગયું !! કદીક પૂરી તો કદીક અધૂરી સમજણનો ફાંસલો !! વિદ્યાનગર ADIT કેમ્પસનાં ફૂલોની તમે બનાવેલી વિડિયોમાં ફૂલોના સ્પર્શ ગુમાવ્યાનું ગાન કેમ અનુભવું છું !! સુખના છલોછલ સરોવર પર ઇચ્છાઓનાં વૃક્ષો પરથી ખર્યા કરતાં નાની નાની ફરિયાદોના સેંકડો સુકાં પાંદડા એની તરલતાને અંધારે ઢબૂરી જ રાખે !! એની ઠંડકથી, એની ભીનાશથી અસ્તિત્વને અળગું જ રાખે !!

સવારમાં ઉઠતાંવેંત ‘ગુડ મોર્નિંગ ડિયર’ કહેતાં ભેટી પડવાનો ઉમંગ ક્યારે ઓજપાઇ ગયો, મને ખબર નથી રહી !! સાંજ પડે ઘરે આવતાં, રસોડામાં ડાઇનીંગ ટેબલ પર બેસીને આખા દિવસની વાતો કરવાનો ક્રમ ડિલિટ થઇને એની જગ્યાએ સોફા પરની એકલી બેઠકમાં ટીવી ને લેપટોપના સ્ક્રીનનો સહવાસ ક્યારે પેસ્ટ થઇ ગયો, મને જાણ ન રહી…. સુવાના સમયે તમારા પડખામાં મારી જગ્યાએ ઓશિકું ક્યારે મુકાઇ ગયું એની મને સુધ સરખી નથી રહી અને પછી એ બધું ટેવ થઇ માલિક બની બેઠું…… !!

મ્યુઝિક સિસ્ટીમમાં લાઉડ વોલ્યુમ રાખી એની સાથે હું ગાયા રાખતી હોઉં ને તમે સાંભળ્યા રાખતા હો, એ દિવસો ક્યારે, કેમ ગાયબ થઇ ગયા ?? યાદ છે, એક વાર મેં તમને પૂછ્યું હતું, “મને ગાવાનો કેટલો શોખ છે, અને તમે કદી કહેતા નથી કે તું ગા !!”
તમારો જવાબ હતો, “તું ગાતી બંધ થા એટલે કહું ને !!”

ખરા સુખને નગણ્ય બનાવી દઇ, નાની નાની નજીવી વાતો જીવને કેમ જકડ્યા કરતી હતી !! કેમ એટલું નહોતું કહી શકાતું, જે જીવનનું પરમ અને એકમાત્ર સત્ય હતું કે ‘હું તમને અનહદ પ્રેમ કરું છું. તમારા પ્રેમના મૂળિયાં મારા અસ્તિત્વના ઊંડાણમાં કેવી જડ નાખીને બેઠા છે….’

ઉપરનો વાદ અને અંદરનો સંવાદ ઓછોવત્તો બંને છેડે હતો. અલબત્ત તમારે પક્ષે સમતા ઘણી હતી. એમ તો રાગદ્વેષથી તમે ઘણા દૂર હતા. રાગ ખરો પણ દ્વેષ તો મેં તમારામાં કદી નથી ભાળ્યો હા, મૌન બેઉ તરફી હતું. અનેક ફરિયાદોની વચ્ચેય ટહુકા મનમાં જરૂર ઉગ્યા કરતા હતા.. કાશ, હું કહી શકી હોત !! તમેય કંઇક કહી શક્યા હોત !! એવો કોઇ મોટો વિસંવાદ આપણી વચ્ચે નહોતો જ, તોયે શબ્દોથી વ્યક્ત થવા આડે કે એને કોરાણે મૂકી, વ્હાલથી ભેટી પડવાને આડે કયો પહાડ આવીને ઊભો રહેતો હતો ?? આ વલોપાત તમારોય હોત જો આવી વરવી એકલતા તમારે જીરવવી પડી હોત !!

કોઇ કહેશે, “આવા શબ્દોની જરૂર નથી હોતી.”
“ના, હોય છે. શબ્દોનીયે જરૂર હોય છે. મનને કેવી અગાધ શાંતિ આપે છે આવા શબ્દો !! અથવા તો વ્હાલથી ભરેલો સ્પર્શ !! કેમ કે વાંધા-વિરોધની વાત, બહાર નીકળવાની એકેય તક નથી ચુકતી હોતી, (એય મારા તરફથી જ કેમ કે તમારી અનુકુલન શક્તિ અજબ હતી) તો પછી આ સાચા મરહમ કેમ ચુકાય ?”

તમે હતાં શાલીન, સમજણભર્યા ને સંવાદી. હું રહી અધૂરી, આકરી ને ઉતાવળી. આ સાથેય આપણે બંન્ને નર્યા માનવી હતાં. મારામાં જરા જેટલી સારપ તો ખરી ને તમારીય થોડીક મર્યાદાઓ… પણ પ્રેમ પામવાની અને પ્રેમ વહાવવાની ઝંખના આપણા બેયની એકસરખી તીવ્ર !! એટલે હવે મને અહીં ને તમને ત્યાં, એકલાં રહ્યાં રહ્યાં, પાર વગરનો સંતાપ પીડે છે ને ? એમ થાય છે ને કે બીજું કંઇ ચુક્યા હોત તો ચાલત પણ છેલ્લે છેલ્લે રહી ગયું, અરસપરસ બસ વ્હાલ કરવાનું જ રહી ગયું……….

લગ્નસંસ્કારમાં ગોર મહારાજ ચાર કોળિયામાં કંસારનું પ્રાશન કરાવે છે. 1. ‘તારા માંસ સાથે મારું માંસ જોડાઓ.’ 2.‘તારા રુધિર સાથે મારું રુધિર જોડાઓ.’ 3.‘તારી ત્વચા સાથે મારી ત્વચા જોડાઓ.’ 4. ‘તારા આત્મા સાથે મારો આત્મા જોડાઓ.’…. ‘આત્મના આત્મનમ તે સંદધામિ’ આપણો શરીરયોગ સધાયો. મનોયોગ સધાયો. આત્મયોગ સધાવાની પ્રક્રિયા ચાલતી હતી અને તમે અચાનક…… એ હવે એ આ રીતે પૂર્ણ કરવાનો ?
પ્રેમ એટલે અનુભુતિ. વાણી નહિ, શબ્દો નહિ. જીવનભર આપણે આવી અઢળક ક્ષણો માણી. કદીક શબ્દોમાં તો કદીક મૌનમાં. ભાવમાં ને અભાવમાં. પ્રત્યેક પળે સ્નેહનું ઝરણું અતલ ઊંડાણમાં વહ્યા જ કર્યું, એના સ્પંદનો, એની ભીનાશ પણ અનુભવાતી રહી પણ એ અહેસાસને અનેકાનેક રીતે વ્યક્ત કરી શકવાની કેટલીય પળો કેટલીયે વાર ચુકી જવાઇ. હવે તમે મને નરી અનુભુતિના જગતમાં મૂકી દીધી છે ત્યારે કહું છું,…. “હું તમને પ્રેમ કરું છું. કોઇ જ ફરિયાદ વગર, કોઇ જ અપેક્ષા વગર, ભરપૂર પ્રેમ કરું છું…… “ આ તમારા સુધી પહોંચે છે ને !!

આપણો ધર્મ કહે છે, સંસારની મોહ માયા છોડો !! રાગ દ્વેષ છોડો. મમતાના બંધન પણ છોડો. એ વાત મને નથી સમજાઇ. કેટલો સુંદર આ સંસાર છે !! મને વારંવાર આ જગતમાં જ જન્મ જોઇએ અને કદી મુક્તિ નહિ !! ભગવદગીતાની વાતને પ્રમાણ માનીને ચાલીએ કે આત્મા અવિનાશી છે અને આપણે હજી જન્મ-મરણના ચક્રમાં ફસાયેલા માનવી !! દેહ છૂટ્યા પછી જીવની મર્યાદાઓ દૂર થઇ જાય. એ સઘળું જાણી શકે, ભુત-ભવિષ્ય પણ એ જાણી શકે. તો એ જીવને ફરી જન્મ ન મળે ત્યાં સુધી એને પોતાના પૂર્ણ થયેલ જન્મની સ્મૃતિઓ, કદાચ આગલા જન્મોનીયે, કેટલો સંતાપ આપે ? કેમ કે જીવન આખુંયે રાગ-અનુરાગ, તૃષ્ણાઓથી ભરેલું હોય છે. મૃત્યુ તો સાવ અચાનક જ આવે છે, ત્રાટકે છે અને પલકવારમાં ઊંચકીને લઇ જાય છે.

અંતકાળ સુધી માનવીને ઇચ્છાઓ પૂરેપૂરી વળગેલી હોય એટલે મૃત્યુ પછી આત્મામાં જીવભાવ રહે. સુખ-દુખ, મોહ-માયા, પ્રેમ-દ્વેષ, બધા જ ભાવો, જે સ્વભાવ સાથે જડાયેલા હોય એને એ સાથે લઇને જાય. અધૂરી ઇચ્છાઓ, અધૂરી ઝંખનાઓ, અધૂરું વ્હાલ…. પોતાંના સ્વજનો-સ્નેહીઓનું સાચું સ્વરૂપ !! આત્માને પાર્થિવ શરીરની સીમાઓ નથી નડતી. એ બધા જ ભાવો અનુભવે પણ સ્થૂળ દેહ વગર એ કંઇ કરી ન શકે,.. એ કેવી ગુંગળાવનારી, પીડાદાયક સ્થિતિ બને !! શું આ જ ગતિ કે અગતિ હશે ? શું આ જ સ્વર્ગ કે નરક હશે ? શું આટલા માટે જ જીવનને ધીમે ધીમે વિતરાગ, સમભાવ, અનાસક્તિની અવસ્થાએ પહોંચાડવાનું ગીતામાં કહ્યું હશે ??

મને એ એક વાતની રાહત છે કે ઇચ્છાઓ હોવા છતાં વિરક્તિની એક ચોક્કસ અવસ્થા તમારામાં હંમેશા જળવાયેલી હતી. મારા જેવા તદ્દન સામાન્ય માનવ કરતાં ખાસ્સી ઊંચી કક્ષાનો તમારો જીવ હતો. અને એટલે જ તમારા જીવને એટલી પીડા નહિ હોય. તમે એ જગતમાંયે સઘળું સ્વીકારી લીધું હશે. આવું શાંત અને નિરાંતવું મૃત્યુ કોને મળે ?

તમને યાદ છે મારા શબ્દો, “જો હું પુરુષ હોત તો આવા સિમેંટ કોંક્રીટના જંગલમાં કદી ન વસત !! હિમાલયના ખોળે જઇ, દાલ-રોટીની જોગવાઇ કરી, ઝરણાં સાથે ખળખળ જીવતી હોત !!” હવે ઇંટોની આ દિવાલ ફાડી તમારા સ્મરણોના લીલાંછમ્મ વન ઉગ્યાં છે, એને સાથે લઇ હવે પહાડોમાં હૈયું ખોલતી રહીશ..નદી-સાગર સાથે ડૂબતી રહીશ અને જેમ પેલા પક્ષીઓનું ચહેકવાનું તમને ખૂબ ગમ્યું હતું એવા જંગલોમાં જાતને ખોતી રહીશ….મારા શબ્દો તો હંમેશ મારી સંગાથે જ છે, એ મને છોડીને ક્યાંય નહિ જાય..

દાદાજી કહે છે “ઇશ્વર એમની સાથે છે. મોત તો બધાંને એક દિવસ આવવાનું જ છે પરંતુ લોકો વર્ષોના વર્ષો બિમાર રહે, લાચારી ભોગવે, અનેકવાર એમના સ્વજનોયે એમની મુક્તિ માટે પ્રાર્થતા હોય. જ્યારે જગદીશભાઇએ એમની તમામ સાંસારિક જવાબદારીઓ પૂરી કરી અને કોઇ બિમારી કે પીડા વગર એમનો દેહ છૂટ્યો. ભાગ્યશાળીને જ આવું મોત મળે !!” દાદાજીની વાત સાચી છે. પણ હું અધૂરી, કાચી અને ઉતાવળી. સમજણની પ્રાથમિક કક્ષાએય હજી નથી પહોંચી અને એટલે માયાથી ભરપૂર અને સ્વાર્થી પણ ખરી. આ પત્ર પૂરો કરું છું ત્યારે, આજે પંદરમી મે 2010, આપણા લગ્નની સાડત્રીસમી વર્ષગાંઠ, અને અત્યારે સમય પણ એ જ છે જ્યારે આપણે બેય છલકાતા હૈયે મંડપમાં જવાની તૈયારી કરતા હતા !! કંઇક માગી લઉં તમારી પાસે !!

………………..એક સાંજે આપણે પરદેશ જવાની વાત કરતા હતા. બંને દીકરાઓનાં ઘર, નિસર્ગનું સ્કોટલેન્ડમાં અને પાર્થનું અમેરિકામાં. મને યાદ છે, તમે કહ્યું હતું, ”નિસર્ગ-પાર્થ મોટાં થઇ જાય એ પહેલાં એમના ઘરે જઇને રહેવું છે…”
…………………. ”જયુ, પાર્થ હજી નાનો છે, અને હવે એ ઇન્ડિયામાં પાછો આવી ગયો છે. હું રાહ જોઉં છું, તમે એના ઘરે રહેવા આવશો ને !!……….

તમારી અંજુ
પૂર્ણ
‘અહા જિંદગી’ (દિવ્ય ભાસ્કર પ્રકાશન) ઓગસ્ટ 2010 અંકમાં પ્રકાશિત

Advertisements

Responses

 1. લતા બહેનશ્રી ,
  માણસ ઉમર વધતા સાથે ઢીલો પડતો હશે મન થી પણ.અશ્રુ શું કહેવાય તે અમે જાણતા નહોતા.પણ હવે જાણી ચુક્યા છીએ અને માણી ચુક્યા છીએ.એક પરમ મિત્રે ફરમાઈશ કરી કે દીકરીઓ વિષે લખો.મારે તો દીકરી છે નહિ,ત્રણ દીકરાઓ જ છે.પણ મારી ભત્રીજીઓ સાથે ના સંસ્મરણો લખ્યા ત્યારે પહેલી વાર રડતા રડતા લખેલો લેખ ‘પથ્થર માંથી પાણી ટપકાવતી આ દીકરીઓ’.લગભગ દરેક વાચક રડેલા.આપની આજ્ઞા માંની ને બધા વાચી નાખ્યા.પણ હૃદય વલોવાઈ ગયું.અશ્રુઓ અટકી અટકી ને આવે જતા હતા.શક્તિ મુજબ મેસેજ પણ સમજ્યો છું.પિતાશ્રી વકીલ હતા.એમણે એક સોનેરી સૂત્ર આપેલું કે દીકરાઓ ને ૧૫ વર્ષ ના થાય એટલે મિત્ર ગણવા.એમણે પાળેલું,એના થકી આજે પિતાશ્રી ના વારસદારો માં મારા ફેમીલી માં બે વૈજ્ઞાનિકો,ત્રણ પી.એચ.ડી,બે પ્રોફેસર,એક સ્કુલના પ્રિન્સીપાલ બે એન્જીનીયર,બે એમબીએ,એક અંગ્રેજીમાં કવિ છે.અને હું અહી બ્લોગ માં મારી લખવાની ચળ પૂરી કરી રહ્યો છું.હવે આવું લખશો તો અમારી તો હિમત નહિ ચાલે વાચવાની.સીધા હૃદય માંથી ઉતરેલા શબ્દો બતાવી જાય છે કે આપ તો ઝૂરી રહ્યા છો.વધારે શું લખું?

 2. લતા..પ્લીઝ…..

 3. He left us quietly,
  His thoughts unknown,
  But left us a memory,
  We are proud to own;
  So treasure him Lord,
  In Your garden of rest,
  For when on earth,
  He was one of the best.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: