Posted by: readsetu | જુલાઇ 9, 2010

ડાયાબિટિસ અને નિસર્ગોપચાર

નિસર્ગોપચાર કેન્દ્ર, વિનોબા આશ્રમનો મારો અનુભવ

1.

ડાયાબિટિસમાં દવા વગર ચાલે ? તમે શું માનો છો ? તમારો જવાબ હા હોય કે ના, આ લેખ જરુર વાંચો.

ક્યાંક વાંચેલું કે ‘આપણે જે ખાઇએ છીએ એમાંથી એક ભાગ આપણા પોષણ માટે છે, બાકીના બે ભાગ પર ડોકટરો જીવે છે.’ આપણને જ્યારે પણ કંઇ તકલીફ થાય ને ડૉકટર પાસે જવાનું થાય અને આ મોટેભાગે આવો સંવાદ થાય.

‘ચિંતા ન કરો, આ દવા સવાર, બપોર, સાંજ લેજો. સારું થઇ જશે.’

‘અને ખાવા-પીવામાં ?”

”સાદો ખોરાક લેવાનો. નોર્મલ જે ખાતા હો એ ખાવાનું. વાંધો નથી.”

આ ખોરાક ગરમ પડે કે આનાથી વાયુ થાય કે આ  ચીજ ઠંડી પડે અથવા તો આ વિરુદ્ધ આહાર થાય એટલે ન ખવાય એવી પરેજી જે આયુર્વેદ બતાવે છે અને એ બાબતને એલોપથી સાથે એટલો નાતો નથી. વધુમાં વધુ સાદો ખોરાક, હળવો ખોરાક લેવો અને ભારે ખોરાક ન ખાવો એટલી સુચના હોઇ શકે. એ સાયન્સ જુદું જ છે.

અલબત્ત એલોપથી વિજ્ઞાને માનવજાતની જે સેવા કરી છે એ અમૂલ્ય છે. એ નિર્વિવાદ છે કે બાળમરણનું પ્રમાણ ઘણું ઘટ્યું છે, સુવાવડમાં મૃત્યુ પામતી સ્ત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માનવીનું સરેરાશ આયુષ્ય વધ્યું છે અને અમુક સમસ્યાઓનો તો ઓપરેશન જ ઇલાજ છે, તરત પરિણામ આપવાની બાબતમાં કે રોગ પર ઝડપથી કાબુ લેવાની બાબતમાં એલોપથીનો કોઇ વિકલ્પ નથી અને આ બધી મહામૂલી સિદ્ધિઓ છે. પણ એલોપથી એ મૂળે શરીર સાથે કામ પાર પાડનારું વિજ્ઞાન, રોગનાં લક્ષણો અને એના ઉપચારની આસપાસ ઘુમતું વિજ્ઞાન. હવે આ શાખાના નિષ્ણાતો પણ માનતા થયા છે કે રોગ થવાનું મૂળ કારણ મોટેભાગે મન તથા અયોગ્ય આહાર વિહાર છે એટલે એનું નિયંત્રણ એ પહેલો ઉપચાર, પછી દવા.

નેચરોપથી એટલે કે નૈસર્ગિક ઉપચારનો આ પાયો છે. યોગ્ય આહાર કે ઉપવાસ દ્વારા શરીરમાં જમા થયેલા કચરાનો નિકાલ એટલે કે શરીર શુદ્ધિ અને કસરતો, યોગ, પ્રાણાયામ, પ્રાર્થના, હકારાત્મક વિચારો અને પૂરતા આરામ દ્વારા માનસિક શાંતિ અને તાણ દૂર કરવાનો પ્રયાસ. એ પછી જે તે બગડેલા અવયવોને ઠીક કરવા માટે પણ કુદરતી તત્વો માટી, જળ, વરાળ, શેકનો ઉપયોગ.

લગભગ સાત-આઠ વર્ષ પહેલાં હું વલ્લભ વિદ્યાનગરના નિસર્ગોપચાર કેન્દ્રમાં મારા આર્થરાઇટીસના પ્રોબ્લેમ માટે ગયેલી અને મને ઘણો ફાયદો થયેલો. એ પછી નક્કી કર્યું હતું કે દર વરસે દસેક દિવસ આ સારવાર લેવી. ભલે તકલીફ ન હોય તો પણ શરીર શુદ્ધિ તો થાય જ અને નવી સ્ફૂર્તિ મળે એ ફાયદો તો ખરો જ ખરો. જેમ આપણે વાહનને સારું રાખવા એની નિયમિત સર્વિસ કરાવીએ છીએ એમ જ શરીરની અંદરના અવયવો અને એની કામગીરીને સારી રાખવા માટે આ ઉપચાર અત્યંત જરુરી છે. આવા કેન્દ્રોમાં ઘણા લોકો આ ડિટોક્સીફિકેશન માટે આવતા હોય છે. પણ એ પછી આટલા વરસે ફરી જવાનું ગોઠવી શકાયું. આ વખતે નવી જગ્યાનો અનુભવ લેવો એમ વિચારી વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ વિનોબા આશ્રમ – નિસર્ગોપચારમાં જવાનું નક્કી કર્યું.

મારો આશય આ વખતે મુખ્યત્વે ડિટોક્સીફિકેશનનો અને હવે ડાયાબિટિસ પાળવાનો આવ્યો છે તો એમાં કંઇક સુધારો થાય એ હતો.

વેબસાઇટ પરથી વિનોબા આશ્રમનું લીલાં વૃક્ષો, હરિયાળી લોન અને ખરે જ આશ્રમ જેવું સૌંદર્ય ધરાવતું સ્થળ ઘણું આકર્ષક લાગ્યું. ફોન અને સંપર્કો દ્વારા વધારે માહિતી મેળવી. આ પ્રકારની ઉપચાર પદ્ધતિનો મને અગાઉનો જાતઅનુભવ હતો એટલે એ વિશે કશી અવઢવ નહોતી.

શહેરથી થોડે દૂર કેન્દ્રના રમ્ય, પ્રાકૃતિક વાતાવરણમાં દાખલ થતાંવેંત શાંતિ અનુભવાતી હતી. રહેવાના રૂમોની સગવડ ઘણી સારી હતી. ડૉ. કમલેશભાઇ સાથેના લાંબા કન્સલ્ટીંગથી શરુઆત થઇ. પછીથી ડૉ. ભરતભાઇને પણ હું મળી. દર્દી સાથેની વાતચીતમાં ઊંડા ઉતરી સમસ્યાના મૂળ સુધી જવાની ખાંખત અને વિષય અંગેની પૂરી દક્ષતા મેં અનુભવ્યાં. પહેલા દિવસથી માંડીને રોજ રાઉન્ડમાં આવતા ડૉ. કમલેશભાઇની સારવાર અંગેની તમામ બાબતોની સજ્જતા ઉપરાંત અત્યંત સૌજન્યપૂર્ણ અને સ્નેહપૂર્ણ વ્યવહાર એ મારા માટે ઉપચારનો જ એક ભાગ હતા. આમ પહેલા દિવસના કન્સલ્ટીંગ પછી સવારના ઉપચાર સાથે મારા સારવારના કાર્યક્રમની શરુઆત થઇ. મારા માટે જે મહત્વની વાત હતી એ મારો ડાયાબિટિસ.

નિસર્ગોપચાર કેન્દ્રમાં આહાર અત્યંત મહત્વની બાબત છે. પહેલે દિવસે બપોરે પાતળી ઘી વગરની બે રોટલી, તેલમસાલા વગરનું શાક, સલાડ અને ચટણી હતાં. એ વાત ખાસ નોંધપાત્ર છે કે શાકમાં તદ્દન ઓછા તલના તેલમાં જીરાથી વઘાર, મસાલામાં આદુ, મીઠું, હળદર, ધાણાજીરુ અને જરુરી હોય ત્યાં ઓર્ગેનિક ગોળ, વળી કૂકરમાં બાફીને જ બનાવેલું, છતાંય ઘણું સ્વાદિષ્ટ લાગે છે. અગાઉ વલ્લભ વિદ્યાનગરના નિસર્ગોપચાર કેન્દ્રનો પણ મારો આવો જ અનુભવ હતો. પછીથી ઘરે આવીને ઘણો સમય એ જ રીતે શાક બનાવતી. પણ પછી ફરી ક્યારે મૂળ પદ્ધતિ પર આવી ગઇ, રામ જાણે !! મૂળ તો એ શાક જોવામાં જરા ફિક્કું લાગે અને કોઇ મહેમાન આવે ત્યારે એમને ભાવશે કે નહિ એ ચિંતામાં આપણી મૂળ રીતે રાંધવાનું બને. અંતે અલગ અલગ કરવાનો સમય ન રહે અને એમ ધીમે ધીમે ઠેરના ઠેર થઇ જવાય.

હા, તો વાત ભોજનની ચાલતી હતી. બે દિવસ લંચમાં આવો આહાર અને રોજ સાંજે માત્ર ફળાહાર શરુ થઇ ગયો. સવારમાં ઉકાળો અને બપોરે ચાર વાગે ઉકાળૉ અથવા દૂધીનો રસ એ ખરું. માત્ર બે દિવસ એક ટાઇમ અનાજ ખાધું અને પછીથી છ દિવસ હું બંને ટાઇમ ફળાહાર પર રહી. જવાના છેલ્લા બે દિવસ લંચમાં નોર્મલ ખોરાક (ત્યાં અપાય છે એ જ) પણ સાંજે તો ફળાહાર જ.. ફળોમાં મુખ્યત્વે તરબુચ અને સાથે કેળાં, ચીકુ, કેરી વગેરે રહેતું. આમ દસ દિવસમાં પહેલાંના બે દિવસ અને છેલ્લા બે દિવસ લંચમાં જ અનાજ ખાધું બાકી બધા ટંક ફળો પર રહી.

બીજી અગત્યની વાત કે મારી બધી દવાઓ બીજા દિવસથી બંધ કરી હતી. જ્યાં રોગ બહુ જૂનો અને એક્યુટ હોય છે ત્યાં દવા ચાલુ પણ રખાય છે. મારે ડાયાબિટિસની તકલીફ એક વરસથી છે અને દવાના ઓછા ડોઝથી સુગરનું પ્રમાણ બરાબર જળવાઇ રહેતું હતું એટલે મારા સંબંધે, મારી સંમતિથી દવા બંધ કરવાનો નિર્ણય લઇ શકાયો. જોખમ કોઇ લેવાનું નહોતું. સતત પરીક્ષણ ચાલુ હતું. રોજ સવારમાં અને જમ્યા પછીની સુગર ચેક થતી હતી.

Advertisements

Responses

  1. Good info!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: