Posted by: readsetu | જુલાઇ 9, 2010

તમને ડાયાબિટિસ છે ? તો આ જરૂર વાંચો – 2

2.

આ થઇ આહારની વાત. આ ઉપરાંત સારવારમાં સવારમાં દોઢેક કલાક યોગ અને પછીથી કટિસ્નાન, માલિશ, એનીમા, વમન, એક્યુપ્રેશર, સ્ટીમ બાથ, શિરોધારા જેવા ઉપચારો થતાં. જમ્યા પછી માટીપટ્ટી, ખાસ ડાયાબિટિસ પેક જેમાં કમરની નીચે બરફની થેલી અને પેટ ઉપર ગરમ પાણીની થેલી રાખવામાં આવે. સાંજે ઘુંટણ અને કમરની કસરતો અને વિશેષ યોગાભ્યાસ. આ મેં લીધેલા ઉપચારો હતા. સાંજના ભોજન પછી રાત્રિપ્રાર્થના. આ અમારો દૈનિક કાર્યક્રમ હતો.

એકાંતરે દિવસે આખા શરીરે થતો મસાજ અને કટિસ્નાન તન-મનને અત્યંત રાહત અને હળવાશ આપતાં. ઘરે પણ એ કરી જ શકાય. એવું જ આખા શરીરે માટીલેપનું અને બપોરે લેવાતી માટીપટીનું. ચારેક દિવસ એનીમા અપાયો અને બેથી ત્રણ વાર વમન ઉપચાર થયો. વલ્લભવિદ્યાનગરના કેન્દ્રમાં આ ઉપરાંત ‘કોલન’ ઉપચાર પણ હતો જેમાં મશીન દ્વારા આંતરડાની સંપૂર્ણ સફાઇ થાય છે. આપણને ભલે લાગે કે આપણું પેટ સાફ છે પણ આંતરડામાં જૂનો મળ રહેતો જ હોય છે, જે ઘણી તકલીફોનું કારણ હોય છે. એનીમા અને કોલનથી આંતરડાની સંપૂર્ણ સફાઇ થાય છે. એ વખતે મેં ત્યાં વાંચ્યુ હતું કે નાના બાળકના આંતરડા જેટલા સાફ હોય એટલી સફાઇ કોલન પદ્ધતિથી થાય છે.   

અદભુત હતું શિરોધારા. માથું ઢળતું રહે એમ સુવડાવી, એક લીટર તલનું તેલ એક કાણાંવાળા પાત્રમાં ભરીને, કપાળ પર ડાબેથી જમણે રેડાતું રહે અને તેલની ધારા કપાળ અને વાળને પલાળતી નીચે રાખેલા વાસણમાં પડે. આ પ્રયોગ ત્રણ દિવસ રોજ લગભગ અડધો કલાક ચાલે પણ એટલો સમય ગજબની શાંતિ અને આરામ લાગે એ અનુભવે જ સમજાય. વાળને પછી નિચોવવા જ પડે અને માથા પર ત્રણ દિવસ જાડું કપડું બાંધી રાખવું પડે એ ખરું. આ મેં લીધેલા ઉપચારો.

ખુદ મને પણ વિશ્વાસ નહોતો અને જે થયું એની વાત હવે કરીશ.

ડાયાબિટિસના દર્દીને ભુખ વધુ લાગે અને એનાથી ભૂખ્યા ન રહેવાય. મને કહેવામાં આવ્યું હતું કે એક બે દિવસ સવારમાં તમને ઉકાળાની સાથે નાસ્તામાં મમરા અપાશે. જરુર લાગે તો ખાજો. અને એવી જ રીતે બંને ટાઇમના ખાણાં સિવાય પણ ભૂખ લાગે તો માત્ર ફળ લેજો.

મારા આશ્ચર્ય વચ્ચે ત્રીજા દિવસથી મને સવારના મમરાની જરુર રહી નહિ અને મેં ના પાડી દીધી. પછીથી સવારે માત્ર ઉકાળો લીધો. દિવસના ભાગે પણ મને જે કંઇ આહાર અપાતો એ સિવાય ભૂખ નહોતી લાગતી. એટલો ખોરાક પૂરતો થઇ પડતો. એકાદ દિવસ ભૂખ લાગેલી ત્યારે એકાદ ફળ લીધું હતું પણ એ અપવાદ રૂપે જ. બાકી બે ટાઇમ માત્ર ફળો પર આરામથી રહી શકાતું હતું અને કોઇ જ અશક્તિ કે થાકની ફરિયાદ વગર !! ઘરે તો સવારની કસરતો, પ્રાણાયામ પતે એટલે ક્યારે પેટમાં કંઇક નાખું એ સિવાય કશું સુઝે નહિ. બે ટાઇમ વ્યવસ્થિત જમવા છતાં આડીઅવળી ભૂખ તો લાગે જ. એ અહીં ગાયબ થઇ ગયાં !!

એથીયે મોટા આશ્ચર્યની વાત હવે આવે છે કે બિલકુલ દવા વગર બંને ટાઇમ મારું સુગર લેવલ એકદમ નોર્મલ આવતું હતું !!! ન ઓછું, ન વધારે !!! આ બહુ મોટી ઉપલબ્ધિ હતી !! કોઇ દલીલ કરી શકે કે ખોરાક જ એટલો ઓછો અને એવો લેવાય તો સુગર ક્યાંથી વધારે આવે ? સાવ સાચી વાત છે પણ જો એટલા અને એવા ખોરાકથી સારી રીતે જીવી શકાતું હોય, કામકાજ કરી શકાતું હોય તો બિલકુલ દવા વગર સુગર પર આટલું નિયંત્રણ મેળવી શકાય એ બહુ મોટી વાત ન ગણાય ?

અહીં આવી ત્યારે નિશ્ચય કરીને આવી હતી કે પૂરા મનથી સારવાર લેવી છે. રવિવારે રજા હોય, બપોર પછી કોઇ ટ્રીટમેંટ ન હોય, પણ નક્કી કર્યું હતું કે કેમ્પસની બહાર નથી નીકળવું. જેતે સ્થળના વાઇબ્રેશન્સ માનસિક શાંતિ પર ઘણી અસર કરતાં હોય છે અને સાજા થવા માટે શરીર અને મન બંનેનો સુયોગ હોય તો પરિણામ જલ્દી અને સારું મળે.

આ દસ દિવસના નિસર્ગોપચાર કાર્યક્રમે મને સાબિત કરી આપ્યું કે મારો આહાર આ પ્રમાણે રાખી શકું અને રોજિંદા જીવનમાં મારી માનસિક શાંતિ પણ પ્રમાણમાં સારી રીતે જાળવી શકું તો હું ચોક્કસ દવા વગર મારા ડાયાબિટિસ સાથે કામ પાર પાડી શકું !!

કોઇ જરુર એમ દલીલ કરી શકે કે ખાવાપીવાના આટલાં નિયંત્રણો પાળવા કરતાં એક ગોળી લઇ લેવી સારી. દલીલમાં વજુદ પણ છે કેમ કે રોજબરોજની જિંદગીમાં, નજર સામે આટઆટલા સ્વાદિષ્ટ વ્યંજનોની બહાર છલકાતી હોય ત્યારે જીભના ચટાકા અને સ્વાદ પર કાબુ રાખવો એ ખૂબ અઘરી બાબત છે પરંતુ સામે બીજી વાત એ પણ છે કે એલોપથીની એક પણ દવા આડઅસર વગરની નથી હોતી. ડૉકટર કહે છે, મલ્ટીવિટામીન્સ પણ નહિ. આ દવાઓ રોગને નાથે છે તો સાથે સાથે બીજા હાનિકારક દ્રવ્યો પણ શરીરમાં છોડે છે જે લાંબે ગાળે બીજી સમસ્યાઓને જન્મ આપે, એટલે કયો વિકલ્પ પસંદ કરવો એ આપણે વિચારવાનું છે.

બીજી વાત સ્ટ્રેસફૂલ લાઇફની. એ સાચું છે કે રોજિંદા જીવનમાં તાણ વગરની જિંદગી અઘરી છે પણ અશક્ય નથી. નિયમિત યોગ, પ્રાણાયામ, ધ્યાન અને એ પ્રકારની માનસિક સજ્જતાથી એના સુધી જરુર પહોંચી શકાય છે. બહારની ઉથલપાથલો વચ્ચે જીવવા છતાં એને મન સુધી બહુ ન પહોંચવા દેવાની કળા એટલી અઘરી નથી. એક સંકલ્પની અને એ વિશેની જાગૃતિની જરુર હોય છે.

બીજી અત્યંત આશ્ચર્યજનક ઘટના એ બની, જેનું મૂળ હું હજી શોધું છું, તે એ કે મારી જૂની જડ નાખીને વસી ગયેલી ખાંસી ગાયબ થઇ ગઇ !! એ કેમ થયું એનું પગેરું શોધું છું હજી મળ્યું નથી. લગભગ છેલ્લા દસેક વર્ષથી મને ખાંસીનો સખત ત્રાસ હતો. અનેક વખત એંટિબાયોટિક દવાઓના કોર્સ, આયુર્વેદ દવાઓ, હોમિયોપેથી ઉપચાર, દેશી ઉપચારો કંઇ બાકી નહોતું રાખ્યું. એનાથી ટેમ્પરરી ફાયદો થાય પણ ખાંસી સાવ તો જાય જ નહિ. હોમિયોપથી દવાનું પરિણામ મને વધારે મળ્યું. પણ તોયે મહિનામાં દસેક દિવસ ખાંસી રહે જ. અને દિવસમાં બે ચાર ખાંસી આવે ત્યાં સુધી તો મારે માટે એ મટી ગયેલી જ ગણાય. અર્થાત બે ચાર વાર ખાંસી આવ્યા વગરનો કોઇ દિવસ જતો નહોતો. આ નિસર્ગોપચાર આશ્રમમાં ગયા પછી બીજા ત્રીજા દિવસથી ખાંસી ગુમ થઇ ગઇ !! ત્યાંથી આવ્યે પણ વીસેક દિવસ થઇ ગયા, હજી સલામત છું !! એ ત્યાં મળતા આહારનું જ પરિણામ હશે એમ લાગે છે કેમ કે ઘરે આવીનેય મેં 80% જેટલું ત્યાંના આહારને જ અનુસરવાનું રાખ્યું છે.

નિસર્ગોપચારના મારા અનુભવ દરમિયાન ડો. ભરતભાઇ, ડૉ. કમલેશભાઇ, ડૉ. નયનાબહેન, ડૉ. શ્રુતિ, નિમેષભાઇ, ડૉ. ચાંદની, હેમાબહેન, શાલિનીતાઇ, કલાબહેન અને બીજા અનેક કર્મચારીઓનો હસમુખ ચહેરો અને મીઠો, સ્વાગત અને સહકારપૂર્ણ સાથ સાંપડ્યો એણેય મનને ઘણું દુરસ્ત કર્યું છે. સ્વાતિ, અનીતા, ફાલ્ગુની જેવા મિત્રો બન્યા એ જુદું. સંપૂર્ણ સારવાર એ આનું નામ – એવી કંઇક સમજ મને આ વિનોબા આશ્રમમાં મળી છે  ગાંધીજી અને વિનોબાજીના નામ અને સિદ્ધાંતો સાથે જોડાયેલી આ સંસ્થાએ મને એક નવો જ અનુભવ આપ્યો. અને એય ચોખવટ કરી લઉં કે આ વિષયમાં મારી જાણકારી એક સામાન્ય માનવી જેટલી છે. અનુભવો મારા પોતાના છે એટલે આમાં જે કંઇ ખુટતું લાગે કે બરાબર ન લાગે એને મારી જ મર્યાદા ગણવી.

Advertisements

Responses

 1. સમય મર્યાદામા વાંચવાનું વધુ અને લખવાનું ઓછુ કર્યું હતું
  પણ
  આ લેખ બે ત્રણ વાર વાંચ્યો.ખૂબ ગમ્યો
  મને કે અમારા કુટુંબમા ડાયાબીટીસ નથી
  આમાંની વાત બીજા લખાણમા પણ લખશું
  ફરી અભિનંદન

 2. ડાયાબીટીસનું દર્દ કુટુંબમાં કોઈને કનડતું નથી પણ સુંદર શબ્દોમાં બોલતી આપની અનુભૂતિ ભરેલી અભિવ્યકતિ તરફ દરેકનું ધ્યાન દોરવાની સૌની માનવીય ફરજ છે.

 3. ડાયાબીટીસ મારા ફાધર ને છે. thank you very much કે તમે ઉપાય બતાવીયો
  મારા તરફ થી ખુબ અભિનંદન .. આ વાત મા તમારો અનુભવ જ બોલે છે. ખુબ આનંદ થયો કે તમારા અનુભવ લોકો સુધી પોહ્ચાડો છો.
  મારો બ્લોગ વાચ્વા વિનંતી……

 4. Lataben Thanks for Information I dont have but taking caremyself because my father was diabetic.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: