Posted by: readsetu | જુલાઇ 30, 2013

કાવ્યસેતુ – 97 મીનાકુમારી

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 23 જુલાઇ 2013

કાવ્યસેતુ – 97  મીનાકુમારી

તમે લોકો તો વાદળ જેવા છો

હવાઓની સાથે આવ્યાં

થોડીક વાર આકાશ પર છવાઇ રહ્યાં

વરસ્યાં

અને ક્યાંક દૂર નીકળી ગયાં

અમે મેદાનો જેવા છીએ

પોતાની જગ્યા પર સ્થિર

અને અમને ખબર છે કે

જનારા ફરી પાછા આવતા નથી. …. મીનાકુમારી (અનુ. કંવલ કુંડલાકર)

 

અભિનેત્રી મીનાકુમારીને એમના સદાબહાર અભિનય માટે ફિલ્મરસિયાઓ ખૂબ જાણતા હશે પણ એમની કવિતાઓથી લોકો એટલા પરિચિત નહીં હોય. જો કે આખી જિંદગી પ્રેમની તરસમાં વિતાવી પોતાની જાતને શરાબના નશામાં ડૂબાડી દેનાર અને એમ જ અંત લાવનાર આ કવયિત્રીના આ કાવ્યમાં એની ચિર પ્યાસના દર્શન થાય છે. જિંદગીમાં પુરુષોની આવન જાવન ચાલુ રહી અને પોતે એમ જ તરસ્યાં રહી જિંદગી વિતાવી દીધી.

એમની આ ઊર્દૂ કવિતા જેનું શિર્ષક છે, ‘વાદળ અને મેદાન’ અને અનુવાદ કર્યો છે કંવલ કુંડલાકરે. શિર્ષક જ ઘણું બધું સૂચવી જાય છે અને કવિતાના શબ્દો તો અત્યંત સરળ રીતે એનું આખું જીવન વ્યક્ત કરી દે છે. ‘તમે લોકો તો વાદળ જેવાં છો, આવ્યાં, વરસ્યાં અને નીકળી ગયાં. અમે છીએ મેદાનો. પોતાની જગ્યા પર સ્થિર, અને અમને ખબર છે, જનારા ક્યારેય પાછા આવતા નથી…!!!’ પોતાના જીવનમાં આવનારી અને પછી પોતાને ભૂલી જનારી વ્યક્તિઓ પ્રત્યે કેટલી ઊંડી ફરિયાદ છે અને તોયે અત્યંત શાંતિથી અને સ્વસ્થતાથી !! આખરે કેટલી પીડા છોડી જાય છે છેલ્લી પંક્તિ !! સતત છેતરાયેલી રહેલી એક અત્યંત ખૂબસુરત  સ્ત્રીની જિંદગીનું વાસ્તવિક ચિત્રણ !!

શું છે આ પ્રેમ ? કેવી છે એની ઝંખના અને કેવી છે એની તરસ ? જે માનવીને આખી જિંદગી તડપાવ્યા કરે છે ? પ્રેમ અને હૂંફની તરસ એ સ્ત્રીના જીવનનું કેન્દ્રબિંદુ છે. કદાચ ઉપરછલ્લી રીતે રોજિંદા રૂટિનમાં સ્ત્રીનું જીવન યંત્રવત બની ગયેલું દેખાય પણ ઊંડે ઊંડે છુપાયેલી, ન બુઝાયેલી પ્રેમની પ્યાસ એને ભટકાવતી રહે….. એની તલાશ ચાલ્યા જ કરે… એ સંબંધોને શું નામ અપાય એની કદાચ પરવા કર્યા વગર એ એમાં ઝંપલાવે છે અને પુરુષ પાસે મોટાભાગે ભ્રમરવૃત્તિ હોય છે, જે ફૂલના રસને ચૂસી ઊડી જાય છે, બીજા ફૂલ પાસે……

ખૂબ સરળ ભાષામાં પણ પુરુષની સ્ત્રી પ્રત્યેની ઉપેક્ષા અને સ્ત્રીની પીડાનું ફ્રેંચ કવિ જેક્સ પ્રિવર્ટનું આ કાવ્ય અહીં જરૂર ટાંકવું પડે.

કપમાં એ કૉફી રેડે છે

કૉફીના કપમાં રેડે છે દૂધ

દુધાળી કૉફીમાં એ નાખે છે ખાંડ

નાનકડી ચમચીથી એ હલાવે છે

એકરસ બનાવે છે

દુધાળી કૉફી પી જાય છે

અને કપને મૂકે છે

એક પણ શબ્દ મને કહ્યા વિના

સિગારેટ સળગાવે છે

ધુમાડાનાં વર્તુળો બનાવે છે

એશ-ટ્રેમાં રાખ ખંખેરે છે

એક પણ શબ્દ મને કહ્યા વિના

ઊભો થાય છે

માથા પર હેટ મૂકે છે

રેઇનકોટ પહેરે છે, વરસાદ વરસે છે એટલે

વરસાદમાં નીકળી પડે છે

એક પણ શબ્દ કહ્યા વિના

અને હું માથું મારા હાથમાં ઢાળી દઉં છું

અને રડું છું…..

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: