Posted by: readsetu | ઓગસ્ટ 6, 2013

કાવ્યસેતુ – 98 અશોક ચાવડા ‘બેદિલ’

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 30 જુલાઇ 2013

કાવ્યસેતુ – 98  અશોક ચાવડા ‘બેદિલ’

આ વખત લાગણીસભર વરસાદ,
આ વખત આંસુઓનું ઘર વરસાદ.

કોઈ ભીંજાય છે ક્યાં અંદરથી ?
શ્હેરમાં હોય છત ઉપર વરસાદ.

કારણો હોત તો બતાવી દેત,
આંખમાં કારણો વગર વરસાદ.

સ્હેજ રોકાઈ જા, તને કીધું,
સાવ તાજી જ છે કબર : વરસાદ.

ઘરનો સામાન માત્ર ભરવાનો,
પાંપણોમાં ભર્યા ન કર વરસાદ. અશોક ચાવડા બેદિલ ( ‘પગરવ તળાવમાં’ કાવ્યસંગ્રહમાંથી)

મન અવસાદથી છલકી ઊઠ્યું હોય અને મેઘને પણ ત્યારે જ વરસવાનું સુઝે પછી આવી ગઝલ જન્મે… કવિ, ગઝલકાર અશોક ચાવડાની આ વરસાદી વેણુના સૂર પાંપણો પર ભીનાશ જન્માવે એવા છે…..

 

વરસાદ પ્રકૃતિની દેન છે, કુદરતના આશિર્વાદ છે, માનવજાત પર ઇશ્વરની રહેમ છે. ધરતીની છાતી પર વરસતા છાંટણા કે આલબેલ પોકારતી અનરાધાર છડી… એના વિના જીવન કેમ સંભવે ? પણ એ વરસે ત્યારે ઝીલનારના હૈયાની હાલત શું છે એના પર એનો આવકાર કે ઇન્કાર નક્કી થાય છે. પ્રેમમાં ડૂબેલા અને રોમેન્ટિક હૃદયો માટે આ મન મૂકીને પ્રણયમાં ડૂબી જવાની મોસમ છે તો વિરહીજનો માટે ઇંતઝાર આકરો થઇ પડે એવી પરિસ્થિતિ છે. ધનિકોને પોતાની બંધ ગાડીમાં નીકળી ગરમ ગરમ નાસ્તાની જ્યાફત ઊડાવવાની મજા છે તો ફૂટપાથ પર ટુંટિયું વાળીને માંડ સુતેલા શ્રમજીવી માટે આના જેવી ખતરનાક કોઇ મૌસમ નથી…. જેવી જેની પાત્રતા એવો એનો વરસાદ…

કવિના હૃદયમાં આક્રોશ ભર્યો છે, ફરિયાદો છે, અભાવ છે, પીડા છે અને એ આંખમાંથી વરસવા લાગી છે, શબ્દોમાં ટપકવા લાગી છે. આ વખતે વરસાદ એ માત્ર આકાશમાંથી વરસતું જળ નથી, આંખમાંથી યે એ વહ્યા કરે છે. પોતાના માનવીનું સુક્કાપણું કદાચ એને ડંખે છે અને એટલે કહે છે શહેરનો માનવી દંભી થઇ ગયો છે. એને પ્રકૃતિ સાથે કોઇ નિસ્બત રહી નથી… પોતાની આસપાસ કવચ પહેરીને ફરતો માનવી બીજાની પીડા ક્યાંથી સમજી શકે ? શ્હેરમાં વરસાદ કોઇને ભીંજવતો નથી.. માણસે દિવાલો પહેરી લીધી છે અને છત ઓઢી લીધી છે….કવિની વેદના કોઇ એવી વ્યક્તિ તરફ આંગળી ચીંધે છે, જેનું હૃદય પથ્થર જેવું છે, ભીંજાતું જ નથી.. પ્રેમ કે લાગણી એને સ્પર્શતાં નથી..

મન ચૂપ રહેવા સિવાય બીજું કંઇ કરી શકતું નથી. કારણો શોધવા કે કહેવા જેટલુંયે મન સ્વસ્થ નથી… પરિણામ એક જ છે અને તે વરસતી આંખો… હૃદયમાં હજુ યાદોની કબર તાજી જ છે, ભીંજવતી ધાર સહન થઇ શકે એ સમય આવ્યો નથી.. મન એ મુકામે પહોંચ્યું નથી, સંતાપ હજી શમ્યો નથી – ‘વરસાદ તું રોકાઇ જા’

ઘર ખાલી કરવાનું છે, માત્ર સામાન ભરવાનો છે, કશુંક છોડીને જવાનું છે, કોઇકથી દૂર થવાનું છે પણ એનો સ્વીકાર એટલો સહેલો નથી..પાંપણો પરથી હૈયું છલકાઇ ઊઠે છે, આંખોમાંથી ઉદાસી વરસી રહે છે. મનને કેટલુંયે સમજાવ્યું કે – તું આમ કરીશ તો કેમ ચાલશે ? પણ – દિલ હૈ કિ માનતા નહીં….

મોસમને ઝીલવી એય હૈયાની ખરી હેસિયત છે ભલેને ભરવરસાદે મનમાં પાનખર વ્યાપી જાય !! નજર સામે લીલાંછમ વૃક્ષો હોય તોયે દિલમાં રણ છવાઇ જાય !! કંઇક ફૂટે છે, કશુંક જન્મે છે પછી એ ઉચાટ હોય, સંતાપ હોય… નકરા પથ્થર બની રહેવા કરતાં લાખ દરજ્જે સારું છે..

યાદ આવી જાય છે પેલું હિન્દી ફિલ્મી ગીત

’અબકે ના સાવન બરસે, હો… અબકે બરસ તો બરસેંગી અખિયાં…

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: