Posted by: readsetu | ઓગસ્ટ 14, 2013

કાવ્યસેતુ 99 – ભાર્ગવી પંડ્યા

દિવ્યભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 13 ઓગસ્ટ 2013

ણખણતી સોનામહોર જેવો દિવસ છે અને હું છું

ચરુમાં દાટેલો સમય છે અને હું છું.

સ્મરણો નજરકેદ છે આ જર્જરિત કિલ્લામાં

પ્હેરો ભરતું મન છે અને હું છું.

પ્રકાશનું એક કિરણ જો છેદી શકે

સમયની ગૂંથેલી જાળ છે અને હું છું.

શબ્દો અવતરવાની બસ ઘડીઓ ગણાય છે

હાથમાં નિશબ્દ કોરો કાગળ છે અને હું છું.

પ્રેમનો અવસર લીલો બારસાખે શોભી રહ્યો

હથેળીમાં ઉભરતા રંગની સુગંધ છે અને હું છું.  …… ભાર્ગવી પંડ્યા

 

કેટલી આશા, જીવનને મધુરતાથી ભરી દેતી જીવનદૃષ્ટિ આ મજાના કાવ્યમાં ઉઘડે છે !! જીવન જીવવાની રીત આ જ છે ને ? ભાર્ગવી પંડ્યાની આ કવિતામાં ઉપરથી નીચે સુધી ‘સ્વ’ અને ‘સમય’ આશાના, ઉમંગના દોરથી પરોવાયેલાં છે. સમયની બધી જ ખણખણતી સોનામહોરોને હથેળીમાં ભરી લેવાની અભિલાષા શબ્દોમાં ઉતરી આવી છે. ચરુમાં દાટેલી સમયની સંપત્તિ,પૂરા ઉત્સાહથી ખોદી કાઢી જાત પર વેરી દેવાની વાંછના કેવી મજાની રીતે વ્યક્ત થઇ છે !!

જો કે સ્મરણો શરીરના જર્જરિત કિલ્લામાં નજરકેદ છે, જે સુખદ પણ હોઇ શકે ને દુખદ પણ !! મન એનો પહેરો ભરે છે અને રાહ જુએ છે પ્રકાશના એક કિરણની… બસ પછી તો સમયની જાળ તોડીને મન પ્રસન્નતાના સરોવરમાં ડૂબકી લગાવી દે !! પોતે કવિ છે એટલે શબ્દ સાથે જીવનભરનો નાતો છે. હાથમાં કાગળ છે, મૌન – નિશબ્દ અને એમાં શબ્દોના જન્મની ઘડીઓ ગણાય છે. પ્રસવની પીડા થોડી કપરી હોય પણ એક રચનાનો જન્મ રચયિતાને કેવો આહલાદક અનુભવ આપી શકે છે એ તો રચનાર જ સમજી શકે. માત્ર શબ્દ જ શા માટે ? કોઇ પણ કલાના સર્જકને આ વાત લાગુ પડે જ પડે !!

અંગત જીવનને પણ કવિએ આ રચનામાંથી બાકાત રાખ્યું નથી. પ્રેમનો લીલ્લોછમ્મ અવસર બારસાખે તોરણ બનીને લટકી રહ્યો છે ત્યારે કૂણી કૂણી હથેળીમાં ઉભરાતા મેંદીના રંગો અને એ લાલ લાલ રંગોની સુગંધ હૈયામાં આરપાર પરોવાય છે. હથેળીની હસ્તરેખાઓમાં સુખના સમયની સળ ચિતરાઇ ગઇ છે… આ ક્ષણો એવી છે કે એ ઊંડી ઊતરતી જ જાય છે…

મન એક અજીબ ઘટના છે. દુખની ક્ષણોમાંયે એ સુખનું સરોવર રચી શકે છે અને સુખની પળોને અભાવની ખાઇમાં ડૂબાડી શકે છે… અહીંયા ક્ષણોનો ઉત્સવ છે.. સોનું ભરેલી સમયની પોઠોની વણઝાર છે. પ્રત્યેક ક્ષણને, પોઠોને  ‘અને હું છું’થી જોડી પોતાના આગવા અસ્તિત્વની ઉજળી કિનાર રજૂ કરવામાં આવી છે… 

આ જ કવિની બીજી એક સુંદર રચના અહીં માણીએ.

અચાનક ઝબકીને જોઉં તો હાથમાં પરબીડિયું

ઉપર લખ્યું હતું ‘સવાર’

ખોલીને જોઉં તો

નામ સરનામા વગરનો

કૂણા તડકામાં લપેટાયેલો કોરો કાગળ.

પ્રત્યુત્તરમાં દોર્યા અવનવા આકાર

પૂર્યા મન ભરીને રંગો

ઉભરી આવ્યો એક રંગબેરંગી દિવસ

મારી કલ્પનાનો.

ક્યારેક સામટા ઢોળાય બધા રંગો

તો ક્યારેક પીંછી હાથમાં જ

ને અંધારા ઉતરી આવે સ્મૃતિપટ પર.

મારી પાંપણના પાછળના પ્રદેશમાં

વસવાટ છે આઠે પ્રહરની અતૃપ્ત એષણાનો

જે આંખ ખુલતાં જ પથરાઇ જાય

પીંછી બની કેન્વાસ પર.

મને પ્રતીક્ષા રોજ નવા પરબીડિયાની

નવું ચિત્ર, નવી સવાર, નવા સ્વપ્નો, નવી સંભાવના…

 

 

Advertisements

Responses

  1. Your clarity of thoughts and vivid expresion is simply amazing! I have
    always observed one thing with your writing that it has its own efervesence
    in whatever you express.Most often than not you create your own poetry
    while you respind a chosen poem.
    Lots of love, Geeta

  2. વાહ …મજા આવી ગઈ ..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: