Posted by: readsetu | ઓક્ટોબર 23, 2013

કાવ્યસેતુ – 109 પંચમ શુક્લ

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 22 ઓક્ટોબર 2013

કાવ્યસેતુ – 109

સૂડાને સોનેરી સાંકળે રાખી, કરાવે ગેલ મકાઉને
એવા ઘેલસાગરા દેશીને, સખી ના હાર પે’રાવું રે !
એના પુષ્પકની પૂંઠે, અડવી ટૉબી-ટૉલ ઉલાળું રે !
મજેથી જિંદગી આખી ;
જીન્સ ને ટોપ ને બોબ્ડેરુંમાં ઝૂલતી
રૂડાં ગોરમા પૂજું રે !
સખી, આ મોળાકતમાં મીઠું વલખી ;
પિસ્તા, કાજુ, દ્રાખની હારે ચેરી ચાખું રે !
સખી, કો દિ’ મન પડે તો…
શૌરસેનીની સાખે, કરતા સાલસા-ટેંગો
ઝબકારાઓ લાલ, પીળા હું પંડમાં ઓરું રે !…………….. પંચમ શુક્લ

બોલો, લાગ્યું ને સાવ જુદું, ના ના, જુદું શબ્દ તો ઝાંખો પડે, આંખો વિસ્ફારિત કરી મૂકે એવું કાવ્ય ? જો કે શબ્દો ગભરાવી મૂકે એવા લાગે છે ને ? સારું છે કવિએ શબ્દોના અર્થ સંદર્ભ સાથે આપ્યાં છે. આપણે સાથે સાથે ચગળતા જઇએ…

કવિતાનું શિર્ષક છે, ‘મેટ્રોગર્લનું મૌગ્ધ્ય’ તમને ‘સોળ વરસની સુંદરી’ શબ્દપ્રયોગ યાદ આવશે. સોળ વર્ષે ‘સુંદરી’ તો બધાં ન હોય પણ મુગ્ધા તો હોય. ગામઠી હોય કે શહેરી, દેશી હોય કે વિદેશી, આ ઉંમર મુગ્ધ થવાની છે એ વાત સોળ આની સાચી. (હવે નવી પેઢીને ‘સોળ આની’ શબ્દો સમજાવવા પડે) વયમાં આવે એટલે એને મુગ્ધતા વીંટળાય જ.. વાઘા ભલે જુદાં રહે… આ ગરવા વિદેશી ગીતને (વિદેશી સંદર્ભો છે એ અર્થમાં, બાકી સુવાંગ ગુજરાતી !! ) કોઇ સૂરમાં ઢાળે તો નજર સામે નાચતું જ લાગે.. મને તો લાગે છે, તમને ?

મુગ્ધ વયમાં નજર-મન કોઇ છેલછબીલા માટે જ તરસે.. અહીં નાયિકા કંઇક એવું જ ઝંખે છે અને વાત પોતાની પસંદગીની કરે છે. ‘મકાઉ’ એ આફ્રિકન પોપટ છે. સૂડો તો તમે જાણો જ છો. આપણા દેશમાં પોપટને સૂડો પણ કહે છે. સૂડાને સાંકળે બાંધીને મકાઉને ગેલ કરાવે એવો છોકરો નાયિકાને જરાય પસંદ નથી.. જુઓ, મેટ્રોગર્લના મનની વાત માટેય કવિએ કેવા મજાના શબ્દ પ્રયોગો યોજ્યા છે ! ‘ઘેલસાગરો’ – મૂળે દેશી છે પણ વિદેશી દેખાવાનું ગાંડપણ વળગ્યું છે એવો ઘેલો છોકરો !! જાણે વરમાળા પહેરાવવાની હોય એમ “ના હાર પે’રાવું રે !!”…. અહીં ‘પુષ્પક’ શબ્દ વાહન માટે વપરાયો છે. પુષ્પકની પૂંઠે, અડવી આંગળી ઉલાળું રે. (અહીં આંગળી માટે ‘ટૉબી-ટોલ’ વપરાયું છે જેનો અર્થ છે મધ્યમા, સૌથી ઊંચી આંગળી…) આવા ઘેલા દેશીને પસંદ કરવા કરતાં મજાથી આખી જિંદગી જીન્સ ને ટોપ પહેરી, બોબ્ડ હેર – ટૂંકા વાળ ઝુલાવતી, ગોરમા ન પૂજું !!

કન્યા વિદેશમાં છે પણ મોળાકત વ્રત કરે છે….. મનમાન્યા વરને પામવા વલખેય છે !! મોળાકતમાં પિસ્તા, કાજુ, દ્રાક્ષની સાથે પ્રાદેશિક ચેરી પણ ખવાય જ વળી… પછીની પંક્તિઓ છે, “સખી, કો દિ’ મન પડે તો…શૌરસેનીની સાખે, કરતા સાલસા-ટેંગો…..ઝબકારાઓ લાલ, પીળા હું પંડમાં ઓરું રે !…..” અહીં કવિએ આપેલા શબ્દાર્થ પ્રમાણે શૌરસેની એટલે શૂરસેનની પુત્રી – કુંતા અને સાલસા, ટેંગો એટલે લેટિન ક્લબડાન્સના પ્રકારો. અહીં કુંતીનો ઉલ્લેખ, એણે સૂર્યપુત્ર કર્ણને ગર્ભમાં ધારી જન્મ આપ્યો હતો એ બાબતે હોઇ શકે. ક્લબમાં થતા ડાન્સમાં ઝબકતા લાલ-પીળા ઝબકારાઓ પંડમાં ધરી, મન પડે તેમ કરું… શરીર અને મન – તમામ પ્રકારની સ્વતંત્રતા ચાખેલી યુવાની – એવું કંઇક કહેવા માંગે છે કવિ ?

વિદેશી હવા, વિદેશી વાતાવરણ અને દેશ-વિદેશની ભેળસેળવાળું યૌવન. કવિતા શબ્દોની ગૂંથણી માટે માણવા જેવી છે. કવિતામાં તળપદી ગુજરાતી શબ્દો અને સાથે સાથે પરદેશનું નાવિન્ય, પૂરી ગરવાઇ અને નરવાઇ સાથે એક અદભુત સંયોજન ખડું કરે છે એટલે કાબિલે દાદ બને છે.. સવાલ એ જરૂર થાય કે લંડન જેવા શહેરમાં જીવતા કવિને, ગુજરાતમાં જીવતા ગુજરાતીનેય સમજવાની મહેનત કરવી પડે એવા દેશી શબ્દપ્રયોગો ક્યાંથી સૂઝી આવે છે ? મારું મન જવાબ આપે છે, ભાષાપ્રેમ…..પોતાની ભાષામાં નવા નવા પ્રયોગો કરવાની કાબેલિયત…. કવિતાના જાણીતા પ્રવાહથી સાવ વેગળું અને મન પ્રફુલ્લિત કરી દે તેવું કાવ્ય… રૂતુલ જોષીએ આ કાવ્ય વિશે લખ્યું છે, “જૂના જમાનામાં ‘મારા રોયા’ કહેતી ડોશીઓ અને અત્યારે મધ્યમા ઉલાળતી યુવતીઓ બધી એકરૂપ થઇ ગઈ હોય તેવી લાગણી થાય છે મને !!” તો આપણા જાણીતા ને માનીતા કવિ સિતાંશુ યશચંદ્ર કહે છે, “Enjoyed listening to your recital of the song. The lilt is attractive. While you have presented the new world of combined (hybrid, in the right sense) culture of our new generation, your song does not trivialise it. The tone is sufficiently low, inward, for the song not be reduced to an over-smart and artificial construction now flooding the market place of Gujarati culture….. “ આ નોંધ લેવી જ પડે !!

Advertisements

Responses

  1. નવો સ્વાંગ પહેરીને ઉભેલી મુગ્ધ કવિતા ગમી…..

    • thank u rekha….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: