Posted by: readsetu | નવેમ્બર 12, 2013

ન સવાર થઇ – કવિ રાવલ

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 29-10-2013

કાવ્યસેતુ – 110 લતા હિરાણી

ન સવાર થઇ ન સાંજ થઇ – ન વહી હવા, ન બહાર થઇ
ન થયું કશું – ન થશે કશું – હું ઊભી છું માત્ર અભાવ થઇ
અહીં બંધ છું હું કમાડ સમ નહિ આપમેળે ખુલી શકું
વિધિવત મને જો તું ખોલશે – હું તને મળીશ ઉઘાડ થઇ
તરુવર હરિત ને હવા પુનિત, ઋજુ વાદળી ને છે તારલો
મુનિવર સમા છે પહાડ ને સરિતા વહે છે વહાલ થઇ
એ ભલે વહે ને વહે સદા ને વહે ભલેને બધી તરફ
અનુભૂતિ જ નવી નવી મને આ પહેલી જ વાર થઇ
હું આ ઝાડ થૈને ઊભી રહું કે પરણ થૈ ખખડ્યા કરું ?
છું હું બીજમાં ને બધેય હું જ છું મૂળભૂત વિચાર થઇ……….કવિ રાવલ

કવિ રાવલની આ ગઝલ અભાવથી શરુ થતી, વહાલમાં વહેવા ઝંખતી, આખરે સ્વના ઉઘાડમાં વિરમે છે. વ્યક્તિથી સમષ્ટિ સુધી, અંગતથી અસ્તિત્વવાદ સુધી અને એમ જોઇએ તો જીવનના બધા જ વહેણને આવરતી આ ગઝલમાં મનની અકળ મૂંઝવણોની અભિવ્યક્તિથી શરૂઆત થાય છે તો અંત સુધીમાં એ સમાધાનને આંબી લે છે. એક રચના રચાવાનો ગાળો જીવન જેટલો લાંબો ન હોય શકે પણ અહીંયા વિચારનો વિશાળ પથરાવ છે. એ સાચું નથી કે દરેક સવાલના જવાબ આપણી અંદર જ હોય છે !! કદાચ આપણે એ જાણતા પણ હોઇએ છીએ. એ તરફ દૃષ્ટિ ખુલવાની વાર હોય છે. અંદરના અતલ ઊંડાણોમાં ઉતરવાની વાર હોય છે. એ એકવાર હાથમાં આવી જાય, સાંપડી જાય પછી ભયો ભયો…

પહેલો શેરમાં જીવન પ્રત્યે એક ઉદાસીનતા પથરાયેલી છે. કશું થતું નથી, ન સવાર ન સાંજ. ન આનંદ, ન પીડા. ન સુખ ન દુખ. હવા પણ થંભી ગઇ છે. જાત પ્રત્યેની અસમંજસ એટલી છે કે નાયિકા માત્ર અભાવ બની ઊભી છે. અભાવ એટલી હદ સુધી વ્યાપેલો છે કે એ ઊભી છે તો બસ ઊભી છે. બેસવાની કે ખસવાની, કોઇ પણ ગતિ એ ભૂલી ચૂકી છે. એટલે જ પ્રકૃતિના તત્વોમાં પણ એનો જ પડછાયો ભાળે છે. એ પોતાની ગતિ, નિયત કર્મ જાણે છોડી બેઠાં હોય એવું એને લાગે છે. કંઇક એવું બન્યું છે, જેણે નાયિકાના મનમાં જીવન પ્રત્યે વિરાગ પેદા કરી દીધો છે. એટલી હદ સુધી કે એને હવે કંઇ થવાની આશા પણ નથી. એની આવતી કાલ પણ સ્થગિત બની ગઇ છે.

બીજા શેરમાં નિરાશાનો સ્વર ઝાંખો થતો વરતાય છે અને આશાનો સંચાર પ્રવેશે છે. અલબત્ત, પોતે નિરાશાની એ હદ પર છે કે જાતે કશું કરવા અસમર્થ છે. એટલે જ કહે છે, હું બારણાંની જેમ, કમાડની જેમ બંધ છું. આપમેળે ઊઘડી નહીં શકું. સાંજને સીમાડે શૂન્ય થઇને સીવાઇ ગઇ છું પણ તું જો મારો હાથ ઝાલીશ, મને સહારો આપીશ તો હું ખુલીશ. તને સવારનો ઉઘાડ થઇને મળીશ. નાયિકાને કોઇની ઝંખના છે. કોઇની પ્રતિક્ષા છે. કોઇના પ્રેમની તરસ છે.

‘વિધિવત’ શબ્દ આયોજન સૂચવે છે પણ પ્રેમમાં યોજનાને સ્થાન ન હોય. એટલે કવિને કદાચ એમ કહેવું છે કે જોજે, મને ખોલવાના તારા પ્રયત્ન એવા અણઘડ ન હોય કે હું ઊઘડવાને બદલે ક્યાંક વસાઇ જઉં !! મને સંભાળજે, સાચવજે, જાળવજે. મન કેવું ઢળતું જાય છે ! પહેલા શેરમાં માત્ર અભાવ થઇને અને ‘ન થયું કશું, ન થશે કશું’ કહેતી નાયિકાને હવે વૃક્ષોની હરિયાળી આંખમાં વસે છે, વહેતી હવાનો પાવન સ્પર્શ રુચે છે, વાદળી ને તારલો ઋજુ ભાસે છે, પહાડો યોગી જેવા અને સરિતાના પ્રવાહમાં હેત વહેતું કળાય છે. આ એ જ પ્રકૃતિ છે જે કદીક સ્થિર, જડવત લાગતી હતી. હવે એમાં સ્નેહનો સંચાર થયો છે. નાયિકા કહે છે, એ ભલે વહે, સદા ચારે તરફ વહેતી રહે. કેમ કે એને આ અનુભૂતિ પહેલી જ વાર થઇ છે. આ મીઠી અનુભૂતિનું નાવિન્ય એ માણે છે.

અહીંથી ગઝલ જુદો વણાંક લે છે. અલબત્ત એનો સવાલ, ‘હું ઝાડ થઇને ઊભી રહું કે પર્ણ થઇ ખખડ્યા કરું ?’ એ અમુક અંશે ફરી અસંમજસની અવસ્થા છે. પહેલા સૂકાયેલું મન અને પછી જાગતી વહાલની તરસ અને મનોભાવોનું પ્રકૃતિમાં આરોપણ. કંઇક એની સાથેની જ જોડાયેલી આ અવસ્થા છે પરંતુ આખરે ચિંતનમાં ગઝલની સમાપ્તિ થાય છે. એ છે સ્વનું સર્વમાં ફેલાવું. જાતમાં જગતને અને જગતમાં જાતને જોવી. બીજથી બ્રહ્માંડ સુધી મૂળનો વિસ્તાર અને વિચારની સચરાચરમાં વ્યાપ્તિ. આ આખરી પડાવ ગઝલને અંગતતાથી આધ્યાત્મિકતા તરફ દોરી જાય છે.

મને કવિ પ્રહલાદ પારેખની આ કવિતા યાદ આવે છે,

આપણે ભરોસે આપણે હાલીએ હો ભેરુ મારા,
આપણે ભરોસે આપણે હાલીએ..
બલને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણાં વહાણનાં સઢ ને સુકાનને
આપણા જ હાથે સંભાળીએ.
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે
કોણ લઇ જાય સામે પાર ?
એનો કરવૈયો કોઇ આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઇએ !
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ..

Advertisements

Responses

  1. […] પારેખની સરસ કવિતા મળી રીડ સેતૂ માં થી ( લતાબેન હીરાણીની વેબ […]

  2. thank u vijaybhai..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: