Posted by: readsetu | નવેમ્બર 17, 2013

અરીસો – લતા હિરાણી

દિવ્ય ભાસ્કરના દિપોત્સવી અંક (2013) ‘ઉત્સવ’માં પ્રકાશિત વાર્તા

અરીસો – લતા હિરાણી

સમયની ચાદરમાં કેટલીયે સળ પડી ચૂકી છે. ક્યાંક મન ભરાઇ જાય છે, અટવાઇ જાય છે. ક્યાંકથી કશે સ્પર્શ્યા વિના સડસડાટ પસાર થઇ જાય છે. એ ચાદર પર ક્યારેક અજવાળાનો આયનો એક પ્રતિબિંબ લઇને ઘૂમે છે તો ક્યારેક અંધારું કોઇનું કંઇ જ સાંભળ્યા વિના પોતાનો રાગ આલાપ્યા કરે છે. આ એક સળ, આ એક પળ અત્યારે સળવળે છે. મારા પગથી માથા સુધી પથરાઇ જાય છે.
………………….
મારા નાના નાના હાથ પોતાના વાળને હલાવ્યા રાખે છે અને સાથે સાથે પગ પણ.. એમાં નાનકડાં ઝાંઝર છે. એની ઘુઘરીઓનું રણકવું મને ખુશીના સાગરમાં ડૂબાડી દે છે. હાથમાં પહેરેલી રંગીન કચકડાની બંગડીઓ કેમ વાગતી નથી ?
– મમ્મી, મને તારા જેવી કાચની બંગડીઓ આપને, આ તો જરાય બોલતી નથી….
– આ તારા ઝાંઝર ઓછું બોલે છે !! જીદ કરીને સૌથી વધારે વાગતી ઘુઘરીઓવાળા ઝાંઝર તેં લેવડાવ્યા છે.. એટલું બસ છે.
– ના, મમ્મી પ્લીઝ.. મને કાચની બંગડીઓ અપાવને…
અને હું અરીસા સામે દોડી ગઇ. કાનના ઇયરીંગ્સ ડોલતા હતા. મેં મારા વાળને જરા આમતેમ કર્યા ને મારી નજર ગઇ. અરે, આજે માળા તો મેં પહેરી નથી !! કબાટના ખાનામાંથી મારો ખજાનો કાઢ્યો ને માળાનો ઢગલો કર્યો.
– હે ભગવાન, વળી તેં આ બધું પાથર્યું… શણગાર સજવામાંથી ઊંચી જ નથી આવતી..
– મમ્મી, મને એ બહુ ગમે છે અને તું ય તે ઘરેણાં નથી પહેરતી !!
– પણ હવે જલ્દી કર. બહાર જવાનું મોડું થાય છે.
– અરે હાં, મમ્મી, કાલે મને ગીફ્ટમાં મળ્યું હતું એ મેકઅપ બોક્સ ક્યાં ગયું ? રાત્રે મારા ઓશિકા પાસે રાખીને તો સૂતી’તી.
– એ મેં સાચવીને મૂકી દીધું છે. હજી તારે વાર છે, લાલી લિપસ્ટીક કરવાની.. હું પગ પછાડવા માંડી…
– એ નહીં આપ ત્યાં સુધી હું કપડાં નહીં બદલું અને સાથેય નહીં આવું..
મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં… મમ્મીએ આપવું પડ્યું અને હું એ ખોલતાં જ હરખાઇ ઊઠી. કેટલી રંગરંગીન લિપસ્ટીક અને એટલા જ નેઇલપોલિશના શેડ્ઝ… મમ્મી અકળાતી હતી. જવાનું મોડું થતું હતું. જો કે એ હવે એના કેટલાંય પર્સમાંથી પસંદ કરતી હતી કે ક્યું લેવું !!
દાદીમા રૂમમાં આવ્યા. – ચાલ બેટા, તારે જે કરવું હોય, પહેરવું હોય તે પહેરી લે અને જલ્દી કર. આપણે નીકળવાનું છે. તું ય ઉમા, ખોટી ગુસ્સે થાય છે. છોકરીના લોહીમાં જ સાજશણગાર કરવાના ઓરતા હોય. મારી દીકરી કેવી રૂપાળી છે ! જોઇને હરખાવાનું હોય…
અરીસો મારી સામે મલકાઇ ઊઠ્યો હતો. એમાં રંગબેરંગી કિરણો લઇને સૂરજ ઊગ્યો’તો ને સમય એક પણ સળ વગરનો પથરાઇ ગયો’તો….
………………..
કુદરતના ભેદને હોઠોમાં બંધ કરીને ધીમું ધીમું મરકતી પળો આજુબાજુ પથરાઇ ગઇ હતી, એનો અણસાર પણ ન આવે એટલી ચૂપકીદીથી..
હું અરીસામાં ધ્યાનથી જોતી હતી. હું મને ગમતી હતી ? હા, ખૂબ જ. તો કાલે કૉલેજમાં સાંભળ્યું કે ‘પેલી શામળી છોકરી છે તે જ ને ?’ એ વાત મારા માટે હતી પણ એ શબ્દો મને કેમ વાગ્યા ? મેં ક્યાંય સુધી મારો ચહેરો જોયા રાખ્યો. એમાં ખામી શોધવા પ્રયત્ન કર્યો પણ ….નિષ્ફળ….. મેં કોશિશ કરી, પેલા શબ્દોને ઉખેડવાની… એ ક્યાં લખાયા છે, દેખાતું નહોતું… ઘસી ઘસીને કાઢવા પ્રયત્ન કર્યો….
– ક્યાં છે બેટા તું ? તારી પિકનીકનું ફાઇનલ થઇ ગયું કે ? – પપ્પા બૂટ કાઢતાં બોલ્યા.
– હા, પપ્પા. નેક્સ્ટ ફ્રાઇડે અમે જઇએ છીએ. – મારા અવાજમાં પાછો મૂળ રણકાર આવી ગયો.
– કોણ કોણ જાઓ છો ?
– બસ, એ જ અમારું ગ્રુપ હું, નેહા, અમી, સ્તુતિ અને સીમા. બાકી ક્લાસમાંથી નીરવ, અમર, પાયલ, વિનોદ અને… પપ્પા, મારે આખું લિસ્ટ તમને આપવાનું ?
– આ તો જસ્ટ જાણવા ખાતર.. મારી દીકરીની ચિંતા તો રહે ને …
– કમ ઓન પાપા.. હું હવે નાની કીકલી નથી.
– એટલે જ… – મમ્મી દાખલ થતાં બોલી..
મેં ગુસ્સામાં મારા રૂમમાં જઇ બારણું ધડામ કરતું વાસી દીધું…
અવાજ ચૂપ હતો. રૂમના બારણે હળવેથી ટકોરા પડ્યા અને એ આંગળીઓમાંથી નીતરતા પ્રેમે મને ખોલી દીધી. ફર્શ પર પથરાયેલા કેટલાય શબ્દો અમને વળગી પડ્યા અને હું ચૂપચાપ મમાના ખોળામાં… સૂઇ ગઇ’તી ? ઊઠાડી પપ્પાએ…
……………
મારો ચહેરો સામે જ હતો. સુંદર અને મરકતો. માત્ર ચહેરો જ નહીં, હું આખેઆખી… સજેલી, શણગારાયેલી, છલકાતી… આ જ મારું સત્ય હતું, કોઇ ડાઘ વગરનું. અરીસામાં મારી કાયાની છાયા કોતરાઇ ગઇ હતી.. હવે એ આમ જ રહેશે… હંમેશાં…
સમયને ખબર છે ? એ ક્યાંક જડાઇ પણ જાય છે, વહી નથી શકતો… ક્યારેક મુગ્ધ થઇને, ક્યારેક સ્તબ્ધ થઇને….
– મારી ચકલી, હવે તૈયાર થઇ ગઇ કે ? હમણાં મહેમાનો આવી જશે … જલ્દી કરજે હોં કે !!
મને ધ્યાન નહોતું કે નેહા, અમી, સીમા ક્યારના મારી આસપાસ બેસી રહ્યા હતા.. કદાચ મારી ઉડાનને રોકવા નહોતા માગતા… એમની યે આવતીકાલ એમાં ઉઘડી રહી હતી..
મમ્મીના શબ્દોથી બધાંની સમાધિ તૂટી.
– તમારી ચકલીને હવે પાંખ આવી ગઇ આન્ટી
– કમ ઓન માય બ્યુટિફૂલ ડાર્લિંગ, લેટ અસ ગો આઉટ.
ઉમંગ સાથે આજે મારી સગાઇ હતી…..
રંગેચંગેસંપન્ન..
………………
અરીસો આજે ચૂપ હતો. એ શું કહે ? એ ધ્યાનથી મારી સામે જોઇ રહ્યો હતો. મારા શરીર પર શણગારાયેલા સમયને એ રહસ્યમય રીતે નિહાળી રહ્યો હતો.. આજે મારે ઉમંગને મળવા જવાનું હતું. આમ તો પહેલાં મળી ચૂક્યા હતા પણ હવેની વાત જુદી હતી.. હવે સમય મારા વશમાં હતો.. હું એને સજાવતી હતી… સમજાવતીયે હતી. ખબર નહોતી કે એ સાંભળે છે કે નહીં !! દુનિયા વિશે મારે વિચારવાનું નહોતું. આખી દુનિયા એકમાં સમાઇને મારી પાસે આવવાની હતી. મારું ભીતર સાવ ઓગળીને મારા પર પથરાઇ ગયું હતું. કોઇ એક અસ્તિત્વ સુરક્ષાનું કવચ બનીને મારી આસપાસ પથરાઇ ગયું હતું.. કોઇ એક હયાતી મારા સઘળાં સૂરને ગીતમાં પ્રગટાવવાની હતી.. મારો પૂરો શણગાર એની આંખમાં પથરાઇ જવાનો હતો…
ઉમંગે મારી સામે જોયું અને હું કાબુમાં ન રહી… વેલીની જેમ એને વીંટળાઇ વળી.. એની આંખમાં ઉજાસ ન પ્રગટ્યો. એ વિમાસણમાં જ રહ્યો ને હું મારા નશામાં..
– ઉમંગ, તને ગમશે ને ? આ શર્ટ તારા માટે લાવી છું….
એ ય ભૂલી ગઇ કે અપેક્ષા તો કંઇક એ ધરશે એવી હતી.. એ પણ ધ્યાનમાં પછી આવ્યું કે એના હાથ તો ખાલી હતા..
એણે શર્ટ બાજુમાં મૂકી દીધું… થોડી વાતચીત કરી ને આખરે બુઝાયેલા અમે બંને…..
મારો ઉતરેલો ચહેરો જોઇ મમ્મી-પપ્પા મુંઝાયા. ચૂપ રહ્યાં. કોઇ સાથે કંઇ વાત કરવાની મને જરૂર ન લાગી.
……………….
– ઉમંગ આવવાનો છે ?
– ખબર નથી.
– એને ફોન કર ને !
– એની પાસે પણ નંબર છે.
– જો, આ ઉમંગની જ રીંગ લાગે છે..
– તું વાત કરી લે..
– ગાંડી છો, લે, વાત કર.
પછી કેટલીક વાર અમે મળ્યા ખરા… મેં ઉગવાની કોશિશ કરી ને એ અસ્તાચળે…..

અમીએ પૂછ્યું, – કેમ ચાલે છે ?
– બધું સ્થિર છે..
– કેમ આમ કહે છે ? ઉમંગ સારો છે. કોઇકની ટેવ જુદી હોય. ધીરજ રાખ. બધું બરાબર થઇ જશે અને આખરે એણે કશું નેગેટીવ તો કહ્યું નથી ને !!
– હા અમી, નેગેટીવ કહ્યું નથી ને પોઝીટીવ કશું કર્યું નથી…
મને સમજાતું ગયું. જે થાય છે એ આપોઆપ થાય છે, કોશિશથી કદી નહીં… કદાચ એ દિવસે અરીસો એટલે જ મારી સામે ચૂપ રહ્યો હતો.. પોતાનામાં રહસ્ય ભરીને.. સાચી વાત છે, કોઇને કહીને ઓછું સમજાવી શકાય છે ? નજરમાં દરિયો ઉછળતો હોય તો મૌન પણ કેટલું બોલકું બની જાય છે બાકી આંખોના રણમાં શબ્દો સાવ વામણાં !!
સમયની ચાદરમાં સળ પર સળ પડ્યે જતી હતી……
……………….
હું વહેલી ઊઠી ગઇ હતી. નાહી લીધું. મમ્મી દીવો કરી રહી હતી. પગે લાગી. મારું માથું ચુમતાં મમ્મી બોલી,
– બેટા સદા ખુશ રહે….
જો કે બીજી પળે એનું ધ્યાન ગયું.
– હજી તેં વાળ ઓળ્યા નથી ? ચાલ, આજે હું તને તૈયાર કરી દઉં.
મારો હાથ પકડીને એ મારા રૂમમાં આવી.
– આ અરીસા પર કપડું કેમ ઢાંકી દીધું છે ?
– એમાં ડાઘ પડી ગયાં છે.
– તો શું થઇ ગયું ? સાફ કરી નાખ.
– એ સાફ નહીં થાય. ઢાંકવા જ પડશે….. મમ્મીએ મને બાથમાં લઇ લીધી. મારી આંખના ખૂણા ભીના થયા.. સૂકાઇ પણ ગયા.
– જો બેટા, સારા દિવસે શુભ શુભ વિચાર… બધું જ સારું થશે…
મારી પાસે કંઇ જવાબ નહોતો.. મોબાઇલ રણક્યો. એને ક્યારેક સમય પર ને ક્યારેક કસમયે બોલવાની આદત છે. ઝડપથી મમ્મીએ ઉંચક્યો,
– લે, આ ઉમંગનો ફોન છે. મને હતું જ કે એનો હશે..
– એના અવાજમાં હરખની ધ્રુજારી હતી.
મેં મોબાઇલ હાથમાં લીધો. એ કોઇના ઉમંગને પકડી શકે છે ? ના, એ તો માત્ર વાહક જ….
– આજે આપણી પહેલી દિવાળી છે. ક્યાંક જઇશું ?
– હું ઘરે જ છું.
– એમ નહીં, આપણે ક્યાંક બહાર જઇએ.
– હું ઘરે જ છું.
– તું સાંભળે છે મારી વાત ?
– હું ઘરે જ છું.
પાછળથી મમ્મીએ ઝંપલાવ્યું, – શું ક્યારની ઘરે જ છું, ઘરે જ છું મંડી પડી છો !! પણ એના શબ્દો અધૂરા રહ્યા.
– હું આવું છું. તું તૈયાર થઇ જા. આપણે બહાર જઇએ.
– હું બરાબર છું.
ફોન મૂકાઇ ગયો. મને કેમ એમ લાગ્યું કે અરીસો જરા પડદો ખસેડી મારી સામે જોઇ રહ્યો હતો ? થોડીવાર પછી ઉમંગ આવ્યો. મમ્મીએ એને સીધો મારા રૂમમાં મોકલી દીધો. મને એના પગલાં સંભળાયા. અવાજ આજે કંઇ જુદો જ કેમ લાગતો હતો ?
– સુમી, તારા માટે કંઇક લાવ્યો છું. પહેરીશ ?
મારી આંખમાં માત્ર સવાલો હતા. એ જીરવી ન શક્યો.
– ખુલાસા આપવા પડશે ? મારું મૌન એને વીંટળાઇ વળ્યું. ક્યાંક સ્પર્શ્યું પણ ખરું. જો કે સવાલોના દરિયામાં ઓટ આવી રહી હતી.. એ વધુ નજીક આવ્યો. – તું મને બહુ ગમે છે, સુમી.. સાવ સાચું કહું છું સુમી…મને માફ કર..
મારા ગળામાં એણે મંગલસૂત્ર પહેરાવી દીધું. બેય આંખોમાં વિસ્મય છલકાયું.
– ચિંતા ન કરીશ. મારે કંઇ નથી જોઇતું. આ તો તારા માટે દિવાળીની ગીફ્ટ છે.. તને સજાવવાનું મન થયું એટલે. લાવ તારી આંગળી. આ વીંટી લાવ્યો છું. તને થઇ જશે !! – કહેતાં એ મારો હાથ પકડી મારી સામે બેસી ગયો.
– ક્યાં ખોવાઇ ગઇ ? હું સાચે જ ખોવાઇ ગઇ હતી. સમજણની પેલે પાર… સમયે આળસ મરડીને મારામાં લંબાવી દીધું હતું. હવે એને ક્યાંય ખસવું નહોતું. અરીસો એની સામેની આડશ હટાવીને મારી સામે હસી રહ્યો હતો.. બધા જ રહસ્યોના ડાઘ મિટાવીને… એમાં સૂરજ ઊગી નિકળ્યો હતો.. મારી છાયાને અકબંધ રાખીને. – ચાલ, મારી સાથે અરીસામાં જો, કેટલી સુંદર લાગે છે તું !!
મેં મારા ભાગનો તડકો મારી છાતીમાં ભરી લીધો..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: