Posted by: readsetu | નવેમ્બર 26, 2013

કાવ્યસેતુ – રાધિકા પટેલ

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 19 નવેમ્બર 2013

કાવ્યસેતુ – 112 લતા હિરાણી

બારીએથી પોહ ફાટી
ફળિયાએ મને બૂમ પાડી.
ફળિયુ મેં વાળી નાખ્યું,
ત્યાં માટલાએ ખખડાટ કર્યો.
માટલામાં મેં નીર રેડ્યાં,
ત્યાં ગમાણે ભાંભરાટ કર્યો.
ગમાણને મેં ખોળ આપ્યો,
ત્યાં વલોણાંએ વલોપાત કર્યો.
વલોણેથી મેં માખણ કાઢ્યા,
ત્યાં ચૂલાએ મને સાદ પાડ્યો.
ચૂલામાં મેં દેતવા નાખ્યાં,
ત્યાં ઓટલાએ રા’ડ પાડી.
ઓટલાને મેં રોટલા ધર્યા,
ત્યાં પાટલાએ મને મેણું માર્યું.
પાટલાના મેં પગ ધોયા,
ત્યાં પારણીયે કાકલૂદી થઇ.
પારણાને મેં ધાવણ આપ્યું,
તો ખાટલાની મને દયા આવી.
ખાટલાની મેં ચાકરી કરી,
ત્યાં મૂછોએ મને ભરડે લીધી.
મૂછોને મેં આંટી આપી,
ત્યાં પંડ્યે મારે પોરો માંગ્યો.
પંડ્યે એકાદ પડખું ફેરવ્યું,
ત્યાં બારીએથી પોહ ફાટી…………… રાધિકા પટેલ

સ્ત્રીના, ગૃહિણીના જીવનની રોજિંદી ચક્કીની જેમ ચાલ્યા કરતી ઘટમાળને કવિ રાધિકા પટેલે સરસ રીતે રજૂ કરી છે. એ પત્ની છે, વહુ છે, માતા છે અને આ બધા રોલમાં ચોવીસે કલાક એનું પંડ કેવું પીસાતું રહે છે એ આ ‘ઘરઘંટલા’માં કુશળતાથી ચિતરી આપ્યું છે.

સ્વાભાવિક છે કે વાત સવારથી શરૂ થાય. બારીમાંથી પોહ ફાટે છે. પોહ ફાટવી એ ‘વહેલી સવાર – પ્રભાત’ માટેનો ગામઠી શબ્દ પ્રયોગ છે. આખી કવિતામાં ગામડાની સ્ત્રી અને એનું ઘર, વ્યવહાર વ્યાપેલા છે. શહેરની સ્ત્રી વિશે કવિએ લખ્યું હોત તો કદાચ બ્રેકફાસ્ટ, ઓફિસ, નોકર, કૂકર જેવા શબ્દો આવત.

બારીમાંથી પ્રવેશતું પરોઢ સ્ત્રીને સીધું કામની શૃંખલામાં જકડી દે છે. ફળિયું (આંગણું) એને બોલાવે છે. ફળિયું વાળી લે ત્યાં માટલું વીંછળવાનો સમય થઇ જાય છે. માટલા ભરી રહે ત્યાં તો ગમાણમાં ગાયો ભાંભરે છે. ગાયને ખોળ નીરી એ સીધી વલોણે માખણ ઉતારવા બેસી જાય છે. પછી ચૂલો સળગાવવો તો ખરો જ ને ! ચૂલામાં દેતવા નાખતાં જ ઓટલા પરથી પતિ/સસરાનો સાદ પડે છે. એને રોટલા ધરી પાછી ફરતી બિચારી સ્ત્રી સાસુનેય રાજી કરતી જાય છે. આટલેથી હજી એને શ્વાસ લેવાનો વખત નથી મળ્યો ત્યાં પારણે સૂતેલું બાળક રડે છે. એને ધવડાવી રહ્યા પછી પતિ તરફની ફરજ પણ ન ચુકાવી જોઇએ એનું એને ધ્યાન રહે છે. પતિ માત્ર ચાકરીથી જ નથી ધરાતો, એને એનો હક પણ જોઇએ છે. એય ચૂકવતાં એનું પંડ થાકી જાય છે. હવે એને આરામની સખત જરૂર છે પણ જરાક અમથી નિંદર આવી ન આવી ત્યાં તો બારીમાંથી સવાર ડોકાય છે.. વળી એનું એ જ ચક્કર…

ઘરમાં સાસુ, સસરા, પતિ ને બાળક માટેનાં પ્રતિકો સૂઝપૂર્વક યોજાયાં છે. “ખાટલાની મેં ચાકરી કરી ત્યાં મૂછોએ મને ભરડે લીધી. મૂછોને મેં આંટી આપી, ત્યાં પંડ્યે મારે પોરો માંગ્યો.” કલાત્મક રીતે યોજાયું છે. રોજિંદી ઘટમાળની વ્યથા કે ફરિયાદ અહીં વરતાય છે ખરી પણ બહુ ઝીણા સ્વરે અને સૂક્ષ્મ સ્તરે. જુઓ, નાયિકાને ‘ખાટલાની દયા આવે છે અને ‘ખાટલો પણ માત્ર એનો હક માગે છે, કોઇ જોહુકમી નથી કરતો. અહીં આક્રોશ નથી. બસ જે છે એની રજૂઆત છે. એકની એક ઘટમાળથી લાગતા થાકની વાત છે. નારી સંવેદના – વ્યથાની કક્ષામાં ગોઠવાતું આ કાવ્ય ભાવકને સ્પર્શે એવું જરૂર નિપજ્યું છે. એક પછી એક ચાલતા કાર્યોની ઘટમાળની રજૂઆત માણવા જેવો એક લય પેદા કરે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: