Posted by: readsetu | ડિસેમ્બર 20, 2013

કાવ્યસેતુ 116 મીનાક્ષી કૈલાશ પંડિત

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 17 ડિસેમ્બર 2013

કાવ્યસેતુ – 116 લતા હિરાણી
મુંબઈમાં અંધારપટ છવાઈ ગયો
ભાગી રહેલી મોટરોને જોઈ
દોડતા કૂતરા મૂંગા થઈ ગયા
તારના દોરડે ચકરાતા ટેલિફોને
પાટાઓ પર ચાલી રહેલાઓની ઠેકડી ઉડાડી.
રસ્તાની હૉટલોમાં પાણી સાથે ચા પીને
આગળ જતા સહુએ અજાણ્યા સાથે દોસ્તી બાંધી
એક જ મકાનમાં રહેતા ભાડૂતોની
બંધ પડેલી લિફ્ટમાં ઓળખાણ થઈ
ટેબલ પર બળતી મીણબત્તીએ
પ્રગટાવેલા દીવા સાથે વાત કરી
વીજળી આવી જતાં ફરી બધે અંધારું ?!! – મીનાક્ષી કૈલાશ પંડિત
મીનાક્ષી કૈલાસ પંડિતના આ કાવ્યમાં વાત મુંબઇના અંધારપટની છે પણ એ આપણા અસ્તિત્વને, સમગ્ર જીવનને સમૂળું સ્પર્શી જાય છે. એ અંદરના અંધારાને ઉઘાડું પાડી દે છે. આ વાત મોટેભાગે બધા જ શહેરોમાં વસતાં ટોળાંઓની છે !!

આજકાલ ‘ગ્લોબલ વિલેજ’ શબ્દ જાણીતો બન્યો છે. મોબાઇલ, ઇંટરનેટ, વોટ્સએપ, અને ઉડતાં વિમાનો, ભાગતી ગાડીઓથી જે જોઇએ એ ક્ષણોમાં ઉપલબ્ધ થઇ જાય છે. માઇલોનું અંતર કલાકોમાં/ક્ષણોમાં કપાઇ જાય છે. અમદાવાદમાં બેઠાં બેઠાં એડિનબર્ગમાં રહેતાં પુત્ર/પૌત્રને સગી આંખે ( કેમેરામાં ) જોઇ શકાય છે. વાત કરવાની ઝડપે સામસામે મેસેજની આપલે થાય છે પણ શું માણસના મન વચ્ચે અંતર ઘટ્યા છે ? ફેસબુક પર ફરિદાબાદમાં રહેતી વ્યક્તિ ફ્રાન્સમાં બેઠેલી કોઇ વ્યક્તિ સાથે ફ્રેન્ડશીપ કરી શકે છે, કરે છે પણ પોતાની બાજુના ફ્લેટમાં કોણ રહે છે કે એના પર કોઇ આપત્તિ આવી છે એની જાણ એને નથી હોતી. આ એક કડવી અને વરવી વાસ્તવિકતા છે. લિફ્ટમાં ચડતાં-ઉતરતાં ચહેરા દેખાય છે. એટલા પુરતી જાણકારી રહે છે. આ પરિસ્થિતિમાં જીવતા માનવીની દશા બદલાઇ જાય છે જ્યારે વીજળી જાય છે.

વીજળીનું જવું આમ સ્વાભાવિક નથી. અસ્તવ્યસ્ત થયેલા જીવનને જોઇને કૂતરાંઓને આશ્ચર્ય થાય છે. ભસવાનો તો તેમનો સ્વભાવ છે પણ એ ચૂપ થઇ જાય છે. પરિસ્થિતિ એવી ભાસે છે કે રઘવાયેલો માણસ કદાચ કરડવા દોડે !! સમય એવો છે કે જે ઉપકરણોને માનવી મનમાની રીતે વાપરતો હતો એ જ ઉપકરણો એની લાચારીની ઠેકડી ઉડાવે છે.

પાટાઓ પર ચાલતો બિચારો મધ્યમવર્ગનો માનવી, પોતાનો રસ્તો શોધવા મથે છે.!! એની પાસે સડસડાટ દોડતી ગાડી નથી. એને મંઝિલે પહોંચાડતી સસ્તી ઇલેકટ્રીક ટ્રેન આજે મોં વકાસીને ઊભી છે. એટલે ટ્રેન નહી, પાટા હી સહી. બે પગના આશરે એ નીકળી પડે છે. મુસાફરી લાંબી છે. વાટમાં થાક ઉતાર્યા વગર છુટકો નથી. હોટલમાં બેસી જરી હાશ પામતાં, ચાની સાથે પાણીથી વધુ કંઇ પોષાય એમ નથી. એમાં એને જડે છે, બાજુમાં ચાલતા બીજાં પગલાં. જેના તરફ આજ સુધી એનું ધ્યાન જ નથી ગયું. એને સ્પર્શે છે બીજા હાથો, જે એની જેમ જ ફાંફા મારે છે. આ બધાં એક પંથના પણ અજાણ્યાં પ્રવાસી છે અને સહજ રીતે ઓળખાણ થાય છે, દોસ્તી બંધાય છે.

શું રસ્તો કે શું ઘર ? મજબુરી કેટલાં નવાં મુકામ તરફ દોરી જાય છે !! નવાઇની વાત તો એ છે કે વર્ષો સુધી એક બિલ્ડીંગમાં સાથે રહેવા છતાં ક્યાંય કોઇ ઓળખાણ નથી એવા પડોશીનો પરિચય બંધ પડેલી લિફ્ટ કરાવી આપે છે. આવતાં જતાં જેમના માત્ર ચહેરા જ જોયા હતા કે કદીક સ્મિતની આપલે…. એનાથી આગળ તો અંધારું જ હતું. સમય જ ક્યાં હતો ? આ આવી પડેલા બહારના અંધારાએ અંદરના ઉજાસને જરીક ધક્કો માર્યો. દીવે દીવાને પ્રગટાવ્યો..

વાત આટલે સુધી હોત તો એ રોચક બનત પણ એની ઊંચાઇએ ન પહોંચત. હવે કવિદર્શન શરુ થાય છે. વર્ષો સુધી નહીં કપાયેલું એક માનવીથી બીજા માનવી સુધીનું અંતર ક્ષણોમાં કપાયું અને હવે શું વીજળી આવી જતાં ફરી એ જ અપરિચયનું અંધારું ફરી વળશે ? માંડ પ્રગટેલા અંદરના અજવાળાને બહારનો ઝગમગાટ શું ફરી ઓલવી દેશે ? ફિર વોહી રફતાર ? અહીં વક્રતા છે, વેદના છે, ચીસ છે. અહીં કવિતા એની પૂર્ણ ઊંચાઇને આંબે છે. ચૌદ પંક્તિઓનું આ અછાંદસ અંતે સૉનેટ જેવી ચોટ આપી જાય છે.

Advertisements

Responses

  1. માનવ સંવેદના/ એના અભાવનું એકદમ નવું જ રૂપ. સરસ કલ્પના અને ભાવ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: