Posted by: readsetu | જાન્યુઆરી 1, 2014

કાવ્યસેતુ 118 લતા હિરાણી

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 31 ડિસેમ્બર 2013

કાવ્યસેતુ 118 લતા હિરાણી

બૅગ ભરાઈ ગયા પછી
એણે એક વાર ઘરમાં નજર ફેરવી લીધી
અટવાતી રહી નજર અકેકી વાતોમાં
ભરાઈ આવી આંખો.
નીચે વળી ભીની-ભીની થઈ રહી
એણે રોજેરોજ લૂછેલી ફરસ
એ નીચે બેઠી, ત્યાં જ આડી થઇ
કેટલો હૂંફાળો એ ફરસનો સ્પર્શ !
દેખાઈ ઉપરની છત – કેટલી ઊંચી !
જે કંઈ તોરમાં હસી
ખૂંચ્યું એની નજરમાં
ક્યારનું છતને બાઝીને લટકતું બાવું
આવેશમાં એ ઊભી થઇ
સાવરણીની ઝાપટ મારી
બાવું ઝાપટી કાઢ્યું અને
પોતાની બૅગ લઈને
પાછું ફરીને જોયાયે વિના
એણે પોતાનું પગલું ઊંબરા બહાર મૂક્યું. ……. હેમંત જોગળેકર – અનુ. અરુણા જાડેજા

કેટલું સંવેદનાસભર આ કાવ્ય અને એટલો જ મર્મસ્પર્શી એનો અનુવાદ !! એક સ્ત્રી ઘર છોડે છે ત્યારે એની વ્યથા, ઘર પ્રત્યેનું એનું વળગણ અને છતાં ખુમારી – એનું અદભુત દર્શન આ કાવ્યમાં મનને ભીંજવી દે એવું થયું છે. ઘર છોડતાં પહેલાં બેગ ભરવાની પીડાદાયક પ્રક્રિયા, જે પૂરી થઇ છે. જતાં જતાં આખા ઘર પર એક નજર કરવાનું કેમ છૂટે ? જે ઘરને એણે આટઆટલાં વર્ષો સ્નેહપૂર્વક, જતનપૂર્વક જીવની જેમ જાળવ્યું છે એ ઘરને આજે છોડવાનું છે. એની નજર ફરે છે પણ નજરમાં માત્ર ભૌતિક વસ્તુઓ જ નહીં, કેટકેટલાં સંભારણાં, કેટકેટલાં બનાવો, ઘટનાઓ, પ્રસંગો આંખ સામે તરવરી રહે છે !! આંખના ખારાં જળમાં એ તરી રહે છે !!

જે ફર્શને એણે રોજેરોજ ઘસી ઘસીને સાફ કરી હતી, લૂછી હતી… મન આખું ભેજવાળું થઇ ચૂક્યું છે. ફર્શ પર એ બેસી પડે છે. હિંમત ઘણી છે પણ ક્ષણવાર માટે એ છૂટી જાય છે. સુંવાળી એ ફર્શ અને એનો એટલો જ સુંવાળો સ્પર્શ !! આ જમીને એને હૂંફ આપી છે, હેત આપ્યું છે, જીવન આપ્યું છે.. આ બધું સામટું ઉભરાઇને જાણે એને વળગી પડે છે. આડા પડ્યાં પછી એને વરતાય છે છતની ઊંચાઇ ! છત જ્યાં એણે હંમેશા સધિયારો શોધ્યો હતો. ફર્શથી છત સુધી જ્યાં કદીક હૂંફ ફેલાયેલી હતી, ત્યાં હવે રહ્યો છે માત્ર અવકાશ. એની ઊંચાઇ બની ગઇ છે, જીવનસાથી સાથેની દૂરી !! ઊંચાઇ અભિમાનની છે અને વિશ્વાસ, ભરોસાની પણ છે. જે ઊંચાઇનો એણે વિશ્વાસ કર્યો હતો એ ઊંચાઇ ગર્વના નશામાં, ખોટી જડતામાં દૂરતામાં પલટાઇ ગઇ છે. પતિ એ ઘરને, પોતીકાંઓને રક્ષણ આપનાર છે. એની સાથેનો સંબંધ હવે કદાચ એટલો અડવો અને અળગો થઇ ગયો છે. છત ખુલ્લી થઇ ગઇ છે, ત્યાં હવે છે આકાશ, અવકાશ. એને ઘર છોડવાની નોબત આવી છે.. એ સંયત સ્ત્રી છે. એને પોતાની હરકતો પણ યાદ આવે છે. ક્યારેક એણે પણ જે ખોટું વર્તન કર્યું, કરી બેઠી કે જેનાથી એ દુભાઇ, એ બધું અત્યારે એને ખૂંચે છે. ભૂલ ક્યારેક તો સૌની થાય.. અને એનું ભાન પણ..

આખરે પોતે ગૃહિણી છે. આ ઘરનું જીવની જેમ જતન કર્યું છે. ભલે એને છોડવાની વેળા આવી છે તો યે એની નજરમાં આખું ઘર ફરી વળે છે. છત પર લટકતા બાવું એની નજરમાં ખટકે છે. જોશમાં આવીને એને ખંખેરી નાખે છે. આ માનસિક સ્થિતિનું પણ દ્યોતક છે. અંદર છુપાયેલી સંબંધ પ્રત્યેની કડવાશ એ ખમી શકતી નથી. એને ખંખેરવાનો એક મિથ્યા પ્રયાસ એ કરી લે છે. આ કડવાશ બંને તરફથી હોઇ શકે.. અને તોયે મોહ તો છોડવાનો જ છે કેમ કે દોર હવે સંધાઇ શકે એ કક્ષાએ નથી રહ્યો. એકાદ પળ લાગણીને છલકાવી દે અને ક્યાંક પોતાના નિર્ણયને ફેરવી દે તો !! આવું ન થવું જોઇએ એનું એને પૂરું ભાન છે. એટલે જ એ બેગ ઉપાડે છે, પાછું ફરીને જોયા વગર પૂરી ખુમારીથી પગ ઉંબરની બહાર મૂકી દે છે.

ઘર છોડતી સ્ત્રીની મન:સ્થિતિનો હૃદયદ્રાવક ચિતાર કવિએ અહીં રજૂ કર્યો છે. બહુ કપરી પરિસ્થિતિ છે. અત્યંત પીડાદાયક પળ છે. કેટલી અસહ્ય ઘટનાઓ પછી આ નિર્ણય લેવાયો હશે !! જરાય સહેલું નથી આમ ઘર છોડવાનું. તો યે એ જ્યારે કરવું પડે છે ત્યારે પગ તળેથી ધરતી ખસી જાય છે અને જીવનમાં શૂન્યાવકાશ છવાઇ જાય છે. આ સમયગાળો કોણ જાણે કેટલું ચાલે !! તદ્દન અવકાશમાં ફંગોળી નાખતો આ અનુભવ.. ઘરેલુ પ્રતિકોથી આબાદ રીતે ચીતરી આપ્યો છે કવિએ.. આવી સરસ કવિતાનો આવો સરસ અનુવાદ. બંનેને સલામ કરવાનું મન થાય છે…

ગૃહત્યાગના નહીં પરંતુ દામ્પત્ય સંસ્મરણો અને એની વક્તા, પીડાને દર્શાવતી કવિ વિવેક ટેલરની મજાની કવિતાને અહીં યાદ કરીએ.

માથે-મોઢે
રૂમાલ બાંધીને
દિવાળીની સફાઈ કરવા
હું માળિયામાં પેસી.
કરોળિયાના જાળાઓમાં
શિકાર થઈ ગયેલાં
મારા ગઈકાલનાં વર્ષોનાં કંકાલ ઝૂલી રહ્યાં હતાં.
એક પલવડી
ધ્યાનભંગ થઈ અને ભાગી ગઈ,
મારાં સ્વપ્નોનાં કટાઈ ગયેલાં વાસણોનાં ઢગલા પાછળ.
મારી પિયરની નેઇમ-પ્લેટ પર
તૂટી ગયેલાં જહાજોનાં દિશાહીન ભંગારનો ભૂકો ફરી વળ્યો હતો.
કરચલીઓનાં કાટમાળ પછવાડેથી
જડી આવ્યું એક આલબમ.
એને ખંખેરતાં જ
પડળ પર પડળ થઈ ચડી ગયેલાં સંબંધોએ
આખા માળિયાને તરબતર કરી દીધું…
અંતરસના અવાવરૂ કૂવા
મારી ભીતર જોરશોરથી
ફાટી ગયેલા અવાજોના જિન્ન સમા
પડઘાવા માંડ્યા
અને
નાની-શી તિરાડમાંથી
બિલ્લીપગલે ઘૂસી આવેલ તડકાનો રૂમાલ
અચાનક મારામાંથી ઓગળીને
આલબમ પર પડેલ એક ટીપાને લૂછવા માંડ્યો.
આલબમના પહેલાં જ પાનાં પર
અમારા હનીમૂનનો ફોટો ચોંસઠ દાંત ઊઘાડીને બેઠો હતો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: