Posted by: readsetu | જાન્યુઆરી 22, 2014

કાવ્યસેતુ 121- સતીશ વ્યાસ

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 21 જાન્યુઆરી 2013

કાવ્યસેતુ 121 લતા હિરાણી

પહેલી વાર
લાઇટનું બિલ ભર્યું
આજે કપાયેલા ટેલિફોનનું કરાવ્યું મેં કનેક્શન
પહેલી વાર
બેંકમાં જઇ ચેક ભર્યો
થોડા પૈસા ઉપાડ્યા મેં
પહેલી વાર
ટિકુડાની સ્કૂલમાં જઇ
અરજી કરી ફ્રીશીપની
ગઇ કાલે
રેશનકાર્ડમાંથી એક નામ કરાવીને આવી કમી
આ બધું મેં
પહેલી વાર કર્યું
તારા ગયા પછી ….. સતીશ વ્યાસ

જિંદગી એમ જ ચાલે છે. એ જ દિવસ-રાત, સૂર્યનું ઊગવું ને આથમવું.. એમ જ કળીઓનું ખીલવું ને ફૂલોનું હસી ઊઠવું…. ઋતુઓ આવે છે ને જાય છે. પર્ણો ખરે છે ને ડાળીઓ લંબાતી રહે છે.. પક્ષીઓના કલરવમાં કે આસપાસની ભીડભાડમાં કોઇ ફરક નથી પડતો પણ એક દિવો ઓલવાઇ જાય છે ને એક ખૂણો સૂનો પડી જાય છે. પછી ત્યાં ચેતન હોય છે પણ નથી હોતું. જીવન હોય છે પણ નથી હોતું. આશા, નિરાશા – સુખ, દુખના ઝૂલા ત્યાં ઝૂલે છે પણ કદાચ એમાં યાંત્રિકતા વધુ વરતાય છે..

કવિ સતીશ વ્યાસની આ કવિતા સાદી ને સરળ છે પણ કેટલી મર્મભેદી છે !! બહુ ઝડપથી કવિતા આગળ વધે છે ને એટલી જ ઝડપથી એ એનું રહસ્ય પણ ખોલી આપે છે. લાઇટનું બિલ ભરવું, કપાયેલા ટેલિફોનનું ફરી કનેકશન કરાવવું કે બેંકમાં જઇ પહેલી વખત પૈસા ઉપાડવા… કેટલી સાદી સીધી અને નાની નાની બાબતો છે.. સહજ રીતે થઇ શકતા આ કામો જ્યારે કોઇના જવાથી માથા પર આવી પડે છે ત્યારે ઝરણાંની જેમ વહ્યે જતા જીવન પર જાણે બોજની શિલાઓ ખડકાતી જાય છે. રેશનકાર્ડમાંથી એક નામ કમી કરવાની વાત વાંચતા જેટલી સહજ લાગે એટલી આ સમગ્ર કવિતાના સંદર્ભમાં અત્યંત દારુણ !! આ પીડા અનુભવ વગર સમજાય નહીં.. આની અભિવ્યક્તિ હૃદય ચીરીને જ થઇ શકે !!

યાદ આવે છે એક સ્ત્રીની વાત, જેને પતિના સાવ અચાનક અવસાન પછી થોડા દિવસોમાં જ મેડીકલ ચેકઅપમાંથી પસાર થવાનું બન્યું. ફોર્મ ભરતી વખતે સ્ટેટસમાં ‘વિધવા’ના ખાનામાં ટીક કરતાં એનું આખું અસ્તિત્વ કેટલું કાંપી ઊઠ્યું હતું.. પણ બધું થાય છે, બધું કરવું જ પડે છે… લાઇટનું બિલ તો ભરાય છે, કપાયેલા ટેલિફોનનું કનેકશન પણ ફરી સંધાય છે, કદી નથી સંધાતું એક જોડાણ જેમાં ચેતન્ય વિલસતું હતું.. રેશનકાર્ડ હસ્યા કરે છે, એમાં સહી કરનારની ધ્રુજતી આંગળીઓને જોઇને.. આવા નઠોર ને કઠોર સત્યનો સ્વીકાર કરવાની હિંમત કોઇ ચેકબુક નથી આપી શકતી.. દુનિયાભરના આશ્વાસનો આવી પ્રજાળી નાખતી પીડાનું શમન નથી કરી શકતા.. એકલતાની આગમાં શેક્યા કરતી આ જ છે મૃત્યુની સચ્ચાઇ.. જો ઉપરનું કાવ્ય તમારા હૃદયને સ્પર્શી શક્યું હોય તો આ પણ …..

હું તારી ઋણી નથી
પત્રથી મિલન સુધી પાંગરેલી ક્ષણોને સભર બનાવવા માટે
હું તારી ઋણી નથી
મારી ઊર્મિલતાને તારા ખોબામાં ઝીલી લેવા માટે
હું તારી જરાય ઋણી નથી
મને હંમેશા ક્ષિતિજ બતાવવા માટે
હું તારી સ્હેજ પણ ઋણી નથી
મને ભરચક પ્રેમ આપવા માટે
પણ હવે કદાચ છું
હા, પૂરેપૂરી ઋણી છું
એકલાં કેમ જીવાય એ શીખવવા માટે…… લતા હિરાણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: