Posted by: readsetu | જાન્યુઆરી 23, 2014

કાલ હવારની છોકરી – લતા હિરાણી

મમતા > જાન્યુઆરી 2014

કાલ હવારની છોકરી

સવારનો કુમળો તડકો હજી ફળિયામાં પથરાયેલો હતો પણ ઘરમાં તાપ અનુભવાતો હતો.

‘રામ રામ રા મ રા મરા મરા..’
ઓરડામાં ભગવાનના દેરા પાસે બેઠેલા ઉમિયાબાનો માળા ફેરવતો હાથ ધ્રુજતો’તો કે હોઠમાંથી ફફડતા શબ્દો !! આમેય માળા કરતાં કરતાં મનમાં રોજ કેટલીયે ગોઠવણ ચાલતી હોય, આજે એમાં જરાક ફડકો ઉમેરાયો હતો.

નીમુવહુની દિનચર્યા અને નવીનની બોલચર્યા બા જ નક્કી કરતા. બાને આ એક જ કામ. ઓસરીમાં ખાટ પર બેઠાં બેઠાં બધી હિલચાલ પર નજર રાખવી ને પરિસ્થિતિની લંબાઇ પહોળાઇ નક્કી કરી વેતર્યા રાખવી. કેટલા વખતથી ભગવાનનું દેરુંય ઓસરીમાં ફેરવવાનો વેંત કરતા હતા પણ આ પાણિયારું ને હિંચકાખાટ નડતા હતા. ખાટ વગર બાને જાણે ઘડીયે ન ચાલે એટલે.. વેતરવાના કામમાં એવી માસ્ટરી આવી ગયેલી કે માળા કરતાં કરતાંયે ખાસ વાંધો ન આવતો. પણ આજે કાતરની દિશા કેમ બદલાઇ ગઇ’તી !!

– મારે શું છે ? આ રહી તમારી છોકરી !! પૂછી લ્યોને !! શેનું દુખ છે ? અમે ખાવા નથી દેતા ? ઓઢવા પહેરવા નથી દેતા ? ને આ મારો દીકરો !! છે એનામાં કોઇ એબ ? ઘરમાં ગણીને ચાર મા’ણા’ . નથી કોઇ આગળ કે નથી કોઇ પાછળ. કામેય શું હોય !! હજી અંગુઠા જેવડી છે તે ક્યારેક વઢવું યે પડે !! વાંક હશે ત્યારે કહેતા હઇશું ને ? કાલ હવારની છોકરી…..– માળા ફેરવતાં ફેરવતાં બાના હોઠ ફફડતા હતા

– બોલો બોલો હજી.. બાકી રહ્યું હોય તો.. – બાપુજી ઓરડા પાસેથી પસાર થતાં અકળાઇને બોલ્યા

બાના હાથમાંથી માળાનો જરા ઘા જેવું થઇ ગયું. ગોઠણે હાથ ટેકવી ઉંહકારા કરતાં ઊભા થયા. માળા લઇને ઠેકાણે મુકી. આડે દિવસે આવું થયું હોય તો પછી એક કલાક સુધી બાની વાણી અસ્ખલિત ચાલ્યા કરે પણ આજે બા મુંગા મંતર થઇ ગયા.

બાપુજી બોલતાં તો બોલી ગયા પણ પછી એનેય થયું, ભલે કબુલ ન કરે પણ એનેય મનમાં ફડકો તો છે જ.

પતિની વાતનો જવાબ વાળ્યા વગર બાએ વ્યવસ્થા શરુ કરી દીધી, – નાનકાને કે’જો સીધો એના ઘરે વયો જાય. છોકરું છે. અમથો તમાશો ભાળે.
બાબુકાકાનો નાનકો નીમુભાભીનો બહુ હેવાયો થઇ ગયો હતો. નિશાળેથી દફતર સાથે સીધો ભાભી પાસે. નીમુનેય જરા જીવ ઠારે એવી વાત કરનારું હોય તો આ નાનકો.
હજી તો બાનું વાક્ય પૂરું થાય ત્યાં તો નાનકો થેલી ઉલાળતો ઠેકડા મારતો આવી પહોંચ્યો.
– મારી બા કે’તા ‘તા કે આજે ભાભી આવવાના છે.
– તું જા તારે ઘેર. ભાભી આવશે એટલે તને બોલાવશું હોં !!
બાએ એને સમજાવવા પ્રયત્ન કર્યો. પણ એ ન માન્યો. અંદર જઇને લપાઇ ગયો.
– કાલ હવારની છોકરી..અમથું વાતનું વતેસર કર્યું છે !!
બાને કદાચ લાગ્યું હશે કે બાપુજીની વાતનો જવાબ ન દઇને પોતાની નબળાઇ ક્યાં છતી કરવી ? પણ અવાજમાં એમનો અસલ મિજાજ ક્યાં હતો ? શબ્દોની ધાર બુઠ્ઠી થઇ ગઇ’તી.

બાપુજી હવે ચુપ રહ્યા. આજે સવારથી એમના હાથ ધ્રુજતા હોય એમ લાગતું હતું. વારે વારે કંઇક પડી જતું હતું. નવિનને ચા પીવા બોલાવ્યો તોયે જાણે ગુનો કરતા હોય એવો દબાયેલો અવાજ લાગ્યો હતો. બાપુજીને ઘડીક વિશ્વાસ નહોતો આવતો કે પોતે જે જુએ છે એ સાચું છે કે નહીં ? પત્નીનું આ રુપ એમના માટે જુદું હતું. જો કે કારણ સમજાય એવું હતું તો યે…..

હાથમાં રામાયણ લઇ એ હિંચકે બેઠા પણ એમનું મન રામાયણમાં લાગ્યું નહીં.

તડકો ફળિયામાંથી તરતો તરતો ઓસરી સુધી લંબાઇ ગયો હતો. અંદર ઓરડામાં અંધારું કળાતું હતું.

બાજુના ઓરડામાં નવીન સુનમુન બેઠો હતો. એને હવે પોતે સાણસામાં ફસાઇ ગયો હોય એમ લાગતું હતું.
આજ સુધી બા કહે એમ કર્યે રાખ્યું હતું. અને બાની વાત ક્યાં ખોટી હતી ? ‘કાલ સવારની છોકરી, દાબમાં તો રાખવી પડે ને !! પણ મામલો વધી ગયો. ક્યાંક બધાની હાજરીમાં ફ્જેતી ન થાય !!’
એને રહીરહીને નીમુ યાદ આવતી હતી.
‘મેં જરા કડપ રાખ્યો પણ એ તો બિચારી ગરીબ ગાય જેવી હતી. ક્યાં કોઇ દિ’ સામે થઇ છે !! બા અમથા… અને આ પે’લી છોકરી આવીને મરી ગઇ ત્યારે બિચારી કેવી રોઇ રોઇને અર્ધી થઇ ગઇ તી પણ કોણ જાણે ત્યારે મારી આંખે ય પાટા બાંધેલા હતા !! બાએ કહ્યું, ‘પાણો ગ્યો’ એમાં હું યે પાણા જેવો થઇ ગ્યો તો.
———————–
નીમુ પરણીને આવી અને નવિન મુંઝાયા કરતો. આજ સુધી સ્ત્રીના નામે એક બા સાથે રહ્યો હતો. ઘરમાં ન બહેન ન ભાભી..બધી વાતમાં હંમેશા બા કહે એમ જ એ કરતો. બાપુજીને ય એમ જ કરવાનું રહેતું ને !!
થોડા દિવસ તો બાએ રંગઢંગ જોયા રાખ્યા પછી નવિનને હાથમાં લીધો.
– પેટે પાટા બાંધીને તને ઉછેર્યો છે દીકરા !! હું તારી સગી જનેતા, ને આ તો પારકી છોકરી !! ગગા, મારી વાત ગાંઠ બાંધીને સાંભળી લે નકર પસ્તાવાનો વારો આવશે. આ કાલ હવારની છોકરીના વેણથી ભરમાઇશ નહીં. આજકાલની છોકરીને નખરાં બહુ આવડે.

રાત પડે નીમુનો ચહેરો જોઇને નવિનનું હૈયું કૂણું પડી જતું. બિચારી ભોળી ભટાક છે તોયે બા શા સારુ એવું કહેતા હશે ? નીમુની પારેવા જેવી આંખોમાં એ પાંખો ફફડાવતો ને બાના શબ્દો યાદ આવતાં નીચે પટકાતો.
દિ’ ઉગતાં જેવા બાના દર્શન થાય કે એના વિચાર ફરી જાય. આવડી મોટી બા સાચી હોય કે આ કાલ હવારની છોકરી ? જે હોય એ, પણ નીમુએ બા કહે એમ જ કરાય. પાંખોડિયો વિચાર ત્યાં અટકી જતો ને ભાંખોડિયા ભરતો થઇ જતો તાજા બનેલા પતિનો કડપ !! હુકમ ચલાવવાનું ને રુઆબ બતાવવાનું અહીં જ શક્ય હતું. કદાચ વાતે વાતે બાની આજ્ઞા માથે ચડાવવાના અજાણ્યા થાકનુંય આ હાથવગું ઓસડ હતું.

નીમુય વિમાસણમાં જ રહેતી, રાત પડે સાંપડે છે એ પતિ સાચો કે આ ધોળા દિ’નો ? એ ભગવાનનો પાડ માનતી કે દિવસની કડવાટ ધોવા માટે સાંજ પડે એને નાનકો મળી જતો. રોજ એ નાનકાની વાટ જોઇ રહેતી. એને ક્યારેક પતિ કરતાંયે નાનકો વધુ સારો લાગતો. એના દિવસ રાત સરખા હતા. અને બાને તો એ જરાય ગણકારતો નહીં

——————
છ મહિના પહેલાંની વાત.
નીમુ કાઠીએ દુબળી ને પાછી ખાવાપીવામાં બાની મરજાદથી એની તબિયત ખાડે ગયેલી. એમાં વળી દીકરી જન્મી. હવે આ ‘પાણો કેમ પેદા થયો’ની મોંકાણ !!

– બા રોટલા પર છાંટો ઘી નાખી દ્યો ને !! આ ભુખી છોકરી નકરું ચુસ્યા જ કરે છે તે….
– હા, હવે રાણીબાને ધાવણ ખુટે છે.!! ઘીના ભાવ સાંભળ્યા છે બાપ જન્મારે !! – જરી તો દયા માયા રાખ હવે. આ છોકરું નિહાકા નાખે !! બાપુજી ક્યારેક ભલે વાંઝિયું યે, બોલી નાખતા
– તમતમારે જઇને નારણની દુકાને બેહો. બૈરાની વાતમાં ડફાકા નો મારો. નવીનને થતું, બાએ છોકરાં ઉછેર્યા છે તે શું ખાવું, શું ન ખાવું એની એને જ ખબર પડે ને !! બા સાચું જ કે’છે. ઘી કેટલું મોંઘું છે. આને ક્યાં ભાન પડે છે ?
ગરમ ગરમ રોટલી, રોટલા ઉતરતા ને મા દીકરો જમવા બેસી જતા. ઘીની ટોયલી ને ડબો બેય બા સાચવતા. બાપુજી આવે ત્યારે જમે. એના રોટલા ઉપરેય બા જ ઘી ચોપડી દેતા. બા ને જ ખબર પડે ને શું વાપરવું, કેટલું વાપરવું !! કાલ સવારની છોકરી….

નીમુના પિયરમાં માતાજીની આડી હતી, દીકરીને સુવાવડ માટે ન તેડાય. – પિયરીયાં છુટી પડ્યા છે. દીકરી દઇ દીધી તે જાણે પાછું વળીને જોતાં જ નથી.
– બા, આવું ન બોલો. માતાજી આડા ન ઉભા હોત તો મારા બાપુજી તેડી જ જાત. – જોયા જોયા હવે મોટા માતાજીવાળા. લવરી બંધ કર. કંઇ કહીએ એટલે ડબડબ જીભડી ચાલવા માંડે છે. અને પછી હંમેશની જેમ આંસુનું તળાવ.

નાનકો નિશાળેથી આવ્યો. ભાભીના ખાટલામાં પહોંચી ગયો. એને બહુ ઇંતેજારી હતી કે ભાભીની ઢીંગલી મોટી થાય એટલે એને રમાડવા લઇ જવાય. નાનકડી બબુડી હાથ પગ હલાવે ત્યારે એને આનંદ અને આશ્ચર્યથી જોઇ રહેનાર નીમુ સિવાય આ એક જ હતો.

હજી નીમુને વીસ વાંસા થયા હતા એટલે એ સુવાવડીની ઓરડીમાં હતી. લોચા જેવી છોકરી માટે હજી નવિનને ખાસ માયા નહોતી બંધાણી. એમાં બા એને ‘પા’ણો’ કહેતાં એટલે સાવ..

છોકરીને ઝાડા થઇ ગયા’તા. નીમુ રોતાં રોતાં બાને સંભળાય એમ નવિનને આજીજી કરતી હતી.
– હવે ઘરના ઓસડિયાથી ફેર નહીં પડે. મારી છોકરીને દાક્તર પાસે લઇ જાવ. એનું પેટ છુટી પડ્યું છે.
છોકરી ઝાડા કરી કરીને સાંઠીકડા જેવી થઇ ગઇ’તી. ચાર દિવસથી એનો ઝાડો બંધ નહોતો થાતો. ને તોય બા, દેશી ઉપચાર જ સારા એ વાતે ટસના મસ નહોતા થતા. એની ચામડી હવે લટકવા માંડી’તી પણ વાટણ ને ચટામણ ચાલતા રહ્યા ને એ નાનકડા બાળે માના ખોળે છેલ્લા શ્વાસ લઇ લીધા.

એકવીસમે દિવસે છોકરી મરી ગઇ.
નીમુ પહેલાં તો સાવ અવાચક થઇ ગઇ. નવીન પણ ગભરાયો.. પણ બાએ કહ્યું,
– હશે, જેવી લેણાદેણી.
નીમુની આંખ કાચની થઇ ગઇ’તી કે શું ? અડોશી પડોશી છાના ઘુસપુસ કરતાં આવ્યા. નીમુને છેલ્લી વાર એનું મોઢું બતાવ્યું ને એ તો જાણે પથ્થરની મુરત !! વીસ વાંસાના લોચાપોચાને કપડામાં વીંટી દાટી આવ્યા. આવીને નવીન નાહ્યો ને હિંચકે બેઠો.

નીમુએ નવીનને જોયો ને એવી પોક મુકી, શેરી આખી જાણે ધ્રુસ્કે ચડી ગઇ. નીમુનું કલ્પાંત પેટના જણ્યાના મોત જેટલું આ લોકો માટે હતું. એનું કાળજું કકળતું’તું, ‘અરે, કેવા કઠણ કાળજાના આ મા દીકરો !! પોતાનું લોહી, પોતાનું બીજ ને કાંઇ દયા માયા નહીં.!!!.’

નવીનને સમજાયું નહીં કે હવે રહી રહીને નીમુને શું થયું !! પણ નીમુનો વલોપાત એની અંદર કંઇક ઓગાળી નાખતો હોય એવું લાગ્યું.
– છાની રે બટા ! એ તો જેમ ઉપરવાળાએ લખ્યું હોય એમ થાય. હશે, આપણું થોડું હાલે છે ? ભાયગમાં હશે તો કાલ હવારે બીજું છોકરું આવશે. નવીનને બાની સમજણ માટે માન થયું. બા ભલે કડક હોય પણ એને ય માયા તો છે હોં !
શાંતિકાકા માંદા હતા એટલે બાપુજી એના ગામે ખબર કાઢવા ગયા’તા. પછી ચાર પાંચ દિ’ રોકાઇ ગયા અને એમાં આ બધું બની ગયું. બાપુજી આવ્યા ને એ બા સાથે કંઇ ન બોલ્યા. બહુ દુખી અવાજે એમણે નવીનને કહ્યું, – હવે માણા થા તો હારું.

——————————

એ પછી નીમુના બા બાપુજી આવીને નીમુને તેડી ગયા. બાએ વદાડ કર્યો’તો કે નીમુને પંદર દિ’માં પાછી મોકલી દેવી. ઘરમાં કોઇ કરનારું છે નહીં. બાથી તો હવે કામ થાય નહીં ને વળી છોકરું છે નહીં, નહીંતર વળી જુદી વાત હતી.

પંદર દિ’ થયા ને સંદેશો આવ્યો, નીમુ હમણાં નહીં આવે. મહિનો થયો, બે મહિના થયા, બાથી કામ નહોતું થતું. નીમુ વગર સહુને ફાંફા પડી ગયા’તા. નીમુ આવવાના કોઇ અણસાર નહોતા. વેવાઇને બે વાર કહેવડાવ્યું પણ જવાબ ગોળ ગોળ મળ્યા કરતો.

નવિને પોતાના દોસ્તની બહેન, જેને નીમુના ગામમાં પરણાવી હતી એની સાથે ચિઠ્ઠી મોકલી, “તારા વગર મારા હાલ બુરા છે. એક વાર તું આવી જા. હવે તને કોઇ દુખ પડવા નહીં દઉં…..” કોઇ જવાબ નહીં.
શાંતિકાકાએ આ સંબંધ કરાવેલો એટલે છેવટે એને વચ્ચે પડવાનું થયું. શાંતિકાકાએ પહેલાં નીમુને એકલી બેસાડીને વાત કરી જોઇ. ધ્રુસ્કે ધ્રુસ્કે રોતાં રોતાં એ કહે,
– એવા એ કોક દિ’ તો બોલે મારી ભેરમાં. હું તો રાત’દિ એના ઘરમાં વૈતરું કરતી જ ‘તી પણ મારું બાળ લાકડા જેવું થઇ ગ્યું’તું ને તોયે એના પેટનું પાણી કેમ નો હાલ્યું ?

નીમુના બા-બાપુજીનું લોહી તપી ગયું હતું. પૈસેટકે સમૃધ્ધ ઘર હતું. નવિનનું ખોરડું નબળું પણ એકનો એક દીકરો જાણીને એમણે દીકરી પરણાવી હતી. નીમુની કરમ કથની સાંભળીને મા-બાપનું માથું ફરી ગયું. આમે ય પહેલાં પણ દીકરીની વિતક જાણતા તો હતા. ધીરે ધીરે સૌ સુધરશે એમ માની સમસમીને બેસી રહ્યા હતા. આ વખતે આડો આંક વળી ગયો. એ લોકોને હવે છુટું કરવું હતું.

ઘરમાં સોપો પડી ગયો. બા સડક થઇ ગયા. દીકરીના બાપ થઇને વેવાઇ આમ ખુલ્લે આમ આરોપ મુકશે એવી એમને કલ્પના નહોતી. દીકરો ક્યાંક વહુનો ન થઇ જાય કે સુખી ઘરની છોકરી ક્યાંક દીકરાની કાનભંભેરણી કરી મા વિરુધ્ધ ચડાવે નહીં, એ વિચારનું જ આ બધું પરિણામ હતું. દીકરાનું ઘર ભાંગવાનો એમનો ઇરાદો નહોતો.

નવિનને નીમુ રાત દિવસ નજર સામે તરવરવા લાગી. નીમુ હતી તો રોજ મા દીકરો કેવા ગરમ ગરમ ખાવા પામતા !! સવારમાં ઉઠતાં વેંત બિચારી કામે ચડી જતી ને રાત સુધી નવરી ન થતી ને તો યે પોતાનો પડ્યો બોલ ઝીલનારી અને બધી ઇચ્છાને વશ !!
હવે બાથી કામ અને નવિનથી બા સહન ન થતાં. નવિનને સમજાયું કે પોતે કેવડી મોટી ભુલ કરી નાખી છે. એના કાનમાં બાપુજીના એ દિવસના શબ્દો યે ઘુમરાતા, – માણા’ થાજે હવે..

——————————————–

આખરે આજનો દિવસ આવી પહોંચ્યો.

નવિને ઓસરીમાંથી ખાટ છોડી નાખી. બેય બાજુ લાંબી શેતરંજી નાખીને નવિન પાછો પોતાના ઓરડામાં ગુમસુમ બેસી ગયો. આજે બાએ કંઇ રાંધ્યું નહોતું અને કોઇને ખાવાની ઇચ્છા નહોતી.
સાંજના ચાર વાગે બધા એક પછી એક આવી ગયા. બે કાકા, ફુઆ અને બે ગામના વડીલ. નીમુના બે મામા, કાકા ને એના બાપુજી પાંચેય સાથે આવ્યા. પાછળ પાછળ નીમુ ય લાજ કાઢી ઘરમાં આવી. બા મંદિરવાળા ઓરડામાં હતા ને પોતે ખૂણાની સુવાવડીની ઓરડીમાં જતી રહી. બા પાસે એને જવું નહોતું ને નવિન પાસે જવાની એની હિંમત નહોતી. નાનકો એની પાછળ પાછળ…
“તો હવે શું કરવું છે ?” ગામના વડીલ ડાહ્યાબાપા બોલ્યા.
“હવે આમ ને આમ નો ખેંચાય. અમારી પારેવા જેવી છોકરી…” નીમુના મામાએ જવાબ વાળ્યો
”ભાઇ અમે તો રાજી છીએ. નવિનનો કંઇ વાંક નથી. સાસુ વહુની થોડીક ચણભણ છે.. બધું થાળે પડી જશે તમે માનો તો…” નવીનના કાકાએ સમાધાનના સુરમાં કહ્યું.
”આને તમે થોડી ચણભણ કયો છો ? એ બાઇ મારી છોકરીને ભરખી જશે !!”. નીમુના બાપુજી ગુસ્સામાં લગભગ ઉભા થઇ ગયા.
“મોટાભાઇ, શાંતિ રાખો. તમારું બીપી વધી જશે. આમે ય હવે આપણે ફેંસલો કરવાનો જ છે.” નીમુના કાકા બોલ્યા
”જુઓ વેવાઇ, અમે અત્યાર સુધીમાં ઓછી બાંધછોડ નથી કરી. વેવાણ જમાનાના ખાધેલ છે, પહોંચેલ માયા છે અને નવીનચંદ્ર કે તમે કોઇ એને બે વેણે ય કહી શકતા નથી.. સો વાતની એક વાત. હવે અમારે દીકરીને અહીં રાખવી નથી” “ભાઇ તમે માનો તો હવે હું એને વારીશ. તમારી દીકરીનું હું ધ્યાન રાખીશ બસ ?” બાપુજી ખચકાતા બોલ્યા. ”રહેવા દો વેવાઇ. આજ સુધી તમે કેમ ન બોલ્યા ?” અંદરથી રડવાનો અવાજ આવ્યો.
બારણામાંથી નાનકાએ ડોકિયું કર્યું.. “બા બધું સાંભળે છે હોં… “
”તું અહીં મોટાની વાતમાં કેમ ડબડબ કરવા આવ્યો છો ? જા તારી નિશાળે જા.. અને વચ્ચેનું બારણું બંધ કરતો જા.” બાપુજી બોલ્યા.
નાનકાએ બારણું અધુકડું વાસ્યું.
ચર્ચાઓ ફરી ઉગ્રતાથી થઇ. પ્રસંગો, ઘટનાઓના ફરી ફરીને પોષ્ટમોર્ટમ થયાં. એના નવા નવા અર્થઘટનો અને તારણો… પરિણામ એક જ … અમારી છોકરીને અમે પાછી લઇ જશું.

નવીન નીચું મોં કરીને બેઠો હતો. આમે ય ગામડાગામમાં મા દીકરો વગોવાઇ ગયા હતા. આજે સૌની વચ્ચે કપડાં ઉતર્યા.
“હશે ભાઇ, તમારે સમાધાન નથી જ કરવું તો આનો અંત લાવો.. લઇ જાવ તમારી દીકરીને. અને રમેશભાઇ, વહેવારે નીમુના પિયરમાંથી આણામાં જે આપ્યું હોય એ તમે પાછું આપી દો એટલે વાત પૂરી, બીજું શું ?” ચતુરકાકા નિવેડા પર આવી ગયા.
“હા, બધુંય આપી દો પાછું એટલે પંચ પાસે લખત કરાવી લઇએ. કોર્ટમાં પતતાં તો બહુ વાર લાગે.”

ઘરમાંથી એક પછી એક ચીજ વસ્તુઓ આવતી ગઇ. વાસણો, મોતીના તોરણ, ચાકળા, ઝુમર, ગાદલું, રેશમી રજાઇ, કપડાં, દાગીના…. થોડું રાચરચીલું… નીમુના બાપુજી પાસે આણામાં આપેલી વસ્તુઓનું લિસ્ટ હતું. એ પ્રમાણે બધું ઓસરીમાં ખડકાતું ગયું. ટેમ્પાવાળાને ય બોલાવી લીધો.

નાનકો મોટાદાદાની બીકે બહાર નહોતો આવતો પણ કાન માંડીને બેઠો હતો. એકબાજુ ભાભી રોતા’તા ને બીજી બાજુ બા રોતા’તા. બાને પોતાનો વાંક હતો એ સમજાતું હતું. હવે દીકરાનું ઘર ભાંગતું હતું અને પોતે કાંઇ કરી શકતા નહોતા.

”એ અમારા છે.” શાંતિકાકાના હાથમાં રહેલા સાંકળા જોઇ નીમુના કાકા બોલ્યા.
”આ તો મને યાદ નહોતું તે થયું પુછી લઉં. સાંકળા તો અહીંથી યે ચડાવ્યા હોયને !!” એમણે ઓરડામાં ઉભેલી નીમુની સામે જોયું અને સાંકળા વેવાઇને આપી દીધા.

બધો હિસાબ પુરો થયો.
“નીમુ બેટા, તું તૈયાર છો ને ? ચાલ ચંપલ પહેરી લે.” મામાએ પુછ્યું અને નિસાસો નાખ્યો. “કોને ખબર હતી કે મારે તને આમ પાછી ય લઇ જવી પડશે !!”

નીમુની હિંમત છુટી ગઇ હતી. એ સૌની દોરવાઇ દોરાતી હતી. એની પોતાની વિચારવાની શક્તિ ખતમ થઇ ગઇ હતી. પિયર ગઇ ત્યારે તો એને લાગ્યું હતું કે બસ હવે એ છુટી આ નરકમાંથી. જો કે એને નવીન સામે બહુ વાંધો નહોતો પણ આવો નમાલો વર શું કામનો ? મા પાસે મિંયાની મિંદડી !! આવી જમ જેવી સાસુ સાથે જન્મારો કેમ નિકળે ! પણ જેવી સામસામી ચર્ચા શરુ થઇ ને નીમુના પગ પાણી પાણી થવા માંડ્યા હતા. મામાએ ચંપલ પહેરવાનું કહ્યું અને એનું શરીર કોથળા જેવું થઇ ગયું. આંખે અંધારા આવી ગયા. જેમતેમ પગ નાખ્યા. ડાબા, જમણાનું યે ઓસાણ ન રહ્યું.

મામાએ નીમુનો હાથ પકડ્યો. બીજા લોકો બહાર નીકળી ચુક્યા હતા.
અચાનક નાનકો દોડતો આવ્યો. નીમુભાભીનો પાલવ ખેંચતો બોલ્યો,
“તમે તમારી બધીય વસ્તુ લઇ જાવ, અમારી નંઇ.”
મામા બાઘાની જેમ જોઇ રહ્યા.
“લગન થ્યા ત્યારે શીલાકાકીએ મને કીધું’તું, ભાભી તો અમારા છે.”
ધ્રુસ્કા ઉપર ધ્રુસ્કા… અને નીમુએ પગમાંથી ચંપલ ફેંકી દીધા.

Advertisements

Responses

  1. આ વાર્તા વર્ષો પહેલાં વા્ચેલી એવું યાદ છે. લેખિકા વિષે ત્યારે બહુ ખ્યાલ ન હતો. અંત્યંત હ્રદયસ્પર્શી છે. ધન્યવાદ!

  2. Reblogged this on prdpraval's Blog.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: