Posted by: readsetu | ફેબ્રુવારી 13, 2014

કાવ્યસેતુ 124 – સુચિતા કપૂર

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 11 ફેબ્રુઆરી 2014

કાવ્યસેતુ – 124 લતા હિરાણી

કહે, ક્યારે તેં મને ચાહી હતી ?
યૌવન ઉંબરે હતું ત્યારે ?
ત્યારે તેં મને ચાહી હતી ?
કે લગ્નની વેદી પર,
જીવવા-મરવાના કોલ આપ્યાં હતા ત્યારે ?
ત્યારે તેં મને ચાહી હતી ?
કે સાહચર્યની શરૂઆત થઇ ત્યારે ?
કે માતૃત્વના મંડાણ થયા ત્યારે ?
ત્યારે તેં મને ચાહી હતી ?
કે યૌવન વિદાય લેવા લાગ્યું
જે પ્રૌઢાવસ્થા આંગણે આવી ત્યારે ?
ત્યારે તેં મને ચાહી હતી ?
કહે ને !
તેં ક્યારે મને ચાહી હતી ?
કહે ને !
તેં ક્યારેય મને ચાહી હતી ? ……… સુચિતા કપૂર

આ પ્રેમ કેવી બલા છે ! માણસ જન્મે ત્યારથી મૃત્યુ લગી તેનો પીછો છોડતી નથી.. કોઇને ચાહવાની અને કોઇ પોતાને ચાહે, હૈયું ભરીને ચાહે એની ઝંખના ક્યારેય શમતી જ નથી… જિંદગીભર એ સ્નેહબુંદોની ભીનાશ મળતી નથી.. ક્યારેક કિસ્મતથી પ્રાપ્ત થઇ જાય છે બાકી એની શોધમાં આંખો ને દિલમાં સદાય ભેજ રહેવાનું જ નસીબમાં લખાયેલું હોય છે. જે કદીક હથેળીમાં ઝીલાયા એને સૂકાતાંયે બચાવી શકાતું નથી.

ચાહતનું વિશ્વ જીવનમાં ક્યારનુંયે પ્રવેશી ચૂક્યું છે. એના સ્પર્શની અનુભુતિ કદીક થઇ છે ને પછી તરસનું વેરાન રણ… એટલે પ્રશ્નોની પરંપરા ખડી થઇ જાય છે. ‘કહેને, તેં ક્યારે મને ચાહી હતી ? યૌવનના ઉંબરે ? લગ્નની વેદી સમક્ષ ? સહજીવનની શરૂઆતમાં ? માતૃત્વના મંડાણે કે પાનખરના આગમને ? જીવનનો કયો એવો ટુકડો છે જ્યારે તેં મને ચાહી હતી, છલોછલ ચાહી હતી !! વાત સાવ સ્પષ્ટ છે, નાયિકાને ચાહનો સતત અભાવ નડ્યો છે.. જેની પ્રતીક્ષામાં જિંદગી વિતાવી.. પાનખરની પળોમાંય હજુ તે પ્રતીક્ષા જ છે.. ને આગમનના કોઇ એંધાણ નથી.. છતાં આશાનો તંતુ હજુ તૂટ્યો નથી.. કદાચ એ આવે ને કદાચ એ કહે “હું તને ચાહું છું…” આ…. આટલા… શબ્દો સાંભળવા માટે જ જાણે શ્વાસ અટક્યા છે !!

આ ભાવ આખી કવિતામાં વેરાયેલો છે. ભાવસંવેદનોથી ભર્યું ભર્યું સુચિતા મહેતાનું કાવ્યવિશ્વ એક ભાવુક હૃદયની વણછીપી તરસને શબ્દોમાં વહાવે છે. આ અછાંદસ કાવ્ય એની છેલ્લી પંક્તિમાં વ્યક્ત થતી ચોટદાર ઊર્મિથી કલાતત્વને સ્પર્શે છે. આમ કહીએ કે માત્ર ‘ય’ અક્ષર ઉમેરીને એમણે અહીં કાવ્ય સિદ્ધ કરી બતાવ્યું છે.. “તેં ક્યારે મને ચાહી હતી ?’ તેં ક્યારે ય મને ચાહી હતી ?’…..” પ્રશ્નોથી ભરેલા આ કાવ્યમાં નાયિકાએ અંતે એક અણીદાર સવાલ મૂક્યો છે અને જીવનભરની નિષ્ફળતાને બે-ચાર શબ્દોમાં ઠલવી દીધી છે..

જો તમને આ કાવ્ય ગમ્યું હોય તો આ પણ ગમશે…

આપણે બંને
એકબીજાને ચાહીએ છીએ ભરપુર
શા માટે ?
કેટલાંય કારણો છે
એકમેકને ચાહવાના
અને આજ નહીં તો કાલ
કાલ નહીં તો પરમ
કે પછીની અનેક આવતીકાલોમાં
આપણે શોધી કાઢશું
એકમેકને નહીં ચાહી શકવાના
અનેક કારણો
એટલે થઇ શકે તો
એટલું કરીએ
જે જે કારણો છે આજે
ચાહવાના
એમાંથી ઓછામાં ઓછું એક
સાચવીને સંભાળીને સલામત રાખએ
એને તાજું ને હુંફાળું રાખીએ
સહજ નહીં તો પ્રયત્ન પૂર્વક
માત્ર એક કારણ
જેથી આપણે એક્બીજાને કેટલાં ચાહીએ છીએ
એ આજનું સત્ય જુઠું ન પડી જાય !! …. લતા હિરાણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: