Posted by: readsetu | ફેબ્રુવારી 26, 2014

કાવ્યસેતુ 126 – અયના ત્રિવેદી

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 25 ફેબ્રુઆરી 2014

કાવ્યસેતુ 126 લતા હિરાણી

સરળ ભાસે ભલે જે કંઇ, પીડા છે એટલી એમાં
સંબંધો ત્રાજવે તોળી, દુખો શા કારણે તું દે ?
ધરા કોરી રહે જો ભરઅષાઢે તો સમજવું શું ?
ખુશી દીધા પછી સંવેદનો શા કારણે તું દે ?
હજી ભેગા થયા ત્યાં તો જુદાઇની ઘડી આવી
ફૂલોની છાબ સાથે કંટકો શા કારણે તું દે ?
નથી જો લાગણી જેવું કશું તારે અને મારે
છતાં ધબકી હૃદયમાં સ્પંદનો શા કારણે તું દે ?
ચીતરવી છે નવેસરથી હવે રેખા હથેળી પર
જુના રંગો જુના ઝખ્મો પ્રભો શા કારણે તું દે ? …. અયના ત્રિવેદી

અયના ત્રિવેદીની આ ગઝલમાં પ્રશ્નો જ પ્રશ્નો છે. પ્રભુને પ્રશ્નો છે…… કારણ આ જીવન !! પ્રભુ તેં શા માટે આવું જીવન આપ્યું, જે દેખાવે સરળ છે પણ એમાં નકરી પીડા ભરેલી છે. સંબંધો આપ્યા છે પણ એમાં આશ્વાસન ઓછું, સુખ ઓછું અને દુખ ઝાઝું છે !! જીવનની ધરતી ભરઅષાઢે કોરી ધાકોર શા માટે તું રાખે છે ? વરસવાની વેળાએ આગ પ્રજળે તો શું સમજવું ?

ઘડીક ખુશી આપે છે ને એના ઝબકારે મન નાચે એ પહેલાં તો એવાં વલોવી નાખતા સંવેદનો દઇ દે છે કે એમ થાય આ તારું કામ છે ? એક બાજુ ફૂલોના બગીચા દે અને બીજી બાજુ કંટકોના જંગલ ઉગાડી દે.. તું આમ કેમ કરે છે ? તારે ને મારે શો સંબંધ છે ? તારે ને મારે જો લાગણીના તંતુ ન બંધાયા હોય તો આ હૃદયમાં સ્પંદનો ભરવાનું મહેરબાની કરીને બંધ કર. હૈયાને ધબકવાનું શા માટે કહે છે ?
મારે હવે તારું દીધેલું આ ભાગ્ય નથી જોઇતું. નથી જોઇતી તારી ચીતરેલી રેખાઓ. આ જૂના રંગો અને જૂના ઝખ્મો પ્રભુ તું પાછા લઇ લે. હું નવેસરથી મારા હાથની રેખાઓ ચીતરીશ. મારી કિસ્મત જાતે ઘડીશ.. મારાં સુખોની દુનિયા હું જાતે ઊભી કરીશ..

આ પાંચ શેરમાં કવયિત્રીએ ઇશ્વરને કેટલા પડકારો કર્યા છે !! પણ આમ માગ્યે સુખ મળતું હોત, ઇચ્છવાથી તકદીર બદલી શકાતી હોત તો આ વિશ્વમાં કોઇ દુખી ન રહેત.. પણ આવું બની શકતું નથી.. આવું બની શકે માત્ર કલ્પનામાં, જે કવિઓનો ઇજારો છે.. સપનાં જોઇ સુખ મેળવી શકાય છે.. જ્યાં સુધી સવાર ન પડે.. સવાર ગમે તેટલી સલૂણી હોય, એ સપનાંને રોળનારી છે એટલે દુખીજનો માટે એ કદીયે સોહામણી નથી. સપનાં આવે કે ન આવે, ભરનિંદર ઘડીક એના દુખને ભુલાવી દે છે ને એટલે અંશે રાહત આપે છે. જેવો પ્રભાતનો ઉઘાડ થાય, આંખ ખુલે અને ફિર વોહી રફતાર…

સંતો કહે છે, આનું નામ જ જીવન. સુખદુખની આવનજાવન એ જ જિંદગી, એટલે તો જન્મમરણના ફેરા ટાળવા મુક્તિની, મોક્ષની કલ્પના છે, એટલે તો ઇશ્વરનું અસ્તિત્વ છે. એટલે જ તો ઇશ્વર, અલ્લાહ, જીસસ, ગોડ છે. એટલે તો મંદિર, મસ્જીદ, દેવળ ને ગિરજાઘરો છે, પ્રાર્થના અને બંદગી છે, રામાયણ, કુરાન, બાઇબલ છે.. સુખ શોધવાના કે દુખમાંથી રાહત મેળવવાના આ સઘળા વિસામા છે. દુખ નહીં જાય, ઘડીક દુખનું સ્મરણ જશે.. સુખ નહીં આવે, ઘડીક સુખના વિકલ્પો આવશે. વાત સમજણની છે, વાત વિચારની, ચિંતનની છે.. એમ જ વાત જીવાતા જીવનની છે.. જીવનના સવાલોની છે
અને લો વાંચો આ કવિ શ્રી દાન વાઘેલાની પ્રાર્થનામાં કંઇક જુદા જવાબો…
ખુદાની બંદગી કાજે ધરમની મેદની જામી,
અમે એકાંત માગ્યું તો પરમની મેદની જામી
ભમ્યાં પર્વત-શિખરને સાગરો, જંગલ ગુફા ને રણ,
લગાવી બાંગ પડઘા ઝીલતી ઝાલર ગજાવી પણ
પળેપળ શ્વાસમાં સાન્નિધ્ય જ્યારે પામતાં શીખ્યાં
ખરેખર ત્યારથી નિગમ-અગમની મેદની જામી..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: