Posted by: readsetu | માર્ચ 5, 2014

કાવ્યસેતુ – 127 પારુલ ખખ્ખર

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 4 માર્ચ 2014

કાવ્યસેતુ – 127 લતા હિરાણી
અમે હેત હેલી, અમે સાવ આળા,
મળ્યા તે છતાં બારમાસી ઉનાળા.
પ્રથમ દિલ ગજા બા’રનું ખેલી નાંખે,
પછી શાખ વેચી ને કાઢે દિવાળા.
હતી તો ડગર જાણે ફુલોની જાજમ,
મેં માંગીને લીધા છે કાતિલ શિયાળા.
જરા ઢીલ આપે, ચગાવે, કપાવે,
સમય, ખેલ તારા બધાંથી નિરાળા.
લગાવી મલમ ‘હાશ’ બોલીને બેઠાં,
ખુલ્યા ત્યાં તો ધસમસ પીડાઓનાં તાળા.
પ્રગટ થઇ જશે તો તો શું શું ન થાશે !
ગનીમત કે મનનાં છે છૂપા છિનાળા.
હવે જાતરાને વિસામો મળે બસ,
નથી ભેદવા લાખ જન્મોનાં ઝાળાં…. પારુલ ખખ્ખર

કવિ હોવું એટલે આળાં હોવું, અતિ સંવેદનશીલ હોવું – એ કવિઓનો સામુદાયિક ગુણ હશે !! કદાચ હા… કવયિત્રી પારુલ ખખ્ખર અહીં એ વાતની પુષ્ટિ કરે છે. અહીં વાતના બેય પાસાં ભરપૂર છે.. એક બાજુ હૈયામાં હેતની હેલી છલકાય છે તો બીજી બાજુ પોતાના આળા સ્વભાવને કારણે બારે માસ ઉનાળાનો તાપ ભોગવવાનું યે નસીબમાં છે. અતિ સંવેદનશીલતા ઉનાળો નોતર્યા જ કરે એવું બને !! ‘આળા’ અને ‘ઉનાળા’માં માત્ર પ્રાસ જ મળતો નથી. એકબીજા સાથે પૂરેપૂરા જોડાયેલા છે. આ બારમાસી ઉનાળા છે. એને ઋતુચક્ર સાથે કંઇ લેવાદેવા નથી. ભરશિયાળે પણ એનો તાપ દઝાડ્યા કરે. આળા મન પાછળ રહેલી હેતની હેલી એક વીરડો છલકાવવામાં પણ નાકામયિબ રહે એવું બને… નાયિકાએ કબૂલાત કરી જ લીધી છે, પોતાની ઊર્મિઓ બાબત.. પોઝીટીવ થિંકીંગ / વિધેયાત્મક વિચાર કે બધાને માફ કરી દેવાની અને સારું જ જોવાની વાત સાંભળવામાં, વાંચવામાં ખૂબ સારી લાગે, તરત અમલ કરવા મન તત્પર થઇ જાય પણ એ કેટલી દુષ્કર છે !! જો એવું કરી શકાતું હોત તો દુનિયામાં કોઇ દુખ દર્દ રહેત જ નહીં.. લોકો ચેતનાની એ કક્ષાએ પહોંચી ગયા હોય કે જ્યાં સમતા અને માત્ર સમતા છવાયેલી હોય પણ એવું બનતું નથી..

ભાવુક લોકોની આ જ તકલીફ છે. વહેવામાં એ પાછું વાળીને જુએ નહીં.. પોતે ખલાસ ભલે થઇ જાય પણ દિલ ધોધ થઇને ઉમટે. ગજા બહારનું ખેલી નાખે. એને એટલું સામેથી મળે નહીં અને પછી લમણે હાથ દેવાનો વારો આવે. આવા લોકો તકદીરમાં હાર લખાવીને જ લાવ્યા હોય છે..એની સામે બે રસ્તા હોય છે. એણે પસંદગી કરવાની હોય છે. ફૂલો પર ચાલવું કે કાંટાઓ પર.. પણ શહીદી વહોરી લેવાનો સ્વભાવ ક્યાંથી છૂટે ? એટલે આખરે કાતિલ કિસ્મત સ્વીકારવી પડે છે.
આમ છતાંયે સમય સામે ફરિયાદ તો થઇ જાય છે. ‘તું મને ચગાવે છે ને પછી કપાવી નખાવે છે, આવું મારી સાથે કેમ કરે છે ? હું જાણું છું કે તારા ખેલ સામે સૌએ હાર માનવી જ પડે છે પણ તને ખબર છે કે એનાથી મને કેટલી પીડા થાય છે !!’ રાહત નસીબમાં જ નથી એટલે બધા ઉપચાર નકામા નીવડે છે. જરા ઘાવ પર ઠંડક કરીને બેઠાં કે પીડાંઓના પૂર તાળાં તોડીને ધસમસ ફરી વળ્યા.. દુખને હૈયામાં ગમે તેટલું ઢબૂરી રાખો, જરા મોકો મળે કે એ ઠલવાઇ જ જાય છે. એ પીડા બાંધી બંધાતી નથી..

પછીના શેરમાં વાત જરા જુદી આવે છે. મનના કારનામાં ઓછા ખતરનાક નથી.. એ તો છુપાઇને રહે ત્યાં સુધી સારું છે.. ભેદ જો ખૂલી ગયો તો આવી બન્યું.. અહીં મનના ખેલને ‘છિનાળાં’ કહીને કવયિત્રીએ માનવ મનની દુર્ગમતા ને એની ગંદકીનેય છતી કરી છે. પણ આખરે તો દરેક માનવી ઇચ્છે છે ‘હાશ…’ , ‘વિસામો…’, ‘રાહત…’ એટલે સુધી કે અહીં એને બીજા જન્મોનીયે ઝંખના નથી.. બસ જે છે એ આ છે અને હવે પૂરું થઇ જાય… હવે જાતરાને વિસામો મળે એટલે બસ…
આ ગઝલકારની રજૂઆતમાં નાવિન્ય અને તાજગીનો અહેસાસ થાય છે.. મજાની પ્રાસરચના સાથે જુદાં જ કલ્પનો એમની કવિતામાં ઠેર ઠેર વેરાયેલાં પડ્યાં છે..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: