Posted by: readsetu | એપ્રિલ 8, 2014

કાવ્યસેતુ 130 – અવિનાશ વ્યાસ

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 8 એપ્રિલ 2014

કાવ્યસેતુ 130 – લતા હિરાણી

દયાના સાગર થઈ ને, કૃપા રે નિધાન થઈને
છોને ભગવાન કહેવડાવો, પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ, પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
કાચા રે કાન તમે, ક્યાંના ભગવાન તમે
અગ્નિપરીક્ષા કોની કીધી !
તારો પડછાયો થઈને, વગડો રે વેઠ્યો એને
લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઈ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઈ ફૂલાઓ
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
તમથીયે પહેલાં અશોક વનમાં, સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના વનમાં નિરાધાર નારી તોયે, દશમંથાવાળો ત્યાં ન ફાવ્યો
મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ, અમથો વિજયનો લૂંટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો – અવિનાશ વ્યાસ

ભગવાન રામનો જન્મોત્સવ – રામનવમી આપણે ઉજવી. મંદિરે જઇ પૂજા અર્ચન કર્યા. ભજનો ગાયાં, ઉપવાસ પણ કીધાં.. ત્યારે ખુદ રામજીને ઠપકો આપતું, ખૂબ સરળ અને છતાંયે હૃદયની આરપાર ઊતરી જતું કવિ-સંગીતકાર અવિનાશ વ્યાસનું આ ગીત ચોક્કસ યાદ આવે જ.. ખૂબ સૂરીલું આ ગીત કાવ્યતત્વથીયે ભરપૂર છે. ભગવાન શ્રી રામને આપણે દયાના સાગર અને કરુણાના અવતાર સમા ગણીએ છીએ. એ સત્ય જ છે. માનવ અવતાર લઇને એમણે પોતાની અસીમ અને પરમ શક્તિથી અનેકના ઉદ્ધાર કર્યા છે. સહનશીલતાની ચરમ સીમા દેખાડી છે. સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ, પરમ દેવતાઇ, દિવ્ય ઉદાત્ત વ્યક્તિત્વ એટલે શ્રી રામ એવું ઉદાહરણ જનમનમાં કોતરાયેલું છે ત્યારે એક કવિની કલ્પના એને ઠપકો આપે છે. કવિ કહે છે, હે રામ તમે ભલે ભગવાન રહ્યા પણ સીતાજી પાસે તમે ઊણા ઊતરો છો. જુઓ અહીં કવિ ભગવાન રામ પ્રત્યે પોતાનું ઔદાર્ય ચૂકતા નથી.. ‘મારા રામ’ કહે છે. રામ પ્રત્યેની એમની ભાવના છે જ પણ સવાલ સીતાજીને થયેલા અન્યાયનો છે. એટલે જ કહે છે કે સોળે શણગાર સજી તમે ભલે મંદિરમાં પૂજાઓ પણ સીતામાતા તમારા કરતાં ક્યાંય ચડી જાય છે.. એ કહે છે, ‘રામ, તમે એવા તે કેવા ભગવાન છો કે સાચી ખોટી વાતની પરખ પણ ન કરો ! પ્રભુ તમે સાવ કાચા કાનના ? ક્યાંક ચાર જણ કશુંક બોલ્યા ને તમે માની લીધું ? માની તો લીધું પણ જે પત્ની તમારો પડછાયો થઇને ચૌદ ચૌદ વર્ષ જંગલમાં ભટકી એને આમ ત્યજી દીધી ! ઘટઘટના જ્ઞાતા કહેવાઓ છો પણ પોતાની પત્નીને તમે પારખી ન શક્યા !!

રાવણને હરાવ્યાનો વિજય માણવાનો તમને જરાય હક નહોતો. તમારી પહેલાં અને તેય રાક્ષસોના દેશમાં એકલાં નિરાધાર સીતાજીએ પેલા દશમાથાંવાળા રાવણને હંફાવી દીધો હતો. એ કેટકેટલી ચાલ ચાલ્યો પણ સીતાજીએ એને નજીક ફરકવા નહોતો દીધો. રાવણ ત્યાં હારી જ ચૂક્યો હતો. પછી એને હરાવવામાં તમે શું પરાક્રમ કર્યું ?

રામકથા જાણનાર કોઇપણ સમજદાર-વિચારશીલ વ્યક્તિને આ સવાલ જરૂર થાય પણ આ કથા, રામકથા નિતાંત ભક્ત હૃદયની છે. તર્કને એમાં સ્થાન નથી. રાજા રામ અણીશુદ્ધ ન્યાયપ્રિય છે પરંતુ પ્રજાને ન્યાય આપવા જતાં એ પોતાની પત્નીને અનહદ અન્યાય કરી બેસે છે એ મુદ્દો એક રીતે આખી કથામાં અપ્રસ્તુત છે પણ કવિએ આ ખૂબ સંવેદનશીલ વાતને ગીતના પ્રવાહી સ્વરૂપમાં વહાવી છે જે ભાવકને સ્પર્શી જાય છે…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: