Posted by: readsetu | મે 2, 2014

કાવ્ય સેતુ 134 – બન્નદેવી

દિવ્ય ભાસ્કર > કાવ્ય સેતુ > 29 માર્ચ 2014

કાવ્ય સેતુ 134 લતા હિરાણી

મારી પોતાની કબર પર
હું રોજ ફૂલ મૂકું છું
વહેલી પરોઢના ઉજાસમાં
ઊગતા સૂરજને કહું છું
જો તને ચાહતી
એક એકલવાયી સ્ત્રી
હવે પથ્થર બની ગઇ છે
તારા પ્રથમ કિરણ પર માત્ર
એનો જ હક્ક છે
મધ્યરાત્રિના ચંદ્રમાના પ્રકાશમાં
મારી પોતાની કબર પર ફૂલ મૂકું છું
નીતરતી ચાંદનીને કહું છું
જો તને ચાહતી આ એકલવાયી સ્ત્રી
આજે શાંત છે
તારી વેરાયેલી સંપતિ વચ્ચે
એની આ શાંતિ પર માત્ર તારો જ હક્ક છે…….. બન્નદેવી (ઊડિયા અનુ. મનીષા જોશી)

કેટલી પ્રશાંત રીતે અને સહજતાથી હૃદય વિદારક અસહ્ય એકલતાની આ કવયિત્રીએ રજૂઆત કરી છે !! એકલતાની અભિવ્યક્તિ માટે જે પ્રતીકો પસંદ થયા છે એ સતત આકરા ઉજાગરા પછી નિરુપાય થઇ થાકીને સૂતેલી આંખોના દૃશ્ય છે. કોઇ સાથે નથી એ અનુભૂતિ માણસને મૂળથી હલબલાવી નાખે છે પણ આખરે એનો સ્વીકાર કરવો જ પડે છે. એનો કોઇ ઉપાય નથી હોતો. એ વંટોળ થઇને વ્યાપે, અંદરની ધરતીને ઝંઝેડી નાખે પણ જીવનમાં સમાધાન સિવાય કશું જ નથી બચતું… એકવાર મન તૂટી જાય પછી બહારના લાખ સાંધા એને એને સાંધી શકતા નથી. આવી મનોભૂમિકાનું આ મૂળ છે. એકલતાના પહાડને ઉંચક્યા કરવાનો આ થાક છે.

પ્રથમ કલ્પન પોતાની કબરનું છે. આ શબ્દો જ કેટલા કંપાવી દેનારા છે !! શ્વાસ તો ચાલતા હોય, શરીર પણ એનો ધર્મ નિભાવતું હોય પણ જીવતાં હોવાની અનુભુતિ ઓસરતી જાય ને જીવન કબર લાગવા માંડે શરીર જીવે છે પણ મન દટાતું જાય છે. એ કબરમાં ઇચ્છા, અરમાન, ઉમંગ, સપનાં સઘળું દટાતું જાય છે. મૃત્યુ પછી તો માત્ર નિર્જીવ શરીર દટાય છે. અહીં એક એક ક્ષણ જીવતી દટાતી જોવી પડે છે. એક એક શ્વાસની ચિતા જાતે જ સળગાવવી પડે છે. એ કદીય ઠરતી નથી. એ કબર છે અને નાયિકા રોજ ફૂલ ચડાવી એના અસ્તિત્વને દૃઢ કરતી જાય છે. આમ કરતાં નાયિકા સૂર્ય અને ચંદ્ર સાથે સંવાદ કરે છે. આ સંવાદ ઉદાસીનો સાગર છે.

પરોઢનો ઉજાસ અને સૂર્યનું ઊગવું એ કોઇના યે માટે ભરપૂર જીવંત ચેતનાની ક્ષણ છે. અહીં નાયિકા એ સૂર્યને, એ પરોઢના પ્રકાશને ચાહે છે પરંતુ જુદી રીતે. એ પ્રકાશ એને ચેતના બક્ષતો નથી ઉલટું એનું એકલવાયાપણું એ ચાહનાને પત્થરમાં પલટાવી દે છે. એ સૂર્યને કહે છે, પોતાની એકલતા અભિવ્યક્ત કરીને નિસહાયતા વ્યક્ત કરે છે.. બસ એક સંવાદ એ એની જીવંત હોવાની નિશાની. સૂર્ય, ચંદ્ર, તારા કે પ્રકૃતિના તમામ તત્વો એની આસપાસ ભલે ફર્યે રાખે. પોતાની આંખ સામે પોતાની કબર એ એના જીવનનું આખરી અને કદાચ એકમાત્ર સત્ય છે.

એ ચંદ્ર પાસે જાય છે. મધ્યરાત્રિના ચંદ્રનો પ્રકાશ અત્યંત શીતળ હોય છે. ચંદ્રના કિરણો જેટલી જ મૃદુતાથી એ ત્યાં ફૂલ મુકે છે. એને નીતરતી ચાંદની અત્યંત પ્રિય છે. એના મન પર શીતળતા વરસાવનાર આ સઘળા પદાર્થો છે. અસહ્ય દુખ અને એકલતાની દારુણ પીડા વચ્ચે પણ નાયિકા કહે છે કે હે ચંદ્રમા, તારી વેરાયેલી સંપતિ વચ્ચે મારું મન અત્યંત શાંત છે અને આ શાંતિ પર માત્ર તારો જ હક છે. પીડાના સમુદ્ર વચ્ચે પણ એ ક્યાંક રાહતનો દ્વિપ શોધી શકે છે અને ભાવક એક પળ માટે રાહત અનુભવે છે. અલબત્ત, આ ક્ષણિક છે કેમ કે હમણાં સવાર થશે. જરીક વાર પ્રભાતના મૃદુ કિરણો ફેલાશે પછી દિવસભર ફરી એણે તાપ-સંતાપ વેઠવાનો છે અને આ જ એની દિનચર્યા-જીવનચર્યા બની ગઇ છે.
ખૂબ સુંદર અને શીતળ શબ્દો અને પ્રતીકોની પાછળ એક સ્ત્રીની સહરાના રણ જેવી બળબળતી એકલતા એક પ્રવાહની જેમ વ્યક્ત થઇ છે. શાંત પ્રતીકો નાયિકાની પીડાને વધારે સંવેદનશીલતાથી વ્યક્ત કરે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: