Posted by: readsetu | જૂન 3, 2014

કાવ્યસેતુ 139 કાજલ એચ. જોષી

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 3 જૂન 2014

કાવ્યસેતુ – 139 લતા હિરાણી

જાત સાથે રોજ રોજ લડ્યા જ કરીએ
નવા નવા આપણે જડ્યા જ કરીએ.
પળમાં તે ઝૂંપડી ને પળમાં પહાડ
ઇમારતો એવી એમ ઘડ્યા જ કરીએ.
વાતને કે નાતને કે પછી જાતને
એમ ઝંઝાવાત થઇ નડ્યાં જ કરીએ.
બે આંસુથી ક્યાં હવે ગમ છુપાય છે
નદી બનીને ચાલને રડ્યા જ કરીએ.
ઉઘાડી બારી બહાર જવાબ તે જિંદગી
પ્રશ્નોની સાંકળ થઇ ખખડ્યા જ કરીએ… કાજલ એચ. જોષી

વય ચાહે કોઇ પણ હો, સ્ત્રીનું જીવન પ્રશ્નોથી ભરપૂર. અલબત્ત પુરુષોને પ્રશ્નો નથી હોતા એવું નથી પણ સરખામણીમાં, રોજબરોજની જીવાતી જિંદગીમાં સ્ત્રીને સમસ્યાઓનો સામનો વધુ કરવો પડે છે. સમાધાનો પણ વધુ કરવા પડે છે એટલે જ એની કવિતામાં અવસાદ અને આંસુ વધારે પ્રગટે છે. જો કે સમય બદલાઇ રહ્યો છે. બહુ ધીમું અને ક્યારેક નેગેટીવ પણ લાગે એવું પરિવર્તન નજરે ચડે છે.. પણ એ વિદ્રોહ હોઇ શકે.. અને જે હોય તે, પરિવર્તન સ્વીકાર્યા વગર છૂટકો નથી..

અહીં કવયિત્રી કાજલ જોષી કહે છે, જાત સાથે રોજ લડ્યા જ કરીએ. મનમાં કંઇક છે ને કરવું પડે છે જુદું. ઇચ્છાઓને આકાર આપતાં પહેલાં એ ધમરોળાઇ જાય છે. પછી બચે છે માત્ર અંદર ને અંદરની લડાઇ, અંદર ને અંદરની ગુંગળામણ !! પણ જુઓ, એનું પરિણામ ક્યારેક સાવ જુદું યે આવે છે. આ લડાઇ ક્યારેક સ્વને સાવ નવા સ્વરૂપે ઉઘાડે છે !! ક્યારેક અંદરનું પ્રાણતત્વ તેજ બનીને એવું ઉઘડે છે કે જેની પોતાનેય જાણ નથી હોતી.. આ એક ઉપલબ્ધિ છે. મુશ્કેલીઓમાંથી જડી આવતું મોતી છે.

રહી વાત કલ્પનાની. અંદરના ઝંઝાવાતોને, મુસીબતોને ભુલવાનો એક હાથવગો ઉપાય છે, કલ્પનામાં ખોવાઇ જવું. આ કલ્પના મનને રાહત આપે, દિલને ચેન. કલ્પનામાં કંઇ પણ થઇ શકે. એક પળમાં મહેલ હોય ને બીજી પળે ઝૂંપડી !! જેવી મનની સ્થિતિ એવી કલ્પના. ઇમારતો ઘડાયા જ કરે ને ભાંગ્યા પણ કરે.. એને સમયનું, સ્થળનું કે ભૌતિક જરુરિયાતોનું કોઇ બંધન નહીં. આ કલ્પના પોતાને જોડેય ખરી ને તોડેય ખરી. આસપાસની પરિસ્થિતિને, સ્વયંને ઝંઝાવાત થઇને નડતીયે રહે..

કવિતાનો મુખ્ય સૂર વેદનાનો છે, રચના એક સ્ત્રીની છે એટલે આંસુનું પ્રવેશવું લગભગ અનિવાર્ય છે. આંસુને કોઇ સીમા નથી. બે આંખમાં હવે એ સમાતા નથી. એટલે જ એ કહે છે ચાલને નદી બનીને રડ્યા કરીએ. જુઓ, આંસુને અટકાવવા પણ નથી. એ વહેતા રહે એમાં જ નાયિકાને સુખ છે એટલે એ નદીનું પ્રતીક પસંદ કરે છે. નદી વહ્યા જ કરે છે ને કાં કોરી તિરાડો બની જાય છે પણ એના ઊંડાણમાં પાતળો ઝરોયે વહેતો જ હોય છે. મોટેભાગે નદી બે કાંઠાથી બંધાયેલી રહે છે. આ સ્ત્રીની જિંદગી છે. અખૂટ આંસુ પણ એને એના બે કાંઠા તોડવા નહીં દે. કેમ કે એને તોડવા નથી.. કદીક પૂર આવીને બધું તોડીફોડી નાખે એ અપવાદ છે.

અંતમાં છેલ્લી પંક્તિ સરસ છે. ઉઘાડી બારીની બહાર એને જિંદગી પમાય છે. નાયિકા જે અંદર ગુંગળાઇને જીવે છે એ સાચી જિંદગી નથી. શ્વાસ તો ત્યારે જ લઇ શકાય છે જ્યારે બારી ઉઘડે અને મુક્ત હવાની લહેરખી મનને સ્પર્શે !! અહીંયા પણ બારીનું પ્રતીક નોંધનીય છે. કવયિત્રીએ બારણું પસંદ નથી કર્યું. કેમ કે એને બહાર નથી જવું. પોતાના આવાસમાં જ થોડી મુક્તિ, થોડી સ્વતંત્રતા, થોડીક મોકળાશ જોઇએ છે. એ બારી વાટે ભલે આવે. એને ખુલ્લું દૃશ્ય જોઇએ છે. નિરાંત અનુભવાય એવી ખુલ્લી હવા જોઇએ છે ને એના માટે બારી પૂરતી છે, બારણાની જરૂર નથી. આ એક ભલે રૂઢીગત લાગે પણ પોઝીટીવ અભિગમ છે. આવકારદાયક છે. મનની અંદર ભલે પ્રશ્નોની સાંકળ ખખડ્યા કરે, એનો વાંધો નથી કેમ કે આખરે એમાં વાસ્તવિકતાનો સ્વીકાર છે.

થોડીક મોકળાશ ઝંખતી અને વાસ્તવિકતાને સ્વીકારી શકતી એક સ્ત્રીનો સમજદારીભર્યો અભિગમ અહીં સરસ શબ્દોમાં રજૂ થયો છે. આવા નવા અવાજને આવકાર છે.

Advertisements

Responses

  1. Very nice analysis lataben.Your originality in your Rasaswad is out of this
    world.
    Geeta


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: