Posted by: readsetu | જૂન 26, 2014

કાવ્યસેતુ 141 દિનેશ કાનાણી

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 17 જૂન 2014
કાવ્યસેતુ – 141 લતા હિરાણી

એ છોકરી
કરિયાવરની પહેલેથી જ વિરોધી હતી
એટલે તો
એ પિયરમાંથી એના પતિના ઘરે
કશુંયે ન લઇ ગઇ
અપેક્ષાઓ સિવાય !! … દિનેશ કાનાણી

આ અછાંદસ કાવ્યમાં, આટલીક અમથી વાતમાં કવિ દિનેશ કાનાણી જીવનની કેટલી મોટી ગંભીર વાતને રજૂ કરી દે છે !! એમાં સ્ત્રીજીવનની વાસ્તવિકતા છે, સચ્ચાઇ છે અને કરુણતા પણ છે. એમાં આપણા સમાજની વરવી વાસ્તવિકતા છે અને કુરિવાજોની કડવી રજૂઆત પણ છે !!

વાત કરિયાવરની કડવાશથી શરુ થાય છે. દહેજ કે કરિયાવર સમાજને લાગેલો શાપ છે જે કેટલીયે કોડભરી કન્યાઓના શમણાને રોળી નાખે છે. બાપ ગરીબ હોય અને દહેજની વ્યવસ્થા કરી શકે એમ ન હોય તો આશામાં ને આશામાં દીકરી વર્ષોના ઉંબરાઓ ઠેકતી જ જાય છે.. એની આશાઓ મુરઝાતી જાય છે. ક્યાંક આમ ને આમ જિંદગી વીતી જાય છે. આમ કરતાં કરતાં ક્યાંક કોઇને સમાધાન જેવું કશુંક જડે છે પણ આવું સમાધાન અંધારા કૂવામાં ઝંપલાવવા જેવું જ સમજો.. એ એના માથે દુખના ઝાડવાંય ઉગાડી શકે અને સહજ જીવનનું સરોવર પણ છલકાવી શકે. આવનારા દિવસોનું ભાવિ કેવું હશે એની કોઇ આગાહી નથી કરી શક્તું એટલે જ મા-બાપ દીકરીને પરણાવવામાં ગણી ગણીને પગલાં ભરતા હશે ને ! આ કવિતાની નાયિકા પોતે કરિયાવરની વિરોધી છે. દહેજ સામે એનો આક્રોશ છે. એટલે એણે આ બાબતમાં સમાજની શરમ પણ નથી રાખી. નથી માગ્યા, કપડાં, ઘરેણાં કે નથી માગ્યા રાચરચીલા, બાગબગીચા. એને તો પોતાનો સપનાનો સંસાર વસાવવો છે એટલે એની નજર માત્ર એ દિશામાં છે. મુગ્ધતાના ઉંબરે પહોંચેલી કન્યા કેટકેટલા કોડથી ભરેલી હોય છે ! એની કલ્પનામાં હોય છે, એનું મીઠું મધુરું રંગીન જીવન. કેટકેટલા સપનાં … અરમાનોની આખી ડોલી સજાવી હોય છે. શું એ અરમાનોની દુનિયાને ય ઉવેખી શકે ? એને કશું જ નથી જોઇતું. જોઇએ માત્ર પોતાના હૂંફાળા સપનાઓને સજાવે એવો સાથી. સાથી તો કદાચ મળી ગયો છે પણ એ હવે મનની મુરાદોને પૂરી કરે. જીવનની સજાવેલી રંગોળીને ક્યાંય વિખરાવા ન દે એવી એની અપેક્ષા છે.

બાય ધ વે, અપેક્ષાનું જગત બહુ ગુંચવાડાભર્યું છે. સંતો ભલે કહે કે જીવનમાં અપેક્ષાઓ ન રાખવી જોઇએ. કોઇએ એમ પણ કહ્યું છે કે ‘કોઇનો પ્રેમ કદી ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.’ પણ આવા બધા ઉમદા સુવાક્યો એક ધ્યેય ચીંધી શકે, એ જીવનનો રસ્તો ન બની શકે. જો એ રસ્તો બની જાય તો એના પર ચાલનાર વ્યક્તિ સામાન્ય મટીને સંત બની જાય. સામાન્ય માનવી અપેક્ષા ઓછી કરી શકે, સાવ એનાથી નિર્લેપ ન રહી શકે. માનવીની અપેક્ષા પૂરી ન થાય ત્યારે આવી વાત આશ્વાસનનું હાથવગું સાધન બની જાય છે. એને નજર સામે રાખવાથી અપેક્ષાઓ ઘટે છે અને ઓછી અપેક્ષા સંવાદ સાધવા માટે વધારે મહત્વની છે એય ખરું. પણ જ્યારે જીવનમાં એક સંબંધ બંધાય અને તેય એ સંબંધ અંતરંગ હોય, સાવ નજીકનો, પોતાનો હોય ત્યારે અપેક્ષાઓનું જન્મવું એટલું જ સાહજિક છે, માનવીય છે નહીંતર તો પછી કોઇ સંબંધ ન રહે દૂરનો કે ન રહે નજીકનો. પછી બને માત્ર વસુધૈવ કુટુંબકમ્. એક આદર્શ પરિસ્થિતિ !!

કવિતાની નાયિકા પોતાના પતિના ઘરે, પોતાના નવા જીવનમાં અપેક્ષાઓ સિવાય કશું નથી લઇ જતી. આ શબ્દોમાં કવિએ ઘણું ગર્ભિત રીતે કહી દીધું છે. સામાજિક સડા સમાન કરિયાવરની બદી અને સાથે સાથે એક યુવતીનું આશાભર્યું મનોજગત. એક તદ્દન નેગેટીવ અને બીજી પૂરેપૂરી પોઝીટીવ આ બંન્ને પરસ્પર વિરોધી વાતને કવિએ એકસાથે રજૂ કરી દીધી છે.

સ્ત્રીના અરમાનોની વાત કવિ મુકેશ જોષીએ પણ બહુ સરસ રીતે કહી છે.

ફૂલોના ખોળામાં શ્વાસ અમે લીધા ને,
ખુશબોનો પામ્યા અવતાર
આમ અમે કાળજાના કટકા કહેવાઇએ
ને આમ અમે કાળજાની બહાર.
આ તો સપના સુવાડવાની રાત,
અમે પારકી થાપણની જાત
ઉગમણે વહાલભર્યું દાદાનું ગામ,
પણે આથમણે મધમીઠું સાસરું
કાચી હથેળીયું કૂંચી દઇને કહે
સાત ફેરામાં ભવભવની વાત,
અમે પારકી થાપણની જાત.
પોતાની ડાળ ઉપર ઝૂલવાની ઇચ્છાને
ઝૂરવાની સાથે સંબંધ છે
બાજુની ડાળી પર બેઠા તો કહે છે કે,
ટહુકામાં પારકી સુગંધ છે
કોણ સાંભળશે સોનેરી યાદ,
અમે પારકી થાપણની જાત…
lata.hirani55@gmail.com

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: