Posted by: readsetu | જુલાઇ 22, 2014

કાવ્યસેતુ 145 પન્ના નાયક

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 15 જુલાઇ 2014

કાવ્યસેતુ 145 – લતા હિરાણી

હવે આવે
મારી કને ત્યારે
આટલું ભૂલીને આવજે;
કાંડા ઘડિયાળ
મોબાઈલ
એપોઈન્ટમેન્ટ ડાયરી
ભારેખમ બ્રીફકેસ
ટ્રેનનું ટાઈમ ટેબલ
(જે તું પાછા જવા માટે વાપરતો હોય છે)
તારી પત્નીનો જન્મદિવસ
તારી લગ્નતિથી
તારા સંસારના ફોટાવાળું પાકીટ
પાછા જવાની ઉતાવળ
ગોઠવેલા જવાબો
કોઈ જાણી કે જોઈ જશે એ બીક
પણ આવજે જરુર….! ……………………. પન્ના નાયક

આ કવિતાની નાયિકા એક પરિણીત પુરુષના પ્રેમમાં છે. લગ્નબાહ્ય સંબંધો પર આપણે ત્યાં ઘણું લખાઈ ચૂક્યું છે અને લખાતું રહેવાનું જ કારણ કે આ વિષય ક્યારે પણ જુનો થવાનો નથી જ. ભારતીય લગ્નસંસ્કાર પરથી ધીમે ધીમે હવે નવી પેઢી વિશ્વાસ ગુમાવતી જાય છે એ વાત સૌએ વત્તા ઓછા અંશે સ્વીકારી લીધી છે જ. લગ્નબાહ્ય સંબંધ પર લખાયેલા સાહિત્યથી અલગ આ કવિતાની નાયિકા ઈતરા છે. અહીં પ્રેમિકાના દ્ર્ષ્ટિકોણથી આખી કવિતા લખાઈ છે.

સામાન્ય સંજોગોમાં લગ્નબાહ્ય સંબંધોમાં ઈતરા સ્ત્રીને જ ગાળો પડતી હોય છે, દોષનો ટોપલો પણ એનાં પર જ ઢોળવામાં આવતો હોય છે. આખરે એ પણ એક સ્ત્રી છે. સાંજે ઊતરતાં અંધારા સાથે છાને ખૂણે મહોરી ઊઠતા ને સવારે ઊગતા અજવાળે કરમાઇ જતા સંબંધથી એ પણ પીડાતી હોય જ છે. કંઈ કેટલાય મનોમંથન અને મુંઝવણો વચ્ચે ભીંસાતી ઈતરા માટે તો પ્રેમી જ બધો આધાર હોવાનો. અહીં કવયિત્રી પન્ના નાયકે એમની અન્ય કૃતિઓની જેમ જ ખુબ સરળતાથી આ વાત અહીં અસરકારક રીતે રજુ કરી છે.

પ્રેમી નાયિકાને મળવા જરૂર આવે છે પણ એ સમય દરમિયાન એ સાથે હોવા છતાં સાથે નથી હોતો. નાયક સતત પોતાનામાં જ અટવાયેલો રહે છે. પોતાનો સંસાર, એની પત્ની, ઓફિસ કામ ને બીજી વાતો. નાયિકાને થાય છે પ્રેમી સાથે વીતાવવા મળતો, પોતાને ભાગે આવેલો સમયનો ટુકડો તો નાયકની બીજી બધી વાતોને કારણે શુષ્ક જ રહે છે એટલે જ નાયિકા નાયકને કહે છે કે હવે તું આવ ત્યારે કાંડા ઘડિયાળ ભુલીને આવજે, કેમકે હવે કેટલો સમય થયો ને કેટલો સમય બચ્યો એ જોવા માટે સતત ઘડિયાળમાં જ નાયકનું ધ્યાન રહ્યા કરે છે. નાયક ફોન કોલ્સ ને મેસેજીસમાં પણ વ્યસ્ત રહેતો હશે એટલે નાયિકા એને મોબાઈલ ભુલીને આવવાનું કહે છે.
નાયિકા નાયકને એપોઈન્ટમેન્ટ ડાયરી અને ભારેખમ બ્રીફકેસ ભુલીને આવવાનું કહે છે જેથી નાયક ડે ટુ ડે લાઈફમાંથી કટ આઊટ થાય અને થોડો સમય હળવો બની માત્ર નાયિકા સાથે સંપૂર્ણપણે જીવે. એટલે જ એ ટ્રેનનું ટાઈમ ટેબલ પણ ભુલીને આવવાનું કહે છે. ” તું મારી સાથે હો ત્યારે ફક્ત મારો જ હોવો જોઈએ” એ ભાવ સાથે નાયિકા નાયકને એની પત્નીનો જન્મદિવસ, સંસારના ફોટાવાળું પાકીટ ને લગ્નતિથી ભૂલીને આવવાનું કહે છે. પોતે વધુને વધુ સારી રીતે નાયક સાથે થોડો સમય પણ રહી શકે એટલા માટે એ નાયકને પાછા જવાની ઉતાવળ અને ગોઠવેલા જવાબો ભૂલી આવવાનું કહે છે. નાયિકા તો નાયકને કોઈ જોઈ જશે એ બીક પણ ખંખેરીને આવવાનું કહે છે ને પછી ઉમેરે છે કે આ બધું ભૂલીને આવજે પણ પાછો આવજે જરુર…આવવાનું ન ભૂલી જતો એવો અન્ડર ટોન છેલ્લી પંક્તિઓમાંથી અનુભવાય છે.

કોઇ સ્ત્રી જ લખી શકે એવું આ કાવ્ય છે. પોતાની મર્યાદા અને એક ઈતરા તરીકે નક્કી થયેલાં બંધનમાં પણ એક સ્ત્રીની પોતાના પ્રેમીને પામવાની ઉત્કટ લાગણી અને ક્યારેય પૂરો ન પામી શકવાની પીડા બંને આ કવિતામાં અસરકારક રીતે અનુભવાય છે.

Advertisements

Responses

  1. ઉત્કટ અભિવ્યક્તિ અને સરસ વિવેચન !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: