Posted by: readsetu | જુલાઇ 22, 2014

કાવ્યસેતુ 146 મકરંદ મૂસળે

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 22 જુલાઇ 2014
કાવ્યસેતુ 146 લતા હિરાણી

પતંગ પ્રત્યે મને ખૂબ લગાવ
પતંગની પસંદગી હું જાતે જ કરું હં કે !
કેટ-કેટલું જોવું પડે એમાં !
કદ-કાઠી, રંગ, ખાનદાન, જાત, ભાત, સ્વભાવ
એમાંનો જ એક- મારો પતંગ
મારે જાતે જ પસંદ કરવો રહ્યો ને ?
પતંગ વિષે વધુ વિગતે ફરી ક્યારેક
અત્યારે સમય ઓછો છે !
અગાસીએથી વહેલા નીચે ઊતરવાનું છે
આજે સાંજે- મમ્મી-પપ્પાએ પસંદ કરેલો છોકરો મને જોવા આવે છે ને ! … મકરંદ મૂસળે

એકદમ સીધા સાદા શબ્દોમાં કવિ મકરંદ મૂસળેએ આપણા સમાજની બહુ જ મોટી વિષમતા બતાવી છે. કાવ્યનાયિકાને પતંગ ચગાવવા ખૂબ ગમે છે. પતંગની પસંદગી એ જાતે જ કરે છે પણ અહીં પતંગની પસંદગી માટે – પતંગ નાનો, મોટો, પતંગના ઢઢ્ઢો, કમાન, દોરી, દોરીની મજબુતાઇ વગેરે શબ્દોને બદલે કવિએ યુક્તિપૂર્વક કદ, કાઠી, રંગ, જાત, પાત, સ્વભાવ, ખાનદાન જેવા શબ્દો પ્રયોજયા છે જે સ્પષ્ટ રીતે પરણવા માટેના યુવાનની પસંદગીના લક્ષણો સૂચવે છે. અહીં પતંગ એક પ્રતીક માત્ર છે અને એ દ્વારા કન્યાની પીડા રજૂ થઇ છે. આ કેવો કરુણ વિરોધાભાસ છે કે કન્યાને બધું જાતે પસંદ કરવાની છૂટ છે પરંતુ જે એના જીવનને એક જુદો જ વળાંક આપશે એવી અતિ મહત્વની, પતિની પસંદગી બાબતે લાચાર છે. એમાં એણે માતા-પિતાની મંજૂરીની મહોર લાગેલા યુવાન સાથે જ જોડાઇ જવાનું છે !!
નાયિકા કહે છે કે આ પતંગ વિશેની બાકીની ચર્ચા પછી કરીશ… અત્યારે મારી પાસે સમય ઓછો છે. આજે અગાશીથી વહેલાં નીચે ઉતરી અને મારે તૈયાર થવાનું છે કેમકે સાંજે મમ્મી-પપ્પાએ પસંદ કરેલો છોકરો મને જોવા આવવાનો છે. બહુ ઓછા શબ્દોમાં કવિએ કુશળતાપૂર્વક એક કુંવારી કન્યાની મનોવ્યથા અને સમાજની કઠોર પરંપરાના દર્શન કરાવી દીધા છે. એને પતંગ ચગાવવાનું ગમે એટલું મન હોય પણ એણે એ રમત છોડવાની છે કેમ કે માતા-પિતાનું ફરમાન છે. પોતે તૈયાર થવાનું છે કેમ કે મા-બાપે પસંદ કરેલા છોકરાની નજરમાં એણે જાતને પાસ કરાવવાની છે. પોતાની પાસે પસંદગીનો કોઇ વિકલ્પ નથી.
પતંગ છોડી અગાશીથી નીચે ઉતરવાની વાત પણ પ્રતિકાત્મક છે. કન્યાને જીવનમાં અગાશી જેવી મોકળાશ મળેલી જ છે પણ આખરે ચોક્કસ સમયે નીચે ઉતર્યા વગર છૂટકો નથી. ખુલ્લી હવામાં એ ધારે ત્યાં સુધી રહી શકે એમ નથી. એક બંધિયારપણું નીચે એની રાહ જોઇ રહ્યું છે જે સ્વીકાર્યે જ છૂટકો છે. કદાચ કવિ પતંગના પ્રતીક દ્વારા પણ એ જ બતાવવા માંગે છે કે ભલે એ આકાશમાં ગમે એટલે ઊંચે ઊડે પણ આખરે એની દોર તો નીચે ઊભેલી વ્યક્તિના હાથમાં જ છે. એ ધારે ત્યાં સુધી અને એટલું જ પતંગ ઊડી શકે છે. એ ઢીલ આપે એટલું જ એ ચગી શકે છે અને અંતે એ જેવી દોરી ખેંચી વીંટવા માંડે કે પોતાની ઇચ્છા હોય કે ન હોય, પતંગે નીચે આવી ગોઠવાઇ જવું પડે છે !!
અહીં સમાજ દ્વારા ગોઠવાતા, માતા-પિતા દ્વારા નક્કી થતાં લગ્નો સામે એક વિરોધનો સૂર વ્યક્ત થયો છે. અલબત્ત આ પ્રણાલિના પણ ચોક્કસ કારણો છે. અનુભવી આંખો કુળ, જાત, કુટુંબના પરિચયથી દૂરનું જોઇ શકે છે અને આખરે તો આ પ્રથાનો ઉદ્દેશ્ય દીકરીનું ભલું કરવાનો જ છે. પરંતુ જ્યારે કોઇ રિવાજ બને પછી તેના પર અનુસરણના વળના વળ ચડતા જાય છે. એની પાછળનો હેતુ માર્યો જાય છે અને પ્રાણ ગયા પછી જડ શરીરને વળગી રહેવા જેવી વાત બનતી હોય છે.
જાતે પસંદ કરેલા લગ્નોના પણ ઓછા ભયસ્થાન નથી.. ઘણીવાર માત્ર શારીરિક આકર્ષણને પ્રેમ માની બેસવાની ભૂલ થાય છે જેના ભયંકર પરિણામો આખી જિંદગી ભોગવવા પડે છે !! હવે આધુનિક સમાજમાં આ બંન્નેનું મિશ્રણ એ રવૈયો બનતું જાય છે. આ કવિતામાં કવિ પરંપરા સામે યૌવનની લાચારી બતાવવામાં ખૂબ સફળ રહ્યા છે. પ્રતીકોની પસંદગી ખૂબ અસરકારક અને કાબિલેદાદ છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: