Posted by: readsetu | જુલાઇ 30, 2014

કાવ્યસેતુ 147 કે. શ્રીલતા

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 29 જુલાઇ 2014

કાવ્યસેતુ 147 લતા હિરાણી

મારા શબ્દો પડખે ધીર-ગંભીર થઇ
મને ઘડીક બેસવા દો.
હું ને મારી કવિતા
કલ્પના કરીએ છીએ શ્વેતની કોરીકટ શૂન્યતા
ને શાહી જેવા કાળા રંગની નક્કર વાસ્તવિકતાની
હું
ને મારી કવિતા
વહી રહ્યાં છીએ શાંત અવળા પ્રવાહમાં
હંમેશા મારી જ તરફ……….. કે. શ્રીલતા – અનુવાદ શ્રીકાંત પટેલ

પોતાના જ શબ્દો સાથે વાત માંડે છે આ કવયિત્રી. અહીં માત્ર ગોઠડી નથી. સચ્ચાઇનું દર્શન કરવા, કરાવવાની પણ ઝંખના છે. એમાં કવિ સફળ પણ થયા છે. કવયિત્રી કહે છે, ‘મારા શબ્દો પડખે ધીર-ગંભીર થઇ, મને ઘડીક બેસવા દો.’ સર્જક માટે પોતાના શબ્દો પોતાની જિંદગી હોય છે. એ શબ્દો સાથે જ જીવે છે. ક્યારેક એની સાથે મસ્તી કરે છે, ક્યારેક એના પર વારી જાય છે. શબ્દો ક્યારેક એને પીડે છે ને એ જ શબ્દો એને જીવવાનું બળ પણ પૂરું પાડે છે. સર્જકની જિંદગીમાં એની સૌથી નજીક છે એના શબ્દો. એ જ એના સદાયના સાથી-સંગાથી હોય છે.

કવયિત્રી આગળ કહે છે, મારી કવિતા અને હું કલ્પના કરીએ છીએ. જુઓ, અહીં કવયિત્રી પોતાની કવિતાને પોતાની પડખે બેસાડે છે. જાણે એની સખી ન હોય ! જાણે બંન્ને બાજુબાજુમાં બેસી ગોઠડી કરતી હોય… કહે છે અમે કલ્પના કરીએ છીએ. કલ્પના શાની ? જવાબ છે શ્વેતની કોરીકટ શૂન્યતાની ને શાહી જેવા કાળા રંગની નક્કર વાસ્તવિકતાની.. શ્વેત, ધવલ સફેદી એ છે કોરી શૂન્યતા !! આ સફેદીમાં જીવનના કોઇ રંગ નથી. કોઇ ઉત્સાહ નથી. એ અવાજ વગરની, જીવનના ધબકાર વગરની નરી શૂન્યતા છે.
કોરા કાગળની સફેદાઇ સર્જકને નડે જ. એને એમાં શબ્દોના ધબકાર સાંભળવા હોય. અક્ષરોની ચેતના એને પોકારતી હોય. એ કેમ જીરવી શકે કોરા કાગળનો તાપ !! એમાં ઉપસેલા કાળા (શાહીના) શબ્દો જ એની, એના જીવનની વાસ્તવિકતા છે. અક્ષરોનો રંગ કાળો ભલે હોય, એમાં જીવનની સચ્ચાઇના રંગ ભર્યા છે ને સચ્ચાઇ હંમેશા ગમે એવી ન પણ હોય ! એ સુખ-દુખ, આનંદ-પીડા, ખુશી-સંતાપથી ભરેલી હોય. એટલે જ કવિ અમૃત ઘાયલ કહે છે, ‘શબ્દની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું.’ તો કવિ ધૂની માંડલિયા કહે છે, ‘શબ્દને સાધી શક્યાની વાત તો બહુ દૂરની, સાવ કોરો હાંસિયો પણ ક્યાં હજી સમજાય છે ?..’ કવયિત્રીની આગળની વાત ખૂબ અર્થગંભીર છે. એ કહે છે, ‘હું ને મારી કવિતા વહી રહ્યાં છીએ શાંત અવળા પ્રવાહમાં હંમેશા મારી જ તરફ…..’

શબ્દોમાં, ભાવોમાં વહેવાનું સર્જક માટે સામાન્ય અને શ્વાસ લેવા જેટલું સહજ હોય છે પણ અહીં કવયિત્રી કહે છે, હું ને મારા શબ્દો, અમે અવળા પ્રવાહમાં વહી રહ્યાં છીએ. કેટલી સાચી વાત છે !! શબ્દોમાં ખુલવું હંમેશા સહેલું નથી હોતું. અંદર ભાવોનો ધોધમાર પ્રવાહ વહેતો હોય પણ એને કોરા કાગળ પર શબ્દરૂપ આપવામાં ક્યારેક ચીરાઇ જવું પડતું હોય છે. દેખીતા શાંત શબ્દોએ પણ હંમેશા અવળા પ્રવાહની વેગીલી ધાર સામે ઝઝૂમવાનું હોય છે. એ ઘા કરે તો ખમવાના હોય છે, વાર કરે તો વેઠવાના હોય છે. એ જે પણ પેદા કરે એનું વહેણ અંતે પોતાની તરફ જ વળવાનું હોય છે અને એટલે જ એ શરુઆતમાં કહે છે, મારા શબ્દો પડખે મને ધીરગંભીર થઇ બેસવા દો…’

આ સંદર્ભમાં કવિ કિસન સોસાનું આ કાવ્ય ખૂબ ઉપયુક્ત લાગે છે.

આ મારી કવિતાના
છેક છેલ્લા શબ્દ પાસે ઊભો છું
આગળ ખીણ છે, પાછળ પહાડ !
શબ્દથી દોસ્તી મળે છે, દુશ્મની પણ.
પહેલાં મારી થાકેલી સાંજ
નિરાવૃત્ત શબ્દના સાન્નિધ્યમાં
ભરી લેતી શ્વાસમાં તાજગી.
પણ હવે એ શબ્દો
પહેરી પોતપોતાનો ગણવેશ સંતાઈ ગયા છે પોતપોતાની ચામડીમાં.
અટૂલો ઊભો છું છેક છેલ્લા શબ્દ પાસે.
હવે પહેરી શકતો નથી તડકો
કે ઓઢી શકાતી નથી રાત.
ખૂબ ધીમા અવાજે બોલું છું
વિદ્રોહની વાત !…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: