Posted by: readsetu | ઓગસ્ટ 7, 2014

કાવ્યસેતુ 148 – ધૃતિ મોદી

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 05 ઑગસ્ટ 2014

કાવ્યસેતુ 148 – લતા હિરાણી

ક્યાં સુધી હું રંગ્યા કરીશ મારી જાતને ?
ક્યાં સુધી છેતર્યા કરીશ હું મને મારાથી ?
રંગોના આ પોપડાના થરના થર ચડશે
અને આખરે એક દિવસ ખરી પડશે
હિમ ગ્લેશીયરની જેમ
નગ્ન હું અને મારી જાત ઊભી હશે
હાસ્ય કરતી આ દુનિયા સામે……… ધૃતિ મોદી

કવયિત્રી ધૃતિ મોદીની આ કવિતા સ્ત્રીની એ જ જૂગજૂની પીડાને લઇને આવે છે. છેલ્લે એમાં વિદ્રોહનો ને આ જડ સમાજની પરંપરાની હાંસી ઉડાવતો રણકો પથરાયો છે. શરુઆતમાં રુઢિઓની સામે અવાજ ઉઠાવવાની તાકાત નથી. નીચે મોંએ બસ જે મળે એ સ્વીકારવાનું છે, ચલાવી લેવાનું છે, અનુસરવાનું છે. કુટુંબ, માતાપિતા, પતિ કે સાસરિયા જે માગે એ આપવાનું છે, જે આપે એ અપનાવી લેવાનું છે. જાતને રંગવાની છે. રંગો જુદા જુદા છે. પસંદગીનો કોઇ અવકાશ નથી. જાતને છેતરવાનીયે છે. ગમે કે ન ગમે, પણ જે કરવાનું છે એને ગમતું કરીને જીવવાનું છે. એનું જે પરિણામ આવે છે એ બહાર ક્યાંય દેખાતું નથી. બહારનું
ચિત્ર એકદમ સાફસુથરું છે. દેખીતું બધું સરળ રીતે વહ્યે જાય છે પણ અંદર ?

અંદર કંઇક જુદી ઉથલપાથલો થયા રાખે છે. અંદરનું તત્વ આ બધું સ્વીકારવાનો ઇન્કાર કરે છે. અલબત્ત શરુઆતમાં તો મન આ ઇન્કારનીયે અવગણના જ કરે છે. એ સ્વરને દબાવી દેવા મથે છે. એના ઉપર બહારના ફરમાનોનો રંગ ચડાવવા પ્રયત્ન કરે છે. આ રંગના થરના થર ચડતા જાય છે. પોપડા બનતા જાય છે પણ આખરે ક્યાં સુધી ? જે વસ્તુ અંદરથી સ્વીકાર્ય ન હોય એને મારી મચડીને ક્યાં સુધી અપનાવી શકાય ? પરાણે પ્રેમ ન જ થાય. આખરે જ્વાળામુખીની ટોચ પરથી લાવા ફાટે એમ એ ભડકો ઊઠે જ. ને એનું કારણ વરસો સુધી અંદર ધરબાયેલી આગ !!

અહીં આ પોપડાને હિમગ્લેશીયરની સાથે સરખાવ્યો છે. ભલે એ વરસો સુધી જામેલો રહે, એક દિવસ એ પીગળવાનો છે. એક દિવસ પોપડા ખરી પડવાના છે. જાતને છેતરવાની વાર્તાનો આખરે અંત આવવાનો જ છે. પણ પછી શું ? નાયિકા કહે છે, ‘નગ્ન હું અને મારી જાત ઊભી હશે, હાસ્ય કરતી આ દુનિયા સામે…’ નગ્નતા અહીં મનની છે. પરાણે બાંધેલા, બાંધવા દીધેલા બંધનો તૂટ્યા પછી જે સાચું સ્વરૂપ છે એ દુનિયા સામે આવવાનું જ છે. જાત સાથે જબરદસ્તી થઇ થઇને કેટલીક થાય !!

વાત થોડીક હવે જુદી પડે છે. સાચું સ્વરૂપ પ્રગટ્યા પછી આ દુનિયા સામે જે આવશે એમાં હાસ્ય છે, એ અટ્ટહાસ્ય છે. વિકરાળ રાક્ષસી હાસ્ય છે. એમાં સમાજની હાંસી છે. ‘જોઇ લો, હવે શું કરશો ?’ જેવો કંઇક ભાવ છે. અલબત્ત કવયિત્રીએ એવા સખત શબ્દો નથી વાપર્યા. માત્ર ‘હાસ્ય’ કહીને છોડી દીધું છે પણ પ્રથમ પંક્તિથી જે ભાવ વહે છે એ સંદર્ભમાં એ સામાન્ય હાસ્ય કેવી રીતે હોઇ શકે ? આટલું દુખ, પીડા ખમ્યા પછી જે વિદ્રોહ જાગે એ પછી હાસ્ય જ શક્ય નથી અને જો હાસ્ય હોય તો પણ એ સામાન્ય હાસ્ય ન હોય !! અત્યાર સુધી ભલે પીડા સહી પણ હવે વિદ્રોહ છે અને વિદ્રોહ કર્યાની હાશ છે. શાંતિ ખરી પણ વાવાઝોડાં પછીની શાંતિ છે. આખરે મનનું ધાર્યું કરી શકવાની શાંતિ છે. પોતાને પીડનારાઓનો ક્રૂર ઉપહાસ છે.

મને કવયિત્રી મધુમતી મહેતાની આ ગઝલ યાદ આવે છે.
એક યુગ ઢંઢોળવામાં લાગશે
પણ પછી એ રુદ્ર થઇ હંફાવશે
કાલ માગી’તી ધરા પાસે જગા
આજની સીતા જવાબો માગશે
પાર કરશે લક્ષ્મણી રેખા અને
એ જ રાવણને પછી સંહારશે
ચીર પૂરવા પ્રાર્થના કરશે નહીં
એ દુશાસનના જ હાથો વાઢશે
ધૂળથી મસ્તક ઊંચકશે ગર્વથી
ખોખલી મરજાદ સર્વે ત્યાગશે
પલ્લવિત કરશે નવું જીવન અને
એક નવયુગમાં સમયને સ્થાપશે….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: