Posted by: readsetu | ઓગસ્ટ 19, 2014

કાવ્યસેતુ 149 દક્ષા વ્યાસ

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 12 ઑગસ્ટ 2014

કાવ્યસેતુ 149  લતા હિરાણી

એમણે

ખાખી વર્દીવાળાઓએ

પકડી લીધો હતો

બંધ કર્યો’તો કોઇ કમરામાં.

કાકાભાઇ સાથે આવ્યો’તો દેશથી

લાગ્યો’તો સાડી-કટાઇના કામમાં.

વિચાર્યું’તું

લઈ જઈશ સાડી સરસ મઝાની

માને માટે.

સમજાતું નથી

કામ કરવામાં ખોટું શું છે ?

સૌ કામ તો કરે છે !

બાપા લારી ખેંચે છે

મા વાસણ ચમકાવે છે

ભોલો ચાની લારી પર.

કામ કરશું નહીં તો ખાશું શું ?

માએ કહ્યું’તું

’મહેનતની રોટી ખાજે બેટા !’

મહેનત તો કરતો’તો

એમાં ખોટું શું કર્યું ?

માની વાત

કદી ખોટી હોઈ શકે ખરી ? ………. દક્ષા વ્યાસ

એક અબુધ અભણ બાળકની વ્યથા. એનો ગુનો એ છે કે એ ગરીબ છે. એનો ગુનો એ છે કે એ મહેનત-મજૂરી કરીને રળે છે. એનો ગુનો એ છે કે એ પેટ ભરવા માટે કામ કરે છે. એની મજબુરી એ છે કે એને માટે કામ કરવાનો કોઇ વિકલ્પ નથી. એ સવારે ઊઠે છે ને લુસલુસ ખાઇને કે કદાચ બે ઘુંટડા ચાના પેટમાં રેડીને કામે ચડે છે. દિવસ ગમે એટલો ચડે, સૂર્ય ધોમ ધખે પણ એને પોતાના મશીન કે સફાઇ કે ઘરકામ કે ચાની લારી પર કીટલી લઇને દોડાદોડ કરવામાંથી ખસવાનું નથી. એને ઉંમર સાથે કંઇ લેવાદેવા નથી. એના હાથ-પગ કામ કરવા જેટલા સક્ષમ છે કે નહીં એટલું જ પૂરતું છે. એણે ભલે કોઇનો ઉતરેલો ફાટેલો યુનિફોર્મ પહેરી લીધો હોય, એને પાટી-પેન કે નોટબુક સાથે કંઇ લેવાદેવા નથી. એની પાસે વાણી છે, શબ્દો છે પણ ગાળ વગરની વાત એને માટે સદવર્તન છે.

કેટલું કહી શકાય બાળમજૂર માટે !! લખતાં શબ્દોમાંયે ઝાળ ઊઠી શકે.. પણ એ નપુંસક રહેવાની એમાં કોઇ શંકા નથી. કોઇ ફાયદો નથી.

કવયિત્રી દક્ષા વ્યાસની આ કવિતા વાંચીને કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય જરૂર કકળે પણ એથી શું ? આપણે સૌ જાણીએ છીએ કે બાળમજૂરી પ્રતિબંધક ધારો સરકારે ઘડ્યો છે. કોઇ બાળક મજૂરી કરતો મળે તો એ ગુનો ગણી એને પૂરવામાં આવે. એનાથી બાળકનું શું ભલું થયું ? મજૂરી કરવી કોઇ બાળકનું સ્વપ્ન ન હોઈ શકે. બાળકને તો રમવું હોય છે. એને મસ્તી કરવી હોય છે, મજા કરવી હોય છે પણ જેના ભાગ્યમાં આ નથી લખાયું, જેને પેટ માટે વેઠ કરવી ફરજીયાત છે એનું શું ? એને કોઇ સુખનો રોટલો આપશે ? જે મા-બાપ પોતાના સંતાનને ભણાવી નથી શકતા. કુટુંબનું પેટ ભરવા માટે પડતા ખાડાને પૂરવા એમણે ફરજિયાત પોતાના સંતાનને નિશાળે મૂકવાને બદલે કામે લગાડવું પડે છે એમને સરકાર આવા કાયદા સિવાય બીજું કંઇ આપી શકે ખરી ?

સવાલ આઘાતભર્યું મૌન આપે અને જવાબ શૂન્ય… બાળક આવા કાયદા વિશે કંઇ જાણતો નથી. એ તો માએ કહ્યું એ પ્રમાણે કામ કરે છે, બાપે જ્યાં લગાડ્યો ત્યાં નોકરી કરે છે. અને મા કદી ખોટું ન કહે. માની વાત સોળ આના સાચી છે, અપ્રમાણિક થઇશ નહીં. ખોટું કામ કરીશ નહીં, બેટા મહેનતની રોટી ખાજે ! કેટલી સાચી વાત છે. કોઇપણ મા પોતાના બાળકને આથી વધુ સારી શીખ કઇ આપી શકે. પોતે ભલે લાખ અભાવો અને પાર વગરની મુસીબતો વચ્ચે ઝઝુમે છે પણ તોય આ અભણ દુખિયારી માએ પોતાના સંતાનને સોનાની શીખ આપી છે અને ભોળા બાળકે માતાની વાત માની છે, એનો અમલ કર્યો છે. તેમ છતાં એને પોલિસ પકડી ગઇ. એને પોતાનો વાંકગુનો ક્યાંથી સમજાય ? પોતાની માની વાત પરની શ્રદ્ધા એને મૂંઝવણમાં મૂકી દે છે અને આ જ છે આપણા સમાજની વરવી વાસ્તવિકતા અને કરુણ પરિસ્થિતિ… કવયિત્રીએ તો સમાજ સામે એક મહાપ્રશ્ન મૂકી દીધો છે.. કોઇ જાગે અને જવાબ શોધે, ઉપાય માટે કંઇક કદમ ઉઠાવે !!

Advertisements

Responses

  1. touched to heart…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: