Posted by: readsetu | સપ્ટેમ્બર 11, 2014

Kavysetu 153 Daksha Sanghavi

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કોલમ > 9 સપ્ટેમ્બર 2014

કાવ્યસેતુ 153 લતા હિરાણી

હા, આ મકાન,
જેને હું કારાવાસ કહેતી
કદીક લાગી હતી મને
આ ભીંતો પિંજર જેવી
પણ ત્યારે મને
ક્યાં પરિચય હતો
આ ભીંતોનો !
હું તો બસ,
આ ભીંતોને નજરઅંદાજ કરી
જોયા કરતી,
બારી બહારનો
પીપળો-આકાશ-પંખી-વરસાદ
પણ એક દિવસ
એક દિવસ હું
ભારે પગે ગઇ હતી બહાર
અને આવી ત્યારે
છાતી પર પથ્થર બાંધી
ભારે હૈયે,
સાવ ખાલીખમ્મ થઇને
સૂની આંખો,
ખાલી હાથ
અહીં આ ઓરડાની વચ્ચોવચ મૂકેલું
હવાથી ઝૂલતું પારણું
અચાનક સ્થિર થઇ
તાકી રહ્યું મારા ખાલી હાથોને
પારણાનું આમ મને તાકી રહેવું…
હું ફસડાઇ પડી હતી
પાયા વિનાની દીવાલો જેમ
ત્યાં જ આ ભીંતો મને ઘેરી વળી
મારી પીઠ પસવારતી રહી
મારી સાથોસાથ અશ્રુ વહાવતી રહી
અમારાં આંસુઓની ભીનાશ
હજી તગતગતી રહી છે
આ ભીંતોમાં
અને આ મકાન
બની ગયું છે ઘર – મારું ઘર…………. દક્ષા સંઘવી

કવયિત્રી દક્ષા સંઘવીને આ કોલમમાં આપણે મળ્યા છીએ. એ કાવ્ય પણ ઘર સંબંધે જ હતું.. એક સ્ત્રીની જિંદગી સાથે ઘર સાથે કેટલું અતૂટ જોડાણ હોય એ કહેવાની વાત જ નથી…. અંગત સંવેદનાને અભિવ્યક્ત કરવા માટે સ્ત્રીને અછાંદસ કાવ્યપ્રકાર વધુ માફક આવે છે એવું મને લાગે છે.

દામ્પત્યજીવનની ઘટમાળ બહુ અઘરી હોય છે. સ્ત્રી પોતાના કુટુંબની દેખભાળ, રોજબરોજના કામો અને પાર વગરની વ્યસ્તતામાં એવી વિંટળાયેલી રહે છે કે ખુલ્લી હવામાં નિરાંતનો શ્વાસ લેવાનુંય એના માટે લક્ઝરી બની જાય છે. એવું નથી કે બંધનો એને રોકી રાખે છે. ક્યારેક બહારના, કુટુંબના અને ક્યારેક પોતે જ પોતાની જવાબદારી સમજી એ બંધનો છોડી શક્તી નથી. એના માટે ઇસ પાર કે ઉસ પાર સરખ્હી જ સ્થિતિ બનતી જતી હોય છે ત્યારે ઘરની દિવાલો એને કારાગાર ભાસે એ સ્વાભાવિક છે.

નાયિકા કહે છે, હા, આ મકાન મને જેલ જેવું કદીક લાગતું. આ ભીંતો મને રોકીને ઊભી હોય એવું લાગતું. પણ આ દિવાલોનો મને સાચો પરિચય નહોતો. હું એને ઓળખતી એક સ્થૂળ અર્થમાં. ઘર એટલે બહારની દુનિયાથી રક્ષતું મકાન. આ દિવાલો મને નડતી. અલબત એ જરુરી હતી એટલો જ એનો પરિચય. બાકી હું એને સાવ અવગણીને બારીની બહારના વૃક્ષો, આકાશ, પક્ષીઓ, વરસાદ, વાદળ આ બધું જોયા કરતી. આ બધામાં ખોવાયેલી રહેતી. ઘરમાં રહેવા છતાં મારા આનંદની દુનિયા આ દિવાલોની બહાર હતી. આ એક સત્ય હતું.

એક દિવસ જુદી ઘટના બની. જીવનનો જુદો તબક્કો, ઉલ્લાસનો અને રોમાંચનો તબક્કો શરુ થવામાં હતો. મારા બાળકને જન્મ આપવા હું ઘરની બહાર ગઇ અને ભાવિએ કંઇક જુદુંજ દેખાડ્યું. રંગીન મધુરા શમણાંઓ નંદવાઇ ગયા. જે હાથોમાં એક નવજાત શ્વાસ સંભાળીને મારે લાવવાના હતા એના બદલે મારે ખાલી હાથે ને ભારે પગલે, હૈયા પર પથ્થર બાંધીને પાછાં ફરવું પડ્યું. કેટલી પીડા અને કેટલી વેદના ડુસકાંઓ બનીને મારા પાલવમાં પથરાઇ ગયા હતા !! મારી પાસે એનો કોઇ ઉપાય નહોતો. લોકોના આશ્વાસનો અને સાંત્વનાઓ મનને કોઇ રાહત આપતાં નહોતા. દિવસ ઊગે અને ઘરની વચે ગોઠવેલું સૂનું પારણું મને સ્થિર થઇને જોયા રાખતું.

આ સહન કરવું કેટલું દુષ્કર છે ! હું હામ હારી ચૂકી અને હિંમત ખોઇ બેઠી ત્યારે આ જ ભીંતોએ મને સહારો આપ્યો. આ ભીંતો મને ઘેરી વળી અને મારી પીઠ પસવારતી રહી. જાણે આ નિર્જીવ ભીંતોમાં પ્રાણ આવ્યા અને એ મારા દુખની ભાગીદાર બની ગઇ. મારી સાથે એ ય રડી અને મારા આંસુ એણે જ લૂછ્યા. હજુ એ મારી સાથે જ છે. મારી આંખ છલકે છે ત્યારે એના ચહેરા પર પણ ભીનાશ તગતગે છે. હવે આ ઘર પથ્થર ઇંટોનું નથી, સિમેંટ-ચૂનાનું નથી. હવે એ મારું હમસફર છે. મારું દોસ્ત છે. મારા સુખદુખનું સાથી છે.. મારું ઘર ખરા અર્થમાં મારું છે..

કેટલી સ્પર્શી જતી, હૈયામાં છેક ઊંડે ઊતરી જતી આ રચના છે. એક સ્ત્રી જ અનુભવી શકે, વ્યક્ત કરી શકે એવું આ કાવ્ય. ભાવકના મનના ખૂણાને પણ ભીનાશથી ભરી દેતું આ કાવ્ય.. નાયિકાની પીડામાં ઘરની દિવાલો જ નહીં, વાચક પણ ભાગીદાર બની જાય એવી સચોટ રજૂઆતથી ભર્યું ભર્યું કાવ્ય…

Advertisements

Responses

  1. લતાજી ! સુંદર રચના છે. આપનો બ્લોગ સરસ છે. આપણે બ્લોગ ઉપર મળતા રહેશું મારો બ્લોગ ‘અર્ધમાત્રા’ જોશો (http://ardhamatra.wordpress.com) આપના અભિપ્રાયો આપશો જ્યારે જ્યારે સમય મળે છે ત્યારે કવિતાના બ્લોગ વાંચું છુ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: