Posted by: readsetu | ઓક્ટોબર 21, 2014

Kavyasetu 156 padma gole

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 30 સપ્ટેમ્બર 2014

કાવ્યસેતુ 156 લતા હિરાણી    

વૈશાખ મહિનામાં નવાં પાંદડાંનાં ઝુમખાં

આકાશ તરફ મીટ માંડીને બેઠાં હોય,

એમ મારું ભોળું હ્રદય

તારી એકસરખી વાટ જુએ છે.

ધરતી તપ્ત, પવન નિ:શબ્દ,

ઘેરાયેલાં વાદળ,

પગરવ સાંભળીને મારા મનમાં

આર્ત પેદા કરે છે.

વાદળ એમ જ ચાલ્યાં જાય છે

ઉપેક્ષા કરીને,

પાન નમી પડે છે

એમ શું કામ કહું કે

તેનું દુઃખ વ્યાકુળ કરે છે મારા હ્રદયને. પદ્મા ગોળેઅનુ- ઇન્દ્રજિત મોગલ

આ વિશ્વમાંથી હૃદયની વ્યાકુળતા બાદ કરી દો તો કંઇ જીવવા જેવું બચે ખરું ? ધરા ખરે જ રસહીન થઇ જાય. અલબત્ત ધરા તો એની એ જ રહે.. આપણી દૃષ્ટિ ને સૃષ્ટિ બદલાઇ જાય. ખુશી અને ગમનું ભાવજગત વિલાઇ જાય. માનવીને માનવી બનાવતી આ જ બાબત છે કે એ પ્રેમ કરે છે, ખુશ થાય છે, ઉમળકાથી ઊભરાય છે, કોઇની ખુશી માટે કંઇક કરવા એનું મન તડપે છે. કોઇના રાજીપાને એ ઝંખે છે. કોઇનો ઇંતઝાર કરે છે, કોઇની ઝંખના કરે છે. કોઇને મળ્યા વગર બેચેન બને છે. કોઇની બેરુખીથી દુભાય છે, આહ ભરે છે, આંસુ સારે છે… બે વ્યક્તિના એટલે કે સ્ત્રી અને પુરુષના પ્રેમ સિવાય પણ ઘણું છે. કોઇની પીડાથી માણસનું હૃદય દ્રવે છે. કોઇના માટે એના મનમાં ભાવ જાગે છે. કોઇનું દુખ દૂર કરવા એ મહેનત કરે છે. ક્યાંક નયનોમાંથી કરુણાનો સાગર વહે છે ને ક્યાંક અનુકંપાના ઝરણાં વહ્યા કરે છે.. આ બધું હૃદય હોવાનું પરિણામ છે, હૃદય હોવાની સાબિતી છે.

કવિતા સરળ છે. શબ્દો, પ્રતીકો અને રજૂઆત સરળ છે કેમ કે અહીં હૃદયનું મૌગ્ધ્ય ભર્યું છે. સ્નેહ સરળતા સિવાય બીજું કશું નથી જાણતો. એને માત્ર સ્નેહ ખપે છે. કોઇ આંટીઘૂંટી એને રુચતી નથી. એવી એને ફુરસદ, રસ કે રુચિ નથી. એ સદાય અને સતત પોતાના પ્રિયપાત્રની હાજરી ઝંખે છે. પોતાના પ્રેમીનું સાન્ન્નિધ્ય ઝંખે છે. પ્રિયતમની વાટ જોવી વિરહિણીના શ્વવાસ સાથે જોડાયેલી છે.

નાયિકા કહે છે, મારા હૃદયને તારી વાટ જોવા સિવાય બીજું કંઇ કામ જ નથી. જાણે વૈશાખ મહિનાના તપ્ત ધરતી અને શબ્દ વગરના શાંત પવનના વાતાવરણમાં વૃક્ષોની ડાળીઓ, પર્ણોના ઝુમખાં માત્ર આકાશ તરફ મીટ માંડીને બેઠા હોય, બસ એમ જ.. મારું હૃદય ભોળું છે, પ્રતીક્ષા સિવાય એને બીજી કોઇ વાતની પડી નથી.  વાદળ ઘેરાય છે ને મારું મન પણ ગોરંભાય છે. જરા સરખી આહટ પણ મારા મનમાં તારા આવ્યાનો રણકાર જગાવે છે. મારા મનમાં તારી પ્રતીક્ષાના જ પડઘા પડે છે પણ કોઇને મારી કદર નથી. વાદળ એમ જ ચાલ્યાં જાય છે વ્યાકુળ ધરતીની ઉપેક્ષા કરીને. વાટ જોતી ડાળીઓ પાન સહિત નમી પડે છે પણ ના, મારે તને કંઇ કહેવું નથી. તને કંઇ સમજાવવું નથી. મારા દુખને તું સમજ તો સારી વાત છે પણ કહીને શો ફાયદો ? મારું દિલ તડપે છે, હૃદય પીડાય છે પણ હું તને કંઇ નહીં કહું.. કવિ અહમદ ફરાઝ કહે છે,

ક્યા શામ થી કિ તેરે આનેકી આસ થી

અબતક જલા રહે હૈ તેરે નામકે ચરાગ….

શરુઆતની પંક્તિઓમાં ભાવવિશ્વ મજાનું રચાયું છે. એક પ્રેમિકાની પીડા વર્ણવાઇ છે પણ એમાં ખાસ નવીનતા નથી. એ સામાન્ય ઘટના છે પરંતુ જે અંત અપાયો છે એ સ્પર્શી જાય છે. વિરહની વેદના ને ઉપેક્ષાની પીડા દરેક પ્રેમ કરતી વ્યક્તિ અનુભવે પણ આખરમાં ખૂબ મૃદુતાથી પણ સ્ત્રીનું સ્વમાન, તેની ખુમારી વ્યક્ત થઇ છે એવું મને લાગે છે… બાકી, ‘હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે… ‘ કહેતી નાયિકાની જેમ ન બોલવા પાછળ બોલાવવાની આરઝુ પણ છુપાયેલી હોય ! નાયિકા અસરકારક રીતે પોતાનું દુખ વ્યક્ત કરે છે પણ અંતે વૃક્ષના પાનની જેમ નમી પડતી નથી. આંખમાં વિરહ અને આંસુ આંજીનેય પોતાની જગ્યાએ ઊભી રહે છે. અંતમાં ‘તું આવ તો મારા હૃદયે ચાંપુ બાકી તને કરગરીશ નહીં.’ એવું કંઇક મને અનુભવાય છે. બાકી આ પ્રેમની પીડા અનુભવી હોય તે જ જાણે. ‘રામબાણ વાગ્યા હોય તે જાણે..

કવિ ચંદ્રેશ મકવાણાની રચના અહીં ખૂબ પ્રસ્તુત છે.

દીવો, દિવાસળી, રૂ કે ઘી કૈં જ ક્યાં હતું ?

હૈયું હતું જે રોજ અમે બાળતા રહ્યા…

રણની તરસ બુઝાવવા રણમાં જ ઘર કરી

વીરડો અમેય રણ વચાળે ગાળતા રહ્યા..

ના તો રડી શકી, ના જરા એ હસી શકી

કેવી ક્ષણોને આપણે પંપાળતા રહ્યા...

બાંધીને બેઠા છે એ ક્ષણેક્ષણના પોટલાં

ને આપણે વરસો વરસ ટાળતા રહ્યા...

આંખોના ઓરડામાં અછતના દીવા ધરી

મનના ખૂણેખૂણાને અજવાળતા રહ્યા…

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: