Posted by: readsetu | ઓક્ટોબર 21, 2014

Kavyasetu 158 Hirabahen pathak

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 14 ઓક્ટોબર 2014

કાવ્યસેતુ 158 લતા હિરાણી

હવે તો માળામાંથી ઊડું !
બસ, બહું થયું
કયાં લગી આમ ભરાઇ રહેવું ?
સાવ ઘરકૂકડી !
હા, માળામાં છે,
મારા સુંવાળા સુખ શાંતિ,
પણ આ દૂરનું આકર્ષણ,
તો છે આભ,
મારી ગતિ હવે એ જ સન્મતિ,
હું જીવું મારા વતી..
પાંખોમાં વિધ્યુત સંચાર
અડધા ચરણ માળામાંહ્ય,
અડધા કેવા ઉંચકાય !
ચંચુ ને ચક્ષુ આભે ધાય
કરું ગતિ ઉતાવળી..
આ હું ઊ…..ડી ચલી ! . હીરાબહેન પાઠક

‘હું જીવું મારા વતી…’ કેટલી જબરદસ્ત ઝંખના છે એક સ્ત્રી માટે, જે અનેક સ્ત્રીઓએ ઝંખી છે, બહુ ઓછી સ્ત્રીઓ પામી છે અને એવી તો લાખો, કરોડો કે જેને પોતાના માટે જીવવું એટલે શું એની જ ખબર નથી. પતિ માટે, સંતાનો માટે, કુટુંબ માટે એ જીવ્યે જાય છે.

હીરાબહેન પાઠક એટલે આપણી આગલી પેઢીના કવયિત્રી. કવયિત્રી હોવાને નાતે, એક સાક્ષર, વિદ્વાન સાહિત્યકાર પતિ રા.વિ.પાઠકના પત્ની હોવાને નાતે એમને એક જુદું જ વાતાવરણ પ્રાપ્ત થયું હોય. મનપંખીને માત્ર પાંખો ફફડાવવાનું જ નહીં, આંખ સામે આખું આકાશ પથરાયેલું મળ્યું છે. ઉપરના શબ્દોમાં આભ,પાંખ અને ઉડાન મન ભરીને વેરાયા છે. માળામાં ભરાઇ રહેવામાં શાંતિ અને સલામતીનું સુખ છે. હૂંફ અને સુંવાળપ છે. અજ્ઞાત ડરના અંધારાને હડસેલી બારણાં બંધ કરી દઇ શકાય છે. પણ આ માળો ક્યાં સુધી ? માથે નાનકડું છાપરું આકાશને ક્યાં સુધી અટકાવ્યે રાખે ? જેને આકાશની ઝંખના છે એને માળાની દિવાલો નડતર થવાની જ. એના શ્વાસ રુંધવાની જ. આ પ્રક્રિયા મનુષ્યમાત્ર માટે સહજ છે પણ સ્ત્રી માટે એ જરા હટકે બાબત બની જાય છે. પોતાને ઉડવું છે. પાંખો ફફડે છે ને દૂર ગગન સાદ દે છે એવું વિચારવાનું સ્ત્રી માટે એટલું સહજ નથી. એના પગમાં જવાબદારીઓની ઝંઝીર પડી છે. એ પોતે ઇચ્છે તોય ઝડપથી એમાંથી મુક્ત થઇ શકે એમ નથી.

સમય બદલાયો છે, યુગ બદલાયો છે, વિચારધારા બદલાઇ છે. પરિસ્થિતિમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. સ્ત્રીની જવાબદારીમાં એટલો ફેરફાર નથી થયો પણ એની સ્વતંત્રતામાં ઘણો ફરક પડી ગયો છે. એને આગળ વધતાં અટકાવનારા પરિબળો હવે ઓછા થઇ ગયા છે અને થતાં જાય છે. હવે એ ધારે તે કરી શકે છે. એની અસ્મિતાને સમાજે હવે સ્વીકારવી પડે છે. ક્યાંક રાજીપાથી, ક્યાંક નછૂટકે, ક્યાંક જરૂરિયાતથી. સ્ત્રી એક વ્યક્તિ છે, એનેય સપનાં હોય, એનેય આગળ વધવું હોય, કંઇક કરી બતાવવું હોય એ વાતનો સ્વીકાર હવે ખાસ કરીને શિક્ષિત સમાજમાં જોવા મળે છે.

જેને ઊડવું છે એણે રક્ષણની ભાવનનો, સુંવાળપનો ત્યાગ કરવો જ પડે. જોખમ લેવું જ પડે. દૂરનું આકાશ એને સાદ દેતું હોય ત્યારે, ચરણ થનગની ઊઠતા હોય ત્યારે, આ ભાવનાને બાંધી ન બંધાય. રોકી ન રોકાય. આજે આ લેખ લખી રહી છું અને સમાચાર આવે છે કે આપણો દેશ મંગળ ગ્રહની ભ્રમણકક્ષામાં પ્રથમ પ્રયત્ને પહોંચી ગયો. પ્રથમ પ્રયત્ને મંગળની ઓરબીટમાં પ્રવેશનાર ભારત પહેલો દેશ છે. મારા મનમાં અનાયાસ જ આ કવિતા સાથે એનું અનુસંધાન થઇ જાય છે. ઘરને સંભાળવું અને આકાશની ઊંચાઇઓ સર કરવી આ બેય ધ્યેયમાં બેલેંસ રાખનાર સ્ત્રી જ ભાગ્યવિધાતા બની શકે. એ બંનેને પહોંચી વળી શકે એમાં કોઇ શંકા નહીં.

‘અડધા ચરણ માળામાંહ્ય, અડધા કેવા ઉંચકાય !’

એના પગ ધરતી પર મંડાયેલા રહે અને છતાં પાંખો આકાશે વિસ્તરે… ઘરકૂકડી રહેવું એની પ્રકૃતિ નથી અને ખુલ્લું આકાશ એની નિયતિ છે. આવી સ્ત્રીઓને સલામ. એમની શક્તિને, એમની કલ્પનાને, એમની ધગશને સલામ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: