Posted by: readsetu | નવેમ્બર 17, 2014

કાવ્યસેતુ 159 બળવંતરાય ઠાકોર

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 28 ઓક્ટોબર 2014

કાવ્યસેતુ 159  લતા હિરાણી

બેઠી ખાટે, ફરી વળી બધે મેડીઓ ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં;

માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;

સૂનાં સ્થાનો સજીવન થયાં, સાંભળું કંઠ જૂના;
આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહુના;

ભાંડુ ન્હાનાં શિશુસમયનાં ખટમીઠાં સોબતીઓ,
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ.

તો યે એ સૌ સ્મૃતિછબી વિશે વ્યાપી લે ચક્ષુ ઘેરી,
ન્હાની મોટી બહુરૂપી થતી એક મૂર્તિ અનેરી;

ચૉરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલેજે
કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે !

બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઈ સારી,
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મ્હારા, ત્હમારી ………. બળવંતરાય ઠાકોર

અજબ યોગાનુયોગ છે. આજે આ લખવા બેઠી છું અને દિવસ છે પિતૃપક્ષ અમાસના શ્રાદ્ધનો. સહુ વડીલોને સ્મરવાનો અને મારી સામે આ પંક્તિઓ છે,

બેઠી ખાટે, ફરી વળી બધે મેડીઓ ઓરડામાં, દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં;

સ્મૃતિઓના ખજાના ખુલે ત્યારે હૈયું કેવું હેતે ઊભરાય ! આંખો સામે દિવાલો અને સર્વે ચીજો જે રોજ જડ લાગતી હોય તે સજીવન થઇ ઊઠે. કવિ શૈલેન રાવળની પંક્તિઓ છે,

ઝડપથી કોણ આવ્યું, ને ગયું આપી

સ્મરણનું વિશ્વ સઘળું લહેરખી સાથે

ચલો મન ! આજ પર્ણોમાં ફરી લઇએ

ને જઇએ મર્મરોની પાલખી સાથે !

સ્મરણનું વિશ્વ જ નિરાળું છે. કઇ બાબત ક્યાંથી ઊગી નીકળશે કોને ખબર ? કઇ ચીજ શેની યાદ તાજી કરશે કોને ખબર ? દરેક જગ્યા પોતાની અંદર કેટલીયે વાતો, કેટલીયે કથાઓ સંઘરીને બેઠી છે. જીવનનો ઇતિહાસ એના અદીઠ પાનાંઓ પર આલેખાયેલો છે. સ્મૃતિઓની આ ખાણની કિંમત જેણે પોતાનું ખોયું હોય એને વધુ સમજાય.

માતા હંમેશા મીઠી જ લાગે. ક્યાંક જ અપવાદ હશે ને પિતાજી ભવ્ય. પહેલાંના સમયમાં પિતા, દાદા, પુરુષજાતિનો રૂઆબ જ કંઇક એવો હતો. મને યાદ છે મારા દાદાજી કે નાનાબાપુજી સાથે વાત કરવી હોય તોય દસવાર વિચાર કરવો પડતો. અલબત્ત કંઇ બધું સારું જ હતું એવું કહેવાનો બિલકુલ આશય નથી. કેડેથી વાંકા વળી ગયેલા દાદીમા કે નાનીમા તો વહાલનો જાણે દરિયો !! ઘરના એક એક ખૂણે આ સહુ સજીવન થઇ રહ્યાં છે !! એમની વાતો, એમના અવાજો સંભળાઇ રહ્યાં છે..   

સહુની ટેવો જુદી, સહુની આદતો ન્યારી. સૌ એકબીજાની જાણે પૂર્તિ કરે. નાનાં ભાઇબહેનોનો કલશોર જુદો. એ રમતો, એ ઝગડા, એ ખટમીઠાં સંભારણા !! નાની વાતોમાં થતા રીસામણાં ને મનામણાં આજે સોનેરી સંભારણાં બનીને રહી ગયાં છે..

રોજ રાત પડે ને વાર્તાઓનો ખજાનો ખૂલે. ને રાજા ને રાણીઓ, પરીઓ ને રાજકુમારો આંખ સામે ફરી આવીને ઊભાં રહી જાય. ચક્ષુ સમક્ષ ભૂતકાળની છબિ પ્રગટ થાય છે. વિસ્મયનું આખું જગત ખડું થઇ જાય છે.

હૃદયમાં સંઘરાયેલી નાની મોટી કેટલીયે વાતો, કેટલીયે છબિઓ આ પિયરની ખાટે હિંચકતા હિંચકતા મન સામે ફરી વળે છે. બાળપણ જીવતું થાય છે. બાળપણ અને કૌમાર્યાવસ્થા, આખું પિયરનું જીવન જાગી ઊઠે છે અને હે નાથ તમને હું સાચા સ્વરૂપે ઓળખતી થાઉં છું..

Advertisements

Responses

  1. સ્પર્શી જાય તેવું સુંદર કાવ્ય!

    • thank u rekha…

      On Tue, Nov 18, 2014 at 11:42 PM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: