Posted by: readsetu | નવેમ્બર 17, 2014

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 4 નવેમ્બર 2014
કાવ્યસેતુ 161 લતા હિરાણી

તું પૂછતી હતી, આ માથાના ઢીમચા વિશે,
એ તો સવારે ઊઠવાની ઉતાવળમાં,
ક્યારેક માથું ભીંત સાથે અથડાઈ જાય !
અને આ હાથ પર દાઝ્યાનું નિશાન ?
એ તો રોટલી શેકતાં શેકતાં,
ક્યારેક હાથ પણ શેકાઈ જાય !
હવે, આ છાતી પરનાં લાલ ચકામાં ?
એ તો રાતના ગાઢ અંધકારમાં,
ક્યારેક પ્રેમ ઊભરાય,
તો બીજું શું થાય ?
લે, હવે તારે આ કપાયેલી આંગળીઓ,
છોલાયેલા ઘૂંટણો, તરડાયેલી ચામડી
અને રેલાયેલી પાંપણોની કથા સાંભળવી છે ?
તો સાંભળ, આ બધું તો ચાલ્યા કરે !
એનો તો વળી રંજ હોય ?
શહાદતની ગણતરી તો યુદ્ધમાં હોય,
આ તો ઘર છે યાર ! ……….. નયના રંગવાલા

સારા કવિની સરખામણીમાં સારી કવયિત્રીઓની સંખ્યા ઓછી છે એ વાત સાચી પણ એના કારણો પ્રતિભાનો અભાવ નહીં, સ્ત્રી પર ખડકાયેલો જવાબદારીઓનો બોજો છે એ એક સ્ત્રી તરીકે હું સારી રીતે સમજી શકું છું. અહીં નયના રંગવાલા સ્ત્રીની જુદી મુસીબતની વાત લઇને આવ્યાં છે. સમાજમાં મોટે ભાગે આ પણ એક વરવું સત્ય છે. માર ખાતી સ્ત્રીઓની સંખ્યા પણ મોટી છે. હજુ ગઇ કાલે જ એક પ્રતિષ્ઠિત પરિવારની સ્ત્રીની વાત સાંભળી. વિશ્વાસ નહોતો બેસતો. પૂછાઇ ગયું, ‘ખરેખર, પભાઇ હાથ ઉપાડતા હતા ?’ ‘હા, મેં પોતે એના ચહેરા પર, હાથ પર ચકામા અને તથા રડી રડીને સૂજી ગયેલી આંખો જોયેલાં છે !!’. આ એક એવી સત્ય ઘટના છે, જે મારે કડવા મનથી સાંભળવી પડી. ‘જો કે હવે સારું છે, લતાબહેન, હવે પભાઇ એવું નથી કરતા.’ તો શું, હવે આનંદ મનાવવાનો ? એ ભણતર, એ પ્રતિષ્ઠાનો અર્થ શું ?

આજે પણ હું સાંભળું છું, ‘બેટા, જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવજે પણ પાછી નહીં આવતી.’ શું છે એનો અર્થ ? પતિના ત્રાસથી પાછી ફરેલી સ્ત્રી સારી નોકરી કરતી હોય, આત્મનિર્ભર હોય તોયે એના પ્રત્યે આખા કુટુંબનો, અરે મા-બાપ સુદ્ધાંનો બદલાઇ જતો રવૈયો મારી સગી આંખોએ નિહાળ્યો છે… એમાં બિચારીના હૃદયમાં ઊઠતા કોમળ સંવેદનોને પ્રગટવાની ક્યાં જગ્યા રહે ?

ભીંત સાથે અફળાયેલા માથાના ઢીમચાં પંપાળતી, ઊઠેલા ચકામાને સંતાડતી, છોલાયેલા ઢીંચણને ઢાંકતી સ્ત્રી, આને સંસારની આ એક અનિવાર્ય શહાદત અને જીવી જવાની શરત સમજી લે આનાથી વધુ સ્ત્રીની પીડા વિશે કંઇ લખવાની જરૂર છે ખરી ? સ્ત્રી પાસેથી સાહિત્યસર્જનની પણ કેટલીક આશા રાખી શકાય ?

લો, તમે જ વાંચી લો કવયિત્રી નયના જાનીની આ કવિતા..

કવિતા ધસમસતી,
રોમ રોમ રણઝણતી
આવી આવી બોલાવે,
સાવ અચાનક આનંદ… આનંદ….
કવિતા, કવિતા,
જતી ન રહીશ જરા લખી લઉં,
જતી ના રહીશ
આ પાંચ રોટલી કરી લઉં !
”હા, તે કરી લે ને !”
કવિતા કવિતા થોડું ખમજે હોં
આ મારો દીકરો
કંઇ લીધા વગર જતો રહેશે ભૂખ્યો,
તે એને કંઇક આપી દઉં !
”હો રે..”
એ કવિતા વહાલી,
આ કુરિયારમાં સહી કરવી પડશે
“કર કર, કરી લે..”
ને હવે આંખ મીંચીને તને મળું,
ચાલ….
પણ આ ફોન લેવો પડશે ને,
આ ને તે ને કવિતા,
ઓલું ને પેલું ને કવિતા કવિતા,
કવિતા, જો ને હું શું કરું ?
તું જતી ન રહીશ.
રાત પડે ને કવિતા બહુ થાક લાગે,
તું જતી ન રહીશ….
”ના, ના, હોય કંઇ ના જઉં હું તો,
હું તો તારી કવિતા !”
નીંદર ઘેરાય, થાકેલું શરીર ઊંઘે
ને આવે મારી કવિતા આંસુભરી
તે હું એનાં આંસુ લૂછું ને એ મારાં
ને પછી આનંદલોકે, તેજ આલોકે
મારી સાથે રમે મારી અણલખી કવિતા …. નયના જાની

Advertisements

Responses

  1. ખુબ સુંદર !

    • thank u rekha..

      On Tue, Nov 18, 2014 at 11:46 PM, સેતુ ~ લતા જ. હિરાણી wrote:

      >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: