Posted by: readsetu | નવેમ્બર 17, 2014

Kavysetu 160

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 4 નવેમ્બર 2014

કાવ્યસેતુ 160 લતા હિરાણી

મારા ઢગરા ટેબલ છે
મારા કાનમાંથી લટકે છે
યુ પીનની સાંકળ
ને વાળમાંથી લટકે રબરબેન્ડ
મારા સ્તનો શાહીના ખડિયા
પગ ખુરશીના પૈડાં છે
ટડીંગ ટડીંગ.. ક્લિક..
મારું માથું વિંખાઇ ગયેલી ફાઇલ છે
મારું માથું છે સ્વીચબોર્ડ
જ્યાં છેદાતી લાઇનો તડતડે છે.
મારી આંગળીઓને દાબો
મારી આંખોમાં વંચાશે
હિસાબો જ હિસાબો
ટડિંગ ટડિંગ..
મારી નાભિ છે નકારનું બટન
મારા મોંમાથી મેળવો
રદ થયેલા કાગળિયા.
હું એક સૂજેલ, ભારેખમ, ચોરસ
નાનું ઝેરોક્ષ મશીન થઇ
જન્મવાની તૈયારીમાં છું.
મને ‘સ’ વર્ગમાં ફાઇલ કરજો
કારણ હું એક સમયે સ્ત્રી હતી. .. મર્જ પિએર્સી અનુ. યોગેશ વૈદ્ય

આ કાવ્ય વાંચતાં જ જરા હબકી જવાય. મનમાં અણગમાની લાગણીયે ઉભરાઇ આવે પણ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા વગર છૂટકો ન થાય. ઓફિસમાં બોસની સેક્રેટરીની આ દશા હોય એ સમજી શકાય એમ છે અને પશ્ચિમની કવયિત્રી આવા બોલ્ડ વિધાનો આપી શકે એય સમજી શકાય. જો કે આપણે ત્યાં પણ કોઇ ખચકાટ કે ક્ષોભ વગર લખનારી કવયિત્રીઓ છે ખરી. અમૃતા પ્રીતમ, મનીષા જોશીના નામો અત્યારે મનમાં તરત ઉપસી આવે છે.
પ્રતીકો, કલ્પનો આઘાત જન્માવે એવાં છે પણ આવાં કલ્પનો સુધી દોરી જતી ક્રૂર વ્યવસ્થા વધારે આઘાત જન્માવે છે. પીડા ત્યારે અસહ્ય લાગે છે કે આ વ્યવસ્થા આપણા જ સમાજનો ભાગ છે. આપણી ચારેબાજુ જાળ બનીને પથરાયેલી છે. એટલે સુધી કે આવાં કાવ્યો સર્જાય અને તે આપણા મન પર કુહાડીની જેમ અથડાય ત્યાં સુધી આપણને એની ખબર પણ નથી પડતી. અહીં કાવ્યનાયિકાને ‘માણસ’ વર્ગમાં ફાઇલ કરવી અઘરી પડે. આવું ‘નહીં કરી શકવું’ ખૂબ પીડાદાયક બને.
સેક્રેટરીનું શરીર ઓફિસનો પર્યાય બની ગયું છે. સ્ટેશનરી એના આભુષણો છે. યોગેશભાઇએ વાપરેલ શબ્દ ‘ઢગરા’ ભલે મનને ખૂંચે પણ કાવ્યના સમગ્ર ભાવને જોતાં એકદમ બંધબેસતો છે. કાનમાંથી લટકતી યુપીનની સાંકળ, રબરબેંડ બની જતા વાળ, સ્તનો જાણે શાહીના ખડિયા ને પગ ખુરશીના પૈડાં !! વિંખાઇ ગયેલી ફાઇલ જેવું અને છેદાતી, તડતડતી લાઇનોથી ભરેલું માથું. નજર સામે સતત ફરફરતા કાગળિયા, એમાંથી ઉભરાતા હિસાબો. સેક્રેટરીએ કરવાનું શું ? બોસના હુકમ ઉઠાવવાના, એને ખુશ રાખવાનો, સ્ટેશનરીની વચ્ચે વહેંચાયેલા રહેવું, દિવસભર યાંત્રિકતાનો ગર્ભ ધારણ કરવો અને પોતાની જાતનું એવી જ યાંત્રિકતામાં રૂપાંતર થવા દેવું !! ભલે બોલકા લાગે, વાચાળ લાગે પણ છાતીમાં સોંસરવી ઊતરી જાય એવી પીડાનું તીર લઇને આવેલા પ્રતીકો મનમાં સતત નડ્યા કરે છે અને એનો કોઇ ઉપાય નથી. કાવ્યનાયિકાએ જાતનું મશીનોમાં, ઓફિસ સ્ટેશનરીમાં રૂપાંતર કર્યા જ કરવાનું અને જીવ્યે જવાનું. પગારપત્રકમાં સહી કરવા માટે આટલું અવશ્ય જરૂરી છે. ’નિસ્યંદન’ ઇમેગેઝીનના ‘ઓફિસ કાવ્ય વિશેષાંકમાં આવા ઘણા અર્થસભર અને સ્પર્શી જાય એવા કાવ્યો મળે છે. ખ્યાતનામ કવિ વિષ્ણુ નાગરના એક કાવ્યનો અનુવાદ જોઇએ.
એ માણસમાંથી મશીન બની ગયો હતો એટલે જ તો એ થાકતો ન હતો ભલે ને એ ગરમ થઇ જતો હોય. એ માંદો પડતો ન હતો એ ખોટકાઇ જતો ક્યારેક એની સારવાર કરવામાં આવતી નહીં બલ્કે એને રીપેર કરવામાં આવતો પહેલાં એ કામ કરતો હતો હવે એ ઉત્પાદન કરવા લાગ્યો છે. વળી એ મર્યો પણ નથી ક્યારેય એ જૂનો જરૂર થયો છે એટલે જ એને જ્યારે ભંગારમાં કાઢ્યો માલિકે તો એમાં પણ ખાસ્સા એવા રૂપિયાની કમાણી કરી…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: